Team Chabuk-Political Desk: આ મેદાનની પ્રથમ ઝલક 2019ની સાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે લોકસભાની ચૂંટણી જીતવા માટે પ્રચાર કર્યો ત્યારે સામે આવી હતી. એ વખતે બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં જેટલી ભીડ ઉમટી એટલી ભીડ મમતા બેનર્જીના મહાગઠબંધનના સમયે પણ ભેગી નહોતી થઈ. જ્યારે દેશનાં એક એક ભાગનાં નેતાઓ બંગાળમાં મોદી વિરૂદ્ધ એકત્રિત થયાં હતાં. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાંથી હુંકાર ભરવાના છે અને બંગાળના ચૂંટણી અભિયાનને ધાર આપી ભાજપની જીતને વધારે મજબૂત કરશે, તે બંગાળનાં બ્રિગેડ ગ્રાઊન્ડનો ઈતિહાસ જોઈએ. જે બંગાળની મજબૂત ઓળખ બની ચૂક્યું છે.
બ્રિગેડ પરેડ મેદાનનો ઈતિહાસ
આ મેદાનના ઈતિહાસનો પ્રારંભ 1857થી શરૂ થાય છે. અંગ્રેજો પ્લાસીનું યુદ્ધ જીતીને બંગાળના માલિક બની બેઠા. એ પછી તેમણે ફોર્ટ વિલિયમ મહેલ બનાવડાવ્યો. જે ઈંગ્લેન્ડના ત્રીજા રાજા કિંગ વિલિયમના નામ પરથી છે. આ કિલ્લામાં રહેનારી અંગ્રેજ ફોજની પરેડ માટે એક મેદાનનું નિર્માણ કરાવવામાં આવ્યું. જેનું નામ બ્રિગેડ પરેડ ગ્રાઊન્ડ રાખવામાં આવ્યું.
અંગ્રેજોની વિદાય પછી વિલિયમ ફોર્ટ ભારતીય સૈન્યનાં કબ્જામાં આવી ગયું. જ્યાં હવે પૂર્વી કમાનનું મુખ્યાલય છે. એ જ કિલ્લાની સામે રહેલું બ્રિગેડ પરેડ ગ્રાઊન્ડ સરકારની સંપત્તિ બની ચૂક્યું છે. 28 ફેબ્રુઆરીનાં રોજ કોંગ્રેસ અને વામપંથી દળનું ગઠબંધન આ મેદાનમાં પોતાની હુંકાર ભરી ચૂક્યું છે.
1919માં પ્રથમ રાજનીતિક રેલી થઈ હતી
બ્રિગેડ પરેડ ગ્રાઊન્ડના ઈતિહાસની પહેલી રાજનીતિક રેલી આઝાદી પહેલા એટલે કે વર્ષ 1919ની સાલમાં થઈ હતી. એ વખતે ચિતરંજન દાસ અને અન્ય સ્વતંત્ર સેનાની રોલેટ એક્ટનાં વિરોધમાં આ મેદાનમાં જૂટેલા હતા અને ઓક્ટરલોની સ્મારકની પાસે બેઠક હતી. એ સ્મારકને આજે શહીદ મીનારના નામે ઓળખવામાં આવે છે.
આ મેદાનનો રાજનીતિની દૃષ્ટીએ સર્વપ્રથમ ઉપયોગ વામપંથી દળોએ કર્યો હતો. એમણે 1955ની સાલમાં 29 જાન્યુઆરીનાં રોજ સોવિયેત પ્રીમિયર નિકોલ એલેક્ઝેંડ્રોવિચ અને સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીના પહેલા સચિવ ખુશ્ચેવનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને તત્કાલીન મુખ્યમંત્રી વિધાનચંદ્ર રોયે એમને આમંત્રિત કર્યા હતા.
જય ભારત અને જય બાંગ્લાનો નારો પણ અહીંથી જ મળ્યો
બ્રિગેડ પરેડ ગ્રાઊન્ડ ખાતે 6 ફેબ્રુઆરી 1972નાં રોજ એક રેલી થઈ હતી. આશરે દસ લાખ લોકો બાંગ્લાદેશી પ્રધાનમંત્રી શેખ મુઝીબ-ઉર-રહેમાન અને ભારતની પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને સાંભળવા માટે એકઠા થયા હતા. ત્યારે બંગાળ પૂર્વ પાકિસ્તાનનો ભાગ હતું. એ વખતે બંગ બંધુ મુઝીબ-ઉર-રહમાને જય ભારત-જય બાંગ્લા નારો આપ્યો હતો.
કટોકટી સમયે પણ અવાજ ઉઠ્યો હતો
કટોકટીના સમયે 1977માં કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ બંને જગ્યાએ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. બંગાળમાં વામપંથી દળનાં હાથમાં સત્તા આવી ગઈ અને દેશમાં કોંગ્રેસ સિવાયના બીજા રાજનીતિક દળોનો ઉદય થવા લાગ્યો. એ વખતે વર્ષ 1984માં બ્રિગેડ પરેડ ગ્રાઊન્ડમાં એક રેલી આયોજીત કરવામાં આવી હતી.
આ રેલીમાં જ્યોતિ બસુ, એન.ટી રામારાવ, રામકૃષ્ણ હેગડે, ફારુક અબ્દુલ્લા, ચંદ્રશેખર અને ઈએમએસ નંબૂદરી પાદ સામેલ હતા. ત્યારે પરેડ ગ્રાઊન્ડ આ વિચારધારાનું સાક્ષી બન્યું. જે કોંગ્રેસ સિવાયના ગઠબંધનને મજબૂત કરતું હતું. આ મેદાનથી જ ઈન્દિરા ગાંધી સરકાર તરફથી લગાવવામાં આવેલ કટોકટી વિરૂદ્ધ અવાજ ઉઠ્યો.
આ મેદાનથી જ મમતાનો ઉદય થયો
1980 અને 90નાં દાયકામાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું રાજનીતિક કદ વધવાની શરૂઆત થઈ હતી. એ વખતે એમની ઓળખ કોંગ્રેસી તરીકેની હતી. કોંગ્રેસ પાર્ટીમાંથી તે પ્રચાર કરતી હતી. હકીકતે 25 નવેમ્બર 1992માં બ્રિગેડ પરેડ મેદાન પર એક રેલી થઈ હતી. જેની મુખ્ય સંયોજક મમતા બેનર્જી હતી. કોંગ્રેસે સીપીએમની વિરૂદ્ધ મમતા બેનર્જીને ચહેરો બનાવ્યો હતો.
મમતા બેનર્જીનો અવાજ બ્રિગેડ મેદાનમાં ગુંજ્યો અને એ બંગાળમાં વામપંથી દળની કાળ બની ગઈ. જોકે એ જ હુંકારનો શિકાર કોંગ્રેસ પણ થઈ. બેનર્જીએ નારો આપ્યો કે બદલો નહીં બદલાવ જોઈએ છે.
હવે જોવાનું એ છે કે આજે 7 માર્ચનાં રોજ રવિવારે થનારી રેલીમાં પરેડ ગ્રાઊન્ડ કઈ મોટી વાતનું સાક્ષી બને છે. આ પહેલા જ મમતા બેનર્જીના ગઢમાં ગાબડા પડવા લાગ્યા છે અને ભાજપ એક બાદ એક કદાવર નેતાઓને ખેંચી મમતાને એકલાતાનાં કિનારા પર ઊભું કરી રહ્યું છે. જોકે પ્રશાંત કિશોર કહી રહ્યા છે કે ભાજપને જો સો ઉપર સીટ મળે તો રાજનીતિક વ્યૂહરચના ઘડવાનું ત્યજી દઉં. આ વાત પણ આગળ જતા કેવો વળાંક લે છે એ જોવાનું રહેશે.
પરિવર્તન યાત્રા
પ્રધાનમંત્રીની રવિવારની રેલીને ભગવા દળ દ્વારા આ વર્ષનાં રોજ ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવેલી પરિવર્તન યાત્રાનું સમાપન કાર્યક્રમ માનવામાં આવી રહ્યું છે. ભાજપના એક નેતાનું કહેવું છે કે, પ્રધાનમંત્રી બ્રિગેડ પરેડ મેદાનમાં રેલીની સાથે ચૂંટણી અભિયાનનું બ્યુંગલ ફુકશે. ભાજપે આ રેલીને કોઈ પણ ભોગે સફળ બનાવવા માટે ભારે માત્રામાં ભીડ એકઠી કરવાનું ધ્યેય નિર્ધારિત કર્યું છે.
રાજ્યમાં આઠ તબક્કાઓમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ રવિવારે પશ્ચિમ બંગાળમાં આ ભાજપનો પ્રથમ મોટો કાર્યક્રમ છે. ઉલ્લેખનીય છે કે આ રેલીમાં પ્રધાનમંત્રીની સાથે સાથે બોલિવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી સહિતની હસ્તીઓ મંચ પર હાજર રહે તેવી શક્યતા છે.
જોકે, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનું કહેવું છે કે, મિથુનજીની ભાજપમાં સામેલ થવાની ચર્ચાને કોઈ અવકાશ જ નથી. આ પ્રકારની કોઈ ચર્ચા જ નથી થઈ. આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ બે ચરણની ચૂંટણી માટે ધારાસભ્યોના નામ જાહેર કરવાની વાત સામે રાખી હતી. છેલ્લી ઘડીએ પ્રધાનમંત્રીના આજના કાર્યક્રમના કારણે તેને ટાળી દેવામાં આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત