Homeગામનાં ચોરેTV9 ગુજરાતીના પત્રકાર ચિરાગ પટેલનો જે રીતે મૃતદેહ મળી આવેલ તે રીતે...

TV9 ગુજરાતીના પત્રકાર ચિરાગ પટેલનો જે રીતે મૃતદેહ મળી આવેલ તે રીતે જ બિહારના પત્રકારનો મળી આવ્યો

Team Chabuk-National Desk: બિહારમાં ચાર દિવસ પૂર્વે અપહરણ કરવામાં આવેલા 22 વર્ષીય પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટનો મૃતદેહ શુક્રવારની રાત્રે સળગેલી અવસ્થામાં રસ્તાના કિનારે મળ્યો હતો. બુદ્ધિનાથ ઝા ઉર્ફ અવિનાશ ઝા એક સ્થાનિક ન્યૂઝ પોર્ટલની સાથે પત્રકાર તરીકે સંકળાયેલો હતો. અવિનાશે નકલી મેડિકલ ક્લિનીકને લઈ એક સમાચાર લખ્યા હતા. જે પછીથી તે ગાયબ થઈ ગયો હતો. અવિનાશના કામના કારણે કેટલાય ક્લિનીક ઠપ્પ થઈ ગયા હતા. જ્યારે કેટલાય પર ભારે દંડ ઠોકવામાં આવ્યો હતો. રિપોર્ટિંગ દરમ્યાન તેને અસંખ્ય વખત ધમકીઓ પણ મળી હતી અને ભાંડો ન ફોડે તો લાખો રૂપિયા આપવાની વાત પણ થઈ હતી. જોકે આ બધી વાતો હાસ્યમાં ધકેલાય ગઈ અને અવિનાશ કામ કરતો રહ્યો.

પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ બુદ્ધિનાથ ઝા ઉર્ફ અવિનાશ, જેની ઉંમર 22 વર્ષની છે, તેને 9 નવેમ્બરની રાતે પોતાના ઘરની પાસે રહેલા ક્લિનિકની નજીકના સીસીટીવીમાં 9-58 વાગ્યે અંતિમ વખત જોવામાં આવ્યો હતો. મૃતક પત્રકાર એક લોકલ ન્યૂઝ પોર્ટલ ચલાવતો હતો. અપહરણ થયાના થોડા સમય પહેલા અવિનાશને કેટલીય વખત સીસીટીવીમાં ઘરની શેરીની આગળ મુખ્ય માર્ગ પર ઘુમતા અને ફોન પર વાત કરતા જોવામાં આવ્યો છે. સીસીટીવીમાં અવિનાશ ઘરની પાસે બનેલા રસ્તા પર ક્લિનિકથી લઈને કેટલીય વખત મુખ્ય રસ્તા સુધી જતો દેખાયો હતો.

shree-hari-jyotish

અંતિમ વખત 9-58મી મિનિટે ગળામાં પીળા કલરનું સ્કાર્ફ પહેરીને બેનીપટ્ટી પોલીસ સ્ટેશનની પાસેથી પસાર થતા દેખાયો હતો. એ પછીથી તેનો કોઈ અતોપત્તો નહોતો. આગામી દિવસે પરિવારજનોએ જ્યારે શોધખોળ કરી ત્યારે ખબર પડી કે તેનું બાઈક અને બાઈકની ચાવી પણ તેની ઓફિસમાં જ છે. જ્યાં એ ખૂદ કામ કરતો હતો. તેની ઓફિસનો દરવાજો ખુલ્લો હતો અને લેપટોપ પણ ઓન હતું. અનુમાન લગાવવામાં આવ્યું કે એ રાતે એ પોતાની ઈચ્છાથી ઘરની બહાર નીકળ્યો હશે, એમ વિચારીને કે જલ્દી જ પાછો આવી જશે, પણ પાછો આવ્યો નહીં.

10 નવેમ્બરના રોજ પરિવારજનોની વ્યાકુળતા વધી ગઈ હતી. એક સીસીટીવી કેમેરાને તપાસતા 9-58મી મિનિટે તે અંતિમ વખત દેખાયો હતો. એ પછી પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આ વાતની જાણકારી આપી હતી. પરિવારજનોએ આપેલી ફરિયાદ પર મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યો તો બેનીપટ્ટી પોલીસ સ્ટેશનથી પશ્ચિમમાં આશરે 5 કિલોમીટર દૂર બેતૌના ગામમાં, 10 તારીખની સવારે 9 વાગ્યે અંતિમ વખત તેનો ફોન ઓન થયાની માહિતી પ્રાપ્ત થઈ. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને કોઈ મહત્વની જાણકારી હાથ નહોતી લાગી.

આ વચ્ચે તેના કેટલાક સાથી મિત્રોએ જાણકારી આપી હતી કે અવિનાશ ઝા ફરીથી બેનીપટ્ટીના નકલી નર્સિંગ હોમની વિરુદ્ધ લડી લેવા માટે કાગળ પર કાર્યવાહી કરી રહ્યો હતો. જેને લઈ તેણે પોતાની ફેસબુક સ્ટોરી પર તમામ ક્લિનીકના નામ સહિત ગીત અપલોડ કરતા લખ્યું હતું કે ‘15 નવેમ્બરથી ખેલા હોબે.’ આ વચ્ચે 9 નવેમ્બરની રાતે તે ગાયબ થઈ ગયો. અવિનાશની ફેસબુક સ્ટોરી પણ તેના ગાયબ થવા પાછળનું કારણ માનવામાં આવી રહી છે. આ પહેલા પણ અવિનાશ ઝાએ નકલી નર્સિંગ હોમ પર આરટીઆઈ અને કાર્યવાહી કરી હતી. જેને લઈ કેટલાયના ગોરખધંધા ઠપ્પ થઈ ગયા હતા. તેને સતત ધમકીઓ મળતી હતી. લાખો રૂપિયાનું પ્રલોભન પણ મળતું હતું પણ તેણે તે સ્વીકાર્યું નહીં.

shree-hari-jyotish

થોડા ભૂતકાળમાં જઈએ તો 2019ની સાલમાં અવિનાશે બેનીપટ્ટીના કટૈયા રોડમાં જયશ્રી હેલ્થ કેયરના નામથી પોતાનું નર્સિંગ હોમ ખોલ્યું હતું. જેમાંથી તે બહારથી ડોક્ટરોને બોલાવી દરદીઓનો ઈલાજ કરાવતો હતો. એ વચ્ચે વિરોધી ચિકિત્સકોએ નર્સિંગ હોમ પર ષડયંત્ર રચી હંગામો કરાવી દીધો. જેનાથી ભયભીત થઈને તેણે ક્લિનીક બંધ કરી દીધું હતું. જોકે તેણે નક્કી કર્યું કે હવે આ વિસ્તારમાં મેડિકલમાં કોઈ ખોટું નહીં કરી શકે અને તેણે આરટીઆઈ કરવાની શરુઆત કરી દીધી.

બેનીપટ્ટી પોલીસ સ્ટેશનમાં ફાઈલ એફઆઈઆરમાં પોલીસ પોતાનું અનુસંધાન 11 નવેમ્બરના રોજ પણ કરતી રહી. જોકે તેમને સફળતા પ્રાપ્ત નહોતી થઈ. આ કાર્યવાહીમાં પોલીસને સંદિગ્ધ લોકોના સીડીઆર કાઢવામાં આશરે 20-22 કલાકનો સમય લાગ્યો હતો. જોકે આ કેસ સમાચારની હેડલાઈન ત્યારે બન્યો જ્યારે અવિનાશ ગાયબ હોવાની જાણકારી ફેસબુક પર વાઈરલ થઈ. આ ક્રમમાં 12 નવેમ્બરના રોજ અવિનાશના પિતરાઈ ભાઈ બીજે વિકાસના નંબર પર ઉડેન ગામના એક યુવકનો ફોન આવ્યો. ફોન પર તેણે જણાવ્યું કે ગામની પાસે હાઈવેની નજીક એક લાશ મળી છે. જે પછી પ્રશાસનની સાથે પરિવારજનો લાશની ઓળખ કરવા માટે ઘટનાસ્થળ પર પહોંચ્યા.

મૃતદેહને સળગાવીને રસ્તાના કિનારે ફેંકવામાં આવ્યો હતો. મૃતદેહની ઓળખ અવિનાશના હાથની વીંટી, પગમાં મસ્સાનું નિશાન, ગળામાં પહેરેલી ચેનથી થઈ. મૃતદેહને કબ્જામાં લીધા બાદ અવિનાશના મોટાભાઈની સહમતિથી મૃતદેહને તાત્કાલિક મધુબની સદર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. જ્યાં પોસ્ટમોર્ટમ બાદ રાતના પરિવારજનોને અવિનાશનો મૃતદેહ પરત આપવામાં આવ્યો. અવિનાશના અંતિમ સંસ્કાર ગઈકાલે 13 નવેમ્બર 2021ના રોજ સિમરીયામાં કરવામાં આવ્યા હતા. હવે ઘટનાને લઈ બિહારના એ વિસ્તારમાં ભારે જન આક્રોશ છે. બિહારના પત્રકારનો સળગેલી અવસ્થામાં મૃતદેહ મળી આવવો, એ કેટલેક અંશે ગુજરાતી ન્યૂઝ ચેનલ TV9ના પત્રકાર ચિરાગ પટેલની પણ યાદ અપાવે છે. જેનો પણ બરાબર આવી જ સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો હતો.

shree-hari-jyotish

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments