Homeસાહિત્યજ્યોતિભાઈનું ‘ક્યાં? ક્યારે? કેમ?’

જ્યોતિભાઈનું ‘ક્યાં? ક્યારે? કેમ?’

Team Chabuk– Literature Desk: કલાતીર્થ નામને કોઈ પરિચયની જરૂર નથી, છતાં કેટલાક સુજ્ઞ વાંચકો અવારનવાર ટકોર કરતાં હોય છે કે પુસ્તકમેળાઓમાં ક્યાંય કલાતીર્થના પુસ્તકો કેમ દેખાતા નથી? કલાતીર્થે પરિચય કરાવ્યો એ પૂર્વે જ્યોતિ ભટ્ટ સમીપે સામાયિકના કારણે નજર સમક્ષ આવેલા. એમાં એમણે પાડેલી ચા પીતા ભૂપેન ખખ્ખરની તસવીર હતી. અહીં પણ વડોદરા ગાર્ડનમાં વામકુક્ષી કરતાં ભૂપેનભાઈ છે.

હવે ક્યાં? ક્યારે? કેમ? ‘કેટલીક છબીઓની જાતકકથા ફોટોલૉગ’ પુસ્તક દ્વારા જ્યોતિ ભટ્ટ પ્રસ્તુત થાય છે. નવોદિત હોય કે અનુભવી, ફોટોનું વિજ્ઞાન અને ફોટોની કલા શીખનારાઓએ આ પુસ્તક અચૂક વાંચવું જોઈએ. શીર્ષક ક્યાં? એ સ્થળ તરફ ઈંગિત કરે છે, ક્યારે? એ સમય ઉપર પ્રકાશ પાડે છે અને કેમ? એ કારણદર્શક છે. ફોટોગ્રાફી જ એક એવી કલાસાધના છે જેમાં આ ત્રણે ઉક્તિઓનું એકસાથે મળવું વ્યાજબી છે. શીર્ષકમાં તે વળી શું લઈ લેવું? કેટલાક શીર્ષકોને પુસ્તકની શબ્દપંગતમાં બેસવું નથી ગમતું. જ્યારે કેટલાક પુસ્તકના શીર્ષકમાં આખેઆખું પુસ્તક બિરાજમાન હોય છે.

આપણે એવું માનીએ છીએ કે દરેક છબી કોઈ ને કોઈ કલા કે અર્થઘટન નિપજાવતી હોય. જ્યોતિ ભટ્ટ આવું માનતા નથી. એમના શબ્દો થકી વાસ્તવિકતાનો ખ્યાલ આવશે, ‘કહેવાય છે કે, એક છબી જે કહી શકે તે બાબત કહેવા હજાર શબ્દોની જરૂર પડે. જોકે, આ વિધાન કેટલીક છબીઓ માટે સાચું હોઈ શકે. પરંતુ, બધી જ છબીઓ માટે નહીં.’ આ જ વાતને જ્યોતિ ભટ્ટના શબ્દોમાં વધુ આગળ આ રીતે સમજી શકીએ: ‘બધી જ છબીઓ કંઈક ને કંઈક વ્યક્ત કરતી જ હોય છે. પરંતુ કેટલીક છબીઓ નબળી અને ક્યારેક અર્થહીન જોવા મળે છે.’

જ્યોતિ ભટ્ટની છબીકલા કલાના વિવિધ આયામોને સર કરે છે. અલગ અલગ ભાવ નિષ્પન્ન કરવાની એ છબીઓને જાણે હેવા પડી ગઈ છે. પોલિયોથી પીડાતી કિશોરીનાં ફોટોગ્રાફની આગળ બાળકોનું દોડવું. બાળકોનું દોડવું એ છબીમાં બ્લર દેખાય છે. ‘બ્લર’ ઈંગિત કરે છે કે કિશોરીની આંખ આગળ તેનું બાળપણ પણ આવું જ છે. સાવેય ધૂંધળું ભાસતું! એમની ફોટોગ્રાફીમાં કરુણતાનું સંધાન બીજી રીતે પણ જોઈ શકાય. દિવાલને ફાડી ઉગી નીકળેલું થળ, જર્જરિત થઈ ગયેલા લાકડાના દરવાજાની ઉપર ગજરો, આ ‘ડિપ્ટિચ’ તસવીર વિષે જ્યોતિભાઈ કહે છે : ‘ભારતમાં આપઘાતનું પ્રમાણ ઘણું ઊંચું છે! તેમાં પણ મહિલાઓની ટકાવારી વધુ છે! ઘણી મહિલાઓ કૂવામાં પડીને આપઘાત કરતી હોય છે. ગજરાવાળી છબી, મૃત્યુ પછી કરાતી દંભી પણ મીઠી મીઠી વાતોનું પ્રતીક બની રહી.’

આ પ્રકારની કુલ છ છબીઓ જ્યોતિભાઈએ પાડેલી. બે તસવીરોને આલ્ફા, બેને વિટા અને બેને ઓમેગા એવું નામ આપ્યું. એને કહેવાય ડિપ્ટિચ. કલા ક્ષેત્રમાં ડિપ્ટિચની વ્યાખ્યા કંઈક એવી છે કે, “A diptych is an artwork consisting of two painted or carved panels.” – જ્યોતિ ભટ્ટ પુસ્તકમાં લખે છે, “ત્રણ ‘ડિપ્ટિચ’ની બનેલી આ ‘ડિપ્ટિચ’ dark roomમાં એક જ એન્લાર્જર છાપવાની હોવાથી તેની છ (6) ઈમેજિસ (images)ને યોગ્ય સ્થાને એકબીજા સાથે સમાન સ્વરૂપે છાપવાનું કામ ઘણું અઘરું હતું. પણ તેને કારણે મને ડાર્કરૂમ પ્રિન્ટિંગ અંગે ઘણું શીખવા પણ મળ્યું. હું મારી બહુ ગમતી કેટલીક છબીઓમાં આ ‘ડિપ્ટિચ’નો સમાવેશ કરું છું. જોકે આને માટે કોઈ પુરસ્કાર તો દૂર રહ્યા, કોઈ પાસેથી પ્રોત્સાહન શબ્દો પણ સાંભળવા મળ્યા નથી.”

પરંતુ જ્યોતિ ભટ્ટની ફોટોગ્રાફી કળાને માત્ર ટ્રેજડી સાથે લેવાદેવા નથી. ક્યારેક રમૂજી તસવીરો પણ અનાયાસે મળી રહે છે. આવા કિસ્સાઓમાં ‘ક્યાં? ક્યારે? કેમ?’ પૂર્ણ રીતે સાર્થક થવું જોઈએ. એક વખત તેઓ શાંતિનિકેતન તરફ જતાં હતાં. રસ્તામાં ટિકિટબારી પર નજર પડી. ઊપર લખેલું, ચોવીસ કલાક ખુલી. જોકે બારી બંધ અને તસવીરનું સૌથી મોટું સાનંદાશ્ચર્ય એ કે તેની આગળ લૂંગી અને ગંજી પહેરેલો એક યુવાન ઊંઘી રહ્યો છે. જેને આપણે ટિકિટબારીનાં તંત્ર સાથે સરખાવી શકીએ. આ સાથે યુવા તસવીરકાર હર્ષ ત્રિવેદીની એક તસવીરનું પણ સ્મરણ થઈ આવે છે. એક વખત તેઓ હિમાચલના પ્રવાસે ગયેલા. ત્યાં તેમની આગળ બોર્ડ લખેલો આવ્યો કે ઉર્જા બચાવો. અને ભરબપોરે ત્યાં લાઈટ ઝળહળી રહી હતી.

જ્યોતિ ભટ્ટની તસવીરકળા સમયવર્તી છે. પોલિશ ફિલ્મ દિગ્દર્શક krzysztof kieślowskiની દસ્તાવેજી ફિલ્મ Talking Headsની યાદ અપાવે છે. ચહેરાઓ કંઈક ગૂઢ અર્થ નિષ્પન્ન કરી જાય છે. હાસ્ય અને કરુણા બેઉંનું સંયોજન એમના કેમેરાએ બરાબરનું સાધ્યું છે અને સોશિયલ ફોટોજેનિક ઇફેક્ટ ઉપજાવી છે.

jyoti bhatt

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments