મયૂર ખાવડુ: કોઈ એને ભૂંડ કહે, કોઈ ભૂરણા, કોઈ ભૂંડળું… લહિયાને ફાવે એવું રાખીએ તો હું એને કહું ભૂરણું. બા બીમાર એટલે હું ઠામડા ઉટકું. ઘરનું કામકાજ પતાવું. એ કામકાજમાં વારેવારે મારે બાવળના ઝાડની પાસે કંઈ ને કંઈ ફેંકવાનું હોય. આઠના ટકોરે નાળિયેરીનો ત્રોફો ફેંકું. અગિયાર વાગતા નારંગી કે સંતરાના છોતરા ફેકું. ચાર વાગતા લીબું ફેંકું. હું જોઉં કે બધું ખાવા ટેવાયેલા આ ભૂરણાઓ ખાટું તો ખાતા જ નથી. સાંયત્રિકની જેમ સુંઘે અને જવા દે. હું બધો રસકસ ચૂંસી ગયો હોઈશ એટલે તો નહીં હોય ને? અનુયોગ કરવા માટે મેં એક અડધું લીંબું બાવળના ઝાડની પાસે નાખી જોયું. અવાજ થતા જ કાન સરવા કરી ચારેક ભૂરણા દોડતાં આવ્યાં. એક બીજાને પુંઠેથી ધક્કા મારતા જાય અને ખાવાની વસ્તુમાં પોતાનો પ્રથમ અધિકાર જમાવવા ભાગતા આવે. એક નજીક આવ્યું, એણે સૂંઘ્યું અને ચાલ્યું ગયું. આમ જ બીજું, ત્રીજું અને ચોથું પણ. ભૂંડનું ભંડોળ અપ્રત્યાશિત ભોજન જોઈ પરત ફર્યું. હું તો અચંબિત્ત થઈ ગયો. આને તો વીટામીન સી ગ્રહણ જ નથી કરવું.

બાવળના ઝાડની બિલકુલ સામે અને અમારી પાછળના ઈલાકામાં, જ્યાં મારી નજર નાખી નંખાતી નથી, ત્યાં કોઈ કોઈ વખત ભૂરણાઓ બિલ્લી પગે ઘુસપેઠ કરવા જાય. બપોરનું ટાણું હોય ત્યારે તો ખાસ, કારણ કે પાછળ રહેલા લોકો એઠવાડ ફેંકે. ભૂરણા વાસણનો ઠક ઠક અવાજ સાંભળી ધસમસતા દોડે. હજુ તો થોડી વાર થઈ હોય ને પાછા હૂહૂહૂહૂ કરતાં આવે. ભૂરણાઓનો અવાજ વધી જાય એટલે બાપુજી બાવળના ઝાડની બાજુ આવે. હું પણ કૂતુહલવશ બાપુજીની બાજુમાં ઊભો રહી જાઉં. બાપુજી કહે, ‘શિકારી કૂતરા છે, જોજે હો હમણાં.’
હું એમની વાતનો વિરોધ નોંધાવું, ‘ના, એ ખાલી એને ભગાડવા આવ્યા છે.’
ચાર હટ્ટાકટ્ટા કૂતરાં. એના કદાવર દેહને જોઈ મને રાતના બે વાગ્યે આવ્યા તે દાડાનું સ્મરણ થઈ આવ્યું. ચારે કૂતરાઓ ચારે બાજુથી ભૂરણાઓને ઘેરી લે અને પેલું ભૂરણું તો સ્થિતપ્રજ્ઞ થઈને આંખના ડોળાને પૂંછડીએ ચોંટાડી મૂર્તિવત્ થઈ ગયું હોય. કૂતરો બે વખત ભસે તોપણ ભૂરણાનો આંખ અને પૂંછડી સાથેનો સંપર્ક તૂટે નહીં. એરિયલ જેવું કામકાજ. કૂતરો વધારે નજીક આવે. ભૂરણું કદમાં હટ્ટુકટ્ટુ એટલે એને છોડી પછી નાના ઉપર હુમલો કરે. ભૂરણાના નાના બચ્ચા તો બચવા માટે આમ તેમ બાવળના ઝાડની નજીક ભાગતા હોય. પછી તો એનેય રમત ચડે. કૂતરો બાવળના ઝાડની આગળ પાછળ ઘૂરકિયાં કરતો ભાગે અને પેલું ભૂરણાંનું બચ્ચું આર્તનાદ કરતું વર્તુળાકાર ઘુમે. કૂતરો પણ સમજી જાય કે આ નવી કૂંપળ ફૂટી લાગે છે.

તાલાલાની નરસિંહ ટેકરીમાં છોકરાઓ પકડા પકડી રમતા, ત્યારે જેને પકડવાનો હોય એ પકડનાર પકડવા સુધી આવી જતાં જગ્યાએથી પગને રિવર્સ ખસેડી ભાગે અને જેના પર દાવ હોય એને હંફાવે તેમ આ ભૂરણાંનું બચ્ચુ તેનાથી કદમાં બે ગણાં કૂતરાને હંફાવતું હતું. કૂતરો થાકી જાય. એની જીભ બહાર નીકળી જાય એટલે ભૂરણું પોતાની દિશા બાજુ પગ વાળે. એ ભાગે એટલે એની પાછળ બીજા ત્રણ કૂતરાઓ પણ દોટ મૂકે. આ નિત્ય વ્યવહાર. ભૂરણું રાબેતા મુજબ બચી ગયું હોય. કૂતરાઓ તેને તેની જગ્યા દેખાડી ભસતાં હોય અને પોતાના ઘર બાજુ ન આવવાની ધમકી ઉચ્ચારતા હોય. ખરેખર તો એ કૂતરાઓનું પરાજયગીત અને ભૂરણાંઓનું જયગીત છે. ભૂરણાઓ થોડા સુધરે. બીજા દિવસે આ મેટીની શૉ પાછો ચાલુ થાય. નવી ઘોડી ને નવો દાવ. ઝપાઝપી ને ધબધબાટીયું. બાપુજી આવે અને પાછું બોલે, ‘શિકારી છે હો.’

શ્યામ અને ધવલ રંગથી મિશ્રિત બિલાડીએ પણ મને ખાસ્સો મોહિત કર્યો. એ બાવળના ઝાડની આસપાસ જ ક્યાંક લટાર મારતી હોય. હું જ્યારે પણ જોઉં તેના મોઢામાં એક કાચિંડો હોય. એ સામેના ભાઈના વાડામાં આટો મારી આવે. તેના ઘાસમાંથી એક કાચિંડો લઈ આવે. રોજ એક કાંચિડો લાવે તોય ખૂટે નહીં. હું બાવળના ઝાડ પર જોઉં એટલે ડોકને ઉપર નીચે કરતો એક કાચિંડો દેખાય જ જાય. કાળી-સફેદ કલરની બિલાડી આવે અને કાચિંડાને ઉપાડી જાય. બિલાડી માટે બાવળનું એ ઝાડ તેના પોષણનું કારખાનું બની ગયેલું.

એ બિલાડીનું પછી મેં નામ પાડી નાખ્યું. મીની. જે જીભ પર રમતું રમતું આવ્યું તે જ પાડી નાખ્યું. અમે રાતના જમવા બેસીએ એટલે મ્યાઉં કરતી બારસાખની પાસે આવી ઉભી રહી જાય. પણ સંસ્કારી ખરી. એને પણ ખબર કે પારકાના ઘરમાં ઘુસાઈ નહીં. કોઈએ નક્કી ભૂતકાળમાં ઘરમાં ઘુસ્યા બદલ લાકડાના ડામ દીધા હશે.

મીની બાવળના ઝાડ પાસે આવેલી વંડી ટપી મારા ઘરમાં પ્રવેશે અને ખાવાનો ઓર્ડર આપે. મારો ભાઈ તેને રોટલી નાખે, પણ રોટલીને અડકે નહીં. ખબર પડતા વાર ન લાગી કે મીનીને ઠંડી નહી પણ ઉની ઉની રોટલી જોઈએ છે. રાતના તેના માટે ખાસ એક ગરમ રોટલી તૈયાર થાય. એ અડધી ખાઈ. બાકીના કટકા વેરણ છેરણ થઈને પડ્યા રહે. એને ઉઠાવી હું દિવાલેથી દેખાતા બાવળના ઝાડની પાસે ઘા કરું. અવાજ થતાં તો ભૂરણાઓ દોડતા આવે અને વેક્યુમક્લિનર જેવું એનું મોઢું જમીન સાથે ઘસવા લાગે. કુદરતના આ વેક્યુમક્લિનરમાં પેલો હુહુહુહુ કરતો અવાજ પણ ભળે.

ઉનાની મચ્છી ખૂબ વખણાઈ. ખાધી ખરી પણ લેવાનો જરાય અનુભવ નહીં. તોપણ જઈને ભાંગરો માછલી લઈ આવ્યા. એ માછલી વેચનારી બહેને કહ્યું કે સારી છે ત્યારે જ તેના પર ઘર જેવી આસ્તિક્ય બુદ્ધિ મૂકી ખરીદી. ઘરે ભાંગરો બનાવી કે તેની સુગંધ મીની સહિતના જાનવરોની ધ્રાણેન્દ્રિયમાં હબ કરતી પેસી ગઈ. બધા બાવળના ઝાડની પાસે એકઠા થઈ ગયાં. મીનીનું તો મહારાણી જેવું અદકેરું સ્થાન. એ સીધી ઘરના બારણે આવીને બેસી ગઈ. મ્યાઉં… મ્યાઉં… મ્યાઉં કર્યા રાખે અને એને પ્રથમ અધિકાર છે એવું જતાવ્યા રાખે. દિવાલની પછીતે જોઉં તો કૂતરાઓ વેઈટિંગ લિસ્ટમાં ઊભા હતા. એમાં એક વ્યાયેલી કૂતરી પણ ખરી. એ ગરીબડી આંખે મારી સામે જુએ. ભાંગરોના કાટા નીકળ્યાં એ મેં કોથળીમાં પૂરી, મીનીને આપવા માટે બાવળના ઝાડની નજીક ફેંક્યા. મીની દિવાલ ઠેકીને ગઈ અને કોથળીમાં ભરેલા માછલીના કાંટા લઈ પાછી અંદર આવી ગઈ. હું ગુસ્સે ભરાયો. હમણાં બધું અસ્તવ્યસ્ત કરી નાખશે. મીનીને હટાવવા માટે શું કરવું તેના વિચારમાં ને વિચારમાં મારા હાથમાં સાવરણી આવી ગઈ. ઉપાડીને હું મીનીની દિશામાં દોડ્યો. મીની પગથિયાંની નીચે એનું ટીફિન ખોલવાની તૈયારીમાં જ હતી. જેવો મારો ચહેરો જોયો કે સમજી ગઈ કે આ પેલા મૃદુ હ્રદયના ભાઈ તો નથી જ. પોટલું ખોલ્યા વિના દિવાલ ટપી બાવળના ઝાડ પાસે ભાગવા ગઈ કે મેં સાવરણી તેના પૂઠે મારે. મારી સાવરણીના ધક્કાથી મીની ક્યાંય જઈ પડી.

માછલીના કાટાનું પોટલું લીધું અને બહાર ઉભેલી કૂતરીને નાખ્યું. એ ખાવા લાગી. નજીક કોઈ કૂતરા આવે તો એને વડકા ભરીને ભગાડવા લાગી. રીતસરનો પોતાનો અધિકાર જમાવી દીધો. એક પછી એક બુકડક બુકડક બધું પતાવી નાખ્યા પછી જીભ કાઢી મારી પાસે વધારે માછલીની આશા સેવવા માંડી. હું બાવળના ઝાડને તેના સાથીઓ સાથે એકલો છોડી ઘરમાં પ્રવેશી ગયો.
(ક્રમશ:)
(બાવળનું ઝાડ અને બીજી વાતો, લખ્યા તારીખ-25-4-2021)
તાજેતાજો ઘાણવો
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ
- દલિત સગીરા સાથે 2 મહિના સુધી બર્બરતા? સામુહિક દુષ્કર્મ, ગૌમાંસ ખવડાવ્યું? હાથમાં એસિડ નાખી ‘ઓમ’નું ટેટું હટાવ્યું !