Team Chabuk-Entertainment Desk: સુપરહિટ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે. આ સીરીઝની બંને સીઝન ઘણી સફળ રહી છે. ‘શ્રીકાંત તિવારી’ના પાત્રમાં મનોજ બાજપેયીને ઘણો પસંદ કરવામાં આવ્યો છે. હવે એવા સમાચાર છે કે ‘ધ ફેમિલી મેન સીઝન 3’ પણ જલ્દી આવશે.
આવતા વર્ષે 2023માં શૂટિંગ શરૂ થશે
એમેઝોન પ્રાઇમ વિડિયોની મૂળ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સીઝન આવતા વર્ષે 2023માં આવી શકે છે. લીડ સ્ટાર મનોજ બાજપેયીએ પોતે આ અંગે કન્ફર્મેશન આપ્યું છે. સિઝન 3 વિશે માહિતી આપતાં મનોજ બાજપેયીએ જણાવ્યું હતું કે, “હાલમાં ધ ફેમિલી મેનના ડિરેક્ટર રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકે અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. એટલા માટે તેઓ આવતા વર્ષે 2023ની શરૂઆતમાં ફેમિલી મેનની ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ કરશે. એમેઝોન પ્રાઇમ વિડિયો તેને શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવા માંગે છે.
આ સિવાય સીઝન 3માં કેટલાક નવા કલાકારોની એન્ટ્રી અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈપણ અભિનેતાના નામની પુષ્ટિ કરવામાં આવી નથી. મનોજ બાજપેયી ઉપરાંત અભિનેતા શારીબ હાશ્મી અને પ્રિયમણિ પણ સિઝન 3માં જોવા મળશે.
શું છે ‘ધ ફેમિલી મેન’ની વાર્તા?
વાસ્તવમાં, આ વેબ સિરીઝ એક શાર્પ, એક્શન-ડ્રામા છે, જે NIAના સ્પેશિયલ ટાસ્ક સેલ માટે કામ કરતા મધ્યમ વર્ગના અધિકારી શ્રીકાંત તિવારીની વાર્તા પર આધારિત છે. જાસૂસ થ્રિલર સીરિઝને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. મનોજ બાજપેયી ઉપરાંત, આ શ્રેણીમાં સુચી તરીકે અભિનેત્રી પ્રિયામણી, શ્રીકાંત તિવારીના મિત્ર અને સહકાર્યકર તરીકે શારીબ હાશ્મી, પુત્રી ધૃતિ તરીકે આશ્લેષા ઠાકુર અને પુત્ર અથર્વ તરીકે વેદાંત સિંહા છે. આ સિરીઝની બીજી સિઝન પણ કિસિંગ સીનને લઈને ઘણા વિવાદોમાં રહી હતી.