Team Chabuk-National Desk: અમદાવાદથી પ્રયાગરાજ લઈ જવાયા બાદ આજે બાહુબલી અતીક અહમદને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 17 વર્ષ જુના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે અતીક અહમદને દોષિત ઠેરવ્યો છે અને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે અતીક સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. દોષિત અતીક અહમદ કોર્ટમાં પોતાના ભાઈ અશરફને ભેટીને રડી પડ્યો હતો.
ઉમેશ પાલ અપહરણ કેસ મામલે કુલ 11 આરોપીઓ હતા. જેમાંથી એકનું મોત નિપજ્યું છે. આ અગાઉ સોમવારે અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો. અતીક અહમદ પર ઉમેશ પાલની હત્યાનો પણ આરોપ લાગેલો છે. કોર્ટે અતીક અહમદ સહિત ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે અતીક અહમદ ઉપરાંત દિનેશ પાસી ખાન, અને શૌલત હનીફને દોષિત ઠેરવ્યા છે.
ઉમેશ પાલ કિડનેપિંગ કેસમાં અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદ સહિત કુલ 11 આરોપીઓ હતા. જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે. આજે કોર્ટમાં 10 આરોપીઓને હાજર કરાયા હતા. જેમાંથી 3ને દોષિત જાહેર કરાયા છે અને 7ને છોડી મૂકવામાં આવ્યા છે. કોર્ટે અતીક અહમદ ઉપરાંત દિનેશ પાસી ખાન, અને શૌલત હનીફને દોષિત ઠેરવ્યા છે. જ્યારે અતીકના ભાઈ અશરફ અહમદ, અંસાર બાબા, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી, અને અઝાઝ અખ્તરને છોડી મૂક્યા છે. જ્યારે એક આરોપી અંસાર અહમદનું મોત નિપજ્યું છે.
શું હતી સમગ્ર ઘટના ?
વર્ષ 2005માં જ્યારે બસપા વિધાયક રાજુ પાલની જાહેરમાં ગોળીઓથી વીંધીને હત્યા કરી દેવાઈ હતી. જ્યારે રાજુ પાલ, તેમની પત્ની પૂજા પાલ અને ઉમેશ પાલ બસપામાં હતા. ત્યારે અતીક અહમદ અને તેનો ભાઈ અશરફ સમાજવાદી પાર્ટીમાં હતા. વર્ષ 2004માં અતીક અહમદ યુપીની ફૂલપુર લોકસભા બેઠકથી સમાજવાદીની ટિકિટ પર ચૂંટણી લડીને સાંસદ બન્યો હતો. તે પહેલા તે અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો હતો. પરંતુ તેના સાંસદ બનતા જ સીટ ખાલી થઈ અને થોડા દિવસો બાદ પેટાચૂંટણીની જાહેરાત થઈ. આ સીટ પર સપાએ સાંસદ અતીક અહમદના નાના ભાઈ અશરફને ઉમેદવાર બનાવ્યો. જ્યારે ચૂંટણીમાં બસપાથી રાજુ પાલને ટિકિટ મળી હતી. ચૂંટણી થઈ તો રાજુ પાલે અતીક અહમદના ભાઈ અશરફને હરાવી દીધો અને ધારાસભ્ય બની ગયા. અતીક અને તેનો પરિવાર હાર પચાવી શક્યા નહીં અને 25 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલની હત્યા કરી દેવામાં આવી.
રાજુ પાલની હત્યાના મામલે અતીક અહમદ અને તેના ભાઈ અશરફ સહિત 5 આરાપીઓ નામજદ હતા. જ્યારે પોલીસે ચાર અજાણ્યાને આરોપી બનાવ્યા હતા. આ કેસમાં રાજુ પાલનો સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006માં અપહરણ થયું હતું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લાગ્યો હતો. એક વર્ષ બાદ ઉમેશની ફરિયાદના આધારે પોલીસે 5 જુલાઈ 2007ના રોજ અતીક, તેના ભાઈ અશરફ અને ચાર અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની સાથે મારપીટ અને મારી નાખવાની ધમકી આપી. ઉમેશના જણાવ્યાં મુજબ જ્યારે તેણે અતીક અહમદના દબાણમાં સાક્ષી તરીકે પાછા હટવાની ના પાડી દીધી તો 28 ફેબ્રુઆરી 2006ના રોજ બંદૂકની અણીએ તેનું અપહરણ કરાયું. આ કેસમાં 11 આરોપીઓ બનાવવામાં આવ્યા હતા.
ઉમેશ પાલની થઈ હત્યા
પ્રયાગરાજમાં ગત 24 ફેબ્રુઆરીના રોજ ધોળે દિવસે રાજૂ પાલ હત્યાકાંડમાં સાક્ષી એવા ઉમેશ પાલની હત્યા કરી નાખવામાં આવી હતી. દેવાઈ હતી. ઉમેશ પાલ ત્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા. ગલીની બહાર કારમાંથી નીકળતી વખતે તેમના પર શૂટરોએ ફાયરિંગ કર્યું. આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેમના બે ગનર્સના મોત થયા હતા. ઉમેશ પાલની પત્નીએ આ મામલે અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો પર કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલે અસદ સહિત 5 શૂટર્સની શોધમાં છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