Homeવિશેષરણથંભોરના વાઘ: મછલીએ 14 ફૂટની મગરને પાણી પીવડાવેલું, સુલતાને બે વર્ષની ઉંમરે...

રણથંભોરના વાઘ: મછલીએ 14 ફૂટની મગરને પાણી પીવડાવેલું, સુલતાને બે વર્ષની ઉંમરે નીલગાયનું ઢીમ ઢાળી દીધેલું

Team Chabuk-Special Desk: 2016માં આવેલી મસ્તમજાની ફિલ્મ જંગલ બુકમાં જે વાઘ બતાવવામાં આવ્યો તેવો વાઘ હોય ખરો ? હોય પણ જેટલો ખૂંખાર બતાવવામાં આવ્યો તેટલા ખૂંખાર તો નથી. સાચું કહું તો તેનાથી પણ વધારે ખૂંખાર છે. વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે ખાસ્સુ અંતર હોય છે. જોકે વાઘ કાંઈ બિલાડી નથી. તેનાથી જોજન દૂર છેટું રહેવું જ સારું. આમ પણ વાઘની બ્રિડાલ જાતિ તેની આદમખોરી માટે જાણીતી હોય છે. વિશ્વાસ ન આવતો હોય તો જીમ કોર્બેટે લખેલા ઈતિહાસમાં ખંખોળિયું ખાઈ આવો. એમાં આડ વાત એ કે જંગલ ખાતાની મહેનતના કારણે હવે વાઘ માનવવસતિ બાજુ જતાં નથી. કોઈ કોઈ વખત ગુજરાતની બોર્ડર સુધી લાંબા થઈ જાય છે ત્યારે મિડિયા દેકારો કરી મૂકે છે. ગીરમાં જે રીતે સિંહો વધી રહ્યાં છે, તે રીતે ભારતમાં વાઘ નથી વધી રહ્યાં, તે અંગેનું ચિંતન કરતા ફકરાઓ સેવ ટાઈગર દિવસે દેખાશે. હા, સિંહો કરતાં તેમની સંખ્યા વધારે છે, પણ જંગલનો વિસ્તાર જોતા ખૂબ ઓછી હોય તેવું લાગે. કેટલાક બિમારીના કારણે મૃત્યુ પામે, કેટલાક ઈનફાઈટમાં મૃત્યુ પામે, કેટલાક ઉંમરના કારણે મૃત્યુ પામે, કેટલાક કુદરતી આફતમાં મૃત્યુ પામે. આ લેખ વાંચ્યા બાદ વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી શા માટે છે તેનો ખ્યાલ તમને આવી જશે. ચાલો રણથંભોરનાં આવા જ કેટલાક લોકપ્રિય વાઘોની વાત કરીએ.

મછલી T-16 (1997-2016)

2008-09માં નેશનલ જ્યોગ્રોફી જ્યારે પણ શરૂ કરો ત્યારે તેમાં એક વાઘણનો એપિસોડ રિપીટ ચાલતો હોય. આ વાઘણનું નામ મછલી. રણથંભોર નેશનલ પાર્કની અત્યાર સુધીની સૌથી સુંદર વાઘણ. નદી કિનારે જોવા મળતી એટલે તેનું નામ ‘લેડી ઓફ લેક્સ’ રાખેલું. દુ:ખની વાત એ છે કે સ્વતંત્રતાનાં બે દિવસ બાદ 18 ઓગસ્ટ 2016માં મછલીનું નિધન થયુ. ત્યાં સુધી કોઈને ખ્યાલ નહીં હોય કે મછલી એવી વાઘણ બની ગયેલી જેની દુનિયામાં સૌથી વધારે તસવીરો ખેંચાઈ હોય. 350 સ્કવેર માઈલનો એરિયા મછલીએ પોતાને હસ્તગત કરી લીધેલો. જ્યાં સુધી જીવી ત્યાં સુધી પોતાની પાસે જ રાખ્યો. મછલી માત્ર દેખાવ પુરતી સુંદર ન હતી. ખતરનાક અને તાકતવર પણ એટલી જ હતી. રણથંભોરમાં 62 એવા વાઘ છે, જેને અતિ સુંદર વાઘોની શ્રેણીમાં ત્યાંના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સ્થાન આપ્યું છે. મછલીનો પણ તેમાં સમાવેશ થતો હતો.

તો મછલી નામ એટલે પડ્યું કે, મછલી એટલે માછલી અને તેના ડાબા કાનમાં માછલી જેવો સિમ્બોલ હતો. બીજી વાત એ કે આ નામ તેને વારસામાં મળેલું, તેની માતાનું નામ પણ મછલી જ હતું અને તેને પણ આવો જ સિમ્બોલ હતો. વયસ્ક થઈને તેણે બે બચ્ચાને જન્મ આપ્યો. એક રણથંભોરની સુંદર માદા વાઘણ ‘સુંદરી’ અને બીજો સૌથી મોટો નર વાઘ ‘બામ્બુ રામ.’ બામ્બુ રામનું જ્યારે નિધન થયું ત્યારે તેની હાલત બિલ્કુલ જંગલ બુકના વાઘ જેવી હતી. પૂછળી કપાયેલી અને વિસ્તાર બચાવવા માટે જોવા મળતાં ઠેર ઠેર મર્દાના ઘાવ.

2002માં મછલી ફરી મા બની. આ વખતે પણ વાઘ અને વાઘણ. જૂમરૂ અને જૂમરી. માર્ચ 2004માં શર્મીલી અને બહાદુર. મછલી ત્રણવાર મા બની હોવા છતાં, તેના જુસ્સામાં કોઈ કમી ન હતી આવી. રણથંભોરનાં જંગલના એક એક પાંદડાને એ વાતની ખબર છે કે મછલીએ 14 ફૂટ લાંબા મગરને પાણી પીવડાવી દીધું હતું. તેના પર એટલી ફિલ્મો જર્નલો અને પુસ્તકો લખાયાં કે રણથંભોરનાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તેને લાઈફ ટાઈમ અચીવમેન્ટનો એવોર્ડ પણ આપી દીધો.

મછલી એ વાઘણ છે, જેણે રણથંભોર નેશનલ પાર્ક અને ભારત સરકારને 100 મિલિયનની કમાણી કરાવડાવી હતી. માણસોમાં લોકપ્રિયતા શીર્ષસ્થાને હોય છે તે જોયું હતું, પણ મછલીની લોકપ્રિયતા જાનવરોમાં શીર્ષ સ્થાને રહી. ગીરના જંગલમાં સિંહ છે, પણ કોઈ એવો સ્પેસિફિક સિંહ કે સિંહણ નથી જેને જ જોવા માટે દૂર દૂરથી લોકો આવે. રણથંભોરમાં ખાસ મછલીને જોવા માટે બસની બસ ઠલવાતી હતી.

સુંદરી T-17

આમ માનો તો સુંદરીને લેડી દુર્યોધન કહેવાય. તેણે પોતાની મા મછલી પાસેથી વિસ્તાર મેળવવા માટે જંગ છેડેલી. જંગમાં થોડો વિસ્તાર મછલીએ સુંદરીને આપી દીધો. રોચક વાત એ કે મછલીની માદા સંતાનો જન્મી તો તેના નામ પણ 17-18-19 આમ ક્રમશ: પાડવામાં આવ્યાં. તેમાંની મોટી T-17 એટલે સુંદરી. તેને તો પોતાની બહેનોના વિસ્તારોથી પણ ઈર્ષ્યા થતી એટલે તે પોતાની બહેનનાં પણ કેટલાક વિસ્તારને મેળવીને જ ઝંપી. આવી હરકતોના કારણે જ તેને કદાચ મા બનવાનું સુખ નહીં મળતું હોય. અંતે 2012માં તે મા બની. કોઈ ફિલ્મની પટકથાને ટક્કર મારે તેવી સુંદરીની વાર્તા છે. આ સંઘર્ષને પણ કાગળના પાનાં પર ઉતારવાની જરૂર છે. સુંદરીનો ઈતિહાસ તો કહ્યો તેનાં કરતાં ક્યાંય લાંબો છે.

સુલતાન T-72

રણથંભોરમાં નૂર નામની વાઘણનો ડંકો વાગતો હતો. તે જે શિકારની પાછળ પડે, તેનું આવી બન્યું. આ નૂરનો દીકરો એટલે સુલતાન. સુલતાન ચાર વર્ષનો હતો ત્યારે 2012માં પહેલીવાર દેખાયો. તેના પિતાનું નામ ઉસ્તાદ. જોકે સુલતાન તો ઉસ્તાદ કરતાં પણ સવાયો નીકળ્યો. સુલતાન બે વર્ષનો થયો ને તેણે નીલગાયનો શિકાર કરી લીધો. પિતા ઉસ્તાદને ખ્યાલ આવી ગયો કે આપણો વિસ્તાર હવે આપણા હાથમાં નથી. સુલતાન એવો વાઘ છે, જે ત્યાંની શેરબાઘ એટલે કે જીપનો દોડીને પીછો કરે છે.

ઉસ્તાદ- T-24

સુલતાનના બાપુજી ઉસ્તાદની વાર્તા બાળવાર્તાઓ જેવી છે. વર્ષો પહેલા એક ઝાલિમ નામનો વાઘ હતો. જે બધાના વિસ્તારો પર કબ્જો જમાવતો. જો ઝાલિમ દૃષ્ટ વાઘ નહોત તો તે રાઈઝીંગ સ્ટાર કહેવાત, પણ ઝાલિમે ઉસ્તાદ સાથે પંગો લીધો અને ઉસ્તાદે તેને ઊભી પૂંછડીએ ભગાડી દીધો. વાર્તા પૂરી. ઉસ્તાદને ઉસ્તાદ એટલા માટે કહેવાય છે કે, રણથંભોરમાં એન્ટર થાવ એટલે ગમે ત્યાં મળી જાય. રોડ ટપતા, પ્રવેશતા, નિકળતા… બસ, તમારા નસીબ હોવા જોઈએ. નૂર નામની વાઘણ સાથે તેના લગ્નજીવન જેવા સંબંધો. છૂટાછેડા લેવાના જ નહીં. અંત સુધી તેઓ સાથે રહ્યાં. પણ ઉસ્તાદને ખૂબ મોટો કિડો. 8 મે 2015ની ગરમીમાં તેને ચાનક ચડી અને રામપાલ સાઈની નામના ગાર્ડનું તેણે ઢીમ ટાળી દીધું. રણથંભોરમાં ગણેશનું મંદિર આવેલુ છે, ઉસ્તાદે ત્યાં જ રામપાલની આદમખોર બની હત્યા કરી નાખી. એ પછી ઉસ્તાદના વર્તનમાં ફર્ક આવવા લાગ્યો. તેણે માણસનું લોહી ચાખી લીધું હતું. હવે તે મેન ઈટર બની ગયો હતો. જે પછી ઉસ્તાદને ફોરેસ્ટ ગાર્ડે ખાનગી દેખરેખમાં રાખ્યો. આમ તો ઉસ્તાદને પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાનો હતો, પણ પછી ત્યાં પ્રાઈવેટ જંગલમાં રાખવામાં આવ્યો. આ ઉસ્તાદનો દીકરો એટલે સુલ્તાન. આદમખોરીનું લક્ષણ સુલતાનમાં પણ એટલે જ વારંવાર કૂદકો મારી જોવા મળે છે. એ જીપ પાછળ ભાગે છે.

બિના-1 બિના-2

બિના-1 અને બિના-2 આ બંન્ને બહેનો છે. માતાનું નામ કાચીંડા અને પિતા ડોલર. ડોલર ઉનકે જમાને કે ખૂંખાર શેર થે. કાચીંડાનું મોત થતાં સરપ્રાઈઝલી પિતા ડોલરે આ બંન્નેની સારસંભાળ રાખી. બાળપણમાં બિના-1ને જ્યારે પણ જુઓ ત્યારે તે ડોલરની આજુબાજુ જ હોય. સરકારી નિર્ણય મુજબ વયસ્ક થતા બંન્ને બહેનોને રણથંભોરથી 100 માઈલ દૂર આવેલા સારીસ્કા રિઝર્વ પાર્કમાં મુકી આવ્યાં. જેથી વાઘની વસતિમાં વધારો થાય. અને આ બંન્નેએ ત્યાં હેપ્પી ફેમિલી બનાવી. આ સિવાય તો રણથંભોરમાં સિતારા, માલા, ક્રિષ્ના (એથ્લેટ ક્રિષ્ના પુલયાના નામ પરથી),જંગલી જેવા કંઈ કેટલાય ફેમિલી વાઘ છે. અને હા, આ બધા એકબીજાના સગા થાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments