Homeગામનાં ચોરે2022ની બાબા વેંગાની ભવિષ્યવાણીઓ: એલિયન આવવાના છે!

2022ની બાબા વેંગાની ભવિષ્યવાણીઓ: એલિયન આવવાના છે!

Team Chabuk-National Desk: વર્ષ 2022 શરૂ થવાના આડે ચાર દિવસની વાર છે. આ ચાર દિવસમાં મનુષ્યને ડરાવનારી ભવિષ્યવાણીઓ થવા લાગી છે. નાસ્ત્રેદેમસે હજુ સુધી દેખા નથી દીધી પણ બાબા વેંગાની ભવિષ્યવાણીઓ કોરોના વાઈરસની જેમ ચારેકોરથી લોકોને ઘેરી માનસિક યાતના આપી રહી છે. ગઈકાલે કેટલીય વેબસાઈટમાં હાસ્યાસ્પદ રીતે સમાચાર રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં હાહા રિએક્ટ સિવાય કશું જ નથી.

2012માં ધરતીનો નાશ થવાનો હોવાની ખબરે ઘણાનાં હૈયા અદ્ધર કરી દીધાં હતાં. વહેલા તે પહેલાના ધોરણે 2012 નામની એક ફ્લોપ ફિલ્મ પણ તેના પરથી બની ગઈ હતી. પછી છાશવારે આપણું નિકંદન નજીક છે તેના પાનાઓનાં પાનાં ભરી વાચકોને વિષરૂપે પીવડાવવામાં આવતા હતા. હવે લોકો એટલા સમજુ થઈ ગયા છે કે શબ્દોના એ ઝેરમય કટોરાઓ સામે આવે કે હસવા જ લાગે છે. અલબત્ત ફેસબુક પર તો સ્ક્રિનશોટ પાડી તેને વાઈરલ કરી મજા પણ લે છે.

જોકે આ વખતે વિનાશક આગાહીઓ છે. ધોતિયા ઢીલા કરી દે એવી! 2012માં પ્રલય થવાનો હતો. એ મુલતવી રહ્યો અને હવે 2022માં ધરતી પર કોઈ મહાપ્રલય આવવાનો છે. દાવો કરવામાં આવ્યો છે કે ભૂકંપ આવશે. હિંદ મહાસાગરમાં મોટી સુનામી આવશે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈન્ડોનેશિયા અને ભારત કેમ રહી જાય, તો કે તેને પણ સુનામી પોતાની ઝપટમાં લેવાની છે.  

એલિયન પણ આવવાના છે. એસ્ટરોઈડ Oumuamuaને તેઓ ધરતી પર મોકલશે. જેમ આપણે મંગળ પર ખાખાખોળા કરી, પાણી શોધી, ત્યાં રહેવા જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ, એમ એલિયન પણ ધરતી પર જીવનની શોધ કરવા આવવાના છે. પેલા તીડનું આક્રમણ વધવાનું છે. ખરાં એલિયન તો આ તીડ છે! આખેઆખો પાક ખાઈ જાય છે અને પછી થાળીઓ વગાડવી પડે છે.

આ વર્ષે પાણીના સંકટની પણ વાત બાબા વેંગા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જે રીતે કોરોના આફત બન્યો છે અને લોકો સતત હાથ ધોઈ રહ્યા છે; એ જોતા કદાચ આ ભવિષ્યવાણી સાચી પડે! કોરોનાએ દુ:ખના વાસડા ઓછા ઊભા કર્યાં છે તે સાઈબેરિયામાં એક નવો ઘાતક વાઈરસ શોધાશે અને માનવજાતિ માટે ખતરો ઉભો કરશે. એ બરફના પેટાળમાં સંતાયેલો છે. જોવી હોય તો હોલિવુડની ફિલ્મ ધ ટુમોરો વોર જોઈ લેવી. એમાં એક બરફનો કન્સેપ્ટ છે. આ બધું ક્યારે આવે છે તેની પ્રતીક્ષા કરીશું ત્યાં વર્ષ 2022 પૂર્ણ થઈ જશે અને કેટલીક નવી ભવિષ્યવાણીઓ તમારું સ્વાગત કરવા ઊભી હશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments