Homeગામનાં ચોરેહે ચાબુક એવું બિલ શું કામનું જે ઘેર ઘેર જઈ સમજાવવું પડે

હે ચાબુક એવું બિલ શું કામનું જે ઘેર ઘેર જઈ સમજાવવું પડે

ચાબુક આ ભાજપે આજથી ખેડૂત સંમેલન ચાલુ કર્યું છે એ તો તને ખબર છે ને.

હા ગોવા બાપા.

પણ હું તને શું કઉં આ ખેડૂત સંમેલન ઓછું અને ભાજપના કાર્યકરો અને નેતાઓનું સંમેલન વધુ હોય એવું લાગી રહ્યું છે.

ભાજપ તો જ્યારથી કેન્દ્રમાં સત્તામાં આવ્યું છે ત્યારથી દરેક વખતે પહેલા બિલ પસાર કરે અને પછી એ બિલ જનતાને સમજાવવા નીકળવું પડે. પહેલાં પણ જોને જીએસટી, નોટબંધી વખતે એના ફાયદા ગણાવવા માટે ભાજપે ફોજ ઉતારી હતી.

કૃષિ કાયદામાં પણ એવું જ થઈ રહ્યું છે ચાબુક. ખેડૂતોને બિલ મંજૂર નથી પરંતુ સરકારને પરાણે આ બિલ ખેડૂતોને આપવું છે. ખેડૂતો બિલ પરત ખેંચવા આંદોલન કરી રહ્યા છે તો હવે સરકારે ખેડૂતોને બિલના ફાયદા સમજાવવા નીકળવું પડ્યું છે.

આ ખેડૂતોના આંદોલનનો મુદ્દો તો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે ચાબુક. અને સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે આંદોલન કરવું એ ખેડૂતોનો હક છે. પરંતુ કોઈને હેરાનગતિ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. અને સરકારને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકાર થોડા સમય માટે કૃષિ કાયદાને સ્થગિત કરવા પર વિચાર કરે.

ગુજરાતના ખેડૂતો પહોંચ્યા આંદોલનમાં

આ ખેડૂતોનું આંદોલન હવે પંજાબ, હરિયાણા પૂરતું સીમિત નથી રહ્યું હો ચાબુક. હવે તો ગુજરાતમાંથી પણ દિલ્હી બોર્ડર પર ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા પહોંચી ગયા છે અને ત્યાં કડકડતી ઠંડીમાં ગુજરાતી ગીતો લલકારી ગરબે રમી રહ્યા છે.

ગુજરાતના ખેડૂતોનું આ દ્રશ્ય જોઈને તો કહેવાનું મન થાય, હા મોજ હા… 

હા ગોવાબાપાની મોજ હા….

કૃષિ મંત્રીએ ખેડૂતોને લખ્યો પત્ર

કૃષિ બિલના વિરોધ વચ્ચે સરકાર કોઈને કોઈ રીતે ખેડૂતોને મનાવવાના પ્રયત્નો કરી રહી છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને 8 પાનાનો પત્ર લખ્યો છે અને તેમાં કૃષિ મંત્રી તરફથી ખેડૂતોને 8 આશ્વાસન આપવામાં આવ્યા છે.

આ આઠ આશ્વાસન નીચે મુજબ છે.

–     ખેડૂતોની જમીનને કોઈ ખતરો નથી, માલિક હક ખેડૂતોનો જ રહેશે.

–     ખેડૂતોને નક્કી કરેલા સમય પર રૂપિયા મળી જશે.

–     નક્કી કરેલા સમય પર રૂપિયા નહીં આપવા પર દંડ થશે.

–     મુક્ત બજારમાં સારા ભાવથી જણસ વેચવાનો વિકલ્પ.

–     એમએસપી લાગુ છે અને રહેશે.

–     મંડી ચાલુ છે અને રહેશે.

–     કરાર જણસ માટે થશે જમીન માટે નહીં, ખેડૂતો ઇચ્છે ત્યારે કરાર પૂર્ણ કરી શકે છે.

–     એપીએમસી મંડી કાયદાના દાયરાથી બહાર છે.

જો ચાબુક કૃષિ મંત્રીએ તો આ આઠ આશ્વાસન ખેડૂતોને આપ્યા છે પરંતુ હવે ખેડૂતો માને છે કે કેમ એ તો કહી શકાય નહીં. કેમ કે આ બધી હકીકત તો ખેડૂતો જાણે જ છે. તેમ છતાં ખેડૂતો આ કાયદાને માનવા તૈયાર નથી.

રેલવે ગાર્ડ ભૂતકાળ બનશે

ચાબુક તને ખબર ટ્રેનમાં છેલ્લે ડબ્બા પૂરા થાય એટલે એક કેબિન હોય ને એમાં સફેદ કપડાં પહેરેલા ને હાથમાં લીલીઝંડી બતાવતા એક ભાઈ હોય.

હા હોય છે ને ગોવા બાપા. એને ગાર્ડ કહેવાય.

ચાબુક અમે ખેતરે જતાં ને ત્યારે મારા ગામના પાદરેથી ટ્રેન નીકળતી એટલે અમે ફાટક પાસે ઉભા રહી જતાં. છેલ્લે અમે આ ગાર્ડને હાથ હલાવીને બાય બાય કહેતાં. બહુ મજા આવતી.

પણ હવે તને શું કઉં ચાબુક, આ ગાર્ડ ટ્રેનમાં નહીં જોવા મળે.

કેમ ગોવા બાપા ?

ટેક્નોલોજી ચાબુક ટેક્નોલોજી.

ટ્રેનમાં હવે છેલ્લા ડબ્બામાં EOTT (એન્ડ ઓફ ટ્રેન ટેલિમેટરી) સિસ્ટમ લગાવશે. જેના દ્વારા ડ્રાઈવરને જરૂરી સિગ્નલ મળી રહેશે. એટલે ગાર્ડની કોઈ જરૂર જ નહીં.

જો કે આનાથી રેલવેમાં ગાર્ડની જગ્યા સમાપ્ત થતાં રોજગારી ઓછી થઈ જશે. જેથી રેલવે વિભાગના આ નિર્ણય સામે કર્મચારી યુનિયને વિરોધ પણ નોંધાવ્યો છે ચાબુક.

આ વિરોધ અને આંદોલન સરકારનો પીછો નથી છોડતું હો ગોવા બાપા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments