એકવાર મારો મિત્ર તેની પત્ની સાથે પેઈંગ ગેસ્ટ તરીકે એક મકાનમાં રહેવા ગયો. સસ્તા ભાડામાં સારું બે માળનું મકાન મળી ગયું હતું એટલે પતિ-પત્ની બંને ખુશ હતા. પરંતુ થોડાં જ દિવસ બાદ સવાર સવારમાં મને તેનો ફોન આવ્યો અને કહ્યું, ‘મારે આ મકાન આજે જ ખાલી કરવું છે, તું કોઈ બીજી વ્યવસ્થા કર. મારે આ મકાનમાં નથી રહેવું.’
મે પૂછ્યું, ‘પણ થયું શું છે ?’ પછી જે વાત તેણે કહી તેનાથી હું ચોંકી ગયો.
તેણે કહ્યું, ‘આ ઘરમાં ભૂત થાય છે. દિવસે બધું બરાબર હોય છે. પરંતુ પહેલા દિવસે રાત્રે બારી તેની જાતે ખુલી ગઈ. પવનના સૂસવાટા બોલ્યા. થોડા વિચિત્ર અવાજ પણ સંભળાયા. પડદા ઉડવા લાગ્યા. અમે બંનેએ આ બધી ઘટનાઓને નજર અંદાજ કરી બારી બંધ કરી અને પછી ઊંઘી ગયા. બીજી રાત્રે મ્યૂઝિક સિસ્ટમ ઓટોમેટિકલી શરૂ થઈ ગઈ.મેં બંધ કરી. ત્રીજા દિવસે સવારે ઉઠ્યા ત્યાં ઘરમાં બધું પાણી ખાલી હતું. ન તો ફ્રીઝમાં પીવાનું પાણી મળે ન તો બાથરૂમના નળમાં પાણી આવે. અને આજે તો હદ થઈ ગઈ. હું અને તારા ભાભી એક બેડ પર સુતા હતાં, પરંતુ સવારે હું ઉઠ્યો ત્યારે હું ગેલેરીમાં પડ્યો હતો. હવે તું જ કે આ ઘરમાં કેમ રહેવું ? એની આવી બધી વાતો સાંભળી હું બસ એટલું જ બોલ્યો. ‘સામાન પેક કરો.’
ભૂત. શું ખરેખર ભૂત હોય છે ? જે લોકોને આવા અનુભવ થયા છે. તે લોકો માને છે કે ભૂત હોય છે. કેટલાક લોકો દાવો કરે છે કે તેમણે ભૂત જોયું છે. જેમ દૈવીય શક્તિ છે તેમ અસૂરી શક્તિ પણ છે. જે લોકોને હેરાન કરે છે. ગરુડ પુરાણમાં ભૂતપ્રેતનું વિસ્તૃત વર્ણન મળે છે. આજે પણ કોઈના શરીરમાં ભૂત પ્રવેશી ગયાની ઘટના આપણે સાંભળતા હોઈએ છીએ. આવી ઘટનાઓ રૂબરૂ જોવી હોય તો અમદાવાદની ઉસ્માનપુરા મસ્જિદે પહોંચી જજો.
વ્હાઈટ હાઉસમાં પણ ભૂત !
માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકોને પરચા મળ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિના નિવાસ સ્થાનને જ લઈ લો. દાવો છે કે અહીં અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનું ભૂત જોવા મળે છે. 1865માં અબ્રાહમ લિંકનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારબાદ અહીં અનેક લોકોને અબ્રાહમ લિંકન જોવા મળ્યા છે. જોકે તેઓએ ક્યારેય કોઈને નુકસાન નથી પહોંચાડ્યું.
સ્ક્રેચર મેન્શન
ન્યૂયોર્કમાં આવેલું આ એક શાનદાર ઘર છે. પરંતું તેમાં કોઈ રહી નથી શકતું. આ ઘરને ન્યૂયોર્કમાં સૌથી મોટું ભૂતિયા ઘર માનવામાં આવે છે. આજે પણ અહીં ભયાનક અવાજો સાંભળાય છે. આત્માનો પડછાયો પણ જોવા મળે છે. દાવો છે કે, આ ઘરમાં રહેતા પરિવારની નિર્મમ હત્યા થઈ હતી. જેની આત્મા આજે પણ ભટકે છે. આ ઘરમાં પણ કોઈ રહી નથી શક્યું. જે લોકોએ રહેવાની હિંમત કરી છે તેમને થોડાં જ દિવસમાં ઘર છોડીને જતું રહેવું પડે છે.
એસ.કે મેન્શન
આ ઇંગ્લેન્ડનું એક એવું ઘર છે. જેનું બાંધકામ ઢીંગલીઓને રહેવા માટે બનાવ્યું હોય એવું લાગે છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે તેમણે આ ઘરની બારીમાં એક યુવતીનું ભૂત જોયું છે. ઘરની સામેથી પસાર થતા લોકોને આ યુવતીનું ભૂત બારીમાંથી જોયા કરે છે. કેટલાક વર્ષોથી આ ઘર નિર્જન છે. જેમાં જતાં પણ લોકો ડરે છે.
ભારતમાં પણ એવા કેટલાય સ્થળો છે જ્યાં ભૂત હોવાની લોકવાયકા છે. માત્ર ઘર જ નહીં ભારતમાં કેટલાક કિલ્લાઓમાં ભૂતોનો વસવાટ છે. એટલું જ નહીં રાજસ્થાનનું એક ગામ ભૂતના સકંજામાં છે. આ જગ્યાઓ પર સરકારે આ જ કારણોસર રાત્રીના સમયે જવાની મનાઈ કરી દીધી છે. કેટલાક રસ્તાઓ પણ ભૂતના કારણે પ્રખ્યાત છે. આમાંનું એક સ્થળ છે.
ભાનગઢનો કિલ્લો, રાજસ્થાન
ભાનગઢનો કિલ્લો ભારતની સૌથી વધુ ભયાનક જગ્યા છે. લોકોનું કહેવું છે કે, રાત્રીના સમયે અહીં ભૂતપ્રેત ફરતા હોય છે. એટલું જ નહીં રાત્રે અહીં ભૂતોની સભા ભરાય છે. સોળમી સદીમાં આ જ શહેરમાં રહેતા સિંધિયા નામના જાદૂગરને ભાનગઢની રાજકુમારી રત્નાવલી સાથે પ્રેમ થઈ ગયો. કોઈ કારણસર જાદૂગરનું મૃત્યુ થયું. મરતા મરતા જાદૂગરે શ્રાપ આપ્યો કે, થોડા સમયમાં કિલ્લો તૂટી જશે અને તેની આસપાસ કોઈ નહીં રહી શકે. આ ઘટના બાદ કિલ્લા પર ઘણા વિઘ્નો આવ્યા. કિલ્લામાં હજારો લોકોના મોત થયા અને આખરે કિલ્લો ખંઢેર બની ગયો. લોકોનું માનવું છે કે, જે લોકો આ કિલ્લામાં મર્યા છે તેમનું ભૂત હજુ આ કિલ્લામાં ફરે છે. અહીં આજે પણ રાત્રીના સમયે જવાની મનાઈ છે. મનાઈ છતાં જે લોકોએ જવાની હિંમત કરી છે તેઓ જીવતા પરત નથી ફર્યા. ભારતીય પુરાતત્વ વિભાગ ખુદ વાતનો સ્વીકાર કરે છે. પુરાતત્વ વિભાગે અહી એક બોર્ડ પણ લગાવ્યું છે જેમાં લખ્યું છે, ‘સાંજ ઢળ્યા પછી અને સવાર થતાં પહેલાં કિલ્લામાં પ્રવેશ કરવાની મનાઈ છે.’
કુલધરા ગામ : જેસલમેર
રાજસ્થાનની વધુ એક જગ્યા છે જ્યાં ભૂત હોવાની માન્યતા છે. આ સ્થળ એટલે જેસલમેર જિલ્લાનું કુલધરા ગામ. કુલધરા ગામ અંદાજે બસો વર્ષથી નિર્જન છે. આ આખું ગામ પાલીવાલ બ્રાહ્મણોનું હતું. કહેવાય છે કે આ ગામની એક દીકરી પર એક દારૂડિયા દીવાન સાલમસિંહનુ દિલ આવી ગયું. જેથી યુવતીને બચાવવા માટે પાલીવાલ બ્રાહ્મણોએ એક જ રાતમાં આખું ગામ ખાલી કરી દીધું હતું. સાથે જ જતાં જતાં શ્રાપ પણ આપ્યો હતો કે, અહીં ક્યારેય કોઈ વસવાટ નહીં કરી શકે. ત્યારથી જ આ ગામ નિર્જન છે. ગામ લોકો પણ ગયા એ ગયા પછી તેમનો કોઈ પતો લાગ્યો ન હતો. કહેવાય છે કે આ ગામ જુદી-જુદી અદ્રશ્ય શક્તિઓના કબજામાં છે. આ સ્થળને પણ પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જોકે દિવસ આથમ્યા બાદ ગામમાં પ્રવેશ કરવાની મનાઈ છે. કુલધરા ગામની મુલાકાત લેનારા લોકોના અનુભવ અનુસાર અહીં રહેતા પાલિવાલ બ્રાહ્મણોનો અવાજ આજે પણ સંભળાય છે. ઘણા લોકોને મહિલાઓ વાત કરતી હોય, હસતી હોય તેવો અનુભવ થયો છે. સ્ત્રીઓની બંગડી અને પાયલનો અવાજ પણ સાંભળ્યો છે. કેટલાક લોકોએ બજારનો શોરબકોર અને બાળકોના રડવાનો અવાજ સાંભળ્યો છે. આમ, સુમસાન લાગતું આ ગામ આવી વાતોના કારણે વધારે બિહામણું બન્યું છે. રાજસ્થાન તંત્રએ આ ગામની સરહદ પર એક ફાટક બનાવી દીધું છે. રાત્રે આ ફાટક પાર કરવાની હિંમત કોઈ નથી કરતું.
રસ્તે ભટકતું ભૂત-વિસ્તાર- દિલ્લી કેટ
આ વિસ્તાર અકસ્માતના કારણે ખુબ જ પ્રખ્યાત છે. અહીં અવારનવાર અકસ્માત થાય છે. અને જ્યારે જ્યારે અકસ્માત થાય છે ત્યારે ભાગ્યે જ કોઈ બચે છે. જે લોકો બચ્યા છે તેઓને અહીં ભૂત હોવાનો અનુભવ થયો છે. લોકોનું કહેવું છે કે, અહીંથી પસાર થનારા વાહનચાલકો પાસે શ્વેત વસ્ત્રોમાં સજ્જ સુંદર યુવતી લિફ્ટ માંગે છે. જો તમે તમારું વાહન નથી રોકતા તો આ યુવતી તમારા વાહન સાથે દોડવા લાગે છે. આ ઉપરાંત પણ જો તમે વાહન ન રોક્યું તો આ યુવતી તમારા વાહનના બોનેટ પર આવીને બેસી જાય છે. અને માર્ગ અકસ્માત થાય છે.