1965 પહેલાં ચાલુ કરવામાં આવેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 6માંથી 5 રેલવે લિન્ક ફરીથી શરૂ થઈ જશે. છેલ્લા 55 વર્ષથી આ લિન્ક બંધ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારત-બાંગ્લાદેશ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો અને બંનેએ સંયુક્ત ચિલહટી-હલ્દીવાડી રેલવે લિન્કને લીલીઝંડી આપી હતી. બાંગ્લાદેશ 1971ના યુદ્ધમાં વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. જેને લઈને આ વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
શું છે ચિલહટી-હલ્દીવાડી લિન્ક ?
ચિલહટી-હલ્દીવાડી રેલવે લિન્ક ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે. આ લિન્ક ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965ના યુદ્ધ દરમિયાન બંધ કરવામાં આવી હતી. હવે રેલવે લિન્કની શરૂઆતની સાથે જ બાંગ્લાદેશથી આસામ અને બંગાળ વચ્ચે કનેક્ટીવિટીમાં સુધારો થશે. શરૂઆતમાં આ લિન્કનો ઉપયોગ માલસામાનની હેરાફેરી માટે થશે. સમય જતાં આ લિન્કનો ઉપયોગ મુસાફરો માટે પણ શરૂ કરવામાં આવી શકે છે. લિન્ક શરૂ થતાં ઉદ્યોગોની દ્રષ્ટીએ બંને દેશોને ફાયદો થશે. આ ઉપરાંત પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે.
પહેલાં બ્રોડગેજ ટ્રેન ચાલતી
જ્યારે બાંગ્લાદેશ સ્વતંત્ર ન હતું થયું ત્યારે આ રેલવે લિન્ક શરૂ હતી. બાંગ્લાદેશ ત્યારે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. ચિલહટી-હલ્દીવાડી સ્ટેશન જૂની બ્રોડગેજ રેલવે રૂટનો હિસ્સો હતી. આ લિન્ક સિલીગુડી અને કોલકાતા વચ્ચે જોડાયેલી હતી.
પાંચ કલાકનો સમય બચશે
ટ્રેન બાંગ્લાદેશના પેત્રાપોલ-બેનેપોલ બોર્ડર પરથી ભારતમાં પ્રવેશ કરશે. જે ઉત્તર બંગાળના ચિલહટી-હલ્દીવાડી બોર્ડર પર નીકળશે. સિલીગુડીથી જનારી ટ્રેન ચિલહટી, દોમાર, તોરનવાડી, નિલ્ફામાડી, સઈદપુર, દર્શના, પરબતીપુર, અને હલ્દીવાડીથી થઈને બેનાપોલ, પેત્રાપોલ થઈને સિયાલહદ પહોંચશે. જેનાથી ઓછામાં ઓછો પાંચ કલાક જેટલો સમય બચશે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે આ ટ્રેન સેવા શરૂ છે
મૈત્રી અને બંધન સેવા પહેલાંથી જ બંને દેશો વચ્ચે શરૂ છે. મૈત્રી એક્સપ્રેસ કોલકાતાથી ઢાકા સુધી જાય છે. જ્યારે બંધન એક્સપ્રેસ કોલકાતાથી ખુલના શહેર વચ્ચે દોડે છે.
‘બંગબંધુ-બાપુ’ ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ધાટન
બંને મહાનુભાવોએ ‘બંગબંધુ-બાપુ’ ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન પણ કર્યું હતું. આ અંગે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારા માટે ગર્વની વાત છે કે મે મહાત્મા ગાંધી અને શેઠ મુજીબુર્રરહેમાન પર બનેલા ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું છે. બંને દેશોના યુવાનો આ મહાન હસ્તીઓ પાસેથી પ્રેરણા લેતા રહેશે.
પીએમ શેખ હસીનાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી
બાંગ્લાદેશના પ્રધાનંત્રીએ 1971ના યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે હું ભારત સરકાર અને લોકોની આભારી છું, જેમના સમર્થનથી અમને આઝાદી મળી છે.
ભારતનું બાંગ્લાદેશને આશ્વાસન
હાલ અન્ય દેશોની જેમ કોરોના વાયરસે બાંગ્લાદેશમાં પણ તબાહી મચાવી છે. એવામાં પ્રધાનમંત્રીએ સમિટમાં બાંગ્લાદેશને આશ્વાસન આપ્યું છે કે, ભારત તેમને શક્ય તેટલી મદદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તકે કહ્યું હતું કે, બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ કોરોના સામેની લડતમાં ખૂબ હિંમત બતાવી છે. આરોગ્ય સેવાઓ અંગે બંને દેશ વચ્ચે સારો સહયોગ છે. ભારત કોરોનાની વેક્સિનને લઈને બાંગ્લાદેશને તમામ સંભવિત રીતે મદદ કરશે. તમણે કહ્યું કે નેઈબર ફર્સ્ટ નીતિનો બાંગ્લાદેશ મહત્વપૂર્ણ ભાગ છે.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો