Team Chabuk-Political Desk: ઈ:સ 1991માં આજના જ દિવસે ભારતના નવમાં પ્રધાનમંત્રી ચંદ્રશેખરે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. ઈતિહાસ કંઈક એવો છે કે 31 ઓક્ટોબર 1984ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના નિધન બાદ તેમના પુત્ર રાજીવ ગાંધીએ કોંગ્રેસની બાગડોર પોતાના હાથમાં લીધી હતી. ઈન્દિરા ગાંધીના નિધનના કારણે આશ્વાસનરૂપી મતનો ઢગલો તેમના પર થયો હતો. જોત જોતામાં કોંગ્રેસ 400 સીટની બહુમતિ પ્રાપ્ત કરી ગઈ હતી.
આટલું મોટું બહુમત હોવા છતાં વર્ષ 1989માં કોંગ્રેસ અને રાજીવ ગાંધીની માથે બોફર્સ નામનું કલંક લાગ્યું. કોંગ્રેસ પાર્ટી પાસે બહુમતનો ઝંડો હોવા છતાં તે કંઈ કરી ન શકી. પરિણામ એ આવ્યું કે રાજીવ ગાંધીને સત્તામાંથી હાથ ધોવાનો વારો આવ્યો. પ્રધાનમંત્રી બનવાનું સૌભાગ્ય જનતા દળના વિશ્વનાથ પ્રતાપ સિંહને પ્રાપ્ત થયું. તેમને ભાજપ અને વામપંથી દળોનું સમર્થન હતું. ભારતીય રાજનીતિનો ઈતિહાસ બોલે છે કે ટેકાની સરકાર વધારે સમય સુધી ટકતી નથી. કેન્દ્ર સરકારને બિહારના કારણે સત્તામાંથી હાથ ધોવાનો વારો આવ્યો.
હજુ નવી પાર્ટી પોતાના પગ ફેલાવી ખુરશી પર આરામથી બેસે એ પહેલા જ રામજન્મભૂમિનો વિવાદ સપાટી પર આવવા લાગ્યો. રથયાત્રા લઈ સમગ્ર દેશમાં ઘુમી રહેલા લાલકૃષ્ણ અડવાણીની બિહારમાં જનતા દળના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે ધરપકડ કરાવી દીધી. ભાજપ જનતા દળની હરકતથી રોષે ભરાયું અને તેમણે વીપી સિંહની પાર્ટી પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું. અલ્પમતમાં આવી ગયેલી વીપી સિંહની સરકાર સત્તા પરથી ધડામ કરતી નીચે ગબડી પડી.
એમની જ પાર્ટીના ચંદ્રશેખર 64 સાંસદોની સાથે જનતા દળથી અલગ થઈ ગયા. તેમણે સમાજવાદી પાર્ટીનું નિર્માણ કર્યું. જે કોંગ્રેસનો ભરપૂર વિરોધ કરી જનતા દળ સત્તામાં આવ્યું હતું તેમણે કોંગ્રેસ સાથે જુગલબંધી કરી લીધી. કોંગ્રેસે ચંદ્રશેખરને સમર્થન આપ્યું અને ચંદ્રશેખર દેશના નવમાં પ્રધાનમંત્રી બન્યા. આ સરકાર પણ અલ્પજીવી જ રહી હતી. ત્રણ મહિનામાં જ કોંગ્રેસે પણ પોતાનું અસલ રૂપ બતાવી દીધું અને સમર્થન પાછું ખેંચી લીધું. પરિણામ સ્વરૂપ જે કોંગ્રેસના ઘોડા પર બેસી ચંદ્રશેખર પ્રધાનમંત્રી બની તલવાર ઘુમાવી રહ્યા હતા એ જ ઘોડાએ તેમને નીચે પાડી દીધા.
કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે જેમને સમર્થન આપ્યું એ સરકાર જ રાજીવ ગાંધીની જાસૂસી કરાવી રહી છે. આજના જ દિવસે. 6 માર્ચ 1991માં ચંદ્રશેખરને પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું. ફરી ચૂંટણી થઈ. 1991માં કોંગ્રેસ ફરી સત્તાધારી પાર્ટી બની. પી.વી નરસિમ્હા રાવ દેશના પ્રધાનમંત્રી બન્યા. રાવના શપથ ગ્રહણ પૂર્વે ચંદ્રશેખર 21 જૂન 1991 સુધી કાર્યવાહક પ્રધાનમંત્રી તરીકે કાર્ય કરતા રહ્યા.
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ઈબ્રાહિમપટ્ટી ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા ચંદ્રશેખર ઈલાહાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે જ રાજનીતિના રંગમાં રંગાઈ ગયા હતા. તેમણે તો સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે ભણવાની ઉંમરે ચાલુ કરેલી રાજનીતિની ગાડી તેમને ત્રણ મહિનાના પ્રધાનમંત્રી બનાવી દેશે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા