Homeગામનાં ચોરેશીખ સંતની આત્મહત્યાથી સરકાર પર વધ્યું દબાણ

શીખ સંતની આત્મહત્યાથી સરકાર પર વધ્યું દબાણ

ખેડૂત આંદોલન દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આંદોલન સ્થળે કરનાલના સિંઘરા ગામના સંત બાબા રામ સિંહે આત્મહત્યા કરી લીધી છે. પોતાને ગોળી મારી તેમણે જીવન ટૂંકાવી લીધુ છે. તેઓ ગુરુદ્વારા સાહિબ નાનકસરના સંત હતા. ખેડૂતોના સમર્થનમાં જીવન ટૂંકાવી દેનારા 65 વર્ષીય સંતે પંજાબી ભાષામાં એક સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં ઉલ્લેખ છે કે, આ અન્યાય વિરુદ્ધનો અવાજ છે. સંત બાબા રામ સિંહની આત્મહત્યાથી હવે આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. કેમ કે સંત બાબા રામ સિંહના અનુયાયી લાખોમાં હોવાનું જાણવાં મળ્યું છે. તો આ મુદ્દે રાજકારણ પણ શરૂ થયું છે. છેલ્લા 20થી વધુ દિવસથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. અને કાયદો રદ કરવાની માગણી કરી રહ્યા છે.

સંતની સુસાઈડ નોટ

“ખેડૂતોનું દુ:ખ જોયું. પોતાનો હક મેળવવા રસ્તા પર પરેશાન છે. મારું હૃદય બહુ દુ:ખી છે. સરકાર ન્યાય નથી આપી રહી. જુલમ છે. જુલમ કરવો પાપ છે. જુલમ સહન કરવો પણ પાપ છે. ખેડૂતોને હક અપાવવા અહીં બધાએ યોગદાન આપ્યું છે. ઘણાંએ એવોર્ડ પરત કર્યા. તેથી આ દાસ ખેડૂતોના સમર્થનમાં અને સરકારી જુલમ વિરુદ્ધ આત્મહત્યા કરી રહ્યો છે. મારું આ પગલું જુલમ વિરુદ્ધ અને ખેતી કરતા લોકોના હકમાં છે.” “વાહેગુરુ જી દા ખાલસા, વાહેગુરુ જી દી ફતેહ.”

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર કટાક્ષ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ સંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ સંદેશમાં કહ્યું કે, કરનાલના સંત બાબા રામ સિંહજીએ કુંડલી બોર્ડર પર ખેડૂતોની દુર્દશા જોઈને આત્મહત્યા કરી લીધી છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના અને શ્રદ્ધાંજલિ. કેટલાય ખેડૂતો પોતાના જીવનની આહુતી આપી ચુક્યા છે. મોદી સરકારની કૃરતા દરેક હદ વટાવી ચુકી છે. જીદ છોડો અને તાત્કાલિક કૃષિ વિરોધી કાયદા પાછા લો.

“કૃષિ કાયદા રદ કરો”

શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ સંદેશમાં કહ્યું કે, એ સાંભળીને દુઃખ થયું કે, સંત બાબા રામ સિંહજી નાનકસર સિંધરાવાળાએ ખેડૂતોની વેદના જોઈને ખેડૂતોના ધરાણામાં પોતાને ગોળી મારી લીધી. સંતજીના બલિદાનને વ્યર્થ નહીં જવા દેવામાં આવે. હું કેન્દ્ર સરકારને આગ્રહ કરું છું કે સ્થિતિને વધારે ખરાબ ન થવા દે અને ત્રણે કૃષિ કાયદાને રદ કરે.

“કેન્દ્ર સરકાર જીદ્દી બની ગઈ છે”

હરસિમરત કૌર બાદલે કહ્યું કે, કેન્દ્ર સરકાર એટલી જીદ્દી બની ગઈ છે કે તે ખેડૂતોની પીડા નકારી રહી છે. બાબા રામ સિંહીજી સિંધરાવાળાએ કુંડલી સીમા પર પોતાની આસપાસ રહેલા લોકોની પીડાને જોવામાં અસમર્થ થયા પછી આત્મહત્યા કરી લીધી છે. આશા છે કે આ ત્રાસ બાદ કેન્દ્ર સરકાર જાગશે અને એ બહુ મોડુ થઈ જાય એ પહેલાં ત્રણે કૃષિ કાયદા પાછા લેશે.

મનજિંદરસિંહ સિરસાની સંતને શ્રદ્ધાંજલિ

દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધ કમિટીના અધ્યક્ષ મનજિંદરસિંહ સિરસાએ સંતની આત્મહત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ સંદેશમાં કહ્યું કે, સંત રામ સિંહ સિંધરાવાળાએ ખેડૂતોનું દુઃખ જોઈને આત્મહત્યા કરી લીધી. આ આંદોલને સમગ્ર દેશની આત્માને હચમચાવી નાખી છે. મારી વાહેગુરૂને પ્રાર્થના છે કે તેમની આત્માને શાંતિ મળે.

આમ, સીખ સંતની આત્મહત્યા બાદ દેશનું રાજકારણ પણ વધુ ગરમાયું છે અને તમામ લોકો કેન્દ્ર સરકાર પર વરસી રહ્યા છે. સાથે જ ત્રણે કૃષિ કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments