જૂનાગઢથી ચિરાગ જાદવ : પહેલા એક સમય એવો હતો કે, જ્યારે અમુક ઘરે ટીવી હતા. ટેલિફોન અને પછી મોબાઈલ તો જૂજ ઘરોમાં જ. બધાં માનસિક શાંતિનો અનુભવ કરતાં. એક સમય હતો કે ફળિયામાં બેસીને આખો પરિવાર વાતો કરતો. દાદા-દાદીની વાતો સાંભળતા. આપણી આજુબાજુ પક્ષીઓનો કલરવ સંભળાતો, ઘરમાં પાલતું પ્રાણીઓ ને ઘાસચારો ખવડાવવા નિરણ લાવતા અને જ્યારે એને પાણી પીવડાવવુ હોય ત્યારે, પોહે…. પોહે…. બોલતા…
ગાયના વાછરડા પ્રત્યે આપણે વધું પડતો જ વ્હાલ હોય. ક્યારેક બોવ જ વ્હાલ ઉભરાય જાય તો એને ગળે પણ લગાવી લઈએ. એની સાથે વાતો પણ કરવા લાગીએ.
ફળિયામાં ખાટલો ઢાળીને સૂતાં હોય તો આકાશમાં ઉડતા પંખીઓ જોવાની પણ મઝા હતી. પતંગ ચગાવવા ઉત્તરાયણની રાહ નતી જોવાતી. બસ ઈચ્છા પડે એટલે પતંગ ચગાવતા. કોઈની પતંગ આપણા ઘર પર ઊડતી હોય તો ક્યારે કપાઈને નીચે પડે એની રાહ જોતાં. આકાશમાં કેટલી પતંગો ચગે છે એ ગણતા, ક્યારેક કોઈની અગાસી પર જવાનું થાય તો કોની પતંગ સૌથી ઊંચી ચગે છે એ જોવાની મઝા જ કંઈક અનેરી હતી.
ગામના બધા છોકરાં રમવા માટે એક જગ્યાએ ભેગાં થઈ જતાં. અત્યારની જેમ કોઈને ફોન કરીને બોલવા નહતા પડતાં. સંતામણી દાવ રમતાં, પકડ દાવ રમતાં, કુંડાળા ઠીકરી રમતાં, નાગોલ રમતાં, નાની ગલીઓમાં દડે બેટ રમતાં, ઠેરીએથી, બાકસના ખોખાની છાપું બનાવીને, કબીલાથી, આવી તો અનેક રમત હતી. ત્યારે તો ટાયર લઈને આખા ગામમાં ફરતાં, દરેક ગલીથી વાકેફ હતાં.
કોઈના ઘરે ટીવી હોય તો ત્યાં કાર્ટૂન જોવા જવાનો ટાઈમ ફિક્સ જ હોય. ઘરધણીને જોવા દેવાની ઈચ્છા હોય તો ચાલુ કરે બાકી ઘડીક બેસીને જતું રેવાનું.
ચાલુ કરે તો આપણે નીચે બેસીને ટીવી જોવાનું, પલંગ પર આપણે નહીં બેસવાનું. એને ઈચ્છા પડે ત્યારે ચેનલ ફેરવી નાખે. પણ આપણે તો શું હોય? ગમે તે ચેનલ રાખે આપણે તો જોવાથી જ મતલબ એટલે જોયા કરવાની.
કંટાળો આવે એટલે ભાગવાનું. પણ ત્યારે આવી વાતો આપણને અસર નહતી કરતી અને ખોટું પણ ના લાગતું. અત્યારે આવું થાય તો આપણે બીજી વખત એ ઘરે જઈએ જ નહીં. બધું મનમાં ભરીને જ રાખીએ છીએ એટલે ક્યારેય શાંતિનો અનુભવ કરી જ નથી શકતા. અત્યારે શાંતિની શોધમાં નીકળવું પડે છે. પહેલાં ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એકદમ રિલેક્સ જ રહેતાં હતાં. ત્યારે મેડિટેશન કરવાની જરૂર જ ના રહેતી. આમ આખો દિવસ પસાર થાય એટલે મેડિટેશન જેવું જ હતું.
અત્યારે સગવડતા છે પણ શાંતિ નથી. બધા લોકો મનોમન અપસેટ રહે છે અને શાંતિની શોધમાં ફરે છે. ઘણી ચેનલો છે જેમાં શ્રેષ્ઠ વક્તાઓ દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક તરફ લઈ જવાનો અને મનની શાંતિ આપવાનો પ્રયાસ કરે છે. અત્યારે મોબાઇલમાં જે જોઈએ તે ગીત અને ભજન મળી જાય છે છતાં પણ માનસિક રીતે શાંતિ નથી મળતી. એવું તો શું ખૂટે છે? પહેલા તો આવું ન હતું.
આવું કેમ થાય છે ક્યારેય પૂછ્યું છે આપણી જાતને? આપણી જિંદગી જ એટલી ભાગદોડ ભરી થઈ ગઈ છે કે આપણે આપણા માટે ક્યારેય સમય જ નથી આપતાં.
તમે છેલ્લે ક્યારે સંઘ્યાકાળે એકલા બેસીને આકાશને નિહાળ્યું છે? સંધ્યાકાળનું આકાશ કેટલું સુંદર હોય છે જોયું છે કયારેય? એનાં સોનેરી વાદળો નિહાળ્યા છે કયારેય? વાદળોમાં ક્યારેય ભગવાનનો રથ દેખાયો છે? આકાશમાં ઉડતાં પક્ષીઓને રમતાં જોયા છે ક્યારેય? મંદિરમાં વાગતાં ઝાલર, શંખ અને નગારાથી ઉત્પન્ન થયેલો અનેરો પવિત્ર નાદ અનુભવ્યો છે કયારેય?
ના કર્યો હોય તો અનુભવ કરી જોજો. આ બધું કરશો તો મેડિટેશન કરવાં ક્યાંય નહીં જવું પડે. અંદરથી જ અનેરો આનંદ આવશે અને મનને શાંતિ મળશે. મેડિટેશન આંખો બંધ કરીને નહીં પણ ક્યારેક આંખો ખોલીને પણ થાય છે. પરિવાર સાથે બેસીને પણ થઈ શકે છે.