Team Chabuk-Gujarat Desk: સુપ્રીમ કોર્ટમાં છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં ઓક્સિજનની અછત અને કોરોનાની હાલની પરિસ્થિતિ મુદ્દે સુનાવણી ચાલી રહી છે ત્યારે આજે ગુરુવારે ફરીથી આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કોરોનાની ત્રીજી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને ત્રીજી લહેરને પહોંચી વળવા કેન્દ્ર સરકારને અત્યારથી જ તૈયારીઓ કરવા પર ભાર આપ્યો હતો.
આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે ટિપ્પણી કરતાં સરકારને કહ્યું કે, જો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે, કોરોનાના કેસ વધે છે, તો તમે શું કરશો. એક રિપોર્ટ પ્રમાણે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર પણ મોટી અસર થશે તેવું સામે આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરમાં શું કરવું તેની તૈયારી અત્યારથી જ કરવી પડશે. યુવાનોને ઝડપથી વેક્સિન આપવી પડશે. જો બાળકો પર જોખમ વધશે તો પરિસ્થિતિ કેવી રીતે સંભાળશો, કેમ કે બાળકો જાતે હોસ્પિટલ નથી જઈ શકતાં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજે લગભગ દોઢ લાખ એવા ડોક્ટર્સ છે જેઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. લગભગ અઢી લાખ નર્સ ઘરમાં બેઠી છે. આ એ લોકો છે જે કોરોનાની ત્રીજી લહેરમાં તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં મદદરૂપ થશે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે સ્વાસ્થ્ય કર્મચારીઓ માર્ચ 2020થી સતત કામ કરી રહ્યા છે તેથી તેમના પર પણ દબાણ અને થાક વધુ છે.
મહત્વનું છે કે દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. દેશ આ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યારે ગત દિવસોમાં કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકારે ચેતવણી આપી હતી કે કોરોનાની ત્રીજી લહેર આવશે. પરંતુ ક્યારે આવશે તે હજુ કહી શકાય નહીં. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને જોતાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સરકારને સચેત રહેવા માટે કહ્યું છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતમાં કેસની સંખ્યા પણ વધી છે. મોતની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે. કેસ વધતાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની અછત ઉભી થઈ રહી છે. લોકોને સારવાર માટે ભટકવું પડી રહ્યું છે. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની વાત સામે આવતાં સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને ત્રીજી લહેરને પહોંચી વળવા શું પ્લાન બનાવ્યો છે તે અંગે પુછ્યું છે.
દિલ્હીમાં ઓક્સિજન મામલે થઈ સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં આજે દિલ્હીમાં ઓક્સિજનની અછત અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. કેન્દ્ર દ્વારા દિલ્હીને જરૂરી ઓક્સિજન પૂરો પાડવા માટે સુપ્રીમ કોર્ટે ગત દિવસોમાં કહ્યું હતું. જે અંગે કેન્દ્ર સરકારે આજે અલગ અલગ રાજ્ય દ્વારા ઓક્સિજનની ખરીદી અને આપૂર્તિનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, દિલ્હીની જરૂરિયાત કરતાં વધુ કુલ 730 મેટ્રિટ ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી છે. હાલમાં દિલ્હીની હોસ્પિટલમાં પૂરતી માત્રામાં ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે, આવનારા દિવસોમાં દિલ્હીને આટલી માત્રામાં ઓક્સિજન આપવાનું ચાલુ રાખીશું તો અન્ય રાજ્યમાં ઓક્સિજનની અછત ઉભી થઈ શકે છે. રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ પણ વધુ ઓક્સિજનની માગ કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત