Team Chabuk-National Desk: મહારાષ્ટ્રમાં સતત કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. આંશિક લોકડાઉન લાદી દેવાનો પણ વારો આવ્યો છે. નાગપુર જેવા જિલ્લાઓમાં તો બિલાડીનાં ટોપની માફક કેસ વધી રહ્યા છે. એવામાં BMCએ લાલ આંખ કરી છે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક ન પહેર્યું હોય તો કાર્યવાહી કરી છે. જનતા પણ હવે કોરોના અને કાર્યવાહીથી ત્રસ્ત આવી ગઈ છે. જેથી કંઈ પણ કરી નાખે છે. આ જુઓ, BMCની મહિલા માર્શલને લાફો મારી દીધો.
એક વીડિયો સામે આવ્યો છે. મુંબઈના કાંદિવલી વિસ્તારનો છે. જ્યાં એક BMCનાં કર્મચારીએ મહિલાને માસ્ક પહેરવાનું કહ્યું તો મહિલાએ તેની ધોલાઈ કરી નાખી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર સમુદ્રનાં મોજાની જેમ વાઈરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં એક મહિલા ઓટોરીક્ષામાં આવીને બેસે છે. તેણે માસ્ક નથી પહેર્યું. BMCની મહિલા કર્મચારી એટલે કે માર્શલ તેને માસ્ક પહેરવાનું કહે છે. મહિલા તેને ગાળ આપે છે. BMC માર્શલ તેને પકડવાનો પ્રયાસ કરે છે. એવામાં ક્રોધિત મહિલા ઓટોમાંથી બહાર નીકળે છે. BMC મહિલા માર્શલને થપ્પડ મારે છે. માથાનાં વાળ ખેંચવા લાગે છે. આ સમયે જ કેટલાક લોકો, જે રોકવાની જગ્યાએ વીડિયો બનાવવામાં લાગી જાય છે.
વીડિયો મુંબઈના કાંદિવીલી વિસ્તારનો છે. BMCની મહિલા કર્મચારીની ડ્યૂટી હતી કે તે માસ્ક વિના આંટા મારતાં લોકોને પકડે અને કોરોનાના સેફ્ટી નિયમો વિશે કહે. તેમની પાસેથી દંડ વસૂલી કરે. પણ આ મહિલાને BMCની મહિલા માર્શલનું કંઈક કહેવું વીંછીના ડંખની માફક ડંખી ગયું, કે તેણે મહિલાનાં વાળ ખેંચ્યા અને ઢીબેડવા લાગી. મુંબઈમાં માસ્ક ન પહેરવા પર 200 રૂપિયા દંડ ઠોકવામાં આવે છે. BMCની મહિલા કર્મચારીએ પણ 200 રૂપિયા માગ્યા હતાં.
આ કારણે જ મહિલા અને BMCની માર્શલ વચ્ચે યુદ્ધની નોબત આવી ગઈ. BMC સુપરવાઈઝર પ્રશાંત કાંબલેએ કહ્યું કે, ચારકોપ પોલીસ આ ઘટનાની તપાસમાં લાગેલી છે. આ વીડિયો 19 માર્ચનો છે. શુક્રવારના રોજ 19 માર્ચની તારીખે મુંબઈમાં કોરોનાના 3000 નવા કેસ સામે આવ્યા હતા અને સમગ્ર મહારાષ્ટ્રમાં 25,000 જેટલા કેસ સામે આવ્યાં હતાં.
મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 19 માર્ચનાં રોજ કહ્યું કે, જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો સરકાર લોકડાઉન અથવા તો અન્ય સંભવિત વિકલ્પો પર વિચાર કરશે. તેમણે કહ્યું હતું કે, હું આગળ લોકડાઉનને એક વિકલ્પના રૂપે જોઉં છું. જોકે હું રાજ્યનાં લોકો પર ભરોસો કરું છું કે એ સહયોગ કરે. જે રીતે એમણે પહેલા કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત