સંજય વાજા: “દીકરા કાલે કેમ ના આવ્યો? આ તારા શેતૂર પેલી કોયલ ખાય ગઈ. શેતૂર ખાય નહીં એટલે અહીં પગથિયે બેસીને પહેરો ભર્યો પણ એ કાંઈ આપણું માને? એક વાર ઉડાડું તો થોડી વાર રહીને પાછી આવે, પાછી ઉડાડું તો ફરી પાછી આવી જાય, પછી તો હું થાકી અને મૂઈને કહીં દીધું આજે તારા નસીબમાં છે તું ખાઈ લે.”
મારા નાનીમા આવા જ છે. તેમની આઠેય દીકરીઓમાં હું સૌથી મોટી દીકરીનો સૌથી નાનો દીકરો. મમ્મીના ગયા પછી હું પહેલાં કરતાં પણ વધુ લાડકો થઈ ગયો. નાનો હતો ત્યારે તેઓ આવો જ લાડ લડાવતા. આજે 27 વર્ષેય બા મને એટલો જ વ્હાલ કરે છે. વાવાઝોડાએ એ જૂની યાદો ખોતરી છે. આજે બાના વાડામાં એકલ-દોકલ ઝાડ વધ્યું છે. બાકી વાડામાં ફળફૂલોનો ખજાનો હતો.
બાના વાડામાં દેશી ગુલાબ, મોગરો, જાસૂદ, ગલગોટા, પારસ (સફેદ રંગના વેણીમાં વપરાતા ફૂલ), કરેણ, પીળા ફૂલ તેમજ રાતરાણી હતાં. ફળો તો ક્યારેય ખૂટ્યાં જ નહીં. વાડામાં જાઓ એટલે ઘરની સામે જ ડાબી બાજુએ દાડમણી, તેની બાજુમાં ખાટા આમળા, તેની થોડે દૂર મુખ્ય દરવાજા પાસે જ શેતૂડી. ઘરની સામે જમણી બાજુ મોટી ચીકૂડી, તેની બાજુમાં જ ઘેઘૂર અને ખૂબ જ ઊંચે ગયેલી બદામણી અને તેની સાથે જાણે હરિફાઈ લગાવીને ઉછરેલું રામફળનું ઝાડ.
ઘરની જમણી બાજુએ વાડાની થોડી મોટી જગ્યા છે; જેમાં બાએ ફૂલની વચ્ચે મીઠા સફેદ જાંબુનું ઝાડ વાવેલું હતું. આ સફેદ જાંબુની જ્યારે સિઝન હોય ત્યારે તેમાં પાન કરતા જાંબુના ઝુમખા વધારે જોવા મળે. અને મીઠા પણ એટલા જ. હું જ્યારે બાના વાડામા જાઉં અને જો જાંબુની સિઝન હોય, તો બાને પગે લાગીને ડાયરેક્ટ વાડામાં જ ઘુસી જાઉં. થોડા જાંબુ તોડીને તેનો સ્વાદ માણું.
ઘરની જમણી બાજુએ બાનો વાડો અંદાજે ત્રીસથી ચાલીસ મીટરમાં ફેલાયેલો છે. જેમાં ગુલાબ રોપેલા હતા. ગુલાબની વચ્ચે ગલગોટા અને બીજા ફૂલ. સાથે જ વચ્ચે-વચ્ચે પપૈયાના ઝાડ પણ. મન થાય ત્યારે પપૈયા પણ પાડી લેવાના, મોટો વાંસનો ડંડો પણ ઘરની નજીક જ હોય.
વાડામાંથી બહાર નીકળી બરાબર ઘરની પાછળ નારિયેળી અને દેશી આંબાનું ઝાડ. દર સિઝનમાં કેરીઓ પણ એટલી જ આવે. આ આંબાની ખાસિયત એ કે તેની કાચી કેરી એટલી ખાટી કે તમે ખાધા પછી સીસકારો નાખી જાઓ, પરંતુ જ્યારે કેરી પાકી જાય ત્યારે મીઠી પણ એટલી જ લાગે.
ઘરની સામે જે ખાટા આંબળાનું ઝાડ હતું તેમાં આંબળા પણ ખૂબ જ આવે. વળાંકવાળો સળિયો લગાવેલો મોટો દંડો ત્યાં જ પડ્યો હોય. બા અને હાજર જે કોઈ હોય તેને આંબળાના ઝાડની નીચે ચાદરનાં બે-બે છેડા પકડાવી જેમાં વધારે આંબળા હોય તે ડાળને હલાવીને આંબળાને ચાદરદોસ્ત કરી દેવાના.
પાડેલા આંબળાને પાણીમાં ધોઈ તેમાં મીઠું નાખી અને પછી બહાર ઓટલે બેસીને આંબળાનો આનંદ માણવાનો. આવા પ્રયોગો મેં બાના વાડામાં બઉં જ કર્યા.
ઘરની પાછળના ભાગે આંબાની નજીક એક ઘટાદાર રાવણો હતો. એ રાવણો મારી અનેક પતંગ ખાઈ ગયો છે. પણ મે કંઈ એના રાવણાં ઓછા નથી ખાધા! કદાચ એને હું પથ્થર મારતો એ નહીં ગમતું હોય. એટલે ભાદરવામાં જ્યારે હું પતંગ ચગાવતો ત્યારે તે મારી પતંગ ખાઈ જતો. ઊનામાં ઉત્તરાયણ કરતાં લોકો ભાદરવાના ચાર રવિવાર બહુ પતંગ ઉડાવે.
હવે આજે એ રાવણો પણ નથી રહ્યો. હવે હું પથ્થર કોને મારીશ? યાર, તું મારી પતંગ તારી ઘેઘુર પથરાયેલી ડાળથી પકડી લેતો તો થોડો ગુસ્સો આવતો, પણ તારા રાવણાં બહુ મીઠા લાગતા યાર. જો કે, તારોય ક્યાં વાંક છે દોસ્ત! જે કુદરતને ગમ્યું તે ખરું.
રાવણાની બાજુમાં જ નળિયાવાળા રસોડા પર ફેલાયેલી લીંબોડી. ઊનાળામાં બરફના ગાંગડા નાખીને લીંબુનું શરબત પણ બહુ પીધું. અફસોસ! હવે ઊનાળો તો આવશે પણ એ લીંબોડીમાં લીંબું નહીં.
આ ફળફૂલના ખજાનામાંથી બાને થોડી ઘણી આવક પણ થતી. બાએ ઉછેરેલા જાંબુ, રાવણા, શેતૂર, સીતાફળ, પપૈયા, કેળા સહિતના ફળો બજારમાં પણ લઈ જવાતા. કેટલાય બાળકો ઘરેથી બા પાસેથી આંબળા અને શેતૂર લેવા પણ આવતા, પરંતુ હવે વાવાઝોડાએ સમય બદલ્યો છે. હજુ ઘણું બદલાશે. હવે ફરીથી બેઠું થવાનો સમય છે. વાર લાગશે, પરંતુ અશક્ય કંઈ જ નથી. ફરીથી ખાટા આંબળામાં એ જ પ્રકારે મીઠું નાખી બાના ઓટલે બેઠા-બેઠા લીજ્જત માણીશું. ફરીથી કોયલ આવશે અને બા તેને ઉડાવવા કહેશે, “મૂઈ ભાગી જા, એ મારા દીકરાના શેતૂર છે.”
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં