Team Chabuk-Political Desk: જ્યારથી સી.આર.પાટીલે ગુજરાત ભાજપની કમાન સંભાળી છે ત્યારથી ભાજપમાં ઘણું બદલાઈ રહ્યું છે. આ બદલાવ ઘણાને સારો લાગી રહ્યો છે તો ઘણા પાટીલ ભાઉના નિર્ણયોથી મોંઢુ પણ બગાડી રહ્યા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. મૂરતિયાઓ ઘોડે ચડવા થનગની રહ્યા છે. ત્યારે ભાજપમાં ફરી ભડકો થયો છે. આ વખતે એક-બે નેતાઓ નહીં પણ અનેક નેતાઓ નારાજ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવાને લઈને સી.આર.પાટીલે જે નિયમો બનાવ્યા છે તે હવે ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ સમાન બની રહ્યા છે.
ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, પાર્ટીના આગેવાનો કે હોદ્દેદારોના સગા-સંબંધીને ટિકિટ નહીં મળે, 3 ટર્મથી ચૂંટાતા હશે તેઓને પણ ટિકિટ નહીં મળે, 60 વર્ષથી વધુ ઉંમરવાળાને પણ પાર્ટી ચૂંટણી મેદાનમાં નહીં ઉતારે. ઉપરાંત વધુ એક નિયમ બનાવ્યો હતો કે પૂર્વ મેયરને પણ ટિકિટથી હાથ ધોવા પડશે. જો કે ગુરુવારે મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કરતાં દાવેદારોમાં અને પાર્ટીના ઘણા કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે. ઘણી જગ્યાએ તો વાત ગાળાગાળી સુધી પણ પહોંચી ગઈ હતી.
અમદાવાદ
અમદાવાદમાં જાહેર કરાયેલા ઉમેદવારોમાં પ્રથમ દ્રષ્ટિએ સી.આર.પાટીલે બનાવેલા સગા-સંબંધીઓને ટિકિટ નહીં આપવાના નિયમનો જ ઉલાળિયો થતો દેખાયો છે. કેમ કે અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપે 8 હોદ્દેદારોની પત્નીને ટિકિટ આપી છે.ચાંદખેડાના મહિલા ઉમેદવાર પ્રતિમા સક્સેના સામે પણ કાર્યકરોમાં વિરોધ છે. નારાજ કાર્યકરોએ આઈ.કે. જાડેજાને આવેદન આપીને કહ્યું છે કે શુક્રવાર બપોર સુધીમાં ઉમેદવાર નહીં બદલો તો 500 કાર્યકરો રાજીનામા આપી દેશે. તો વાસણામાં પણ આયાતી ઉમેદવારને ટિકિટ મળતા નારાજ કાર્યકરો ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા. તો આ તરફ અમરાઈવાડીમાંથી મહેન્દ્ર પટેલને ટિકિટ મળતાં વિવાદ ઉભો થયો છે. સ્થાનિક કાર્યકરોનું કહેવું છે કે, કાંકરિયામાં થયેલી રાઈડ દુર્ઘટનામાં જવાબદાર વ્યક્તિ એવા ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને ટિકિટ ન આપવામાં આવે.
વડોદરા
વડોદરાના વોર્ડ નં. 18માં મહિલા ઉમેદવારના પતિ બુટલેગર હોવાને લઈને પાર્ટીના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોએ આ અંગે હોદ્દેદારોનું ધ્યાન પણ દોર્યું છે. ટિકિટ વહેંચણીને લઈને ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ પુત્ર પ્રેમમાં પક્ષ સામે બગાવત કરવાના મૂડમાં દેખાઈ છે. મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ટિકિટ નહીં મળતાં મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, પાર્ટી નિર્ણય બદલશે પરંતુ જો પાર્ટી નિર્ણય નહીં બદલે તો અમે વિચારીશું. એટલે કે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે.
જામનગર
જામનગર મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. કરશન કરમુરનો પક્ષ પર આરોપ છે કે, ઘણા બળવાખોરોને ટિકિટ અપાઈ છે. તો વોર્ડ નં. 9માં ભાજપે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી હોવાના આરોપ સાથે કાર્યકરો ભાજપ કાર્યાલયે વિરોધ નોંધાવવા પહોંચી ગયા હતા. જામનગરના મનપાના પૂર્વ મેયર હસમુખ જેઠવાના પુત્ર પાર્થ જેઠવાને ટિકિટ મળતા વિરોધનો સૂર ઉઠ્યો છે. તો ડેપ્યુટી મેયર કરશન કરમુરના રાજીનામા બાદ આજે શુક્રવારે વોર્ડ નં.6ના લીગલસેલના એડવાઈઝર ડાડુભાઈ ભારવાડીયા અને પૂર્વ કોર્પોરેટર તથા શહેર સંગઠનના ઉપપ્રમુખ જ્યોતિબેન ભારવાડીયાએ પણ ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે.
રાજકોટ
રાજકોટમાં ગુરુવારે ટિકિટ જાહેર થયા બાદ વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ હતી. વોર્ડ નં. 14ના ભાજપના વોર્ડ પ્રમુખ અનિષ જોશીએ ટિકિટ ન મળતાં ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને ગાળો ભાંડી હતી. બીજા એક વોર્ડ નં. 17ના દાવેદાર રાજેન્દ્ર રાઠોડે પણ ટિકિટ ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી. જો કે અનિષ જોશી અને નરેન્દ્ર રાઠોડને કમલેશ મિરાણીએ અસભ્ય વર્તન કરવા બદલ પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા.
ભાજપે ટિકિટ આપવાને લઈને નિયમો તો બનાવ્યા પરંતુ ટિકિટ વહેંચણીમાં ભાજપ જ પોતાના નિયમો પર અડગ રહેવામાં નિષ્ફળ ગઈ. જેનું પરિણામ નારાજગી અને રાજીનામા સ્વરૂપે બહાર આવી રહ્યું છે. મનપાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં અનેક એવા નામો છે જેમાં સગાવાદ જોવા મળી રહ્યો છે. કાર્યકરોની મુખ્ય નારાજગીનું કારણ આ જ છે કે સગા-સંબંધીઓને ટિકિટ ન આપવાની વાત કરી હોવા છતાં પાર્ટીએ અનેક એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેનું કનેક્શન પાર્ટીના હોદ્દેદારો કે આગેવાનો સાથે છે. આગામી સમયમાં ભાજપને કાર્યકરોની આ નારાજગી નાનું-મોટું નુકસાન જરૂર પહોંચાડી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત