Homeવિશેષકોલેજકથા– આમ જુઓ તો કાંઈ નહીં!

કોલેજકથા– આમ જુઓ તો કાંઈ નહીં!

Team Chabuk-Special Desk: બી.એના પ્રથમ વર્ષમાં એડમિશન લેતાં જ વૃંદાએ કોલેજના કેટલાય જવાનીયાઓની આંખોમાં પોતાના માધુર્યની ભૂરકી છાંટી દીધેલી. એનાં ખંજનમાં ડૂબવા માટે જ આટલા એડમિશન ફોર્મ ભરાયા હોય એવું અધ્યાપકોને લાગવા લાગેલું અને લપસણી ટાલના માલિક એવા કેટલાક અધ્યાપકો પણ પોતાના માથા ઉપર બચીને રહેલા શેષ બે વાળની વૃદ્ધિનો ઈલાજ શોધવા લાગેલા. શીર્ષાસનની તપશ્ચર્યાઓ પણ કોલેજની ઉપર ત્રાટકેલી આ વીજળીને છાતીમાં ઝીલવા માટે જ થતી હતી. પણ વૃંદા ખળખળતું ઝરણું હતું. નિહાળવું ગમે પણ નજીક જાવ તો ઝરણું તોફાની પૂર બની જાય. કેટ કેટલાને ડૂબાડી દે. આમ જ કેટલાય જવાનીયાઓનાં હ્રદય ડૂબીને ભાદરવા સુદ પુનમ પૂર્વે જ શ્રાદ્ધ પામ્યા હતા. એની કથાઓ પણ કોલેજની કેન્ટીનમાં રસથી કહેવાતી. વૃંદા પોતાની શાખામાં શા માટે નથી એ માટે થઈ વિદ્યાર્થીઓ પોતાના નસીબને કોસતા અને વિદ્યાર્થિનીઓ રૂપનું આ હાલતું ચાલતું પૂતળું જોઈ મીણબત્તીની જેમ પીગળી જતી. વૃંદાને જ જોઈને કેટલાયે આગ્રાનો પ્રવાસ કરવાનું સ્વપ્ન ત્યજી દીધેલું. જો વૃંદા મળી જાય તો ઘરે બેઠાં તાજ મહેલ એવી લોકવાણીઓ કોલેજમાં પ્રચલિત બનેલી.

વાતમાં આમ તો કશું નથી પણ આમ કહેવા જાવ તો ઘણું બધું છે. વૃંદા સંસ્કારી હતી. તેનાં ભારતીય રૂઢી પ્રમાણેનાં પરિધાનને જોઈ તેનું આકલન કરી શકીએ. પશ્ચિમી વેશભૂષાને તો જાણે એણે અંગ્રેજો દેશ છોડીને ગયા ત્યારથી વિદાય આપી હોય! જ્યાં ત્યાંથી તૂટેલા ફાટેલા જીન્સના ગાભા તેના શરીર ઉપર ક્યારેય ન દેખાયા. એટલે વૃંદાદેવી કેટલાક ભણેશ્વરીકુળના વિદ્યાર્થીઓની છાતીમાં પણ પત્ની તરીકેનું લોકેટ બની ગયેલી. બીચારી વૃંદાને તો પોતાના વિશે કોણ શું વિચારે છે તેની ક્યારેય ખબર નહોતી. સૌંદર્યનાં આ મધપુડાના ડંખ ઝીલવા માટે કેટલાક કૌરવવંશીઓ પણ ઉપસ્થિત હતા. એમાં સૌથી મોખરે નામ વિવેકનું હતું.

બાઈક લઈ કોલેજના પ્રાંગણમાં મહારાજાની જેમ વિહાર કરવો. નવી આવેલી સુંદરતાને પોતાની ગાડીની પાછળ બેસાડી ફેરવવી. ગાર્ડનમાં લઈ જઈ સુંદરીઓનાં શરીરના ગૂઢ ભેદ ઉકેલવા. એના શરીરને ભૂગોળનો નકશો સમજી જાણીતી છતાં અજાણી જગ્યાઓમાં ખેડાણ કરવું! થીએટરમાં આલોકનાથની ફ્લોપ ફિલ્મો જોવા લઈ જઈ શક્તિ કપૂરની હરકતો કરવી! ભણતરના નામ ઉપર એણે માત્ર વેલેન્ટાઈન ભણ્યું હતું.

વાતવાતમાં કોલેજના કિચક તરીકે ઓળખાતા વિવેકના કાન સુધી વૃંદાના સૌંદર્યની મધુશાલા પહોંચી ગઈ. અને સમસ્ત વિદ્યાર્થીવર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું.

રોજ રાતે સ્વપ્નમાં આવી વૃંદા વિવેકને પજવતી. વિવેકને સમણું આવતું કે વૃંદા તેની બાઈકની પાછળ બેઠી છે અને કોલેજ આખી ઈર્ષ્યામાં બળીને સ્મશાનઘાટ બની ગઈ છે. વૃંદા એની પત્ની બની ચૂકી છે અને તેના ફળિયામાં પોતાના અને વૃંદાના પ્રબળ મિલન થકી ઊભી થયેલી એક ક્રિકેટ ટીમ બધું ખેદાનમેદાન કરી રહી છે.

પણ વૃંદા જેટલી સંસ્કારી વિવેક એટલો જ પાપી. હેમંત ચૌહાણના ભજનની જગ્યાએ એને બાપે માર્યા વેર એ ભાષાનું બીટીએસનું સંગીત ગમતું. સવાર સૂરજની પડતી, વિવેકની નહીં. ભોજન પોતાનું શરીર બનાવવા ખાતર જ કરતો. દિવસમાં છ વખત ટૂકડે ટૂકડે ખાઈ એણે શરીર સૌષ્ઠવ બનાવ્યું હતું. તેની એક ઉમદા ટેવના કારણે જ તો એ કોલેજની કેટલીય છોકરીઓનો હ્રદયરાજ બનેલો. હેવી લાઈફ સ્ટાઈલ સિવાય જીમમાં જઈ મસલ્સ બનાવવા. અડધી બાયના ટીશર્ટમાંથી દેખાતા તેના સ્નાયુઓનો શૉ જોઈ કેટલીય છોકરીઓનાં ગળામાંથી ચિત્કાર નીકળી જતાં. અને તેને કોલેજની બોડી બિલ્ડીંગ કોમ્પટિશનમાં જોવા માટે તો છોકરીઓનું ઘોડાપૂર ઉમટતું. વિવેક જ હોય વિજેતા, જાણે શરીરમાં જ્યાં ને ત્યાં આરસપહાણના ચોસલાઓ ફીટ કર્યાં હોય એવું માંસલ દેહકર્મ સુંદરીઓનું સર્વસ્વ હચમચાવી નાખતું.  

અંતે તો વિવેક પુરુષ હતો અને સાચા પુરુષને વૃંદા જેવું સૌંદર્ય પામવાની કામના ન હોય તો જ નવાઈ. વિવેકથી ન રહેવાતા. બધાની સામે, બધા જુએ એમ, એણે વૃંદાને પ્રપોઝ કર્યું. ‘હે બ્યૂટીફુલ લેડી. તારા માટે હું મારું સઘળું કૂરબાન કરવા તૈયાર છું. તું જો કાયમ માટે મારી થઈને રહે તો પત્ની તરીકે તને સાતમાં આકાશ ઉપર બેસાડીશ. તો શું તું આ કોલેજ ચેમ્પિયન સાથે જન્મ જન્મના બંધનમાં બંધાવા ઈચ્છુંક છો?’

સામેથી શું ઉત્તર આવે છે તેની પ્રતીક્ષામાં સમસ્ત કોલેજ મંડળ આંખ ખોલી અજંપા સાથે ઊભું હતું. કેટલાયે વૃંદાને ધારી ધારીને લખેલી કવિતાઓનાં શબ્દો અત્યારે મૃત્યશૈય્યા પર પોઢ્યા હતા!

પણ જે થવાનું હતું એ જ થયું. વૃંદાએ વિવેકનું મોઢું તોડી લીધું, ‘હેં મિસ્ટર, તારી લવારીઓ વિશેની કથાઓ હું સાંભળી ચૂકી છું. તારો આ એઠવાડ કોઈ બીજી આગળ જઈ પીરસજે. અહીં તારી દાળ નથી ગળવાની, પણ હા, બીજી વખત દેખાયો છો, તો ગાળની સાથે સેન્ડલ જરૂર પડશે.’

વૃંદારસિયાઓમાં હરખની હેલી વરસી પડી, જોકે એક દુ:ખ પણ હતું. એ દિવસ પછીથી બિલાડી એવું બીજું પ્રાણી હતું કે જે રોડક્રોસ કરે એ પહેલાં વિદ્યાર્થીઓ ઊભા રહી જતાં. પ્રથમ નંબરનું સૌભાગ્ય વૃંદાને સાંપડ્યું! એણે જે રીતે વિવેક નામના પડછંદ અને સ્ત્રીપિપાસુ પુરુષને રોકડું પરખાવેલું ત્યારથી ડરપોકોનાં હ્રદયમાં એ પત્નીની જગ્યાએ બહેન બની ગઈ. કેટલાયના ઘનિષ્ઠ મિત્રતા બાંધવાના સ્વપ્નો છૂમંતર થવા લાગ્યા. વૃંદા માટે થઈ અત્યાર સુધી કરેલા વિદ્યાર્થીઓના સોંદર્યવર્ધક વ્યાયામો નિષ્ફળ પૂરવાર થયા.

કોલેજમાં વાત તો માત્ર એ જ થતી હતી કે વિવેકને પહેલી વખત કોઈ માથાની બાય ભટકી છે.

ચારેકોરથી વાતો થવા લાગી, ‘વિવેકને ના પાડી દીધી?’

વિદ્યાર્થિનીઓની સભામાં વૃંદાસૂર કંઈક એવો ચાલતો કે, ‘એ ભેંસને પૂછવાની જગ્યાએ વિવેકે મને પૂછ્યું હોત તો! કેટલા સમયથી હું ઈશારા કરું છું પણ કામદેવે એના શરીરમાં સ્નાયુઓનાં ગઠ્ઠા એટલા ભરી દીધાં છે કે બુદ્ધિ ભરવાની જગ્યા જ નથી બચી. સમજતો જ નથી, યાર!’ એ દિવસે અનુપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓમાં ઘણું ગુમાવ્યાનો શોક દેખાતો હતો. કોલેજમાં વિવેકનું આંખોમાં આંખો પરોવીને વાતો કરવાનું, માથું ઊંચું કરીને ચાલવાનું, એક વિનર તરીકેનું બધું વૃંદાએ એક ઝાટકે હણી લીધું હતું.

આમ જ એક દિવસ વૃંદા મટક મટક ચાલીને જતી હતી. રસ્તો સૂમસામ હતો. વૃંદાને એકલી ભાળી કેટલાક તોફાનીઓ ત્રાટક્યા અને તેના જોબનની મશ્કરી ઉડાવવા લાગ્યા. વૃંદાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ સામે લાવી દીધું. એને આવડતું હતું એવું પરખાવ્યું પણ અહીં તો પાંચ પાંચ મૂછડો હતા. એની સામે ઝીંક ઝીલવાની હામ વૃંદામાં નહોતી. ત્યાં અચાનકથી એક મુક્કો પડ્યો અને એક જ વારમાં એક કદાવર પોઠીયો જમીનદોસ્ત થઈ ગયો. વૃંદાએ વળીને જોયું તો એ વિવેક હતો. વિવેકના એક મુષ્ટીપ્રહારથી ભોં ભેગા થઈ ગયેલા મરદ માણસના હાલ હવાલા જોઈ બાકીના તેને કાખમાં તેડી ભાગ્યા. વિવેક ત્યાંથી ચાલ્યો જવાની તૈયારીમાં હતો, પણ વૃંદાને પહેલી વખત વિવેકમાં એક સાચા પુરુષના દર્શન થયા. પોતાનું રક્ષણ કરી શકે એવો પુરુષ. જેની સ્ત્રી કામના કરતી હોય છે.

અને પછી તો કોલેજની એક શુભ સવારે અસંખ્ય હ્રદયોમાં અમંગળ વ્યાપી ગયો. વૃંદા અને વિવેક એકબીજાના થઈ ગયા હતા. બીડી ન પીતાં નબીરાઓ આ સમાચાર સાંભળી ધૂમાડા છોડતા થઈ ગયા અને પાનની દુકાનોનો ધંધો પૂરપાટ ચાલવા લાગ્યો. કોલેજ આસપાસની પાનની દુકાનો હ્રદયભંગ પામેલા શોખીનોના કારણે જ તો ચાલતી હોય છે! વિદ્યાર્થિનીબેડામાં કલબલાટ મચી ગયો. કાજલે પોતાના કેશ ખેંચ્યા, મીનાક્ષીએ પોતાની બંન્ને મુક્કીઓ પછાડી, તો કોઈ કોઈ યુવતીઓએ તો બ્લેડ મારવા સુધી હિંમત કરી, પણ હિંમત ચાલી નહીં.

કોલેજમાં એક જ ચર્ચા ચાલતી હતી કે સંસ્કારી અને કૌમાર્યનું ઘરેણું એવી વૃંદા છાનગપતિયાં કરતાં વિવેકની થઈ. પણ વૃંદાએ પોતાની લક્ષ્મણરેખા આંકી લીધેલી. એણે વિવેકને તડપાવ્યો. થીએટરમાં ના, ગાર્ડનમાં ના, કોઈ મિત્રોનાં રૂમમાં જવામાં ના… અને એ નાએ જ વિવકને વૃંદા સાથે લગ્નમંડપ સુધી ખેંચી. એનાં શરીરમાંથી ઉઠતા વમળોને પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલી તેની અંદર મચી હતી.

college katha

પણ મધુરજનીની પ્રથમ રાત્રિએ ભડાકા કરવા તૈયાર થયેલો જ્વાળામુખી ઠરી ગયો. વૃંદા તરફથી બાણ ફેંકાયું કે હમણાં નહીં. વિવેક સાચ્ચો પુરુષ હતો, એણે જ્યાં સુધી વૃંદાની હા નહીં ત્યાં સુધી કંઈ નહીં, એ વાતને સાર્થક કરી બતાવી. આમને આમ લગ્નજીવનનું એક વર્ષ પસાર થઈ ગયું. વિવકને ઓફિસનાં કામથી વારંવાર બીજા રાજ્યોમાં જવાનું થતું. આંધ્રપ્રદેશથી પાછો આવવાનો જ હતો અને લગ્નની પ્રથમ વર્ષગાંઠે પત્નીને આપવા તેણે ગીફ્ટનો ઢગલો કરી રાખેલો.

એણે ઘેર આવી ડોરબેલ વગાડી. કોઈએ બારણું ખોલ્યું નહીં. વિવેકે પોતાની પાસે રહેલી ચાવી દરવાજામાં લગાવી. બારણું ખૂલ્યું. તેણે અંદરનું દૃશ્ય જોયું. વૃંદા હતી. અને એની સાથે…. એની સાથે તેની કોલેજકાળની સખી જ્યોત્સના. એક ક્ષણ તો વિવેકને લાગ્યું કે ક્યાંક વૃંદા કોઈ અન્ય પુરુષની સાથે તો…! એણે વિચારોને ખંખેરી નાખ્યા. બિલકુલ નહીં. સંસ્કારનું બીજું નામ આપવું હોય તો વૃંદા, કૌમાર્યનું બીજું નામ આપવું હોય તો વૃંદા, ચરિત્રનું બીજું નામ આપવું હોય તો વૃંદા, પતિવ્રતાનું બીજું નામ તો કે વૃંદા.

‘ડાર્લિંગ… હેપ્પી મેરેજ એનિવર્સરી…’ કહી તેણે વૃંદાને ગળે લગાવી લીધી. વૃંદાએ પણ તેને પ્રેમપૂર્વક આલિંગન આપ્યું. આ દૃશ્ય જોઈ જ્યોત્સના ત્યાંથી ચાલવા લાગી. ઘરનું ફ્રીજ કાકડીના કારણે અડધું ખુલ્લું રહી ગયેલું. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments