Homeવિશેષવાર્તા : ખરી ક્રાન્તિ કરી

વાર્તા : ખરી ક્રાન્તિ કરી

કોમરેડ જસ્મીનઃ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરો, ઘરે રહો સુરક્ષિત રહો, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો એવા નારાઓથી યુનિવર્સિટીનું વાતવારણ ગૂંજતું હતું. ટેલિફોનની રિંગમાં પણ લખલખુ પસાર થઈ જાય એવી રીતે એક સ્ત્રી બોલતી હતી.  લૉકડાઉનનાં પીડાદાયક દિવસો પત્યા પછી સાત-આઠ મહિના બાદ ફરી યુનિવર્સિટીની લાયબ્રેરી ખુલી. છોકરીઓની આંખમાં પુસ્તકો વસેલા હતાં, છોકરાઓની આંખોમાં સરકારી પરીક્ષાની તૈયારી. એ સાથે જ કેટલાક છોકરાઓની આંખમાં કેટલીક કામણગારી સ્વરૂપવતિઓ વસેલી હતી. પુસ્તકના પાછળના ભાગને જોવા કરતાં તેઓ છોકરીઓનાં પૃષ્ઠ ભાગને જોઈ પ્રેમની પરીક્ષાઓ આપતાં હતાં અને પછી બેઉંમાં નિષ્ફળ જતાં હતાં.

કેમેસ્ટ્રી ભવનની વિદ્યાર્થિની અમિતા રૂપ રૂપનો ખજાનો લઈ લાયબ્રેરીમાં તેર નંબરની સીટ પર બેઠી હતી અને બાર નંબરની સીટ પર પત્રકારત્વનો વિદ્યાર્થી વાઘજી કબજો જમાવીને બેઠો હતો. બંનેની સીટ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે અંતર વધીને ત્રણ મીટર થઈ ગયું હતું. અમિતાના સુંદર ચહેરા પર માસ્કરૂપી ગ્રહણ લાગી ગયું હતું. તેની અડધી આંખો પણ તેની સુંદરતામાં વધારો કરતી હતી. છોકરીની સુંદરતા જેમ ઢંકાયેલી હોય એમ એ છોકરાને વધારે પજવે છે. અમિતા પણ વાઘજીને પજવી રહી હતી.

આઠ મહિના બાદ બંને ફરી લાયબ્રેરીમાં ભેગા થયા હતા. યુનિવર્સિટીમાં હજુય પહેલાં જેવો માહોલ જામ્યો ન હતો. કેટલાક મીડિયાવાળાએ યુનિવર્સિટીમાં કોરોનાનો વિસ્ફોટ એવી હેડલાઈન મારીને યુનિવર્સિટીને બદનામ કરી નાખી એ વાતનું વાઘજીને ખુબ દુઃખ હતું. કારણ કે મીડિયામાં અહેવાલ પ્રગટ થયા બાદ યુનિવર્સિટી સ્વેચ્છાએ બધુ બંધ કરી દેતી હતી અને એનાં જ કારણે અમિતા સાથેની મુલાકાત પણ બંધ થઈ ગઈ હતી. એણે મનમાં વિચાર્યું, ‘કેવી બકવાસ વિદ્યાશાખામાં હું અભ્યાસ કરું છું.’

વાઘજી મૂળ ગામડિયો વિદ્યાર્થી. ખભા સુધી પહોંચતા વાળ, બાવળનાં કાંટા જ્યાં ત્યાં ઊગી નીકળે તેમ ગાલ પર આડેધડ ઊગી નીકળેલ દાઢી અને બિલાડાની જેમ લબડતી મૂછો જ તેની ઓળખ. આ પત્રકારત્વનાં વિદ્યાર્થીએ કેમેસ્ટ્રીની વિદ્યાર્થિની સાથે કેમેસ્ટ્રી જમાવી દીધી હતી. પુસ્તક વાંચવામાં કંટાળો આવતા શબ્દો પર જ નજર કરી તે દોઢ વર્ષ પહેલાંની ઘટનામાં ખોવાઈ ગયો.

જ્યારે અમિતા પુસ્તકો ભરેલો થેલો લઈ લાયબ્રેરીની બહાર ઊભી હતી. એણે અંદર જોઈ તપાસ કરી તો ખબર પડી કે લાયબ્રેરીમાં ઘૂષણખોરી થઈ રહી છે. ભવનના વિદ્યાર્થીઓ શિક્ષણકાર્ય પતાવી લાયબ્રેરીમાં આવતા. જ્યારે બિનસચિવાલયની તૈયારી કરતાં બહારનાં યુવક-યુવતીઓ પહેલેથી જ આવી અને જગ્યા પર કબજો કરી લેતા. બબ્બે લેક્ચર ભરી આવેલી અમિતાને હાથમાં પુસ્તક લઈ જતાં જોઈ વાઘજીએ મશ્કરી કરતાં કહ્યું, ‘ઓય ભૂરી… ક્યાં જાય છે ? વાંચવું નહીં ?’

અમિતાએ ગુસ્સામાં કહ્યું, ‘જગ્યા જ નથી હોતી, આજેય ધક્કો થયો, હવે પાછું એક કિલોમીટર ચાલીને હોસ્ટેલ પર જવાનું. હું જે જગ્યાએ રોજ બેસું છું ત્યાં કોઈ લબાડ બેસી ગયો છે. બોલાવવો પણ ગમે એવો નથી.’ આટલું બોલી છણકો કરી તે ચાલતી થઈ.

આ વાત વાઘજીના દિલમાં આગ લગાડી ગઈ. વાઘજીએ તેને ત્યાં જ રોકી, તેનો હાથ પકડીને કહ્યું, ‘ચાલ મારી સાથે.’

વાઘજીએ હાથ પકડતા જ અમિતાના શરીરમાં ધ્રૂજારી પ્રસરી ગઈ.

અમિતાનો હાથ પકડીને વાઘજી લાયબ્રેરીના રિડીંગ રૂમમાં પ્રવેશ્યો. તેની આંખો રાની બિલાડા જેવી લાગી રહી હતી. વારંવાર દાઢી અને વાળ પર હાથ ફેરવતો હતો. તેણે અમિતાની કાયમી જગ્યાએ બિરાજમાન થયેલા છોકરાને ઊભો કર્યો અને પાટા વડે ખુરશીને ફગાવી તેના ગાલમાં બે લત્ત લગાવી દીધી. અમિતા તો હેબતાઈ ગઈ. છોકરો સાવ મૌન થઈ ગયો. બીજા પણ પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયાં. 

હવે વાઘજીએ વિરોધનો બીજો રાઉન્ડ શરૂ કર્યો. એ ઘૂષણખોર વિદ્યાર્થીઓનાં ડેસ્ક પર ઊભા રહીને નારે બાજી કરવા લાગ્યો, ‘ભારત માતા કી જય. ઘૂષણખોર લાયબ્રેરી છોડો. ફી ભરે ભવનવાળા, મોજ કરે તલાટીવાળા?’

વાઘજીએ નારાઓ લગાવ્યા બાદ ગર્જના કરતો હોય તેવી રીતે બોલ્યો, ‘જેની પાસે યુનિવર્સિટીનું આઈકાર્ડ હોય તે જ લાયબ્રેરીમાં બેસે.’ લાયબ્રેરીની નિરવ શાંતિ તોફાનમાં ફેરવાઈ ગઈ. સિક્યોરિટીવાળા કાકા અડધું ઉતરેલું પેન્ટ ચડાવતા દોડીને આવ્યા. વાઘજીએ પોતાના લાંબા વાળને પાછળની બાજુ ઝટકો મારતા સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યાં. અમિતા ડઘાઈ ગઈ. તેણે વાઘજીનું આવું ક્રાન્તિકારી સ્વરૂપ આ પહેલાં નહોતું જોયું. તેની નજર વારંવાર વાઘજીના હાથે બે લાફા ખાધેલા ગરીબડા છોકરા પર હતી. જે સાઈડમાં સૂનમૂન ઊભો હતો.

સિક્યોરિટીવાળા કાકાએ કહ્યું, ‘ઓય શાંતિ રાખ, કેમ બૂમો પાડે છે ?  ખબર નથી પડતી લાયબ્રેરી છે. બહાર નીકળ.’ સિક્યોરિટીવાળા કાકાના હાથમાં લાકડી હતી. એ લાકડીની ઉંમર પણ કાકાની ઉંમર સાથે બંધબેસતી હતી.

વાઘજીએ આઈકાર્ડ કાઢી વધુ જોરથી બૂમ પાડીને પ્રત્યુત્તર આપતા કહ્યું, ‘તમને ઘૂષણખોરો નથી દેખાતા ?  આ રહ્યું મારું આઈકાર્ડ. પત્રકારત્વનો વિદ્યાર્થી છું. પૂરા અઢીસો રૂપિયા ફી ભરી છે અને અમને જ સીટ નથી મળતી. આ કોઈ બહારનો લબાડ અહીંની જ વિદ્યાર્થિનીની જગ્યાએ બેસી ગયેલો એ નથી દેખાતું.’

આ વિસ્ફોટક ધમાચકડી જોઈ લાયબ્રેરિયન પી.પી.સાહેબ પોતાની એ.સી ચેમ્બરમાંથી ધસમસતા દોડી આવ્યા. પોતાની વિશાળ ફાંદ પર હાથ ફેરવતા ફેરવતા ઓડકાર લેતા બોલ્યા, ‘શું થયુ બેટા? લાયબ્રેરીનો માહોલ કેમ બગડ્યો છે ? અને બેસવાનું ખુરશી પર હોય તું તો ઉપર ચડીને…’

વાઘજીએ કહ્યું, ‘10 મિનિટમાં જો આ ઘૂષણખોરો લાયબ્રેરીની બહાર ન ગયા, તો હું તમામનાં પટ્ટા પકડી ઊંધા કરીને બહાર ફેંકી દઈશ.’

પી.પી. સાહેબે વાઘજીને કહ્યું, ‘બેટા શાંતિ રાખ બધાને સીટ મળી રહેશે. ચાલ મારી ચેમ્બરમાં ત્યાં જ વાત કરીએ.’

વાઘજીની સાથે અમિતા પણ પી.પી.સાહેબની ચેમ્બરમાં ગઈ. ચેમ્બરમાં એ.સીની હવા ખાતાં ખાતાં કલાક સુધી મંથન ચાલ્યું અંતે પી.પી.સાહેબે કહ્યું, ‘બેટા, હું પણ તારી જેમ પ્રેક્ટીકલ વિચાર ધરાવું છું. ગરીબ વિદ્યાર્થીઓને તક મળે એ માટે હું કોઈને ના નથી કહેતો. કરે છે તો પરીક્ષાની તૈયારી જ પરંતુ હું યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દઉં. કાલથી હું આઈકાર્ડ ફરજિયાત કરી દઉં છું. આઈકાર્ડ હોય તેને જ કાલથી લાયબ્રેરીમાં પ્રવેશ મળશે.’

અમિતાએ કહ્યું, ‘સાહેબ એક કિલોમીટર ચાલી હોસ્ટેલથી આવી છું જગ્યા નથી એટલે હવે ફરી હોસ્ટેલ જઉં છું.’

પી.પી.સાહેબે કહ્યું, ‘બેટા હું તને જગ્યા કરી આપું છું. તું ઉપરનાં માળે રિડિંગ સેક્સનમાં જા, હું પ્યૂનને કહું છું એ તારા માટે હાલ પુરતી ત્યાં ટેબલ-ખુરશીની વ્યવસ્થા કરી આપશે.’

બીજા દિવસે સવારથી લાયબ્રેરીના નિયમ બદલાયા અને અમિતાને તેર નંબરનું ટેબલ અને ખુરશી કાયમ માટે મળી ગયા. આમ, વાઘજીને પણ અમિતાના દિલમાં જગ્યા મળી ગઈ. પરંતુ ખુશીના દિવસો વધુ ચાલ્યા નહીં. ત્રણ મહિનામાં કોરોના આવ્યો અને આખી યુનિવર્સિટીને તાળું લાગી ગયું. હવે આઠ મહિના બાદ ફરી યુનિવર્સિટી ખુલી છે અને વાઘજી અને અમિતા ફરી લાયબ્રેરીમાં ગોઠવાયા છે. અમિતા પુસ્તક વાંચી રહી છે અને વાઘજી અમિતાને વાંચી રહ્યો છે.

ભમરો જેમ ફૂલો પર વિહરે તેમ જૂની યાદો પર વિહરતો વાઘજી પુસ્તકનાં પાનાં પલટાવતો હતો પણ વાંચવામાં મન લાગતું ન હતું. આખરે ધીમે પગલે લાયબ્રેરી બહાર નીકળી ગયો. પરિસરની બહાર ગુલમહોર નીચે રાખેલા બાકડા પર બેસી ગયો. સુકા ખેતર પર જેમ વરસાદ હેત વરસાવે તેમ અમિતા પણ લાયબ્રેરીની બહાર આવીને વાઘજીની બાજુમાં એનો હેત વરસાવવા બેસી ગઈ. વાઘજીને થોડી શાંતિ થઈ. એ બોલ્યો, ‘કેવું ચાલે છે વાંચવાનું?’

અમિતાએ હસીને કહ્યું, ‘નવરાશમાં તૈયારી ખુબ થઈ છે. નેટ પાસ કરી લઈશ. બાકી આ કેમિકલ ભેગા કરી કરીને હું પણ થાકી છું. ક્યાં સુધી લેબમાં કેમેસ્ટ્રી ભણતી રહીશ? તારું ફિલ્ડ તો સારું છે, કાલે તને કોઈ મોટા ન્યૂઝ પેપરમાં કે ચેનલમાં જોઈ મને આનંદ થશે. તમારા જેવા ક્રાન્તિકારી સમાજ માટે જરૂરી છે.’

વાઘજીએ કહ્યું, ‘આ કોરોના ફરી વધે છે. કોર્પોરેશનવાળા આવીને આ બંસીધર પાનનો ગલ્લો પણ સીલ કરી ગયા. હવે માવો ખાધા વગર માથું દુઃખે છે.’

અમિતા થોડી મુંઝાઈ પછી બોલી, ‘મારી પાસે મસાલો તો ના હોય પણ તારું માથું દુખવાની સમસ્યા હું દૂર કરી શકું છું, તેમ કહી પોતાની બેગમાંથી થર્મોસ કાઢ્યું, ‘લ્યો ચા પીવો. હોસ્ટેલમાંથી જાતે બનાવીને લાવી છું. આદું પણ નાખ્યું છે. ઈમ્યૂનિટી બૂસ્ટ કરશે.’ વાઘજીએ કપ હાથમાં લઈ ચાની ચુસ્કી લીધી.

ગુલમહોર નીચેના બાકડે ડાયરો જામી ગયો. સુખ-દુઃખની વાતો થવા લાગી. વાતો કરતાં-કરતાં બંનેના હાથ એક બીજાના હાથમાં આવી ગયા. હાથમાં આંગળીઓ પરોવીને ચેષ્ટા કરતાં અમિતા અને વાઘજીને પ્રેમની રમતમાં આગળ વધવું હતું. અને એ આગળ વધી ગયા…

વૃક્ષના છાયડા નીચે આગ લાગી ચૂકી હતી. ભૂખ્યો વાઘ જેવી રીતે પોતાના મજબૂત જબડાથી હરણીની ગરદન પકડે તેમ વાઘજીએ પોતાના હોઠ અમિતાના હોઠમાં પરોવી દીધા. હવે શબ્દો પૂરા થયા અને પ્રણય શરૂ થયો.

આ સમયે લાયબ્રેરિયન પી.પી.સાહેબે મસાલાની પીચકારી મારવા ચેમ્બરની બારી ખોલી. સામે જોયું તો તેની લાયબ્રેરીનાં વિદ્યાર્થીઓ પ્રણયલીલા કરતાં હતાં. ન જોવાનું જોઈ લીધું હોય તેમ પી.પી.સાહેબે નજર ફેરવી તો ગુલમહોરની બાજુના બેનરમાં કુલપતિનો સંદેશ હતો ‘વિદ્યાર્થી મિત્રો સોશિયલ ડિસ્ટન્સ જાળવો.’

પી.પી.સાહેબે વિચાર્યું, આ પેઢીને શું થયું છે અને બારી બંધ કરી દીધી. વિચારમગ્ન પી.પી.સાહેબે ટેબલનાં ખાનામાંથી 360નું તમાકુ કાઢી ફાકી બનાવી અને પછી એકલાં એકલાં જ બોલ્યા, ‘જુવાનિયા કોરોના પ્રદેશની પેલેપાર નીકળી ગયા છે.’

સાંજના પાંચેક વાગ્યે અમિતા જ્યારે ચાલી ગઈ ત્યારે પી.પી.સાહેબે વાઘજીને પોતાની ઓફિસમાં બોલાવ્યો. વાઘજી તેમની ઓફિસમાં ગયો. તેનો પ્રવેશ થયો અને સાહેબ તેના હોઠને તાકવા લાગ્યા. વાળ અને દાઢી પર હાથ પસવારતો વાઘજી બોલ્યો, ‘બોલો સાહેબ.’

‘તે તો ભાઈ બોવ ક્રાન્તિ કરી. પહેલા તો જગ્યા માટે અને પછી લાયબ્રેરીના પટાંગણમાં જ હોઠથી!!’

વાઘજી શરમાવા લાગ્યો, ‘હવે સર, આ ઉંમરે તો…’

‘બસ… બસ… વાઘજી. તે વાઘની જેમ માંસલ હોઠમાં હોઠ પરોવીને જે રસ ઘોળી ઘોળીને પીધો એ મેં જોયું છે.’

પી.પી.સાહેબને વધુ બોલવું હતું. એટલામાં એમની ઓફિસનો દરવાજો ખૂલ્યો અને એક ઊંચો છોકરો બોલ્યો, ‘ચાલે ય વાઘજી.’

‘ચાલો સર.’ વાઘજી તો બોલીને ચાલ્યો ગયો પણ હવે પી.પી.સાહેબની આંખો ફાટી ગઈ હતી. જે છોકરાએ અમિતાની જગ્યા રોકી રાખી હતી એ લબાડ વાઘજીનો દોસ્તાર!!  વાઘજીને બોલાવવા આવ્યો હતો.

પી.પી.સાહેબ ગણગણ્યા, ‘ખરી ક્રાન્તિ કરી.’

 તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments