Team Chabuk : પિસ્તાલીસેક વર્ષની આસપાસનો એક આધેડ દોડીને પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો. બહાર આકરા ઉનાળાનો તાપ પડતો હતો. એની લૂ એનાં શરીરને ભરપૂર દઝાડી ગઈ હશે તેવું લાગતું હતું. ચામડીમાં કરચલીઓ પડી ગઈ હતી. એનો શ્વાસ ઊંચો-નીચો થતો હતો. આવા આકરા ઉનાળામાં ક્યાંક એ મુર્છિત થઈને ઢળી ન પડે તેવો વિચાર આવ્યા વિના રહેતો નહીં. સાહેબે અચાનક આવી ચડેલા આ ગવારની આંખોમાં તાક્યા વિના જ કોઈ આવી ધમક્યું છે એવો ભાસ થઈ જતાં પૂછ્યું, ‘બોલ શું કામ છે ?’
‘સાહેબ પેલો જગમાલ મારી જમીન હડપી લેશે.’ એણે વીલા મોઢે કહ્યું.
‘હડપી તો નથી લીધી ને ? માર્યો તો નથી ને ? ઘરમાં કોઈ છોરી છૈયાને કંઈ કર્યું તો નથી ને ?’ સામે ઊભેલા આધેડની માથે એણે એવા એવા સવાલોનો કચરો ઠાલવી દીધો કે બે ઘડી એ પોલીસ સ્ટેશને જ ઊભો છે કે બીજે ક્યાંક એવો વિચાર મનમાં પનપી ગયો.
તેણે ફરી હાથ જોડી કીધું, ‘સાહેબ મદદ તો કરો. છેલ્લા કેટલાય સમયથી ધમકીઓ આપ્યા રાખે છે.’
‘હું તારી મદદ તો કરું પણ હમણાં હમણાંથી કામનું ભારણ વધી ગયું છે. ચૂંટણીઓ માથે આવી ગઈ છે. તાલુકે બંને પક્ષોને સાચવવાની જવાબદારી છે. પાછા ગમે ત્યારે એનાં કાર્યકર્તાઓ આખો તાલુકો માથે લે એ પહેલા એમને રોકવાના. સ્થિતિ થાળે પાડવાની. મતદાન બરાબર કરાવવાનું ને ઉપરથી આ કોરોના… આ તો ચૂંટણી છે એટલે પાવતીઓ ફાડવાની નથી પણ જેવી ચૂંટણી પતી એટલે પાવતીઓ ફાડવામાં લાગી જવાનું છે. બોલ હું પહેલા કોનું કામ કરું ? લે, પાછી સરકાર ભરતી પણ નથી કરતી. પોલીસ સ્ટેશનમાં જોઈએ એટલા પોલીસવાળા હોય તો તો તારી મદદ માટે હમણાં એક જમાદારને મોકલી દઉં.’
‘સાહેબ પણ તમે એને કંઈક કહેશો તો એ ડરીને મારી જમીન નહીં હડપે.’
‘તને ખબર છે કેટલા ગુનાઓ દેશમાં થાય છે ? પાકિટ માર, દૃષ્કર્મીઓ, ખૂન, લૂંટ, છેતરપિંડી, છોકરીઓની છેડતી, કોલેજમાં કોઈ અણછાજતું ન બની જાય તેનું ધ્યાન રાખવાનું અને ઉપરથી હમણાં હમણાં આ ચૂંટણી.’
‘તો મારું કામ નહિં થાય ?’ એનો ચહેરો લાલઘુમ થઈ ગયો, પણ સામે જોયું કે કોણ છે તો એ ભીખ માગવા જેવી મુદ્રામાં આવી ગયો. જાણે સાહેબ એનું ગરીબડું ડાચું જોઈને હમણાં મદદનો કટકો ફેંકી આપશે.
‘હું ના નથી પાડતો પણ એક વખત ચૂંટણી પૂરી થવા દે. તાલુકા સુધીની જ વાત છે. બે ત્રણ ધમકીઓ આપે તો સહી લે જે પણ જમીન આપતો નહીં, ચૂંટણી પૂરી થાય એટલે એ જગમાલને હું જોઈ લઈશ. બસ, એક વખત ચૂંટણીમાં કોઈ નેતા જીતી જાય અને તને તો ખબર જ છે કે લખુજી જ જીતાવાના છે. એની સામે જે છે એ તો આ ભર ઉનાળે નદીમાં દેખા દેવા પૂરતા પાણી જેવા છે. હમણાં સૂકાઈ જાય. આ ચૂંટણી ન હોત ને તો હુંય તારી મદદ કરી દેત. હવે જાવ, ઠીક છે. ચૂંટણી પછી આવજો બાપલિયા…’
સાહેબની વાત સાંભળી તે મૂંગા મોઢે નીકળી ગયો. એની સામે સવાલોના કાંટાળા બાવળ ઊભા થઈ ગયા હતા. પોલીસ સ્ટેશન તેની ગેરહાજરીથી ઉત્સાહમાં આવી ગયું હોય એવું અંદરનું વાતાવરણ થઈ ગયું. સાહેબ પણ માથું ઘાલીને કામમાં લાગી ગયાં. બાજુના પોલીસ કોન્સ્ટેબલની સામે જોયા વિના ફાઈલમાં માથું ઘુસાડી રાખીને કહ્યું, ‘લખુજીની રેલીમાં જવાનું છે. કોઈ અણછાજતો બનાવ ન બની જાય તેનું ધ્યાન રાખવાનું છે. પટ્ટા ટાઈટ કરી લ્યો.’
ગાડીમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સાથે પીએસઆઈ સાહેબ ગોઠવાયા. સડસડાટ વેગે જઈ રહેલી જીપની બહાર સાહેબ તાકતા હતા. એમનો રૂતબો અને દમામ એવો હતો કે આસપાસ જે પણ નજરે ચડતું એ આઘું ખસી જતું હતું.
શાંત વાતાવરણમાં એક કોન્સ્ટેબલે શબ્દરૂપી પથ્થર ફેંક્યો, ‘આ લખુજી રાજકારણી તરીકે કેવો માણસ છે સાહેબ? જનતાનું ભલું કરશે ?’
કોન્સ્ટેબલની વાત સાંભળીને સાહેબે બારી બહાર ગળફો કાઢ્યો, ‘શું જનતાનું ભલું કરશે ? એનાં બાપાને અહીં પેઢી હતી. એના દમ ઉપર જ દેડકાની જેમ કૂદકા મારતો આગળ આવ્યો છે. કંઈ કરતા કંઈ આવડતું નથી. એની પોતાની સહી પણ માંડ કરી શકે છે. બે ચાર વખત બળાત્કારના કેસ પણ દાખલ થયા હતા. એ વખતે મારી નવી નવી નોકરી લાગેલી. હું પણ ત્યારે તમારી જેમ કોન્સ્ટેબલ જ હતો. આમ તો દુષ્કર્મનો કેસ હોય એટલે જેલમાં જ હોવો જોઈએ પણ એનો બાપોય મોટો રાજકારણી એટલે એવી વગ વાપરી કે દીકરોય છૂટી ગયો અને આજ સુધી એ છોકરીનોય પત્તો નથી. દીપડાની જીભે એકવાર માણસનું ખૂન લાગે એટલે એ પાછો વસતિ તરફ જ ફરે. લખુજીને ય આવી આદત પડી ગઈ. રસ્તે કોઈ કુંવારી છોકરી દેખાય એટલે એની ભૂખ્યા વરુ જેવી આંખો છોકરીનાં શરીર ઉપર ચોંટી જાય. ખેતરમાં લઈ જાય અને તેનાં શરીરને ચૂંથી નાખે. એનું કામ પતે તો પાછળ ઊભેલા તેના મળતિયાઓ પણ લખુજીએ છોડેલા ખોરાક પર મીટ માંડીને બેઠા હોય. એ પણ મીજબાની માણે.’
‘આટલો હલકટ માણસ છે?’ બીજા કોન્સ્ટેબલે કટાણું મોઢું કરતાં પૂછ્યું.
આ વખતે સાહેબે ફરી જીપની બારી બહાર ગળફો કાઢતા કહ્યું, ‘આ તો કંઈ નથી. એનાં બાપાએ આ જંગલી જનાવરને તાબે કરવાની ખૂબ કોશિશ કરેલી પણ થયો જ નહીં. લખુનો બાપ ગુજરી ગયો પછી રહ્યો આ એકનો એક. મોકળું મેદાન મળી ગયું. કંઈ કેટલાયની જમીનો હડપી લીધી. હવે તો જનતાનો તારણહાર બનવા જઈ રહ્યો છે. ક્યાંનો તારણહાર…’ સાહેબે ગાળ બોલી. પાછળના બે કોન્સ્ટેબલો મરક મરક હસી પડ્યા.
મોબાઈલમાં રિંગ વાગતા સાહેબે ફોન ઉપાડ્યો. સામેથી જે શબ્દો તેમના કાને પડ્યા તેનાથી તેમની આંખો વિસ્ફારિત થઈ ગઈ, ‘જીપ લખુજીનાં ઘર બાજુ વાળી લે.’ સાહેબે બાજુમાં બેઠેલા કોન્સ્ટેબલને આદેશ આપ્યો અને જીપ લખુજીના ઘર તરફ વળી ગઈ.
‘શું થયું સાહેબ?’ પાછળ બેઠેલા કોન્સ્ટેબલે પૂછ્યું.
‘કોઈએ લખુજીનું કાસળ કાઢી નાખ્યું છે. મોટા છરાથી. ખૂની પાછો ભાગ્યો નથી ઘરમાં જ છે.’ કોન્સ્ટેબલોની આંખો પણ પહોળી થઈ ગઈ.
જીપ લખુજીનાં આંગણા બહાર ઊભી રહી. લખુજીના મળતિયાઓ પણ બહાર ઊભા હતાં. એ પણ મારનારથી ડરી ગયા હશે એવા તેના ચહેરાનાં હાવભાવ કહી રહ્યાં હતાં. એમાંથી એક ભયનો ઓથાર ગળામાંથી છૂટ્ટો કરતાં બોલ્યો, ‘મારનારો અંદર જ છે સાહેબ.’
સાહેબે ત્રણે કોન્સ્ટેબલની સાથે અંદર પગ મૂક્યો. સામે વાઘ જેવું મોટું શરીર ધરાવતો લખુજી જમીન પર ઉંધેકાંધ પડ્યો હતો. તેના શરીરમાંથી લોહીના દદૂળા વહ્યા જતા હતા, જેના કારણે લાદી લાલચટ્ટાક થઈ ગઈ હતી. એની આંખો મરેલા ભૂંડની માફક ફાટી ગઈ હતી. ઘા એટલે અંદર સુધી મારીને બહાર કાઢ્યા હતા કે આંતરડાનો નદીની માથે તરતી વેલની માફક ઢગલો થઈ ગયો હતો.
સાહેબે મારનારની સામે જોયું. એનો હાથ અને મોઢું લોહીના ડાઘાથી ચમકી રહ્યું હતું.
પી.એસ.આઈ સાહેબ બોલે એ પહેલા જ તે બિહામણું હસતાં હસતાં બક્યો, ‘સાહેબ હવે તમે ચૂંટણીના કામમાંથી નવરા, હવે તો મારો કેસ લેશો ને ?’
આકાશમાંથી વાદળાનો ગડગડાટ સંભળાયો. ધરતીને ધોમધખતા તાપમાંથી છૂટકારો મળ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત