Team Chabuk-Budget Desk : માણસની જીવન જરૂરિયાતની વસ્તુ કઈ? આવું પહેલા પૂછો તો જવાબ હતો રોટી, કપડાં અને મકાન. હવે ત્રણ વસ્તુ વધારાની ઉમેરાઈ છે. રોટી, કપડાં, મકાન, મોબાઈલ, ચાર્જર અને ઈન્ટરનેટ. ચાર્જર અને ઈન્ટરનેટ વિનાનો મોબાઈલ તો થાળી હોય પણ જમવાનું ન હોય એ બરાબર છે. સરફરોશ ફિલ્મમાં ડાઈલોગ છે ને ‘‘બિના ગોલીયોં કે યે બંદૂકે પથ્થર હૈ પથ્થર…’’
બસ વાત એની જ કરવાની છે. મોબાઈલ અને ચાર્જર મોંઘા થઈ ગયા છે. મોંઘા કરવા પાછળનું કારણ ન કહેવામાં આવે તો પણ તમને ખબર પડી જ જવાની છે. આ બે એવી વસ્તુ છે જે ખરીદાવાની જ ખરીદાવાની છે. તેના વિના સામાન્ય જનતાને 2021માં ચાલવાનું જ નથી.
ભારતમાં હવે તમામ કંપનીઓ મોબાઈલના પ્રોડકશન વ્યવસાય સાથે જોડાયેલી છે. ભારતમાંથી તો હવે મોબાઈલની સાથે સાથે મોબાઈલના પાર્ટ્સની પણ નિકાસ કરવામાં આવી રહી છે. 2021ના બજેટમાં વિદેશી મોબાઈલ મોંઘા કરવાની વાત કહેવામાં આવી છે. મોબાઈલ ફોન પર કસ્ટમ ડ્યૂટી વધારીને 2.5 ટકા કરી દેવામાં આવી છે.
દેશી મોબાઈલ તો કોઈ ખરીદતા જ નથી. માગ વિદેશી મોબાઈલોની જ છે. જેના પણ હાથમાં જુઓ વિદેશી મોબાઈલ જ દેખાશે તો પછી તેના પર જ નાખવામાં આવે. મોબાઈલ સિવાય જેના કારણે મોબાઈલ ચાલે છે તેવા ચાર્જર પણ મોંઘા થશે. જેની મધ્યમ વર્ગ પર મોટી અસર પડશે. પહેલા એવું હતું કે મોબાઈલ કંપનીઓ ફોનની સાથે ચાર્જર આપતી હતી, પણ હવે એપલ, શાઓમી અને સેમસંગ જેવી કંપનીઓએ ફોનની સાથે ચાર્જર દેવાનું બંધ કરી દેતા રોકડું કરી લેવાની દિશામાં પગલું ભર્યું છે. એમાંય બજેટમાં ઉપર કહ્યા એ વિદેશી મોબાઈલ પર જ કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવે તો પછી થઈ ર્યું.
બજેટ 2021ની અસર એ મોબાઈલ કંપનીઓ પર પડશે જેના ફોન વિદેશમાં તૈયાર થાય છે. જોકે એપલ, શાઓમી, રિયલમી, સેમસંગ જેવી કંપનીઓના ફોનનું પ્રોડક્શન ભારતમાં જ થાય છે. જેથી ઘર આંગણાની કંપનીઓને ફાયદો મળશે.
આ બજેટથી એક મોટી વાત સામે આવી છે. આ પહેલા ભારતમાં મોબાઈલ પાર્ટ્સનું પ્રોડક્શન નહોતું થતું. પણ નાણાંમંત્રીએ કહ્યું કે, ભારત હવે મોબાઈલ પાર્ટ્સને પણ અન્ય દેશોમાં મોકલી રહ્યું છે.
જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ બ્લૂમબર્ગની રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાઈવાનની કંપની પેગાટ્રોન કોર્પોરેશનની સાથે ટાટા ઈલેક્ટ્રોનિક્સે, મોબાઈલ ફોન અને તેના સ્પાર્ટ માટે ભાગીદારી કરી છે. આ માટે બંને કંપનીઓની વચ્ચે 85 હજાર કરોડનું રોકાણ થયું છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રથમ ચરણમાં ટાટા ઈલેક્ટ્રોનિક્સે મોબાઈલ ફોનના પાર્ટ્સ માટે 5,767 કરોડ અને પેગાટ્રોન મોબાઈલ ફોન બનાવવાના 80, હજાર 500 કરોડનું રોકાણ કર્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત