Homeવિશેષકોલેજકથા - હરામી કુલ્ફી

કોલેજકથા – હરામી કુલ્ફી

Team Chabuk-Creative Desk: એણે ઝડપથી દફતરનો નીકળી ગયેલો પટ્ટો ઠીક કર્યો અને ભાગ્યો, પાછળ કાર્તિક બાઘાની જેમ દોડતો હતો. દફતરની અંદર રહેલા કંપાસે ભારે કલશોર મચાવ્યો અને કૂતરાઓને પણ જાણ કરી. એક કૂતરો એને કરડવા દોડ્યો તો તેણે પથ્થર મારી ભગાડી મૂક્યો. ઉનાળાની ગરમીએ બેઉંને પરસેવે રેબઝેબ કરી હંફાવી દીધા. ભગાડેલા કૂતરાની જેમ જીભ બહાર કાઢી, ઘૂંટણે હાથ મૂકી, રઘુવીર અન્યમનસ્ક બની ઉભો રહી ગયો. એના દફતરનું આખું વજન પીઠ ઉપર ઝળૂંબી રહ્યું હતું. ફેફસામાં ફુગ્ગાની જેમ ફુલાતો શ્વાસ મોઢા વાટે બહાર નીકળ્યો, એણે શ્વાસની સાથે થૂંકને પણ બહાર કાઢ્યું.

‘બઉં દૂર આવી ગયા નહીં….’ વધારે ભાગવાથી કાર્તિકના સ્વરમાં કંપન આવી ગયું.

હોઠ ઉપર જીભ ફેરવતો રઘુવીર મેદાને પહોંચતા તો પહેલા કરતા વધારે સ્ફૂર્તિથી ભાગવા લાગ્યો. પ્રેમિકાનો ચહેરો આંખ સામે તરી આવ્યો અને થાક અકૂપરિમાં ડૂબી ગયો. પગ હરણની પેઠે ભાગ્યા. અંતે એ અવાવરુ કૂવે આવી પહોંચ્યા. કૂવાની અંદર અને બહાર બંને જગ્યાએ કબૂતરોની અવિરત ઈશ્કબાજી ચાલતી. નર કબૂતરો આ કબૂતરોના પ્રેમપાઠનું નિરીક્ષણ કરે. માણસોની આંખથી જોજન દૂર અને હ્રદય સિવાય પણ અહીં આશિકો ઘણો મેળાપ કરી લેતા. અવાવરુ કૂવો આશિકોનો અડીખમ કિલ્લો હતો. એ સામે એક ખંડેર છે. ત્યાં કોન્ડમના પેકેટ ઈશ્કબાઝીની ચાડી ફૂંકે છે.

આજે અહીં બપોરના ટાણે કોઈ નહોતું અને એ હજુ આવી નહોતી. કાર્તિક અને રઘુવીર કૂવાની બાજુમાં ઉભા ફાટી નીકળેલા વડલાના ઝાડ પર ચડી બેસી ગયા. દફતરને વડલાની એક ડાળી ઉપર વેતાળની જેમ ટીંગાડી દીધું.

‘એ કેવી રીતે તને મળી?’

‘લાંબી વાર્તા છે. લેવડ દેવડથી પ્રેમ થઈ ગયો.’

‘એ તો તારાથી બઉ મોટી છે, કોલેજમાં ભણે છે અને તું અગિયારમાં ધોરણમાં જ છો.’

‘એને રસ છે અને મને એનાથી વધારે છે…’ રઘુવીર કાર્તિક આગળ મસ્તીભર્યું હસ્યો. કાર્તિક એક નંબરનો બીકણો હતો. ધમકી આપો તો કોઈને ચાડી ફૂંકે નહીં. ઘરેથી એકલા નીકળવાની પરવાનગી નહોતી એટલે રઘુવીરે કાર્તિકની સાથે જાઉં છું નું બહાનું કાઢી છટકી ગયેલો અને પ્રેમિકાને મળવા અવાવરું કૂવે આવી પહોંચ્યો હતો.

‘તમે કેમ મળ્યા?’ કાર્તિકે ફરી સન્નાટામાં કાંકરો ફેંક્યો.

રઘુવીરને કમકમાં આવી ગયા. રિસેસના એ દિવસનું ભીનું ભીનું સ્મરણ થતાં એના શરીરે ધ્રૂજારી આવી ગઈ. એનું હૈયું જોરથી ધબકવા લાગ્યું. પોતે હાઈસ્કૂલની પાછળ આવેલી કોલેજ પાસેથી બે રૂપિયાની કુલ્ફી ચાટતો પસાર થતો હતો. એક છોકરીએ તેને છૂછૂ… કરી નજીક બોલાવ્યો. બકરીને ગદબ નાખો અને અપલક નેત્રે તાકતી પાછળ ચાલી આવે એમ રઘુવીર ચાલ્યો ગયો. મુલાયમ ગાલ અને માખણ જેવા હોઠ ધરાવતી છોકરીએ રઘુવીરના અખંડિત હ્રદયમાં મંદિરની મૂર્તિની જેમ ચીરસ્થાયી જગ્યા લઈ લીધી. એનો ઉજળો ગોરો વાન એને આકર્ષવા લાગ્યો. પવનનો એક હળવો થડકો આવ્યો અને એની છાતી પર રહેલી ચુંદડીને હટાવી ગયો. રઘુવીરની નજર એ ઠેકાણે ગઈ જ્યાંથી હટાવવાનું કોઈ પુરુષને મન ન થાય. એના કલેવરમાં થઈ રહેલા ફેરફારને છોકરી ભાપી ગઈ અને તુરંત રઘુવીરની આંખથી પયોધરનું રક્ષણ કરતા પવને કરેલી ગુસ્તાખીને છુપાવી દીધી. છાતી પરનો અર્ધ અનાવૃત ગોરો પહાડ ઢંકાઈ ગયો.

રઘુવીરના મોઢામાં અડધી કુલ્ફી રહી ગઈ અને એ ભેંસની જેમ ડોળા ફાડતો જોયા રાખ્યો. છોકરીએ બે વખત ઈશારો કર્યો અને તેના છોકરવાદી લક્ષણ પર હસી એટલે ભોઠો પડેલો રઘુવીર આગળ આવ્યો. બારીની નજીક જતાં પહેલા સિંહાવલોકન કરી લીધું.

‘એક કુલ્ફી લઈ આવી દે.’ છોકરીએ બે રૂપિયાની નોટ રઘુવીરના હાથમાં મૂકી.

એ ઝપાટાભેર દોડતો ગયો અને પાછો આવ્યો. છોકરીના હાથમાં કુલ્ફી મૂકી અને સાથે એનું હ્રદય પણ મૂકી દીધું. બસ, આટલી અમથી ઘટના હતી. રિસેસ પડતા રોજ રઘુવીર કોલેજની બારી પાસે હરાયું ઢોર રોટલી ખાવા ઉભું રહે એમ ઉભો રહી જાય. એની આંખોમાંથી પ્રેમની સરવાણી ફૂટી રહી હોય. નજર છોકરીની આંખ સામે હોય. ખરો ઈશ્કનો વંટોળ તો એની પીંગળી આંખે જ માંડ્યો હતો.

રઘુવીરનો આ પહેલો પ્રેમ હતો. ભણવાના ચોપડાની આડશે ગુજરી બજારથી લીધેલી શાયરીની જર્જરીત ચોપડીઓ વાંચવા લાગ્યો. એનાં અંત:કરણમાં પહેલા તો એ વિચારનો ફણગો ફૂટ્યો કે છોકરી મને ચાહે છે એની ખબર કેમ પડે?

એના અનુભવરહિત માનસે જ કેફિયત આપી દીધી, ‘એ તારી પાસેથી રોજ કુલ્ફી મંગાવે છે.’

એણે લાગણીઓને છાતીમાં દાબી રાખી. અહર્નિશ આવતા એના વિચારો પાનાઓમાં તેના નામ સાથે કેદ થઈ જતાં હતાં. રિસેસ સિવાય તો એની સાથે કોઈ દિવસ મેળાપ જ ન થતો. રઘુવીરે એને મહાત્મા ગાંધી ચોક તરફ જતી જોઈ હતી. અનાયાસે એ રવિવારની રજાએ ત્યાં પહોંચી ગયો અને તેની વાટ જોવા લાગ્યો. એ આવશે તો ખરી, સામેની સ્ટેશનરીમાંથી નોટબુક ખરીદવા માટે, અહીં શાકભાજીની લારીઓ છે, તો શાકભાજી લેવા માટે, અહીં ટ્યૂશન ક્લાસિસ છે તો ટ્યૂશન ક્લાસિસમાં, બંગડીઓની દુકાન છે તો ત્યાં… એનું માથું વિચારોનું હવેજ બની ગયું હતું. એ ત્યાં ઉભો રહ્યો પણ કોઈ ન આવ્યું. બે ચાર સુંદરીઓ પાછળથી એના જેવી લાગી પણ આગળથી એ નહોતી. રઘુવીરને થઈ ગયું, પાછળથી આ છોકરીઓ પ્રેમિકાની યાદ કેમ અપાવે છે? અને એ મારી પ્રેમિકા પણ છે કે નહીં એની મને ક્યાં જાણ છે.

અખબારોમાં તેને રસ પડ્યો. સ્ત્રીઓની છઠ્ઠી ઈન્દ્રિય વિશે તેણે વાંચ્યું અને મનોમન માની લીધું કે, તેને ખબર પડી ગઈ છે કે હું તેને ચાહું છું. એ અરીસા સામે ગયો, પાછળ કોઈ નથી એ તેના ચક્ષુઓએ બારીકાઈથી જોયું અને પછી એક અકળ સ્મિત ચહેરા પર લાવી થોડું શરમાઈ ગયો. એના ચિત્તમાં ફિલ્મી ગીતોના વમળ ઉઠવા લાગ્યા. છાતીમાં કંઈક ધાણી જેવું ફૂટતું હોય એવું તેણે અનુભવ્યું. શ્વાસમાં ઉત્તેજના આવી ગઈ હતી. પહેલા એને તૈયાર થવું નહોતું ગમતું પછી ગમવા લાગ્યું. અખબારોની પૂર્તિના કોઈ ખૂણામાંથી જ તેણે વાંચ્યું કે મોટી વયની છોકરી અને નાની વયનો છોકરો હોય તો સંબંધો ઉષ્માભર્યાં રહે છે. એ થોડું વધુ મલકાયો. એને મજા આવી.

બારી પાસે કુલ્ફી લઈ એ પહોંચી જતો. રીસેસમાં પડતા ડંકા સિવાયનું જીવન એને વિષાદભર્યું લાગતું હતું. એ જ્યારે એના હાથમાં કુલ્ફી આપતો ત્યારે તેના ચહેરા પરનું સ્મિત એના હૈયાના ધબકારા વધારી દેતું હતું. કુલ્ફી આપવાનો સમય ત્વરિત પસાર થઈ જતો. એ હાથ અડકી ન જાય એની કાળજી રાખતી. કોઈ કોઈ વખત મોજમાં હોય, તો બારી બહાર હાથ કાઢી રઘુવીરના માથે ફેરવી લેતી અને પછી હસી લેતી. એ સ્મિતનું રહસ્ય તેને સમજાતું નહીં. રાતના ઓશિકા પર માથું ઢાળી, માથા પર હાથ રાખી એ સાત ફેરા ફેરી લેતો!

‘એ ત્રીજા વર્ષમાં હશે ત્યારે હું કોલેજના પહેલા વર્ષમાં હોઈશ.’ એક ગણિત તો એણે માંડી જ લીધું હતું. એ ચાહનામાં જ રઘુવીર ઉંચા માર્કે પાસ થવા લાગ્યો. જે એના સાહેબ માટે પણ આશ્ચર્યનો મુદ્દો હતો.

ને એ દિવસે કુલ્ફી આપ્યા પછી, જતાં જતાં તેના કાને એના મુખની વાત સાંભળી. એ એની પ્રિય સખીને કહી રહી હતી, ‘અવાવરુ કૂવે મળવા જવાનું છે.’ એનાં હાસ્યમાં સંકોચ પ્રવેશ્યાનો નાદ રઘુવીરે સાંભળેલો.

એ રઘુવીરને છૂપુ આમંત્રણ આપી રહી હતી! રઘુવીરને ઈજન લાગ્યું!

‘નીચે… નીચે… નીચે… નીચે…’ કાર્તિકના સ્વરે રઘુવીરના ભૂતકાળમાં ખલેલ પહોંચાડી, ‘દફતર લઈ લે.’

‘કેમ?’

‘સામે જો.’ કાર્તિકે આંગળી ચીંધી, સામે રઘુવીરનો મોટો ભાઈ સેવક દેખાયો. રઘુવીરને એ દીઠો નહોતો ગમતો. એણે આજુબાજુ જોયું અને મ્લાન ચહેરે ત્યાંથી પાછો ચાલ્યો ગયો.

‘આપણને શોધવા આવ્યો હશે?’ કાર્તિકે ભીતિ સેવી. તેની ધાસ્તી સામે રઘુવીરે ખાલી ગરદન હલાવી. સેવકના ગયા પછી બેઉંના ગળા બગલાની પેઠે ઉંચા થયા. ડોકમાં બાઝેલો પરસેવો છારી વળવાની તૈયારીમાં હતો. ઉનાળો પાણીનો રસકસ અસ્તાચલમાં ઉતારી રહ્યો હતો. મેદાનની સામે રહેલું પીપળાનું ભેંકાર ઝાડ પણ પવનની થપાટથી ઘુરકારિયું કરતું હતું. પવનની અનુપસ્થિતિમાં મેદાન પર સપાટો બોલી ગયો હોય એવું લાગતું હતું. એકાએક સાઈકલની ટંકોરી સંભળાઈ.

‘એ આવી…? આવી લાગે છે….?’ કાર્તિક ભમરાની જેમ ગણગણ્યો.

રઘુવીરે સામેના ખૂણે જોયું. એ જ હતી. એ સાઈકલ લઈ ખંડેર બાજુ જઈ રહી હતી.

‘ત્યાં શું દાટ્યું છે?’ કાર્તિક એટલો પણ ભોળો નહોતો કે ખંડેરની અંદર ચાલતી અભીપ્સાને ન સમજે. એ ઈન્દ્રિયસુખનું ખંડેર હતું. કાર્તિકને આવા સમયે બોલવું ઉચિત ન લાગ્યું. રઘુવીરને પણ ખંડેરની અંદર જતી એ દેખાય અને અલોપ થઈ ગઈ.

રઘુવીર અને કાર્તિક ખંડેર બાજુ સુસ્ત ડગલે ચાલ્યા. કાર્તિકના મનમાં કંડારાયેલા કામનાના ચિત્રે રંગો પૂરવાના શરુ કરી દીધાં હતાં. સ્ત્રી અને પુરુષનું અવ્યાપ્ત ચિત્ર. હ્રદયમાં થડકો સંઘરી એ બેઉં ખંડેર પાસે પહોંચી ગયા. બહાર દિવાલના ટેકે ઉભી રાખેલી સાઈકલમાં ચાવી કાઢવાનું તે ભૂલી ગયેલી. અંદરનું વાતાવરણ ધબકતું લાગતું હતું. કંઈક હાંફતું સંભળાયું. કોઈનો ચીસયાટો ગળામાંથી ઉગમ થવા તલપાપડ થતો હતો, પણ જાણે મોઢામાં કંઈ બાંધી દીધું હોય એવું લાગતું હતું.

ખંડેરની એ જગ્યાએ ઘાસ ઉપર તેને બે શરીર દેખાયા. રઘુવીરે એનું મુખ વજ્ર જેવા હાથેથી દબાતું જોયું. એના બંને ટાંટિયા કપાયેલા હોય એમ હવામાં અધ્ધર લબડતા હતા. કણસતો અવાજ મુખમાંથી બહાર નીકળવા થનગની રહ્યો હતો. એ ધ્વનિ દ્વિરેફના ગુંજન જેવો લાગતો હતો. એની આંખોમાં વરતાતી પુષ્કળ પ્રસન્નતા જોઈ રઘુવીર ઝપાટાભેર ખંડેરની બહાર નીકળી ગયો. હજુ એના શિથિલ ઘાંટાનો બહિર્ભવ થઈ રહ્યો હતો. એને એની સાઈકલ દેખાઈ. કાર્તિકને પાછળ બેસાડી રઘુવીર ખુલ્લા મેદાન તરફ બબડતો નીકળી પડ્યો, ‘હરામી કુલ્ફી….’

shree-hari-jyotish

તાજેતાજો ઘાણવો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments