Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ -27-અંત

વિક્રમ અને વેતાલ : પ્રકરણ -27-અંત

Team Chabuk : વેતાલે આગળ કહ્યું, ‘હે રાજન્ તું બોલ્યો નહીં. તું બોલ્યો નહીં એટલે હું તારા પર પ્રસન્ન થયો છું. તારી કર્તવ્યનિષ્ઠા ને તારુ ધૈર્ય અપાર છે. તું વચન નિષ્ઠ છો. તું ન્યાયી છો. હવે તું બોલી શકે છે. હું કંઈ નહીં કરું. પણ એક વાત ધ્યાન રાખી લે. તું જેની પાસે મને લઈ જાય છે એ સાધુ નથી. એ તપસ્વી નથી. એ ઘોર પારી, મહાપાપી, મહાદૃષ્ટ અને મહાસ્વાર્થી છે. એકસોને આઠ બત્રીસલક્ષણાની બલિ ચડાવી ચૂક્યો છે. હવે વારો મારો અને પછી તારો છે.’

‘પણ તને કેવી રીતે આ વાતની ખબર છે ?’ રાજાને આશ્ચર્ય થયું.

‘મને કેવી રીતે ખબર છે ? રાજન્ હું તેનો શિષ્ય છું.’

‘તું અને તેનો શિષ્ય ? અરે તું તો વૃદ્ધ છો. એ તારો શિષ્ય હોવો જોઈએ.’ રાજાના ચહેરા પર સ્મિત આવી ગયું.

‘ના રાજન્ ના… તું સમજવામાં થાપ ખાઈ ગયો. હું યુવાન છું. આ તો બસ મારું રૂપ છે. એ દૃષ્ટથી બચવા માટે.’

‘તો તું અહીં કેવી રીતે પહોંચી ગયો ?’

‘મને ખબર હતી રાજન્ એક દિવસ તું આ વાત જાણવાની કોશિશ કરીશ જ. તું જેવી રીતે એક બાદ એક મારી વાર્તાઓના જવાબ આપી રહ્યો હતો તેના પરથી જ મેં કળી લીધું હતું. મારી પણ એક રહસ્યમયી વાર્તા છે. જોકે આ વાર્તામાં તારે ઉત્તર નથી આપવાનો. ધ્યાનથી સાંભળ….’

*******

રાજન્ મારા પિતા બધી વાતે ખુશ પણ ચિંતા એક જ હતી. તેમને કોઈ સંતાન નહોતું. ઊંમર મોટી થઈ ગઈ પણ તેમનું ઘર બાળકોની કિલકારીયોથી ન ગુંજ્યું. એવામાં આ સાધુ એમને ત્યાં આવી ચડ્યો. તેણે મારા પિતાને કહ્યું, ‘હું તને એક નહીં બે સંતાન અપાવી શકું. પણ એક શરત પર. તારે એ બંનેને પાંચ વર્ષની વય થાય તો મારે ત્યાં મોકલી દેવા પડશે. હું તેમને જ્ઞાન આપીશ. તેમને વિદ્યાવાન બનાવીશ. તારા બંને પુત્રો બાર વર્ષના થાય એટલે એક તારો અને એક મારો. બોલ છે મંજૂર ?’

ન મામા કરતાં કાણો મામો સારો. આમ માની મારા પિતાએ એ સાધુની વાત સ્વીકારી લીધી. તેના આશીર્વાદથી થોડા સમયમાં અમે જોડીયા ભાઈઓ અવતર્યા. મારા પિતા ખુશ થયા. સમય તો સૂર્યાસ્તની જેમ તુરંત પસાર થઈ જાય. અમે પાંચ વર્ષના થઈ જતા મારા પિતા અમારા અભ્યાસ વિશે ચિંતા કરવા લાગ્યા. ત્યાં આ સિદ્ધયોગી ફરી મારા પિતાની સમક્ષ આવી ચડ્યો. તેણે તેમને વચન યાદ અપાવ્યું, ‘બંનેની આયુ પાંચ વર્ષની થઈ ગઈ છે. હું આ બંનેને વિદ્યાવાન બનાવીશ. તું એને મને સોંપી દે અને પછી મારા આશ્રમ પરથી લઈ જજે.’

હું અને મારો જોડીયો ભાઈ આશ્રમમાં ચાલ્યા ગયા. થયું એવું રાજન્ કે મારા ભાઈને તો તે લગીરે પણ ભણાવે નહીં. તેને સારા સારા વસ્ત્રો અને દાગીના પહેરવા આપે. ભાવતા ભોજન આપે અને વિશ્રામ કરાવે. બીજી બાજુ મને આખો દિવસ અભ્યાસ કરાવે. ભોજન ન બરાબર આપે. મારી સાથે દુર્વ્યવહાર કરે. મને મારે. પહેલા તો મને ભણવામાં જરાય રસ નહોતો પણ પછી તો વિશ્વની તમામ વિદ્યાઓ જાણી લેવાનું મને શૂરાતન ચડ્યું. હું મંડ્યો એક પછી એક વિદ્યા ગ્રહણ કરવા.

આશ્રમમાં કેટલાય સમયથી હું અને મારો ભાઈ રહેતા હતા. હું તમામ વિદ્યા શીખતો હતો પણ આ સિદ્ધયોગી મારાથી કશું છુપાવે છે એવું મને લાગ્યા કરતું હતું. એ દાડમમાંથી હીરા મોતી કાઢતો હતો. ચકલાને ચણ નાખતો. ચકલા ચણ ખાતા હોય તો તેને કાગડો બનાવી નાખે, કાગડાને ગરૂડ બનાવી નાખે અને ગરૂડને બાજ બનાવી નાખે.

ધીમે ચાલતા કાચબાને પાંખ આપી ઉડતો કરી દે. પહેલા દિવાલ પર કોઈ ચિત્ર દોરે અને પછી તેને પોતાની વિદ્યાથી જીવંત કરી દે. ફુલોની અદલાબદલી કરી નાખે. બીજ જમીનમાં દાટી મંત્ર ભણે ત્યાં તો તુરંત ફુલ ઉગી જાય.

હું સિદ્ધયોગીનું નિરીક્ષણ કરતો હતો. બાર વર્ષ થવાના જ હતા. એણે મને આ વિદ્યા નહોતી શીખવાડી. એક વખત રાતના અંધકારમાં એ બહાર ગયો. હું તેનો પીછો કરવા લાગ્યો. જંગલમાં સ્મશાનમાં જઈ તેણે એક વ્યક્તિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાનું કહ્યું. જેવું તેણે શીશ નમાવ્યું સિદ્ધયોગીએ તલવારના ઝાટકે તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું. એ નાચવા લાગ્યો. નાચતો નાચતો બોલતો હતો, ‘હવે ફક્ત બે બાકી છે તેમાંથી એક તો મારા ઘરમાં જ બંધ છે.’

યોગીથી બચવા મારે વિદ્યા જાણવી જરૂરી હતી. મેં ખૂબ તપાસ કરી ત્યારે ખબર પડી કે વડના વૃક્ષની ઉપર પંખીના માળામાં એક પોથી રાખેલી છે. એ પોથીમાં એ વિદ્યા સંગ્રહેલી છે. અસંખ્ય વડના વૃક્ષની વચ્ચે મેં એ ખૂબ શોધી ત્યારે મને મળી. જંગલમાં રખડવા જવાના બહાને હું તે વિદ્યા શીખી લેતો હતો. ધીમે ધીમે હું વિદ્યામાં પારંગત થતો ગયો.

ને એ વખત પણ આવી ગયો કે મારા પિતા અમારા બંનેમાંથી એક ભાઈને લેવા માટે આવ્યા. સિદ્ધયોગીએ તેમને કહ્યું, ‘જે પુત્ર જોતો હોય એ લઈ જાવ.’

મારા ભાઈના ગળામાં દાગીના હતા. મારા પિતાએ તેની તરફ આંગળી ચીંધતા પૂછ્યું, ‘આ ?’

‘એ પણ તેના જ, જે પુત્ર લઈ જાય.’ તવંગર એવા મારા પિતા શરીરથી તગડા અને દાગીનાથી મઢેલા મારા ભાઈને જ લઈ જવાના.

યોગીએ કહ્યું, ‘તમે વિમર્શ કરી લો હું હમણાં આવું છું.’

યોગીની ગેરહાજરીમાં હું મારા પિતા પાસે ગયો અને કહ્યું, ‘તમે દાગીનાના લોભમાં ન આવી જતા. મારા ભાઈને ખાલી શરીરથી તગડો બનાવ્યો છે. ભણવામાં હોશિયાર હું છું. મારી પાસે વિદ્યા છે. એ વિદ્યાના બળે હું તમને અમીર બનાવી દઈશ.’

સિદ્ધ યોગી આવ્યો એટલે હું મારી જગ્યાએ ચાલ્યો ગયો. જાણે કંઈ ન બન્યું હોય. યોગીએ પૂછ્યું, ‘બોલો કયો પુત્ર જોઈએ છે ?’

મારા પિતાએ કહ્યું, ‘મોટો.’

‘મોટો એટલે ? આ હીરા મોતીથી સુશોભિત ?’

‘ના આ દુબળો.’

સિદ્ધયોગીને ખબર પડતા વાર ન લાગી કે તણખલામાં આગ લગાવવાનું કૃત્ય મેં જ કર્યું છે. એ ગુસ્સે થયો અને મારી પાછળ દોડ્યો. એ સિદ્ધયોગીને ભનક નહોતી કે હું તેની પોથીમાંથી વિદ્યા અભ્યાસ કરી તેની જેમ જ સિદ્ધયોગી બની ચૂક્યો છું. હું પણ ગુરૂનો ચેલો છું. ને ચેલો તો ચાર ગણો હોય. ગુરૂ કરતા સવાયો હોય.

હવે અમારી વચ્ચે ભીષણ સંગ્રામ ચાલ્યો. એ વાઘ બની મને પકડવા આવ્યો તો હું દીપડો બની સ્ફૂર્તિથી તેની ચુંગાલમાંથી છટકી ગયો. આ જોઈ તે ગુસ્સે ભરાયો. તેને આખી હકીકતની ખબર પડી ગઈ કે ચેલો પોથી ચોરીને શીખી ગયો. દીપડાને પકડવા એ દીપડો બન્યો તો હું ઉંદર બની ભોંણમાં સંતાય ગયો. એ સાપ બની ગયો તો હું કબૂતર બની ઊડી ગયો. એ બાજ બની મને પકડવા આવે ત્યાં હું ઘોડો બની મારા પિતા પાસે પહોંચી ગયો. જેઓ હજુ ચિંતિત હતા કે આ ચાલી શું રહ્યું છે.

સુંદર સફેદ ઘોડાને જોઈ તેઓ ખુશ ખુશ થઈ ગયા. મેં એમને કહ્યું, ‘આ ઘોડો તમારો. ઉપર બેસો અને ચાલો. હા, એક વાત યાદ રાખજો. ઘોડો કોઈને વેચતા નહીં. વેચો તો પણ લગામ કોઈને વેચતા નહીં.’

મારા પિતા ઘોડા પર સવાર થયા ત્યાં યોગી આવી ગયો. એને સમજતા વાર ન લાગી કે હું કોણ છું ? મારા પિતાની સામે જોઈ કહે, ‘શું થયું ? તો પછી કયો છોકરો પસંદ કર્યો ?’

‘એ તો ભાગી ગયો. કંઈ હાથમાં ન આવ્યું.’

સિદ્ધ ચાલાક હતો એણે મારા પિતાને પ્રલોભન આપ્યું, ‘આ ઘોડો મને વેચી દો અને હું તમને હીરા રત્નોથી જડી દઈશ.’

મારા પિતા સોદો માની ગયા પણ એમણે એ જ કર્યું જે મેં કહેલું, ‘યોગી મહારાજ તમે દાગીના મને આપો હું તમને ઘોડો આપું પણ…’

‘પણ શું ?’

‘હું ઘોડાની લગામ તમને ન આપું.’

સિદ્ધયોગીએ પળવારમાં દાગીના, હીરા અને મોતીઓનો ઢગલો કરી દીધો. એને જોઈ મારા પિતા લોભાઈ ગયા અને લગામ સહિત ઘોડો આપી દીધો.

ઘોડાને લઈ સિદ્ધયોગી ફરી જંગલના આશ્રમમાં આવી ગયો. અહીં મારો ભાઈ પણ હતો. સિદ્ધયોગીએ અશ્વમેઘ કરી ઘોડાની યજ્ઞમાં આહુતિ દેવાનો વિચાર કર્યો પણ આ માટે ઘોડાને એટલે કે મને સ્નાન કરાવવું પડે. તેણે મારા ભાઈને સાથે લીધો અને નદીમાં સ્નાન કરાવવા ગયા. મારા ભાઈને ઘોડાનું પૂંછડુ પકડવાનું કહ્યું. એ રહ્યો મંદબુદ્ધિ. ઘોડો પાછળથી લાત મારે તો? એ ડરી ગયો. તેણે લગામ પકડવાનું કહ્યું. સિદ્ધયોગી માની ગયો.

મેં પાણીમાં નજર કરી તો માછલીઓ હતી. મારા બુદ્ધિવગરના ભાઈએ હાથમાં પકડેલી લગામને મેં ગરદનથી ઝટકો આપ્યો. લગામ નીકળી પાણીમાં પડી અને હું માછલી બની ગયો. હું માછલી બન્યો ત્યાં જ સિદ્ધયોગી બગલો બની મને પકડવા આવ્યો. હું એક સ્ત્રીના માટીના ઘડામાં પ્રવેશી ગયો. એ સ્ત્રી તે પાણી ભેંસ માટે લાવી હતી. તેણે પાણી ભેંસને પાતા જ હું ભેંસના પેટમાં ચાલ્યો ગયો. પોદરાવાટે હું બહાર નીકળ્યો. સિદ્ધ પણ ત્યાં આવી પહોંચ્યો અને પોદરો લઈ તેના આશ્રમમાં થાપી દીધો. તેની યોજના હવે પોદરો સળગાવવાની હતી. એટલામાં હું કિડો બનીને નીકળી ગયો. સિદ્ધ કુકડો બની મને પકડવા દોડ્યો. પકડે એ પહેલા પોપટ બની રાજાની કુંવરીના ખોળામાં આવી ગયો. સિદ્ધે બાજ બની પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો પણ કુંવરીએ તેને હાંકી કાઢ્યો.

સિદ્ધ જોશીનો વેશ લઈ રાજમહેલમાં આવ્યો. તેણે રાજાને પડકાર આપ્યો કે તારા સાત પંડિતો મારી આગળ કંઈ નથી. મુકાબલો ગોઠવાયો અને યોગીએ જોશીના વેશમાં સાતે પંડિતોને પરાજીત કરી દીધા. રાજાએ ખુશ થઈ તેને કશું માગવાનું કહ્યું. યોગીએ પોપટ માગ્યો.

રાજકુંવરી મને આપવા નહોતી ઈચ્છતી પણ રાજા વચનબદ્ધ હતા. રાજા મને હાથમાં લઈ સિદ્ધયોગીના હાથમાં આપવા જ જતા હતા ત્યાં હું ઊડી ગયો. સિદ્ધયોગી મારી પાછળ સમરાડો બની પડ્યા. એટલામાં એક સાધુ મહારાજ અમને જોઈ ગયા. એમણે પોતાની વિદ્યાથી અમને સ્થિર કરી દીધા. તેમની વિદ્યા આગળ યોગીનું કંઈ ન ચાલ્યું. સાધુજીએ કહ્યું, ‘ચાલ્યો જા અહીંથી.’

સિદ્ધયોગી સાધુજીની વાત સાંભળી ચાલ્યો ગયો. મારા પોપટરૂપ સમક્ષ સાધુજીએ વાત કરી, ‘આ સિદ્ધયોગી તને નહીં છોડે.’

‘તો શું આખું જીવન મારે આ જ રીતે વ્યતીત કરવાનું છે?’

‘નહીં.’ કહી સાધુ બોલ્યા, ‘ક્ષિપ્રા નદીને કાંઠે એક સ્મશાન છે. એ સ્મશાનમાં આ યોગી પ્રવેશ નહીં કરી શકે. એ પ્રાચીન સિદ્ધવડની ડાળખીએ તું મડદું થઈ લટકી જા.’

મેં સાધુજીની વાત માની એમ જ કર્યું. હું પોપટના વેશમાં એ સિદ્ધવડ પર ગયો અને મડદું બની લટકી ગયો. મેં જોયું કે સિદ્ધયોગી આવ્યો છે પણ તે કંઈ કરી ન શક્યો. એ પછી તેણે એક કાંકરે બે પંખી મારવાની યોજના બનાવી. તું અને હું બંને બત્રીસલક્ષણા છીએ અને હવે તે સિદ્ધયોગી તારી અને મારી બંનેની બલિ ચડાવી અમર થઈ જશે.

‘તો હવે કરવાનું છે શું ?’

‘તું મને તેની પાસે લઈ જા. ’

‘તો એ તને અને મને મારી નાખશે. ’

‘એ તને સાષ્ટાંગ દંડવત્ કરવાનું કહેશે રાજન્’

‘હું રાજા છું. કોઈ આમ કરવાનું કહે તો તેનું માથું ધડથી અલગ કરી નાખું.’  

‘બસ એ જ તો તારે કરવાનું છે રાજન્.’

વેતાલ અને વિક્રમને સાથે આવેલા જોઈ સિદ્ધયોગી ખુશ થઈ ગયો. રાજા વીરાસનમાં બેઠો હતો. યોગીએ રાજાને પદ્માસનમાં બેસવાનું કહ્યું.

રાજાએ આ વાતનો જવાબ આપતા કહ્યું, ‘હું રાજા છું એવી રીતે ન બેસી શકું.’

સિદ્ધયોગીને વિચાર આવી ગયો કે ચેલો તો મારા કબ્જામાં જ છે. રાજાનું કંઈ નક્કી નહીં. ભાગે તે પહેલા એના જ પ્રાણ હરી લઉં. સિદ્ધયોગીએ વેતાલને દોરડાથી બાંધ્યો.

વેતાલને બાંધ્યા પછી તેણે રાજાના માથા પર કંકુ અને ચંદન લગાવ્યા અને સાષ્ટાંગ દંડવત્ કરવાનું કહ્યું, જેથી તેની ગરદન ધડથી અલગ કરી શકે.

રાજા બોલ્યો, ‘મેં કોઈ દિવસ કર્યું નથી. એક વખત મને શીખવાડો.’

‘કંઈ નહીં.’ બોલી. સિદ્ધયોગીએ લાકડાના એક બુઠિયા થડ પાસે સાષ્ટાંગ દંડવત્ કર્યા. એ દંડવત્ કરવા સુતો ત્યાં જ વિક્રમે તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું. આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ. ગર્જના થઈ. પ્રકાશપૂંજ દેખાયો.

રાજા વિક્રમે મડદાને છોડ્યું. છોડતા જ એ વૃદ્ધ મડદામાંથી બાર વર્ષનો કિશોર બની ગયો.

(પૂર્ણ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments