Homeવિશેષચાબુકને ભાવિનનો સવાલ, ‘હાસ્ય લેખન કેવી રીતે થાય છે?’

ચાબુકને ભાવિનનો સવાલ, ‘હાસ્ય લેખન કેવી રીતે થાય છે?’

ને ધીમે ધીમે સવાલોનો મારો થઈ રહ્યો છે. એમાં એક સવાલ ખૂબ અઘરો આવ્યો છે. સવાલ સૌરાષ્ટ્રના પેરીસ જામનગરથી આવ્યો છે. પ્રશ્ન પૂછનાર છે શ્રીમાન ભાવિનભાઈ કોટક. ઈતિહાસ વિષય ભણાવે છે. સાહિત્યમાં રસ ધરાવે છે. સાહિત્યમાં રસ ધરાવતા ભાવિનભાઈએ ખૂબ સરળ સવાલ પૂછ્યો છે, જેનો જવાબ આપતા આપતા આયખું નીકળી જાય. સવાલ છે, ‘હાસ્ય લેખન કેવી રીતે થાય છે?’

ચાબુકની જ્યારે શરૂઆત થઈ હતી ભાવિનભાઈ ત્યારે વિનોદ મહેતાના પત્રકારત્વ વિશે વાત કરેલી. લખનઉ બોય તેમની આત્મકથાનું નામ. આ આત્મકથામાં સફદર નામના એક વ્યક્તિનો કિસ્સો છે. એ ઝડપથી ચાલીને જતો હોય છે. તેને એક કારવાળાભાઈ નજીકમાં આવી પૂછે છે, ‘‘આજ ઉતાવળમાં લાગો છો કારમાં બેસી જાવ તો મૂકી જાઉં.’’

સફદર કહે છે, ‘‘નહીં પછી ક્યારેક આજે મારે ઉતાવળ છે.’’

સફદરના આ કિસ્સાથી કહી શકીએ ભાવિનભાઈ કે, તમારી આસપાસ બનતી નાનામાં નાની ઘટનાનું નિરીક્ષણ કરો. જેટલું ઝીણું કાતીને જોવાની આવડત હશે એટલું ધારદાર હાસ્ય સર્જાશે.

હાસ્યનું સર્જન થાય તેની કેટલીક શરતોમાંની એક શરત છે વેદના ? તમને એવી ઘટના મળવી જોઈએ જેમાં વેદના ધરબાયેલી હોય. આસપાસ નજર કરો તો મળી જશે. વિનોદ ભટ્ટ પોતાની આત્મકથા એવા રે અમે એવામાં કહે છે, ‘હાસ્ય એ સૂંકા આંસુ છે.’ જેને કોઈ ન જોઈ શકે પણ તેનો પ્રવાહ વહેતો હોય.

પેલી કથા ખૂબ પોપ્યુલર છે. એક માણસ ડોક્ટર પાસે ગયો. કહ્યું, ‘‘હું ડિપ્રેશનમાં છું. મને જીવવું નથી ગમતું. ખરાબ વિચારો આવ્યા રાખે છે. મારા જીવનની લીલી-સુકી વિશે કોઈ પૂછતું નથી. મહેરબાની કરી મારી સારવાર કરો.’’

ડોક્ટરે કહ્યું, ‘‘આ તો ખૂબ સરળ છે. આજ રાતના વિશ્વનો મહાન જોકર પલીયાચી આપણા નગરમાં શો કરવાનો છે. જા અને તેને જો. તારી તમામ વેદનાઓ દૂર થઈ જશે.’’

પેલો માણસ રડતા રડતા બોલ્યો, ‘હું જ એ મહાન જોકર પલીયાચી છું.’

આપણને લાગે કે કવિઓમાં જ દર્દ હોય છે! દર્દ તો હાસ્યલેખકમાં સૌથી વધારે ભરેલું હોય છે. એ બતાવતો નથી. એ કહે છે પણ તેના દર્દને બધા હસવામાં કાઢી નાખે છે. હાસ્ય લેખકોને ગુજરાતે ગંભીરતાથી ન લેતા ફક્ત હસવામાં કાઢી નાખ્યા. જ્યોતીન્દ્ર દવે મફતમાં પ્રવચનો આપતા અને લોકો હસતા. એમણે એ બધા પાસેથી રૂપિયા લીધા હોત તો ?

વિનોદ ભટ્ટની આત્મકથા એવા રે અમે એવાના 92 નંબરના પેજ પર લખવા સિવાય બીજું શું કરો છો ? શીર્ષક હેઠળ એમણે લખ્યું છે, ‘‘છોકરીના બાપા તરીકે છોકરાવાળાને ત્યાં જઈએ ત્યારે, તેની જાણ બહાર ક્યારેક હ્યુમિલિયેટ થયાની લાગણીનો અનુભવ થાય. આપણને છોકરાનો બાપ માત્ર નામથી ઓળખતો હોય. પૂછી નાખે કે તમે કોમેડિયન છો, અથવા તો તમે હાસ્ય-કલાકાર છો એની મને ખબર છે, ટીવીના ગમ્મતગુલાલ કાર્યક્રમમાં તમને અવારનવાર જોઈએ છીએ. કોઈ વળી એમ બોલે કે ‘જનસત્તા’માં તમારા ટુચકા વાંચીએ છીએ. પછી ગંભીર થઈને ઉમેરે એ તો જાણે સમજ્યા, પણ આ સિવાય તમે બીજું શું કરો છો ? – આ સાંભળી આઘાત તો ઘણો લાગે, પણ આમા થઈ શું શકે!’’

આ વાતને હાસ્ય લેખક થોડી ફેરવીને કહે. તોડી મરોડીને કહે. તમને મજા આવે. પણ તેની અંદર છૂપાયેલું તો દર્દ જ હોય છે. હાસ્યલેખકો આ બધા દર્દને બીજા માટે દવા બનાવી ઉપયોગ કરે છે.

વોટ્સએપ યુનિવર્સિટી પર એક ક્વોટેશન ફરતું હતું ભાવિનભાઈ. મને ખબર નથી તમે જોયું કે ન જોયું પણ વોટ્સએપ યુનિવર્સિટીનાં આટલા અફવાહિત ગ્રુપોમાંથી તે મને તમને જવાબ આપવા માટે યોગ્ય લાગ્યું. એ ફોટોની અંદર લખેલું હતું, ‘‘હું મારી જેમ બીજાને ઉદાસ નથી જોઈ શકતો. કદાચ એટલે જ એમને હસાવ્યા રાખું છું.’’

આ ક્વોટેશનને કોઈ એવોર્ડ નથી મળવાના, પણ એણે લખ્યું તેમાં સાચું તો છે. ડાયરામાં જે હાસ્ય કલાકારો બેસતા હોય છે એમનું પણ એ જ કહેવું છે. આજુબાજુ ધ્યાનથી જોતા રહો તો હાસ્ય બધેથી મળી જાય. પણ એ હાસ્ય મેળવવા માટે વેદના પણ ભરેલી હોવી જોઈએ.

હમ્બો હમ્બો રિટર્ન પુસ્તકના પાછળનાં પૃષ્ઠમાં સાંઈરામ દવે લખે છે, ‘‘આપને મારા ઝખમનો કોઈ અંદાજો નથી, હું હસાવું છું પરંતુ એટલો સાજો નથી.’’

હાસ્ય લેખન વિશે તો હાસ્ય લેખકો બેફિકરાઈથી કહેતા હોય છે કે, હું બીજું ઘણું બધું લખતો હતો, પણ મારી વાર્તા અને દુ:ખભરી કવિતાઓ વાંચી વાચકો હસતા હતાં એટલે થયું કે હાસ્યલેખક જ બની જવાય.

પણ ફક્ત વેદના પર હાસ્યનો આધાર નથી રહેલો. ઉપર લખ્યું એવું ચિંતનાત્મક તો ઘણાને પચે પણ નહીં. એમને તો સંદર્ભો જોઈએ. ઠોસ પુરાવા જોઈએ.

હાસ્ય લેખક બન્યા પછી જો તમારું વાંચન ન હોય તો તમે હાસ્ય લેખનના મેદાનમાં બે દિવસ પણ ન ટકો. વિનોદ ભટ્ટ રોજ 186 પ્લસ પૃષ્ઠોનું વાંચન કરતાં હતા. બીજું કે અખબારોમાં આવતી હાસ્યની કોલમોમાં હાસ્યલેખન કરવા માટે તમારે લીટીએ લીટી છાપા વાંચી જવા પડે. ખબર નહીં ક્યાંથી હાસ્યલેખ મળી જાય.

મુદ્દો તાજેતાજો હોવાથી લોકોને પણ મજા આવી જાય. પ્રવર્તમાન મુદ્દાને લઈ હાસ્ય નિપજાવવામાં અત્યારે તમારે હિરેનભાઈ અંતાણીને વાંચવા. તેઓ નવગુજરાત સમયમાં લખે. ગુજરાતી છાપાઓમાં લખાતા હાસ્યના ઈતિહાસ પર નજર કરો તો હિરેનભાઈ જેવું ધારદાર કોમેડી હેડીંગ મેં અત્યાર સુધી નથી જોયું.

મૂર્ખતામાંથી ખૂબ હાસ્ય મળે. તમે મૂર્ખ બનો અને લખો તો તેનાથી સારું કંઈ નથી. હાસ્ય લેખકને ખૂદ પર પ્રથમ હસતાં આવડવું જોઈએ. બીજાની તો પછી ઉડાવીશું પ્રથમ આપણી મજાક ઉડાવતા આવડવી જોઈએ. ભાવિનભાઈ તમારી સાથે આવો બનાવ બન્યો હોય અને બન્યો જ હશે તો તેને લખો.

રતિલાલ બોરીસાગર દ્રારા સંપાદિત અર્વાચીન ગુજરાતી હાસ્યરચનાઓની પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે, ‘‘હાસ્ય એ મનુષ્યજાતિને મળેલું પરમાત્માનું એક અજોડ વરદાન છે.’’ તેનાથી થોડા આગળ નીકળીને એમ પણ કહી શકીએ કે હાસ્ય રચનાર પર સરસ્વતીના બે હાથ હોય તો જ થઈ શકે. સાહિત્યના બીજા ઘણા પ્રકારો તમે અન્યોને વાંચી-સાંભળી ને શીખી શકો, પણ હાસ્ય નહીં. તેમાં વાંચન જોઈએ અને નિરીક્ષણવૃતિ જોઈએ. પછી તમને મીઠું મરચું ભભરાવતા આવડવું જોઈએ. કોઈનો ટાંટીયો એવી રીતે ખેંચવો કે ઉનાળામાં માર્યું હોય તો છેક શિયાળામાં દુખે. અર્થાત્ એક વખત હાસ્યલેખ વાંચી એ હસી કાઢે અને બીજી વખત વાંચે ત્યારે થાય કે આમા તો મને ટીપી નાખ્યો છે.

રતિલાલ બોરીસાગર પાસે પાછા જઈએ તો, ‘‘હસવાની શક્તિ બધાને મળેલી છે હસાવવાની શક્તિ બધાને મળેલી નથી. એટલે જ જગતની દરેક ભાષાનાં તમામ રસોનાં પ્રમાણમાં હાસ્યરસના સર્જકો ઘણા ઓછા છે.’’

હું આટલેથી નથી રોકાતો. રતિલાલ બોરીસાગરે કરેલા હાસ્ય પરના સંશોધનની ઉંડાણમાં જાઉં છું. હાસ્યની જેટલી સારી પ્રસ્તાવનાઓ લખાણી છે તેમાં ‘અર્વાચીન ગુજરાતી હાસ્યરચના’ પુસ્તકની પ્રસ્તાવના ધ બેસ્ટ છે. એ પ્રસ્તાવના નથી પણ એકડે એકથી હાસ્ય પર કરવામાં આવેલું સંશોધન છે. શું કહે છે રતિલાલ ?

‘‘હાસ્યરચનાના સર્જકમાં સર્જકતા અને સંવેદનશીલતા ઉપરાંત હાસ્ય પ્રેરવાની મૂળભૂત શક્તિ પણ અનિવાર્ય છે. આ મૂળભૂત શક્તિ વગર હાસ્યરચનાનું સર્જન શક્ય નથી. આ શક્તિ કુદરતી છે. એ વિકસાવી શકાય છે, પણ એ શક્તિ વ્યક્તિત્વમાં નિહિત ન હોય તો પ્રયત્ન કરીને કેળવી શકાતી નથી. હાસ્ય પ્રેરવાની મૂળભૂત શક્તિ હોય પણ સર્જકતા ન હોય તો આવી વ્યક્તિ હસાવવામાં સફળ થાય, પણ હાસ્યરચનામાં સફળ ન થાય. એટલે હાસ્યકારમાં સંવેદનશીલતા અને સર્જકતા તો જોઈએ જ, પણ સાથે સાથે હાસ્ય પ્રેરવાની મૂળભૂત શક્તિ પણ જોઈએ. આવી ત્રિગુણમૂર્તિ વ્યક્તિ જ હાસ્યકાર થઈ શકે છે. સંવેદનશીલતા અને હાસ્ય પ્રેરવાની શક્તિની સાથે ઊંચી કોટિની સર્જકતા હોય તો એવી વ્યક્તિ મેજર હ્યુમરિસ્ટ બની શકે છે.’’

મેજર હ્યુમરિસ્ટ જ્યોતીન્દ્ર દવે છે. સમજી ગયા ભાવિનભાઈ ? શું કામે આખુ ગુજરાત કહે છે કે જ્યોતીન્દ્ર જેવો કોઈ પાક્યો નથી અને હવેના યુવાઓને જોતા મને તો દૂર દૂર સુધી દેખાતો નથી.

ભાવિનભાઈ બીજી એક વાત હું હળવા રેખાચિત્રોની ટાંકવા માગુ છું. હળવા રેખાચિત્રોમાં ઈમેજીનેશન હોય છે. સત્ય હોય તેની નીચે ઈમેજીનેશન હોય. અન્યથા હાસ્ય કેવી રીતે સર્જવું ? અલાઉદ્દીન ખિલજીનું આવું એક હળવું ચરિત્ર ચાબુકમાં કરવામાં આવેલું પણ એક મિત્ર તેમને ઈતિહાસની દૃષ્ટી જ મુલવતા હતા. એમને નહોતી ખબર કે હળવું ચરિત્ર શું છે ? તેમાં સત્યની સાથે હાસ્ય નિપજાવવા ઈમેજીનેશન (કલ્પના) હોય છે. આ પણ હાસ્યલેખનમાં જ આવે છે. ભાવિનભાઈ ટ્રાય મારી જોજો.

વધુ એક વખત રતિલાલ પાસે જઈશું. વારંવાર એમની પાસે શા માટે જઈએ છીએ તેની વાત હું છેલ્લે કહીશ. રતિલાલજી કહે છે, ‘‘હ્રદયથી અનુભવેલી લાગણીઓને હાસ્યકાર બુદ્ધીથી વિચારે છે, અને પછી જે લીલા ચાલે છે તે બુદ્ધીની લીલા હોય છે. પરિણામે એક ટ્રેજડીનું સર્જન કરે છે ત્યાં બીજો સર્જક એ જ સામગ્રીમાંથી કોમેડીનું સર્જન કરે છે. કરુણરસ અને હાસ્યરસનો મૂળ સ્ત્રોત એક હોવાના કારણે જ, કરુણગર્ભ હાસ્યરચનાઓનું સર્જન શક્ય બને છે.’’

દુ:ખ એ વાતનું છે ભાવિનભાઈ કે જ્યોતીન્દ્ર, તારક મહેતા, વિનોદ ભટ્ટ સહિતના લેખકો ગુજરાતની ધરતી પર આવીને ચાલ્યા ગયા. આપણે તેમની પાસેથી હાસ્ય લેખન કેવી રીતે કરવું ? તે અંગેના અભ્યાસ લેખ ન લઈ શક્યા.

વાર્તા, નાટક, એકાંકી, વિવેચન, નવલકથા પર સંપાદિત સંગ્રહો છે. જેમાં વિવિધ લેખકોએ પોત પોતાના રસ વિશે લખ્યું છે. વાર્તા આને કહેવાય, આ રીતે લખાય, આ વાર્તામાં આવું હતું, તેનો ઈતિહાસ આ…. પણ હાસ્યમાં એવો કોઈ મજબૂત ગ્રંથ નથી. સિવાય કે અર્વાચીન ગુજરાતી હાસ્યરચનાઓના પુસ્તકમાં રતિલાલ બોરીસાગરે કરેલું સંશોધન. હવે એમ ન કહેતા કે પીએચડીવાળા શું કરે છે ? બીજું છે પણ એ એટલું કામનું નથી.

હવે સિનીયર હાસ્યલેખકો કેમ લખે તેના બે ચાર મુદ્દા કહી દઉં. એટલે આર્ટિકલ અધૂરો ન લાગે. ઉર્વીશ કોઠારી કહે છે, રસ્તે જતાં કે ઓફિસમાં બેઠાં અચાનક, અગાઉ અસંખ્ય વાર જોયેલી કોઈ ચીજ ઉપર નજર પડે ને મનમાં ચમકારો થાય : ‘આ વિષય પર હાસ્યલેખ થાય તો મઝા આવશે.’ એ વિષય ટોઈંગ કરતી વાન હોઈ શકે, આળસ ખાતું કૂતરું હોય, શેરડીના રસનો સંચો કે સેલોટેપનો ચોંટી ગયેલો છેડો પણ હોય.

તારક મહેતા પાત્રો ઘડતા અને એવી રીતે હાસ્ય લખતા કે વાંચકને એ પાત્રમાં પોતાનું પ્રતિબિંબ ઉપસતું દેખાય. વિનોદ ભટ્ટ કહેતા કે, મારી પાસે વાંચવાનું ન હોય તો હું ખરાબ લખતો હોઉં છું. સંજય છેલ કટાક્ષ લખે છે. કહે છે, લખવું અઘરૂ છે, સારું લખવું અઘરૂં છે અને ફિલ્મો પર લખવું તો ખૂબ અઘરૂં છે.

ચાલો ભાવિનભાઈ તો મળીએ પછી. મારી તો એક જ સલાહ છે કે લખો. આજે ‘પણ’ લખશો તો થોડા દિવસ પછી ‘પરંતુ’ વાપરતા થઈ જશો. કલાની દુનિયા પ્રેક્ટિસ પર જ નભેલી છે.  

(તમારી પાસે પણ આવા સવાલ હોય તો ચાબુકને મેઈલ કરો. અમારું મેઈલ આઈડી વેબસાઈટ પરથી જ મળી જશે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments