Team Chabuk-International Desk: કોરોના પછી ચીન માટે વિશ્વના રાષ્ટ્રોના ચહેરા પર સ્મિત અકબંધ રાખવું ખરેખર આકરું થઈ પડ્યું છે. દરેક બીજું રાષ્ટ્ર ચીનની મિત્રતામાંથી સ્વતંત્રતા ઝંખે છે. ચીન પાસે હવે એવા જ મિત્રો બાકી બચ્યા છે જે કાં તો ચીનના સૈન્યબળથી ભયભીત છે અથવા તો વર્ષોથી ખૂંટે બંધાઈ ગયા છે અને ચીન વિના જેઓ આત્મનિર્ભર બની ડગલું પણ નથી માંડી શકતા. 2008માં ચીનમાં ભવ્યાતિભવ્ય ઓલિમ્પિક થઈ હતી. 2022માં વિન્ટર ઓલિમ્પિક થવાની છે. જોકે એ પૂર્વે જ ચીનને એક બાદ એક ઝટકા યુરોપિયન અને અમેરિકન રાષ્ટ્રો આપી રહ્યા છે. આ ક્રમમાં બુધવારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી વિન્ટર ઓલિમ્પિકમાં પાછા હટવાની વાત વિશ્વને કહી ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની દિશામાં પગલું ભર્યું હતું.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે, ચીનમાં અવિરત થઈ રહેલા માનવ અધિકારના ઉલ્લંઘનથી કેનેડા ઘણું જ ચિંતિત છે. તેના વિરોધમાં અમે બીજિંગમાં આયોજીત થનારા વિન્ટર ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમતોમાં કોઈ પણ રાજનીતિક પ્રતિનિધિને નહીં મોકલીએ. જોકે ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓનું પૂરતું સમર્થન કરીશું.
કેનેડા પહેલા મંગળવારના રોજ ઓસ્ટ્રેલિયા અને એ પૂર્વે અમેરિકા પણ બીજિંગ વિન્ટર ઓલિમ્પિકમાંથી પોતાનું નામ પાછું ખેંચી ચૂક્યું છે. શીતકાલીન ઓલિમ્પિકનો બહિષ્કાર કરવા પાછળનું કારણ ચીનનું ઉઈગર મુસ્લિમો પ્રત્યેનું ઓરમાયું વર્તન છે. જેના કારણે માનવધિકારનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. બંને દેશોએ વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા પોત પોતાના દેશના ખેલાડીઓનું સમર્થન કર્યું હતું, પરંતુ પ્રતિનિધિ મોકલવાની વાત આવતા તેમણે પાછી પાની કરી લીધી હતી.
વિન્ટર ઓલિમ્પિકમાં રાજકીય પ્રતિનિધિ ન મોકલવાનો નિર્ણય ફક્ત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાનો જ નહીં પણ બ્રિટન સુદ્ધા આ રમતોમાં પ્રતિનિધિ ન મોકલીને ચીનને પાઠ ભણાવવાનું વિચારી રહ્યું છે. આ પગલું તેમના ખેલાડીઓને સ્પર્ધામાં ભાગ લેતા રોક્યા વગર જ વિશ્વ મંચ પરથી ચીનને માનવ અધિકારનો પાઠ ભણાવવાનો છે. વિન્ટર ઓલિમ્પિકમાં હવે માત્ર બે મહિનાનો સમયગાળો બચ્યો છે. એવામાં ચીન માટે વિશ્વના રાષ્ટ્રોનું એકત્ર થવું એ ભયસૂચક નિશાની છે.
આ પૂર્વે પણ આયોજક દેશને સબક શીખવાડવા માટે ઓલિમ્પિકમાં બહિષ્કાર થઈ ચૂક્યો છે. 1956માં મેલબર્ન, 1964માં ટોક્યો, 1976માં મોન્ટ્રિયલ, 1980માં મોસ્કો, 1984માં લોસ એન્જિલ્સ, 1988માં સિયોલ ખાતે યુદ્ધ, આક્રમણ, રંગભેદ જેવા કારણોને લઈ વિભિન્ન દેશો વિશ્વ મંચ પરથી એક સાથે સૂર આલાપી ચૂક્યા છે. 2022ના વિન્ટર ઓલિમ્પિકમાં કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના નિર્ણયનું વિશ્વ માનવધિકાર સ્વાગત કરી રહ્યું છે, તો ચીનની સ્થિતિ સીંદડી બડી પણ વળ ન ગયો જેવી છે. ચીને કહ્યું છે કે, કોઈ પહાડ નદીનો રસ્તો રોકી નથી શકતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત