Homeસાહિત્યસાઉથ બોપલના વૃક્ષો- નિબંધ -મયૂર ખાવડુ

સાઉથ બોપલના વૃક્ષો- નિબંધ -મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: કોઈ અતિશયોક્તિ નથી કે પવનના મેં છપ્પનભોગ માણ્યા છે. દરિયા પાસે, પર્વત ઉપર, ઝાડની નજીક, ઝાડની નીચે, દતાત્રેયની ટેકરીએ, પથ્થર પર બેઠાં બેઠાં, ઋષિમુખના ગાલ પર, બહાઉદ્દીનના મુખ્યહોલમાં… આજે પંગતમાં એ કેટલાય પવનો યાદ આવે છે. ક્યાંક એકને યાદ કરતા બીજો પવન રિસાઈને ચાલ્યો ન જાય તેની પણ ભયગ્રસ્તતા સતાવી રહી છે. શિયાળાની તુષારમંડિત સવારમાં, જૂનાગઢથી રાજકોટ જતી વખતે કોઈ અગમ્ય આત્મા આગળની બારીનો કાચ ખોલી પવનનો ભાર એના ખુલ્લા ડીલ ઉપર ખમતી હોય ત્યારે પવનના થતા પરાજયથી નાખુશ થયેલા પ્રવાસીઓ તેને ઘઘલાવી નાખે! આમ તો પેલા છાતી સરસા ચોંટી જતાં પ્રેમિકા જેવા પવનના કારણે!

પવનનો એવો જ એકાચાર ઉનાળામાં કેવો વ્હાલો લાગે છે. પણ એ વ્હાલમાં ઉકળાટ એક સાથે એક વિનામૂલ્યે આવ્યો હોય છે. ઉનાળામાં જૂનાગઢથી અમદાવાદ જતાં સાત સાત કલાક સુધી એને ગાલ ઉપર ખમ્યાના ડામ આ લખતા બૂમરેંગ થયા છે. ચોમાસાના આગમનની કૂણી કૂણી એંધાણીઓ કાબરની જેમ મનમાં કલબલાટ કરતી હોય. એવામાં કલબલાટ ઓચિંતો સાચો પડી જાય. ટ્રેનમાં હોઉં તો રિબડા ગામ પાસે ચોમાસાનું જનયિત્રી ઝાપટું નાકના નસકોરા ખોલી નાખે અને માટીની એ ભીની મહેંક ધ્રાણેન્દ્રિયમાં પ્રવેશી, ભીંજાવી, ઝપટપટ ભાગી જાય. એમાં પણ નેવૈદ જેટલો ઠંડો પવન ખરો.

પવનની વાત માંડીએ અને સુરેશ જોષીનું સ્મરણ ન થાય એ તો કેમ કરીને બને. સુરેશ જોષી મરણોત્તર નવલકથામાં લખે છે, ‘કોઈ ધૂણતા ભૂવાની જેમ પવન મારી ચારે બાજુ ઘૂમે છે.’ અન્ય એક પ્રકરણમાં લખે છે, ‘હજી પવન ફાંસીએ ચઢેલાના શબ જેવો અદ્ધર લટકી રહ્યો છે.’ અને પેલી કાગડો વાર્તા લખી અમર થઈ જનારા ઘનશ્યામ દેસાઈએ તો કેવા વિસ્મયમાં નાખી દીધા છે, ‘પડી ગયેલા પવનને લીધે જમણી બાજુ હારબંધ ઊભેલાં સરુ વૃક્ષોનો પડદો આકાશમાં ખીલા મારીને ટીંગાડેલો હોય એમ હાલ્યાચાલ્યા વિનાનો સ્થિર.’ ચાલો, ઉપરોક્ત અત્યુક્તિમાં તો નથી જ લખી નાખ્યું કે, ક્યાંક એકને યાદ કરતા બીજો પવન રિસાઈને ચાલ્યો ન જાય…!

આજે પવનની વાતે કેમ મંડી પડ્યો છું. પવન તો મંદ હોય, મધ્યમ હોય, ભારે હોય. દેહને શીતળતા કે ઉષ્ણતા બક્ષતો હોય. પણ અમારા સાઉથ બોપલના વૃક્ષોમાંથી તો પવન અલોપ થઈ ગયો છે. વર્ષો પહેલાનું અડાબીડ અરણ્ય આજે કુર્નીશ બજાવતી ઈમારતોના ચોગઠાઓથી ઘેરાયું છે. વૃક્ષો પ્રાણીસંગ્રહાલયના જાનવરોની જેમ આજીવન કેદ પામ્યા છે. નથી નમી શકતા, નથી પાછળ જઈ શકતા. પવનનો પરિશ્રમ પણ તેની આગળ પરાજય પામે છે. કકળાટ કરી પસાર થતું વાહન તેને કૃત્રિમ પવનનો અહેસાસ કરાવે છે. કેટલાય ગાંધીવાદી વૃક્ષોએ કોર્પોરેશનની જાળીઓમાંથી સ્વતંત્ર થઈ અહિંસાવાદી બળવો પોકાર્યો છે. સફારી અને જીપ્સીની ઓફિસ તરફ જતાં વચ્ચે એક ખોબા જેવડું અરણ્ય બચ્યું છે. જ્યાં અજ્ઞાત વૃક્ષોનો મેળો જામ્યો છે. લીમડાને જાણું, બાકીનાઓનું ઉત્તમ કથન મેળવવા થનગની રહ્યો છું. હસ્તધનૂન કરતાં વૃક્ષો જોવા હોય તો સાઉથ બોપલ જવું. જાણે હાથી પર મહાવત ચડ્યો હોય એમ એક વૃક્ષ બીજા વૃક્ષ પર આંદોલિત થતું હોય છે. મકરસંક્રાંતિમાં કપાયેલા દોરાઓની ચાદર જાણે વૃક્ષો પર પડી હોય એમ સૂકાયેલી વેલ ધડો રાખ્યા વિના પથરાય પડી છે. શણગાર સજેલી નવવધૂ જ જોઈ લો! ફિનીક્સ પક્ષીને ગુજરાતીમાં દેવહુમા કહે. રાખમાંથી જ્યારે એ બેઠું થતું હશે ત્યારે અદ્દલ સાઉથ બોપલની સૂકાયેલી વેલ જેવું લાગતું હશે.

એ વેલને ફરી ફરીને આંખોમાં આકંઠ ભરી જોઉં છું. શાકભાજીવાળો બળદને લઈ નીકળે છે. લીલા શાકભાજીની તાજગી પત્નીને આકર્ષે છે અને અમે રોડક્રોસ કરી લેવા જઈએ છીએ. શાકભાજીવાળાને બુદ્ધની જેમ આ વૃદ્ધ વૃક્ષની ખબર હશે એવું મને લાગ્યું. મેં પૂછ્યું, ‘આ વૃક્ષ કયું?’

‘એટલે શેનું છે? એમ ને?’ એ તેના રણકાથી મને મહેસાણા બાજુનો લાગ્યો. ટીકી ટીકીને તેણે ઝાડને જોયું. એની આંખોમાં મને પરાજયનો ભાવ વર્તાતો હતો. પહેલા બળદની જેમ માથું હલાવ્યું અને પછી કહ્યું, ‘ખબર નહીં, અહીં તો પેલા ખેતર જ હતા, જંગલ જેવું.’

‘અહીંયા આ વૃક્ષોની ભરમાર છે.’ મેં આંગળી ચીંધીને કહ્યું એટલે તેણે આજુબાજુ એક અછડતી નજર ફેરવી લીધી અને પછી શાકભાજીના હિસાબના કામમાં લાગી ગયો. બળદે રોડને ઠંડો કરવા પોદરો કર્યો.

સોબો સેન્ટરની સામે આવેલા ભીમ અને જરાસંઘની યુદ્ધભૂમિની ગરજ સારતા વિશાળ મેદાનને ઉત્તર તરફથી વૃક્ષોએ ઘેરી લીધું છે. એ કોઈ અલગ પ્રદેશની બોર્ડર લાગે છે. ઉનાળાની બળબળતી બપોરે ગાયો ત્યાં સુખાસનની મુદ્રામાં બેઠી ઓગાળ કરતી હોય ત્યારે મેદાનની બરાબર સામે પાનની દુકાનવાળાને ત્યાં રચાતા અભિમુખકોણ પર ગુટખા લેવા આવતા ફલાણાં-ઢીંકણાંઓ પણ ગાયભિમુખ બને છે. લાંબા શીંગડાવાળા બળદ અને ઊંટને લીંમડાની છાયામાં કુણો તડકો ઝીલતા જોઈ અમદાવાદ ઘડીભર માટે ગ્રામસેતુ બની જાય છે. બપોર પછી તો અહીં અડધું ગુજરાત એકઠું થાય. મહેસાણીની નજીક કાઠિયાવાડી બેઠો હોય અને એમના મુખારવિંદમાંથી બે-બે બોલી સાંભળવા મળે ત્યારે મોહન પરમાર અને માય ડિયર જયુની વાર્તાઓનું એકીસાથે સ્મરણ થઈ આવે છે.

મહામારીમાં માસ્ક પહેરી ફરતાં દરેક ચહેરા સોહામણા લાગે છે. મોં ઢંકાયા પછી પવન શરીરમાં પ્રવેશવા અવનવા દાવપેચ અજમાવે છે. અમૂલ ડેરીની નજીક બેઠેલા અને સીવણકામ કરતા પ્રોઢની ઉડતી લટ, રાત્રિમાં સટાસટ વાતા વાયરાથી થરથરતી ગાયની ચામડી, ટાયરના પૈડાથી ઉડતી રજોટી અને હવામાં પવને મારેલો ધક્કો અને એ ધક્કામાં ફંગોળાયેલી પ્લાસ્ટિકની કોથળી ન જાણે ક્યાં ખોરડે જઈ વિશ્રામ કરશે, રેકડીવાળાઓના વ્યંજન ઉપર જ્યાફત માણવા ઉડતી રજકણો, જમીનને ઈંડુ સમજી સેવવા બેસી ગયેલો તડકો, સાપસીડીની રમતની જેમ પાર્ક કરેલા વાહનો અને શાકભાજી વિક્રેતાઓની જીર્ણ થઈ ગયેલી ચામડીમાંથી ટપકતો પ્રસ્વેદ… કેટલું લખું હવે?

અહીં રહેવા આવ્યો ત્યારે એપાર્ટમેન્ટની પાસે ચંદ્રમુખી સરીખું સર્કલ હતું. જાણે પૃથ્વીનો ગોળો અવનીમાંથી ડોકિયું કરતો અડધો બહિર્ભવ પામ્યો હોય. તેની ઉપર શણગાર સજી ઘાસ ઉગી નીકળ્યું હતું. ત્યાંથી વળાંક વળતા વાહન ચાલકો પોતાની ભૂલના કારણે ગબડી પડતાં અને ટંટોફિસાદ કરતા. એટલે કંટાળીને એને તોડવાનું નક્કી કર્યું. આવાગમનનો માર્ગ વિશાળ થયો પણ પેલા ‘અવિનાશી-અવિનાશી’ના રાગડા તાણતા છોડવાઓ મૃત પામ્યા.

