Homeવિશેષઉબકા આવતા દૃશ્યની પાછળ પણ ઈતિહાસ હોય એમ પણ બને

ઉબકા આવતા દૃશ્યની પાછળ પણ ઈતિહાસ હોય એમ પણ બને

Team Chabuk-Special Desk: મિચલ માર્શની શાનદાર બેટીંગ ને હેઝલવુડની બોલિંગના દમ પર ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટી ટ્વેન્ટી વિશ્વકપ જીતી લીધો. રવિવારે ફાઈનલમાં રમાયેલા મુકાબલામાં વિરોધી ન્યૂઝીલેન્ડની ટીમને 8 વિકેટે સજ્જડ પરાજય આપ્યો. જોકે જે પણ ટીમ જીતેત પ્રથમ વખત વિશ્વકપ હાથમાં લેત અને ઈતિહાસ રચાત. કોઈ પણ ટીમ વિશ્વકપ જીતે એટલે ઉજવણી ભરપૂર કરે છે. આનંદનો અતિરેક ઓસ્ટ્રેલિયાની વિજયગાથામાં જોવા મળ્યો. ડ્રેસિંગ રૂમના દૃશ્યો જોઈ કેટલાયને ઉબકા આવ્યા હશે. કેટલાયને ઉલટી થઈ ગઈ હશે. આખરે ચિત્ર જ એવું હતું. ન ઈચ્છવા છતાં આંખ આગળથી ખસવાનું નામ નહોતું લઈ રહ્યું. આ દૃશ્ય પાછળ પણ એક ઈતિહાસ હોય તેવી તો કોને ખબર? આપણને એમ કે ભાતભાતની સૂગ ચડે એવી વાનગીઓ ચીનીઓ જ ખાય છે પણ ઓસ્ટ્રેલિયાએ કરેલું જુતાપાન (Shoes) તો શ્વાસ અદ્ધર કરી ગયું.

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ટીમના બે સભ્યો બુટમાં બીયર ભરી આનંદ માણી રહ્યા છે. ફાઇનલમાં પહોંચવાના પાકિસ્તાનના શમણાંઓને એક ઝાટકે વાઢી નાખનારા વિકેટ કિપર મેથ્યૂ વેડે તો જાણે માઝા મૂકી છે. એ અને ઓલરાઉન્ડર માર્ક્સ સ્ટોઈનિસ બુટમાં બીયર ભરી ભરીને પી રહ્યા છે. વિશ્વ વિજેતાઓની આવી ઉજાણી જોઈ તેમના ફેન્સ પણ ચકિત્ત થઈ ગયા છે. જોકે ઓસ્ટ્રેલિયામાં આ પરંપરા સામાન્ય છે. અહીં બુટમાં બીયર (Shoes) ભરીને પીવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયામાં બુટમાં બીયર ભરી પીવાની પ્રથાને શૂઈના નામે ઓળખવામાં આવે છે. લાઈવ મ્યૂઝીકલ કોન્સર્ટ અને સ્પોર્ટિંગ ઈવેન્ટમાં આ પ્રકારની ઉજવણી થવી એ સામાન્ય બાબત છે. આ અનોખી પરંપરાનો પાયો ઓસ્ટ્રેલિયાના ફોર્મ્યુલા વન સ્ટાર ડેનિયલ રિકિયાર્ડોએ વર્ષ 2016માં આયોજીત જર્મન ગ્રાન્ડ પ્રિક્સમાં નાખ્યો હતો. જોકે હવે સ્પોર્ટસ સાથે સંકળાયેલા ખેલાડીઓ જ નહીં. કેટલીય મોટી હસ્તીઓ સ્ટેજ પર જોશમાં આવી જઈ બુટમાં બીયર પધરાવી ગળા નીચે ઠાલવી લે છે.

જીતની ઉજવણી પ્રત્યે આપણને આટલી ઘૃણા એટલા માટે થાય છે કારણ કે ક્રિકેટ આપણી નસોમાં વહે છે. આવું આપણે ક્યાંય જોયું નથી. ઉપરથી ઓસ્ટ્રેલિયાના કેટલાય ખેલાડીઓ ભારતીય દર્શકોને અત્યંત પ્રિય છે. હવે તો ઉજાણીનો આ અતિરેક અન્ય દેશોમાં પણ ત્સુનામીની જેમ ફેલાવા લાગ્યો છે. હમણાંની જ વાત કરીએ તો બ્રિટિશ રેસિંગ ડ્રાઈવર લુઈસ હેમિલ્ટને એમીલિયા રોમાગ્ના ગ્રેડ પ્રિક્સની પોડિયમ સેરેમનીમાં આ પ્રકારે જ બુટમાં બીયર નાખી ગટગયાવ્યો હતો.

તુંડે તુંડે મતિભિન્ના. કેટલાય કલાકારો અને દેશના લોકો આ રિવાજને નાપસંદ કરી રહ્યા છે. ભારતમાં પણ નાપસંદગીનો એક મોટો વર્ગ છે. જે રીતે કેક ચોંટાડવાનું દૂષણ ઘુસ્યું એવી રીતે ક્યાંક આ દૂષણ ઘુસી ન જાય તો સારું. આ વિશે સીડનીની 21 વર્ષની એક કોન્સર્ટ ફોટોગ્રાફર જ્યોર્જિયા મૌલોની જણાવે છે કે તે પાંચમાંથી એક ફોટોશૂટ દરમ્યાન શૂઈ શબ્દ સાંભળે છે. આ સાંભળવું અજીબ લાગે છે. ખાસ તો ત્યારે જ્યારે મંચ પર આંતરાષ્ટ્રીય દરજ્જાની વ્યક્તિ હોય. શો દરમ્યાન આવું કરવામાં સમય લાગે છે. આખી દુનિયામાં આ એક માત્ર એવો દેશ છે જ્યાં કલાકારો બુટમાં બીયર નાખી પીવે છે.

એવામાં શરીરને શું નુકસાન થાય છે? બુટમાં બીયર પીવાથી આરોગ્ય પર કોઈ અસર પડે છે કે નહીં તે પણ જાણી લઈએ. ઓસ્ટ્રેલિયાના મેલબર્નની મોનાશ યુનિવર્સિટીના ચેપી રોગોના નિષ્ણાંત એન્ટોન પેલેગ કહે છે, કદાચ નહી! કોઈ સ્વસ્થ કે સાફ પગ ધરાવતા માણસના બુટમાં બીયર ભરીને પીવાથી ચેપની સંભાવના ખૂબ ઓછી છે. જોકે નિષ્ણાતો ખૂદ એમ માને છે કે ગંધ આવતા બુટમાં બીયર નાખી પીવો તેના કરતા સારો વિકલ્પ એ છે કે ગ્લાસ લઈ ખુરશી પર બેસી ટાંટિયા પર ટાંટીયા ચડાવી શાનથી પીવો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments