Homeગામનાં ચોરેએવું કોણે કહ્યું કે, ‘ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર કહેશે કે કોરોના...

એવું કોણે કહ્યું કે, ‘ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર કહેશે કે કોરોના મહામારી હતી જ નહીં.’

Team Chabuk-National Desk: કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારના રોજ સંસદમાં કોરોનાકાળ દરમ્યાન ઓક્સિજન ન મળવાથી એક પણ વ્યક્તિનું મોત નથી થયું તેવું નિવેદન આપતા ફરી ઓક્સિજનનો મુદ્દો સપાટી પર આવી ગયો હતો. એપ્રિલ-મે મહિનામાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે હોસ્પિટલોમાં હાહાકાર મચી ગયો હતો અને લોકોની ઓક્સિજન મેળવવા બહાર લાઈન લાંબી લાઈનો લાગી હતી એ દૃશ્યો આંખો સમક્ષ ફરી તાજા થઈ ગયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આ નિવેદન પર વિપક્ષે સંસદમાં આપત્તિ વ્યક્ત કરી છે. કોંગ્રેસે આ ઘટના પર સરકાર સામે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવવાની વાત ઉચ્ચારી છે.

મંગળવારના રોજ મોદી સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઓક્સિજન ન મળવાના કારણે કેટલા લોકોના મોત થયા તેની જાણકારી રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવી નથી. એપ્રિલ અને મે મહિનામાં દેશમાં કોરોનાની બીજી લહેર આવી હતી અને આંકડાઓની સંખ્યા વધવા લાગી હતી. દેશમાં કોરોનાના કેસ અત્યાર સુધીની ઉચ્ચ સપાટીએ હતા. પ્રથમ લહેરમાં જે મેડિકલ ઓક્સિજનની માગ 3095 મેટ્રીક ટન હતી એ વધારીને 9000 મેટ્રીક ટન થઈ ગઈ હતી. સ્થિતિ એટલી બગડી હતી કે સુપ્રીમ કોર્ટે ઓક્સિજનની અછતને રાષ્ટ્રીય સમસ્યા કહી હતી.

આ અંગે મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો કહી રહ્યા છે કે કોવિડથી થયેલી મોતમાં ઓક્સિજનની ઉણપને જોડીને સામે રાખવું એ સંવેદનશીલ અને તર્કબદ્ધ મુદ્દો છે. કારણ કે મૃતકના પ્રમાણપત્ર પર મોતનું વાસ્તવિક કારણ કેટલાક અન્ય કારણોથી અલગ પણ હોઈ શકે છે. IMAના એક પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ દિલ્હીમાં એક ખાનગી હોસ્પિટલના માલિક કહે છે કે, જ્યારે રોગીની મોત કાર્ડિયેક અરેસ્ટના કારણે થઈ છે, તો તેની ઓક્સિજન ન મળવાથી થયેલી મોત કેવી રીતે દેખાડી શકીએ. તેઓ એમ પણ કહે છે કે, જો ઓક્સિજન સપ્લાઈનું મેનેજમેન્ટ યોગ્ય હોત તો 15થી 20 ટકા મોત ઘટાડી શકાઈ હોત.

રાજ્યો શું કહે છે?

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગે કહ્યું હતું કે, અમારા રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીની મોત ઓક્સિજન ન મળવાના કારણે થઈ નથી. અત્યાર સુધી રાજ્યમાં આશરે 8.5 લાખ કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કેટલીય ડેડિકેટેડ કોરોના હોસ્પિટલ છે, જેમાં લાખો લોકો ઈલાજ કરાવીને ઘરે પરત ફરી ચૂક્યા છે. રાજ્યના કોઈ પણ હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપથી એક પણ વ્યક્તિની મોત થઈ નથી.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કહ્યું કે, ‘રાજ્યમાં એક પણ દર્દીનું ઓક્સિજન વગર મોત થયું નથી. અમે કોર્ટમાં શપથપત્ર દાખલ કર્યું છે. અમે રાજ્યમાં ઉત્પાદિત થયેલ ઓક્સિજનનો યોગ્ય ઉપયોગ કરતા સપ્લાઈનું મેનેજ કર્યું હતું.’

તો સામેની બાજુ મહારાષ્ટ્રના જ શિવસેનાના સાંસદ સંજય રાઉત કહે છે કે, ‘હું અવાક છું. એ લોકોનું શું થશે જેમણે પોતાના પરિવારજનોને ઓક્સિજન ન મળવાના કારણે ગુમાવી દીધા છે? કેન્દ્ર સરકારની સામે એક કેસ કરવો જોઈએ. તેઓ ખોટું બોલી રહ્યા છે.’

બિહાર

બિહારના હેલ્થ મિનિસ્ટર મંગલ પાંડે કહે છે કે, ‘કોરોનાના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 9,632 લોકોના મોત થઈ ચૂક્યા છે. પરંતુ આમાંથી એવું કોઈ નથી જેનું મોત ઓક્સિજન ન મળવાના કારણે થયું હોય. કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓક્સિજનની માગ 14 ગણી વધારી દેવામાં આવી હતી.’

તમિલનાડુ

તમિલનાડુના હેલ્થ સેક્રેટરીએ ઓક્સિજન ન મળવાના કારણે મૃત્યુ થયું હોય તેના પર એવું નિવેદન આપ્યું હતું કે, ‘કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનને ઉપલબ્ધ કરાવવો એ પડકારજનક કામ હતું. જોકે એક પણ એવું મોત નથી થયું જેને સીધુ ઓક્સિજન ન મળવાની સાથે જોડી શકાય. જો એવું હોત તો ઓક્સિજન સપોર્ટ પર હાજર તમામ ગંભીર રીતે દાખલ થયેલા દરદીઓ મૃત્યુ પામી ચૂક્યા હોત.’

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશના હેલ્થ મિનિસ્ટર પ્રભુરામ ચૌધરીએ કહ્યું હતું કે, ‘એ વાત સાચી છે કે મધ્યપ્રદેશમાં એક પણ મોત ઓક્સિજનની કમીના કારણે નહોતું થયું. એવી ઘટનાઓ અચૂક સામે આવી હતી કે જ્યારે હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનની અછત વર્તાય હોય. જોકે રાજ્યોએ તુરંત એક્શન લેતા પૂરવઠો સક્રિય કરી દીધો હતો.’

ગોવા

ભાજપ શાસિત પ્રદેશ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે પણ કહ્યું કે, ઓક્સિજન ન મળવાના કારણે પ્રદેશમાં એક પણ વ્યક્તિની મોત થઈ નથી. વધુમાં તેમણે કહ્યું કે, ગોવા એકમાત્ર એવું રાજ્ય છે જેણે કોરોનાથી મૃત્યુ પામનારાઓના સાચા આંકડા આપ્યા છે.

દિલ્હી

દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને કહ્યું કે, ‘ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર કહેશે કે કોરોના મહામારી હતી જ નહીં. જ્યારે કોઈના મોત ઓક્સિજનની અછતના કારણે નહોતા થઈ રહ્યા, તો હોસ્પિટલ પ્રશાસન હાઈકોર્ટના દરવાજા શા માટે ખખડાવતા હતા? કેન્દ્રનો જવાબ ખોટો છે. દિલ્હીની સરકારે ઓક્સિજનની ઉણપ અને કોરોનાથી મૃત્યુ પામનારાઓને વળતર આપવા ઓડિટ કમિટિ બનાવી હતી. આ કમિટિને કેન્દ્ર સરકારે એલજી દ્વારા રોકાવી દીધી. કેન્દ્ર સરકાર લોકોના ઘા ઉપર મીઠું છાંટી રહી છે. અમે એલજીને વિનંતી કરી કહી રહ્યા છીએ કે અમને કમિટિ ચલાવવા દો. કેટલાય લોકોની ઓક્સિજન ન મળવાના કારણે મોત થઈ છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments