ઓઈસ્ટર નામની માછલીમાંથી મોતી મળી આવી છે. ચેખોવનો દેહ એ રીક્ષામાં લઈ આવવામાં આવેલો જેમાં ઓઈસ્ટર માછલીઓ લઈ જવાનો અને મૂકવાનો ધંધો થતો હતો. તેનો શબ આવેલો જોઈ તેના આશિકો વિચારમાં ડૂબી ગયા કે ચેખોવ એ ખરેખર મોતી જ હતો. ઓઈસ્ટર માછલીના શરીરમાંથી કોઈવાર મોતી મળી આવે તેવી વાક્યકથાને છોડી દઈએ તો આજે સાચેક ઓઈસ્ટર માછલીમાંથી એક મોતી નીકળ્યો કહેવાય. રશિયા એ ઓઈસ્ટર માછલી હતી અને ચેખોવ તેના શરીરમાંથી નીકળેલું મોતી.
એ સાતેક કલાકમાં મરવાનો હતો. મરતા પહેલા તેને કોઈ વિચાર આવ્યો અને તે ઊભો થઈ ગયો. ફાટફટ તેણે એક વાર્તા ઘડી કાઢી. વાર્તા હાસ્યપ્રધાન હતી. પત્ની ઓલ્ગાને બોલાવી અને વાર્તા સંભળાવી. વાર્તા વંચાતી ગઈ અને ઓલ્ગા સાથે ચેખોવ પણ હસતો ગયો. રાતે ઊંઘ આવી ગઈ. એક બેચેની તેના શરીરને ઘેરી વળી. ફટાફટ ડોક્ટરને બોલાવવામાં આવ્યો.
તેણે તેની છાતી પર બરફ મુકવાની સલાહ આપી. એન્ટોન ચેખોવે ડોક્ટરનો હાથ પકડી લીધો અને કહ્યું, ‘મારા ખાલી હ્રદય પર બરફ મુકવાની જરૂર નથી.’ વાત સાંભળીને ડોક્ટર હેરાન થઈ ગયા. તેને કેમ્ફરનું ઈન્જેક્શન આપવામાં આવ્યું. ડોક્ટરે તેને શેમ્પેઈન ઓફર કરી. તેણે ધીમે ધીમે શેમ્પેનને ગળા નીચે ઉતારી. પત્નીની સામે જોતા તે બબડ્યો, ‘આજે ઘણા સમયે શેમ્પેઈન પીધી નહીં ?’ પત્ની હસી. તેણે માથુ હલાવ્યું. શેમ્પેઈન ગટગટાવી ગયો અને ડાબા પડખે સુઈ ગયો. પત્નીએ તેના માથા નીચે ઓશિકુ મૂકી દીધું. એ ઉંઘી ગયો પછી ઊભો જ ન થયો.
એન્ટોન ચેખોવને તેની વાર્તાઓ માટે ઓળખવામાં આવે છે. મૂળ તો એ નાટકનો માણસ હતો, પણ વાર્તાએ તેને જે વિશ્વભરમાં કિર્તી અપાવી તેવી નાટક ન અપાવી શક્યું. તેના નાટકો તેની વાર્તા કરતાં પણ મજેદાર હતાં, વિવેચકો નાટકો માટે વખાણની ચાદર પાથરતા. સ્ટેજ પર અગણિત શો થતા. જોકે તેની વાર્તાના આડે તેના નાટકોનું પાંચીયુ પણ ન આવે. આજે તેના કોઈ પણ પ્રેમીને પૂછો, ‘એન્ટોન ચેખોવને ઓળખો છો?’
’રશિયાના વાર્તાકાર.’
એમ નથી બોલતા કે રશિયાના નાટ્યકાર. ગુજરાતી સાહિત્યકારો તેમના પર લખતા પોતાની કલમ રોકી નથી શક્યા. વિનોદ ભટ્ટે તેમનું ચરિત્ર આલેખ્યું છે. છાપાની કોલમોમાં તે જીવંત થતો રહે છે. સાહિત્યિક મેગેઝિનોમાં સમયાંતરે તેની વાતો થતી રહે છે. ગુજરાતીમાં ઘણા લેખકો દ્રારા તેની વાર્તાઓનો અનુવાદ કરવામાં આવ્યો છે. ગુજરાતીમાં ચેખોવની શ્રેષ્ઠ વાર્તાઓ નામે જયન્ત પાઠક અને રમણ પાઠકે એમની દસ વાર્તાઓનો અનુવાદ કર્યો છે. છેલ્લે ભરત દવેએ પણ તેમના જીવન પર સંશોધન કરીને નાનો પણ સઘડી વાતોને આવરી લેતો ‘મારો ગમતો સર્જક ચેખૉવ’ નામનું પુસ્તક કર્યું છે.
ચેખોવના નજીકના મિત્રો તેના હાસ્ય વિશે કહેતા, ‘‘જ્યારે પણ તે હસતો ત્યારે તેને ભરપેટ માણતો. અંદરથી ભારોભાર આનંદ, ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાઈ ઉઠતો. અમે એવા કોઈને જાણતા નથી જે ચેખોવ જેવી મોકળાશથી, ખુલ્લા દિલથી, એકદમ સહજતાથી, કહો કે આત્માના ઊંડાણથી મુક્તપણે હસી શકતો હોય.’’
તેની વિનોદવૃતિને વિશ્વભરમાં ‘ચેખોવિયન હ્યુમર’ તરીકે ઓળખવામાં આવે છે. એક કિસ્સાને ટાંકીએ જેથી તેમના હાસ્યનો પરચો મળે. એક લેખક-પત્રકાર હતો. તે લાંબા ભાષણ આપતો હતો. બધા કંટાળી જતા હતા. નામ તેનું ગોલત્સેવ. ચેખોવ એક મિત્ર સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમની ઘોડાગાડીને અકસ્માત નડ્યો અને ગબડી પડ્યા. મિત્ર બોલી ઉઠ્યો, ‘આ ચમત્કાર જ કહેવાય કે આપણે બચી ગયા.’
જેના જવાબમાં ચેખોવે કપડાં ખંખેરતા કહ્યું, ‘મને તો અકસ્માત ભયંકર નથી લાગતો. આપણા અંતિમ સંસ્કાર વખતે ગોલત્સેવે કેટલું લાંબુ ભાષણ આપ્યું હોત એ વાત સાંભળીને ધ્રૂજારી આવી જાય છે.’
ચેખોવનો ભાઈ એલેક્ઝાન્ડર ટૂંકીવાર્તા લખતો હતો. ચેખોવે તેને ટીપ્સ આપેલી. તેણે વાર્તા લખવાની કેટલીક પાયાગત શરતો આ મુજબ વર્ણવી હતી.
- સામાજીક, રાજકીય કે આર્થિક પરિસ્થિતિ વિશે શબ્દાડંબરભર્યા લાંબાલચ વર્ણનોનો અભાવ હોવો જરૂરી.
- પૂરેપૂરી નિષ્પક્ષતા કે વસ્તુનિષ્ઠતા.
- વ્યક્તિ તેમજ વસ્તુઓનું યથાર્થ, સાચેસાચુ વર્ણન.
- શક્ય એટલું લાઘવ-ટૂંકાણ.
- સાહસ, નીડરતા, મૌલિકતા.
- બીબાઢાળ શૈલી-સ્વરૂપનો ઈન્કાર.
- તમામ વર્ગો પ્રત્યે કરુણા અને સ્નેહભાવ.
તેના લાઘવપણા વિશે વિનોદ ભટ્ટ લખે છે, ‘તેની પાસે લાઘવ એ સૌથી મોટી કળા હતી. પૈસા તે પાણીની જેમ છૂટથી વાપરતો, પણ શબ્દોનો અત્યંત કરકસરથી, કંજૂસની જેમ ઉપયોગ કરતો. શબ્દોની આ કંજૂસાઈએ તેને શબ્દનો શિલ્પી બનાવ્યો. નવોદિત લેખકોને તે કહેતો કે વાર્તામાં એક પણ શબ્દ ફાલતુ ન હોવો જોઈએ. શક્ય તેટલું ટૂંકું લખો. વાર્તા લખવા બેઠા હો તો નવમાં કે દસમાં પાને અટકી જજો.’
ભરત દવે દ્રારા સંશોધન કરાયેલા પુસ્તકમાં ચેખોવ બોલે છે, ‘તમારે એક જ કામ કરવાનું છે. જીવનનું એકદમ બારીકાઈથી નિરીક્ષણ કરવાનું છે. અને ત્યાર પછી તેનું શક્ય એટલી સરળતાથી, નિષ્પક્ષ રહીને વર્ણન કરવાનું છે, પરિણામે છેલ્લે તમારા લખાણનો મૂળ મુદ્દો તમારા સભાન પ્રયાસો વગર આપમેળે જ ઉપસી આવશે, વાચક મનથી આંદોલિત થઈ ઉઠશે. ભાવાત્મક સ્તરે વિચલિત થઈ જશે અથવા આત્મિક સ્તરે પ્રબુદ્ધ અવસ્થા પામ્યાનો અનુભવ કરશે.’
ચેપકિન ક્યુપરનિક અને ચેખોવ ચાલીને જતા હતા. બંને મિત્ર. ધોધમાર વરસાદ પડ્યો. બેઉં દોડ્યા. દોડીને એક છાપરાની નીચે ઊભા રહી ગયા. છાપરાની ઉપરથી પાણી દળદળતું હતું. ચેખોવે તે પાણીને જોયું અને ચેપકિનને કહ્યું, ‘મને એક ફારસ લખવાનું મન થાય છે.’
આમ કહી તેણે ચેપકિન ક્યુપરનિકની સામે વાત માંડી, ‘ચાલુ વરસાદે છાપરાની નીચે ઊભેલા બે મિત્રો, એકબીજા જોડે મજાક મસ્તી કરતા, હસતા, પ્રેમ કરતા, છત્રી ખોલબંધ કરતા અને પછી… અચાનક તોફાન શમી જાય છે, વરસાદ થંભી જાય છે, કાળા ડિબાંગ વાદળાં પાછળથી સૂર્ય ફરી એકવાર નીકળી આવે છે, ચોમેર હૂંફાળો તડકો પથરાઈ જાય છે અને એવામાં પેલા બેમાંથી એક મિત્રને હ્રદયરોગનો સખત હુમલો આવે છે અને તે ધડામ કરતો જમીન પર ઢળી પડે છે.. અને તત્કાળ મરણ પામે છે!’
ચેપકિન ચેખોવના ડાચાને તાકતો રહ્યો અને બોલ્યો, ‘આ ફારસ છે. તમે આને ફારસ કહો છો ?’ (ફારસ-હસવા જેવું-પ્રહસન)
ચેખોવ હસવા લાગે છે, ֹ‘કેમ જીવનની સચ્ચાઈની નિકટ નથી ? જીવનમાં શું આમ જ – સાવ ઉલટી ઘટનાઓ – ધાર્યા બહારની, એકાએક બનતી નથી ? આગલી ક્ષણે આપણે પેટ પકડીને હસતા હોઈએ છીએ, વાતો કરતા હોઈએ અને એકાએક, પછીની જ ક્ષણે નીચે ફસડાઈ પડીએ – The End, Is it Not Amusing ?’
તેની વાર્તા વોર્ડ નંબર 6 વાંચ્યા પછી લેનિને લખ્યું છે, ‘ગઈકાલે રાતે વાર્તા વાંચવાની પૂરી કરી. મને એટલો બધો ત્રાસ થયો, કે હું મારા ઓરડામાં એકલો ન રહી શક્યો. હું ઊભો થઈને બહાર ચાલ્યો ગયો.’