એપાર્ટમેન્ટની પાછળ ખેતર. સવારે સૂર્યદર્શન કરવા માટે બહાર નીકળું તો કેડીમાંથી પસાર થતાં અજાણ્યા મનુષ્યો દેખાય. એ કેડી એમને ક્યાં લઈ જતી હશે તેનો દિનાન્ત સુધી વિચારવાયુ રહે. એપાર્ટમેન્ટને ચારેબાજુથી લીમડાએ રક્ષણ આપ્યું છે. કોઈ સ્થિતપ્રજ્ઞ ચિત્ર હોય તેમ હલબલે જ નહીં. પાનખરમાં પર્ણો અને ચોમાસામાં ખરી પડેલી તેની ડાળખીઓ જોઈ એ જીવતું હોવાનો સુરમ્ય ભાસ થાય.

આવો જ એક લીમડો સાઉથ બોપલના ઔડા સેન્ટરની બાજુમાં છે. એકલો અટૂલો, જાણે દેશનિકાલ કર્યો હોય. અકથ્ય ઊંચાઈનો સ્વામી, મનમોહિત કરી દેતું તેનું પર્ણમર્મર, અજરાઅમર રહેવા સર્જાઈ હોય તેવી અશ્વત્થામાનું સ્મરણ કરાવતી તેની ઘેઘુર કાયા. આ લીમડો તો તડીપાર થયો હોય એમ એકલો ઉભો છે. પણ એ એકલો નથી. એની નીચે થતી મનેખની અવરજવર તેને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. સાઉથ બોપલના બીજા લીમડાના ઝાડની તુલનાએ તેની સમૃદ્ધિનું કારણ આપણો અનુરાગ જ છે. બાકી તો કેટલાય વનરાજિની ભેગા રહેવા છતાં અંત્યક્રિયા થઈ ગઈ છે.

સાઉથબોપલના આ વૃક્ષોની નીચે જ ઘણી વખત બજાણીયાનો ખેલ ચાલે. મારા એપાર્ટમેન્ટની સામે અસંખ્ય વખત તેમને તપ કરતા જોયા છે. દોરડા પર ચાલવા લચીલું બદન અને પાતળી કાયા જોઈએ. ભૂખના અભાવે એ બંને તેની પાસે છે. ભૂખ શું શું કરાવે છે? એમની ઉપર એક નજર ફેંકી ચાલતો થાઉં ત્યાં દેવને ચડાવી ઉતારી લીધેલા નિર્માળ ફૂલો દેખાય. સૂકાયેલી નદી, ફૂલ, દેહ, આંખો, કોઈને નથી ગમતી.

સાઉથ બોપલમાં મને રુચે એવી જગ્યા એટલે સફારીની ઓફિસ. સફારી લેવા પગપાળા જાઉં ને સાઉથ બોપલના એક એક તરુને હરખથી જોતો જાઉં. ઘનઘોર છે, વૃક્ષોનાં પાંદડા અને ડાળખીઓએ ભેગા થઈ એક કુદરતી વૃક્ષભવનની રચના કરી છે. એક હોય તો સમજ્યા પણ આવી મરકી બધા વૃક્ષોને લાગી છે. એ બધા વૃક્ષોમાં તમને ઘરોબો દેખાશે. મોરને એ ઝાડીમાંથી અલોપ થતો જોઉં, યુયુત્સની ઈચ્છા સાથે ઝઘડતી બે શૈતાની સમડીઓ, કોર્પોરેશનની લોખંડની જાળીમાંથી સ્વતંત્ર થયેલું કોઈ અજ્ઞાત વૃક્ષ, મહિષીઓનું ખાડું. રસ્તામાંથી પસાર થતાં આખલાઓ વચ્ચે ખેલાતું ઊસરપાટો દ્વંદ્વયુદ્ધ, આ બધી વાતનું પૃથ્થકરણ કરી ઓફિસે આ વખતેની મેગેઝિન લેવા પહોંચું ત્યાં વાહનોનો કકળાટ ભાન કરાવે કે આ ગામડું હતું! હવે શહેર છે. અમદાવાદનો એક ભાગ. કોણ માનશે કે અમદાવાદ પણ એક વૃક્ષમાળા ધરાવતું વિરાટ ગામડું હતું?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments