Homeવિશેષજેકરી ટેલર : સફેદ ઘોડાના કારણે રાષ્ટ્રપતિ બની ગયો!

જેકરી ટેલર : સફેદ ઘોડાના કારણે રાષ્ટ્રપતિ બની ગયો!

અમેરિકા એ ગોરા અમેરિકનોનું નથી. એ લોકો તો મે ફ્લાવર નામના જહાજમાં બેસીને આવ્યા હતા. આવ્યા પછી ગયા જ નહીં. અમેરિકા મૂળ રેડ ઈન્ડિયન તરીકે ઓળખાતા નેટિવ અમેરિકનોનું છે. જેમની ઓળખ નેટિવ એટલે કે વતન તરીકે જ આપવી પડે છે.

એ રેડ ઈન્ડિયન આદિવાસીઓમાંથી કોઈ પણ આજ સુધી રાષ્ટ્રપતિ નથી બન્યો. મે ફ્લાવર નામના જહાજની વાત એટલા માટે માંડી કારણ કે રાષ્ટ્રપતિ જેકરી ટેલરના વંશજો આ જહાજમાં બેઠા હતા. તેને ઊંચે માડે ચડાવવા તેના ભક્તો એમ પણ કહે છે કે, તેમને તો બેસવાની જગ્યા જ નહોતી મળવાની. આમ કહી આશ્વાસન મેળવનારાઓની પણ ઊણપ અમેરિકામાંય વર્તાતી નથી !  

તે તમાકુના ખેતરમાં જન્મ્યો હતો. જન્મ્યો એ પછી તેના માતા પિતા મૃત્યુ પામ્યા. ભણવા ગયો પણ ભણી ન શક્યો. તેને શિક્ષકો સાથે ખાસ બનતું નહીં એટલે સૈનિક બની ગયો અને કહેવાય છે કે સૈનિક બનતાની સાથે જ તે એક બાદ એક એમ યુદ્ધમાં પરાક્રમ કરવા લાગ્યો. ખાલી સમયમાં પણ તે તલવારો વીંઝતો રહેતો. યુદ્ધ કરતાં કરતાં ખાવા પીવાનું પણ ભુલી જતો હતો.

યુદ્ધના મેદાનમાં પણ તેને જવું નહોતું. ઉંમર ચોવીસ વર્ષની હતી. ટેલરનું માનવું હતું કે આ ઉંમર લગ્ન કરવાની તો નથી જ, કારણ કે આટલી નાની ઉંમરે તેને ભરથાર બનવાના કોઈ જાતના અભરખા નહોતા.

બ્રિટને હુમલો કર્યો ત્યારે સૈનિકોની આવશ્યકતા પડી. ટેલર નવરો હતો એટલે તે આવી ગયો. આ ટેલર સાથે જોગ-સંજોગ એવું થયું કે યુદ્ધમાંથી કમાન્ડર ભાગી છૂટતા તેનું પદ નર્યો વા કુંજરો વા કરી ટેલરને આપી દેવામાં આવ્યું. હવે તે શું કરે છે એ તેના પર, પણ તેણે તકનો લાડવો આખે આખો ખાઈ લીધો.

ટેલરના ટાંટીયા નાના હતા. એ યુદ્ધમાં ઉતરતો એ સમયે સૌથી વ્યાકુળ તેનો ઘોડો રહેતો હતો. લોકો ઘોડા પર એક પગથી ફલાંગ મારે અને પછી બીજા પગને ઘોડાની પીઠ પરથી કૂદાવીને બેસે. ટેલરનું કદ નાટું હોવાથી બંને પગને એકસાથે ચડાવીને બેસવામાં તેને તકલીફ પડતી હતી. યુદ્ધનું રણશીંગુ ફુંકાય એટલે પ્રથમ તેને બે લોકોએ ઘોડા પર આડો ચડાવવો પડતો અને પછી તે બીજો પગ ઘોડાના માથા પરથી લાવીને સરખી રીતે બેસતો.

એકાદ વખત તો ડાબા પગને પાછળની બાજુ ધકેલીને બેસવામાં ઊંધો બેસી ગયેલો. જેનાથી ઘોડાને લેશમાત્ર ફર્ક નહોતો પડતો. ઘોડાને એમ જ લાગતું હોય છે કે મારી ઉપર જે બેઠું છે તે ગધેડો છે અને ઘોડો આ ગધેડાને ન જુએ આ માટે તેની આંખો ઢાંકી દેવામાં આવે છે. જેથી ખ્યાલ ન આવે કે તેના પર કયા પ્રકારનો ગધેડો અસવાર થઈ બેઠો છે.  

ઓચિંતું યુદ્ધ શરૂ થઈ જતું ત્યારે ટેલરને ઘોડાની નજીક ચડાવવા બે લોકોએ ખડે પગે ઊભવું પડતું અથવા તો ઘોડા પાસે હાથ બનાવટની સીડી જેવું કંઈક રાખવું પડતું. આ સ્થિતિમાં ઘણી વખત તો તેના સૈનિકો યુદ્ધમાં તેની રાહ પણ નહીં જોતા હોય!

યુદ્ધમાં તેને જીવનું જોખમ તેના ઘોડાના કારણે જ હતું. ઘોડાને પણ અચાનક રણ મેદાનમાં આવવાનો અવસર પ્રદાન થતા એ પણ ડરેલો હતો. ઘોડો આખો સફેદ હોવાથી ટેલરના સાથી સૈનિકોએ તેને ઓલ્ડ વ્હાઈટી જેવું હુલામણું નામ આપ્યું હતું.

બીજા ઘોડાઓની વચ્ચે તેની સુંદરતા તુરંત પકડાય જતી હતી. કોઈ ખરાબ નિશાને બાજ હોય તો પણ બરાબર નિશાનો લગાવી શકે અને મેડલ લઈ શકે. ઘણા ઘોડાને જોઈ એટલા મંત્રમુગ્ધ થઈ જતા કે નિશાનો ચૂકી જતા. આ ઘોડો યુદ્ધના મેદાનમાં રહ્યો ત્યાં સુધી ટેલર માટે ઉપાધીનું કારણ રહ્યો. યુદ્ધ શરું થાય ત્યારે બધા તેને નિશાનો બનાવતા. ઘોડો પણ બેટો ચાલાક હતો. એ બુલેટ કરતાં વધારે ઝડપથી દોડતો હતો. આમ તેણે કેટલીય વખત ભાવી રાષ્ટ્રપતિનો જીવ બચાવેલ.

ચીકણા રાષ્ટ્રપતિઓમાં કોઈની ગણના કરવી હોય તો ટેલરથી મોટું કોઈ નામ નથી. એ ઘરે હતો અને એક પોસ્ટમેન આવ્યો. પોસ્ટમેને કહ્યું આ ટિકિટના પૈસા આપો અને તમારો પત્ર લઈ લો. જેકરી કંજૂસ ટેલર પૈસા આપવા નહોતો માગતો. તેણે ઘસીને ના પાડી દીધી. પોસ્ટમેન ચાલ્યો ગયો. તેને ખબર નહોતી કે તેના હાથમાં જે પત્ર છે તે ટેલરના રાષ્ટ્રપતિના નામાંકનનો છે, પણ પોસ્ટમેનને આ બધી વાતો લાગતી વળગતી નથી. કદાચ આવા લોકો માટે જ ભવિષ્યમાં મોબાઈલ જેવી સુવિધા આવી ગઈ અને ટપાલીઓની હાલત ધૂમકેતુની વિનિપાત વાર્તાની જેમ, પડે છે ત્યારે સઘળું પડે છે જેવી થઈ ગઈ.

ટેલર રાષ્ટ્રપતિ બન્યો ત્યારે જનતાએ પ્રસ્તાવ મુક્યો કે અમારે ઓલ્ડ વ્હાઈટી નામના ઘોડાને જોવો છે. વોશિંગ્ટનની નદીઓમાં એ ઘોડાનું ફુલેકુ કાઢવામાં આવ્યું. જેના પર કોઈ વરરાજા નહોતો બેઠો. ઘોડાને એ દિવસે ખૂબ સારું પણ લાગ્યું હશે કે મારા પર આજ કોઈ ગધેડો નથી બેઠો ! જેકરી ટેલર ઘોડાના સાહસના પરિણામે રાષ્ટ્રપતિ બન્યો એ કહેવામાં પણ અતિશ્યોક્તિ નથી. ઘોડો ન હોત તો તે ક્યારનો જીસસને પ્યારો થઈ ગયો હોત.

અગાઉના રાષ્ટ્રપતિઓનો અછડતો પરિચય વાંચનારાઓને હશે જ. એ રાષ્ટ્રપતિઓ ક્યાંક ને ક્યાંક યુદ્ધમાં સેનાપતિની ફરજ બજાવી ચૂક્યા હતા. એમાંથી કોઈ લગીરે ટેલરને ગમતું નહીં. 1848 પહેલા તો કોઈ દિવસ ટેલરે વોટ જ નથી કર્યો. મતદાન ન કરવા પાછળનું કારણ એ હતું કે તે પોતાના સેનાપતિની વિરૂદ્ધ વોટ કરવા નહોતો માગતો. મારા માટે તો ચિંતાનો વિષય એ છે કે તેણે ખૂદને તો વોટ આપ્યો હશે કે નહીં ? કે એ પણ ભૂલી ગયો હશે.  

આ રાષ્ટ્રપતિ કેવી રીતે મૃત્યુ પામ્યો કોઈને ખબર જ નથી. તેણે વોશિંગ્ટનમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 4 જુલાઈ 1850નો એ દિવસ. જેકરીએ ભોજનમાં કાચા શાકભાજી, દૂધ અને ચેરી ખાધેલી. બીજા દિવસે તેને પેટમાં દુખવા લાગ્યું.

9 જુલાઈના રોજ ગેસ્ટ્રોએન્ટેરાઈટીસના કારણે તે મૃત્યુ પામ્યો. આવો શક્તિશાળી માણસ મરે જ નહીં તેવી અમેરિકામાં વાતો થવા લાગી અને પછી પાર્ટીના લોકો અને તેના સમર્થકોએ તેને ઝેર આપ્યું હોવાની વાત મુકી. 1991 સુધી આ કેસ લંબાયો. પરિણામ આવ્યું કે તેની મોત કુદરતી જ હતી કોઈએ તેને ઝેર આપ્યું ન હતું. જેકરી ટેલર પદ પર હોય અને મૃત્યુ પામ્યો હોય તેવો વિલિયમ હેનરી હેરિસન બાદ બીજો રાષ્ટ્રપતિ બન્યો.

વોર હિરો સિવાય તેનું કોઈ બીજું પ્રદાન ન હતું. અમેરિકાને મેક્સિકન યુદ્ધ જીતાડવામાં તેણે અને તેના સફેદ ઘોડાએ જે ભૂમિકા ભજવી હતી તેનાથી જ તે યુએસમાં ખ્યાતનામ બન્યો હતો. મેક્સિકન વોરને યાદ કરવામાં આવે ત્યારે ટેલરને હરખથી યાદ કરાય છે બાકી રાષ્ટ્રપતિ તરીકે તેણે કોઈ મોટા તીર ન માર્યા. યુદ્ધમાં તેની પાસે તીર હતા રાષ્ટ્રપતિ બનતા વખતે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments