Homeસિનેમાવાદગૌતમ વાસુદેવ મેનન : જેની ફિલ્મનો નાયક પ્રેમમાં ગમે તે કરી જાય

ગૌતમ વાસુદેવ મેનન : જેની ફિલ્મનો નાયક પ્રેમમાં ગમે તે કરી જાય

ઝાલાવાડી જલજીરા : પ્રેમ અને રોમાન્સની વ્યાખ્યા શું છે ? એ તો દરેક પ્રેમીએ પ્રેમીએ બદલતી રહે છે. પૃથ્વી સૂર્યની આસપાસ આંટાફેરા મારે છે તેવી જ રીતે પ્રેમની વ્યાખ્યાઓ તેના સમય-સંજોગો પ્રમાણે બદલતી રહે છે. આજે એક પ્રેમી દિગ્દર્શકની વાત કરવી છે. એ પ્રેમની ફિલ્મો બનાવે છે. પહેલા લખતા હતા બાદમાં બનાવવા લાગ્યા. લખ્યું અને બનાવી ત્યારે તેમની કલમમાંથી રહેના હૈ તેરે દિલ મેં જેવી ફિલ્મ નીકળી.

એ વાર્તા પ્રેમ અને દુશ્મનીના કર્મના સિદ્ધાંત પર ચાલે છે. કોલેજમાં જે ધીંગાણું થયું એ મેડીના જીવનમાં કેવી રીતે વા વંટોળીયો બની ત્રાટકે છે ? એક પ્રેમીનું અસત્ય તેને પ્રેમિકાની નજરમાં કેવો લાવીને કે પછી કેવો બનાવીને રાખી દે છે ? આમ તો આ દિગ્દર્શકની ઘણી ફિલ્મો છે. ઘણી વાતો કરીશું ? પણ પેલા નામ તો જાણી લઈએ. ઓફ, નામ તો હેડિંગમાંથી જ તમે જાણી ગયા હશો !! ગૌતમ વાસુદેવ મેનન.

ગૌતમ વાસુદેવ મેનન મલયાલમના છે. એક અલગ પ્રકારનું પ્રેમનું ટોનિક તેમની વાર્તાઓમાં હોય છે. આવી વાર્તાઓની અપેક્ષા આપણને તો હોય જ નહીં. તેઓ મણિરત્નમથી અલગ પ્રકારના ડિરેક્ટર છે. જેમ થીએટરમાંથી બહાર નીકળી કેટલાક યુગલો કહેતા હોય છે કે ઈમ્તિયાઝ આ વાર્તામાં શું સમજાવવા માગતાં હતાં ? તેનાથી વિપરિત ગૌતમ વાસુદેવ મેનનનું કાર્ય છે.

એ આખી કથા તમને પહેલાથી છેલ્લે સુધી સમજાવે છે. હીરોનું ઉદયાગમન થવું. હીરોઈનનું આવવું. ભૂતકાળનું પ્રેત બની ત્રાટકવું. હ્રદયનું તૂટવું. ફરી જોડાવું. પ્રિયતમાને કલાત્મકતામાં ઘસેડવી. હું તમને તેમની એક ફિલ્મ થકી સમજાવું જેમાં પ્રેમની વાત એ ટુ ઝેડ કહેવામાં આવી છે.

આ ફિલ્મ રિઝનલ ભાષાઓમાં સુપરહિટ હતી પણ હિન્દીમાં બની તો આપણામાંથી ગણ્યાંગાઠ્યા લોકોને જ પસંદ આવી. હું તો હજુય કહું છું એક દિવાના થા ફિલ્મ કોઈ પણ જુએ, એ એક વખત તો પોતાના ભૂતકાળમાં ચાલ્યો જ જાય અને દિલ ખોલીને આ ફિલ્મના વખાણ કરી નાખે.

ઈટીસીનો એ જમાનો હતો. કોમલ નાટા ફિલ્મોની વાતો કરતાં હતાં. નાટા સાહેબની વાતો પણ તેમની જેમ નાટી રહેતી હતી. એમણે 2011ની સાલમાં ભાવિ ભાખ્યું હતું કે, ‘એક એ.આર.રહેમાનના સંગીતવાળી એક ફિલ્મ આવી રહી છે. એ ફિલ્મના સંગીતના તમે પ્રેમમાં પડી જશો.’ એ ફિલ્મ એક દિવાના થા હતી. જેના ગીતો આજે પણ જીભના તાળવે ચોંટી ગયા છે. નીકળવાનું નામ જ નથી લેતા.

એક મુગ્ધવયના છોકરાના કેટલાક સપના હોય છે. એને એ કરવું હોય છે જેની તેને ઈચ્છા હોય, પણ પરિવાર આડો આવે છે. સચિન એન્જિનિયર છે પણ તેને બનવું છે દિગ્દર્શક. ફિલ્મો જોવે છે અને ક્રિકેટ રમ્યા રાખે છે. એક વખત પિતાના ત્રાસથી કંટાળીને તે ઘરની ડેલીએ મોઢું ચીપાયેલા ટામેટાંની જેમ કરીને ઊભો હોય છે અને સામેથી એક છોકરી આવે છે. જેસ્સી.

પ્રેમ થવામાં લાંબો સમય નથી લાગતો. એ તો ચપટી વગાડતા જ થઈ જાય. છોકરો તેના વિશે આખા ગામમાં જણાવી દે કે પેલી જેસ્સીને જોતા મને એક ઝાટકે પ્રેમ થઈ ગયો અને છોકરી તેને મનમાં દાબી રાખે. એ છોકરાને તડપાવે. કેરળ સુધી ધક્કો ખવડાવે. તેના ભાઈ પાસે માર ખવડાવે. પોલીસ ફરિયાદ થાય અને ફિલ્મ ફર્સ્ટ હાફે પહોંચે પછી હીરો સચિનને ખબર પડે કે, જેસ્સી પણ મને ત્યારથી જ પ્રેમ કરતી હતી જ્યારથી તેણે મને જોયો હતો.

શું આ જ પ્રેમ હોય છે ? હા, દરેકનાં જીવનમાં આવો જ પ્રેમ હોય છે. છોકરાને ફટાક કરતો પ્રેમ થઈ જાય છે. એ મિત્ર વર્તુળોમાં તેની ચર્ચા કરવા લાગી જાય છે. છોકરીની પાછળ બાઈક લઈ આટા મારવા લાગે છે. સંગીત સાંભળવા માંડે છે. એ સંગીતમાં તે પોતાની વનસાઈડ લવ પ્રિયતમાની સાથે મનભરીને નાચી લે છે. દુનિયા સામે તેના માટે દુશ્મન બની જાય છે. અને છોકરીને પ્રેમ થાય છતાં એ પ્રેમી સામે સ્વીકારતી નથી. એ પરીક્ષા લે છે.

બાકીનો મસાલો તો તમને ખ્યાલ જ છે. પિતા-પિતા વચ્ચે ઘર્ષણ થાય છે. ઈલુ ઈલુની શરૂઆત થયા પછી બ્રેકઅપ થાય છે, કારણ કે પ્રેમી તેની નૂતન પ્રેમિકાને સમય નથી આપતો. એક પતિ પત્ની વચ્ચે જે વાતાવરણ સર્જાય એવું જ વાતાવરણ આ બેઉં જોડલા વચ્ચે સર્જાય છે. જેસ્સી છૂટી પડે છે અને સચિનેય તેની યાદને હ્રદયના કોઈ ખૂણે સંઘરી વિખૂટો પડી જાય છે.

એ પોતાના પ્રેમને કળામાં ઉતારે છે. દરેક પ્રેમી આવો હોય છે. એ પોતાની પ્રિયતમાને તેની કળામાં ઉતારે છે. લેખકો અને કવિઓ આ જ તો કરે છે. ફિલ્મ દિગ્દર્શકો તો આ બેઉં કરતાં પણ સારી રીતે કરી લે છે. પેન્ટર કરે તો સમજાતું નથી. પોલિટિશ્યન કે સરકારી નોકરીયાત કરે તો બદલો હોય છે!

એક દિવાના થા એ તો ઝાલાવાડી જલજીરા માટે પ્રેમનું કાવ્ય છે. અને એ પ્રેમના કાવ્યના સર્જનહાર એવા ગૌતમ વાસુદેવ મેનનનો આજે જન્મદિવસ છે.

એક દિવાના થા એ ગૌતમની પોતાની જિંદગી પરથી બનેલી ફિલ્મ હોય એવું જ લાગ્યા રાખે. અંત સુધી લાગ્યા રાખે. ઉપરથી ગૌતમ મેનન મેકેનિકલ એન્જીનિયર પણ રહી ચૂક્યા છે. જેથી આંખ મીંચીને આડેધડ લગાવેલો નિશાનો સાચો સાબિત થતો હોય એવું લાગે.

મિન્નાલે નામની રોમેન્ટીક ફિલ્મથી તેમણે કરિયરની શરૂઆત કરી. જેમાં માધવન હતો. ક્યૂટ લાગતો હતો. હસતો અને દાંત બહાર નીકળતો તો છોકરીઓનાં દિલમાંથી પતંગિયા ઉડતા! મેનને એ પછી માધવનની સાથે જ રહેના હૈ તેરે દિલ મેં કરીને રિમેક પણ બનાવી.

Vaaranam Aayiram માટે આ દિગ્દર્શકને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ખૂદ વિજયની 2021ના વર્ષમાં આવેલી માસ્ટરમાં પણ તેનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં હીરો છાશવારે ખોટું બોલ્યા રાખે છે અને પોતાના અતિતને છુપાવ્યા રાખે છે.

ગૌતમે અઢળક ફિલ્મો બનાવી, પણ તેને યાદ કરવો તો તેમની રોમેન્ટીક ફિલ્મોના કારણે જ ગમે છે. રહેના હૈ તેરે દિલ મેં મુગ્ધ આશિકો માટેની ફિલ્મ છે. જેમની કોલેજ હમણાં હમણાં જ સમાપ્ત થઈ છે. હવે એને ઠેકાણે પડવું છે. તો તમિલ અને તેલુગુમાં પણ બનેલી એક દિવાના થા એવા આશિકો માટેની ફિલ્મ છે જેનો નાયક પોતાના પ્રેમ માટે કંઈ પણ કરી છૂટે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments