લોન લેવી મુશ્કેલ છે. કેટલી પરેશાનીઓના પુલમાંથી પસાર થવું પડે. લોન મળે પછી વ્યાજ સાથે તેને ભરવાની ચિંતા અને એમાંય કેટલીક એપ્લિકેશનો તાત્કાલિક લોન આપી દે તો ? મજા જ આવી જાયને ? પણ એ મજા હકીકતમાં સજા હોય છે. જે એક બાદ એક લોકોએ કરેલી આત્મહત્યા પછી ખ્યાલ આવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે લોકોને ચેતવણી આપી છે. શેની ચેતવણી ? ફટાફટ લોન આપનારી ઠગી એપ્લિકેશનથી સાવધાન રહો. હવે આવી એપ્લિકેશન પાસેથી લોન લઈને આંધ્ર પ્રદેશના ત્રણ લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. રિઝર્વ બેંકે પણ ડિજીટલ મની લેન્ડિંગ એપ્લિકેશનને લઈને ગ્રાહકોને ચેતવણી આપી છે.
આ પ્રકારની એપ્લિકશન દ્રારા ઘણી કંપનીઓ લોભામણા વ્યાજદરો પર મોટી લોન આપવાનો વાયદો કરે છે. એ પછી પૈસાની વસૂલી માટે જબરદસ્તી પર ઉતરી આવે છે.
અસલી આંધી ક્યાંથી ?
હાલમાં જ ગુરૂગ્રામ અને હૈદરાબાદના ચાર ઈન્સ્ટેન્ટ લોન એપ્લિકેશન ફાઈનાન્સિયલ ઓફિસો પર દરોડો પાડવામાં આવ્યો. જેમાંથી બે ઓફિસો ગુરૂગ્રામમાં હતી અને બે ઓફિસો હૈદરાબાદમાં હતી. તપાસ કરતા ખ્યાલ આવ્યું કે હૈદરાબાદ અને ગુરૂગ્રામ તો ઝાંકી છે અસલી આંધી તો જાકાર્તાથી આવી રહી છે. અર્થાત્ જાકાર્તામાં લૂંટણખોરીની મેઈન બ્રાન્ચ ખોલીને રાખી છે. જેમાં એક ચાઈનીઝ નાગરિકની પણ સંડોવણી હોવાની શંકા સેવવામાં આવી રહી છે. આ અંગે હૈદરાબાદના જોઈન્ટ પોલીસ કમિશ્નર અવિનાસ મોહંતીએ જણાવ્યું કે, આ ચાર ઓફિસમાં કુલ 30 લોન એપ્લિકેશન ચાલી રહ્યા છે.
ત્રણ લોકોની આત્મહત્યા
આ વાતનો ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે એક બાદ એક એમ ચાર લોકોએ આત્મહત્યા કરી લીધી. અત્યાર સુધીમાં એક સોફ્ટવેર એન્જિનિયર અને તેલંગણાની એક મહિલા એગ્રીકલ્ચર ઓફિસર સહિતના ત્રણ લોકોએ લોન ડિફોલ્ટર દ્વારા કરવામાં આવતા શોષણથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી હતી. મોટી સંખ્યામાં લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી કે કેટલાક લોકો થોડા મોડા પૈસા ભરીએ તો પણ પરેશાન કરે છે. પોલીસ પણ આ વાત સાંભળી અને દોડતી થઈ ગઈ. આ અંગે પોલીસે જણાવ્યું કે, આ ચાર કંપનીઓમાં કોલ સેન્ટરના કર્મચારીઓ લોકોના એકાઊન્ટમાં પૈસા નાખતા હતા. પછી કોઈ પણ ડિફોલ્ટની સ્થિતિમાં તેમને ફોન કરી કરીને ખોટી રીતે પરેશાન કરતા હતા.
રિઝર્વ બેંકે શું કહ્યું ?
કેન્દ્રિય બેંકે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, ‘સામાન્ય લોકોને સતર્ક અને સાવધાન રહેવાની સલાહ આપીએ છીએ કે તેઓ કોઈ પણ પ્રકારની વિવેકહિન ગતિવિધોમાં ન ફસાઈ જાય અને કંપનીની પહેલા પ્રાથમિક પૂછતાછ કરી લે, તેની આગળ પાછળનું જાણી પુષ્ટિ કરી લે. જે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન લોન આપે છે.’
સાવધાની શું રાખવાની ?
રિઝર્વ બેંકે કહ્યું કે, ‘ગ્રાહકોએ કોઈ દિવસ કેવાયસી દસ્તાવેજોની પ્રત ઓળખ વગરના વ્યક્તિ અને અનધિકૃત એપ્લિકેશનને ન આપવી જોઈએ. અને ઓનલાઈન ફરિયાદ દાખલ કરવા માટે આ પ્રકારની એપ્લિકેશન અને બેંક ખાતાની સૂચના પોર્ટલના માધ્યથી સંબંધિત કાનૂન પ્રવર્તન એજન્સીઓને આપવી જોઈએ.’
ખુલાસો ગ્રાહકની સામે રાખો
રિઝર્વ બેંકે કહ્યું કે, તમામ ડિઝીટલ લેન્ડિંગ પ્લેટફોર્મને એ બેંક અથવા તો એનબીએફસીનો ખુલાસો ગ્રાહકની સામે રાખવો જોઈએ. જેના માધ્યમથી તેઓ લોન દેવાનો વાયદો કરે છે. રિઝર્વ બેંકની વેબસાઈટમાં અધિકૃત એનબીએફસીનું નામ અને ઓળખ જાણી શકાય છે સાથે પોર્ટલના માધ્યમથી જે તે સમૂહની વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરી શકાય છે.
એપ્લિકેશનની ખોટી પદ્ધતિ
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ડેપ્યુટી ગવર્નર જનરલ આર ગાંધીએ બુધવારે કહ્યું કે, લોન આપવાનો વાયદો કરનારી કેટલીક એપ્લિકેશનો પૈસા વસૂલવા માટે ખોટી પદ્ધતિનો ઉપયોગ કરી રહી છે. આ એ જ પ્રકારની પદ્ધતિ છે જેનો ઉપયોગ 2007ના રોજ નાની લોન આપનારી કેટલીક સંસ્થાઓએ કર્યો હતો અને તેના કારણે સમગ્ર ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત