પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.
આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી!
પટ્ટાવાળાએ બેલ વગાડ્યો. રિસેસ પડતાં જ વિદ્યાર્થીઓનું ટોળું ધસમસતું વર્ગખંડમાંથી બહાર નીકળ્યું. ગ્રાઉન્ડ કિલ્લોલથી ગુંજી ઉઠ્યું. ભાગપેટીઓના ડબ્બા ખુલ્યા. વૃક્ષો પણ એકબીજા પર ભારે પવનના કારણે ઝળુંબી રહ્યા હતા. આખા ગ્રાઉન્ડમાં કંઈ આવું સંસ્કારી વાતાવરણ ન હતું. શાળાના એક ખૂણે ઉભેલો રઘલો તેના પાક્કા દોસ્તાર મગનિયા સાથે મૂતરવાની શરત મારી બેઠો હતો, ‘આ આચાર્યની ઓફિસની બહાર જે દરેડો પાડી આવે એ મરદનો બચ્ચો.’
વાઘના મોઢામાં હાથ નાખવા જેવું કામ હતું. નેવુંના દાયકામાં જન્મેલા ઉથનપાનિયા છોકરા. જે એની માના પેટમાં નવ મહિના કેવી રીતે રહ્યા તે ચર્ચાનો મુદ્દો બનતો.
આચાર્યની ઓફિસ બહાર મૂત્ર પ્રદર્શન કરી માર ખાવાના ધખારા મગનિયાને ન હતા. એણે હાર માની લીધી, પણ સાવ નહીં. મોતના કૂવા જેવી રમતમાંથી પોતાની બાદબાકી કરતાં પહેલા એ રઘલાને ધક્કો મારતો ગયો, ‘તારી માએ સવા શેર સૂંઠ ખાધી હોય તો તું જાને?’
રઘલો તો રાહ જોઈને જ ઉભો હોય. પેન્ટની ચેન ખુલી. અને પાછળ ઉભેલા છોકરાઓને દેખાણું કે રઘલો ભીંત સોંસરવું કાણું પાડવાની તૈયારીમાં છે. આચાર્યને કાને દરેડાનો મોટો અવાજ પડ્યો. એમના નાકમાં ગંધપ્રવેશ થયો. કોણ છે એ જોવા બહાર નીકળતા હતા. રઘલાનેય ખાતરી થઈ ગઈ કે શોલેનો ગબ્બર આવે છે. એણે ચેન બંધ કરી ને હડી કાઢી. એની હડી એ બીજા માટે લાલબત્તી સમાન હતી.
રિસેસ પત્યા પછી ક્લાસરૂમમાં મૂછો વાળા આચાર્ય આર.એ.લટકણીયાની એન્ટ્રી થઈ. લટકતી મૂછોને થોડી ઉપર ચડાવી તેમણે ક્લાસની બેન્ચના પ્રથમ વિદ્યાર્થીનો કાઠલો પકડી ટપારવાનું શરૂ કર્યું. ક્લાસના બીજા છોકરાઓ ડરી ગયા. મકોડા પર જાણે હાથી ચડી બેઠો હોય! લટકણિયા રાડો પાડતો હતો, ‘બોલ તું હતો મૂતરવામાં? કોણ હતું?’ હરાયા ઢોરને બધા મારે એવી હાલત પહેલી બેન્ચે બેસતા રમેશની થઈ ગઈ. એણે નામ બકી દીધું અને રઘલાની રિમાન્ડ શરૂ થઈ.
માર માર્યા પછી તેને આચાર્યએ ઓફિસમાં બોલાવ્યો. રઘલા માટે સાત દિવસનો સસ્પેન્ડ લેટર તૈયાર કરવાનો હતો. ક્લાર્ક ત્રિવેદીએ લેટર લખ્યો અને બાપુજીની સહી સાથે સાત દિવસ પછી લાવવાનું કહ્યું, નહિ તો શાળામાંથી ઉચાળા ભરવાના. અડધા સત્રએ નવી શાળા શોધવાની.
હાથમાં લેટર લીધો અને દસમાં ધોરણમાં ભણતા રઘુનાથ ઉર્ફ રઘલાની નજર પોતાની સામે ઉભેલી છોકરી પર પડી. ગુલાબની પાંખડીની જેમ ફરકતી પાંપણોને ઉંચી નીચી કરી એ રઘલાને એકધારી જોઈ રહી હતી. તેના હાથમાં કાગળ હતો. બે ચોંટલા ઓળેલા હતા. ચહેરા પર અનિમેષ સ્મિત લટકતું હતું. રઘલાને તો આ કોઈ રૂપકુંવરી લાગી. લટકણિયાની ઓફિસમાં આવેલી રાધાએ રઘલાના હ્રદયમાં બારે મેઘ ખાંગા કરી નાખ્યા. છોકરાની આછી એવી રૂંવાટી ઊભી થઈ ગઈ. મૂછની જગ્યાએ રહેલી કાળી પટ્ટીવાળા હોઠને તેણે દાંતની અંદર ભરાવ્યો.
અજાણ્યો છોકરો પોતાનામાંથી કંઈ પારખી ગયો હોય એવું લાગતા છોકરીએ તેના તરફથી ધ્યાન હટાવી લીધું. રઘલો હજુ તેની સામેથી આંખ હડસેલી નહોતો શકતો. તેની આ ક્રિયા ચાલુ હતી અને લટકણિયાએ આવી માથામાં ઉંધા હાથની ઝીંકી. રઘલો કલ્પનાની દુનિયામાંથી વાસ્તવિકતામાં સરી પડ્યો.
સાંજે બાપનો કિલો એકનો હાથ ગાલ પર પડ્યો. તે હસતો હસતો મગનના ઘરે ગયો. નદીના કિનારે બેસીને તારલિયા ગણતા ગણતા દસમાં ધોરણમાં ભણતા ટાબરિયા રઘલાએ પૂછી લીધું, ‘એ મગન મને અંદરથી કંઈક થઈ ગયું છે?’
‘શું?’
‘એક છોકરી આજે જોઈ. ખૂબ ગમી.’
‘આચાર્યની ઓફિસની બારી પાસે અનરાધાર મૂતરતો, સાહેબના જ ઘરની આંબલી પર ચડી આંબલી પાડતો, ક્રિકેટ રમવામાં પણ તેમના ઘરની જ કાચની બારીને નિશાન બનાવતો, તારા જેવો અલીફ લૈલાનો દાનવ તે વળી કોના પ્રેમમાં પડ્યો?’
‘આજે એક છોકરી જોઈ.’
‘લટકણિયાની ઓફિસમાં હતી ?’
‘તને કેમ ખબર ? ’રઘલાને લાગ્યું જાણે મગન એનું મગજ વાંચે છે. મગનો હસવા લાગ્યો.
‘એલા શું થયું ?’ તેના હસવા પર બ્રેક મારતા રઘલે પૂછ્યું.
‘બહેરી છે. મા-બાપ વિનાની છોકરી કન્યાગૃહમાં રહે છે. ભણવાની નથી. એ ખાલી વાંચીને પરીક્ષા દેશે. વર્ષમાં બે પરીક્ષા, છ માસિક અને વાર્ષિક. એમાં છોકરી ખાલી પરીક્ષાના દિવસોમાં જ આવશે.’
‘નામ શું છે ?’
‘શ્રુતિ.’
‘તને તો બધી ખબર. મગનિયા મારે એની સાથે લગ્ન કરવા હોય તો?’
‘પેલા ઉંમર તો પૂરી કર. અઢારની નથી થઈને પરણવા હાલી નીકળી છે. ગુનો થાય, મારા કાકા છાપુ વાંચતાં હોય એટલે કહેતાં હોય.’
સાત દિવસ પછી રઘલો અને એની ટોળકી શાળાના પટાંગણમાં ઉભી હતી. આજ રમવાની કોઈને ઈચ્છા નહોતી. તોફાની બારકસોને આમ શાંત ઉભેલા જોઈ લટકણિયા સાહેબે બહાર નીકળી બોર્ડ વાંચી લીધો કે ક્યાંક ખોટી શાળામાં તો નથી આવી પહોંચ્યોને ?
દસમાં ધોરણના અબુધ એવા રઘલે લટકણિયાનો હાથ પકડી લીધો. લટકણિયો તો આખેઆખો ચીરાઈ ગયો. સાહેબને આ શું થઈ રહ્યું છે એ ખબર ન હતી પડી રહી.
હાથ છોડાવતા એણે પૂછ્યું, ‘પૂછો રઘુનાથ શું છે?’
‘સાહેબ કોઈ છોકરી સાથે લગ્ન કરવા હોય તો શું કરવું પડે?’
‘ભણવું પડે. એને લાયક બનવું પડે. કોઈ એમનેમ છોકરી ન દઈ દે અને વાત જો તારી હોય, તો તો પછી બિલકુલ નહીં.’
‘એ તો નહિ થાય.’
રઘલાના જવાબ સામે ફટાફટ આચાર્ય લટકણિયા બોલ્યા, ‘એ તો મને ખબર. તું ચાલે એવી નોકરી તો આ દુનિયામાં બની જ નથી. તારા લાયક કોઈ નોકરી ધ્યાનમાં આવે તો હું ચોક્કસ કહીશ. પણ આ માટે નોકરી તો હોવી જોઈએ ને.’
દિવસો વિતતા ગયા. રઘુનાથ માટે પેલી છોકરી છ-છ મહિને આવે. એ રહે તે કન્યા વિકાસગૃહની બહાર રઘલો આટાફેરા માર્યા રાખે. બે મહિને એક વખત તે દેખાય. કોઈ વાર તો સિક્યુરિટી પાછળ દોડે તો પેન્ટની ટાંકેલી હુંક કસીને પકડી ભાગવું પડે. દસમાની પરીક્ષા પૂરી થઈ પછી રઘલાથી રહેવાણું જ નહીં.
મગને અને રઘલાએ એક આયોજન કર્યું. આટલા દિવસની રેકી છતાં છોકરી ન મળે એટલે શું સમજવું ? મંદીરમાંથી પૈસા ચોરી કર્યા અને સિક્યુરિટીને જનમોહન તમાકુની પડીકી માટે ફોડી નાખ્યો. આખી વાત એણે સામે મુકી દીધી, ‘એ છોકરીઓની આખી બેન્ચ તો શહેર ચાલી ગઈ.’
બે વર્ષ વલોપાતમાં નીકળ્યા. ને એક દિવસ રઘલાની જિંદગીમાં ચમત્કાર થયો. સ્કૂલમાંથી એ કોલેજમાં આવ્યો. છોકરામાંથી એ શરીર સૌષ્ઠવ ધરાવતો યુવાન થયો. કોલેજની એનસીસીની બટાલિયનમાં પણ તેના તોફાન ચાલુ જ હતા. ડોગરાની સામે બોલ્યો અને તેને બેવડી શિક્ષા મળી. આ વખતે લટકણિયાની જગ્યાએ કોલેજના આચાર્ય ઝાટકિયા હતા. ઝાટકિયાની ઓફિસમાં રઘલો દાખલ થયો. એક છોકરી રઘલાની પહેલા જ ઊભી હતી.
‘ઓહો તમે આવી ગયા સાહેબ.’ ઝાટકિયા રઘલાને જોઈ બોલ્યો.
પેલી છોકરીએ પાછળ જોયું અને રઘલાના પેટમાં બુડબુડિયા બોલવા લાગ્યા. હાથમાં કંપન થયું. છાતીના ધબકારા વધી ગયા. શરીર ગરમ થઈ ગયું.
‘ઓય… ઓય…’ બે વખત ઝાટકિયા બોલ્યો પણ રઘલો સાંભળવા તૈયાર જ નહોતો.
ટેબલ પર ઝાટકિયાએ હાથ પછાડ્યા. રઘલાનું ધ્યાન ગયું અને ઝાટકિયે બોલવાનું શરું કર્યું, ‘કાલ માફી પત્રમાં તારા બાપુજીની સહી લઈ આવજે ઠીક છે.’
દોડીને બહાર ઉભેલા મગના પાસે પહોંચી જઈ એક શ્વાસે રઘલો બોલી ગયો, ‘શ્રુતિ… ઝાટકિયાની ઓફિસમાં હતી.’
‘દસમાં ધોરણવાળી ? વાહ તારા નસીબ. કોલેજમાં પણ તને ભેગી થઈ ગઈ. હવે મુકતો નહીં.’ મગન વાત પૂરી કરે ત્યાં તો શ્રુતિ નામની એ હેલી મગનની પાછળ જ ઊભી હતી. હસતી હતી. મગને રઘલાના કાન પાસે આવી કહ્યું, ‘બહેરી સાથે ગાંડી પણ લાગે છે.’
રઘલાની બે વર્ષ જૂની મનની મુરાદ જાણે જાણી ગઈ હોય એમ શ્રુતિ બોલી, ‘તું મને ગમે છો.’ વાદળું ગરજ્યું. મોરે ટહુકો કર્યો. વરસાદ પડવાનો હતો. મગને બેઉંને એકલા છોડી દીધા. વરસાદના કારણે છોકરા છોકરીઓ ભાગી કોલેજની અંદર પૂરાય ગયા અને રઘલો શ્રુતિ પાસે આવ્યો. ખંજનનયનીના ગાલમાં પ્રેમભર્યું ચુંબન કરી લીધું.
બંને વચ્ચેનો પ્રેમ ચાલતો રહ્યો. રઘલો સાઈન લેંગ્વેજ શીખતો જ્યારે શ્રુતિને સમજાતી નહીં ત્યારે ચોપડામાં લખી નાખતો. ચોપડા હવે આમ જ ભરાતા ગયા. પ્રેમપત્રો લખવાની જરૂર નહોતી. પ્રેમની વાર્તાં આમ પણ લખાય જાય!
‘છોકરીઓને કન્યાવિકાસગૃહની બહાર નીકળવાની મનાઈ છે. હું પણ તને કાચની બારીમાંથી રોજ ધક્કા ખાતા જોતી હતી. તને મારા માટે હેરાન થતો જોતી હતી. કંઈ એક ઝાટકે નથી કહી દીધું કે તું મને ગમે છે.’ સંઘરી રાખેલી યાદોનો પટારો શ્રુતિએ રઘલા સામે ખોલ્યો. કોલેજ પૂરી થવાના આડે એક વર્ષ રહ્યું હતું.
ઈનશર્ટ કરી, તૈયાર થઈ કન્યાગૃહમાં રઘલો પહોંચ્યો. ઓફિસની મહિલા ગૃહપતિ સામે તેણે શ્રુતિ સાથે લગ્ન કરવાની અને તેને કાયમી પોતાની બનાવવાની વાત મૂકી.
મહિલા ગૃહપતિએ કહ્યું, ‘અમે એ રીતે નથી કરતાં. અમારી સંસ્થા છોકરો નોકરી કરતો હોય અને તેના માતા પિતા તથા એમનું ઘર સારું હોય તો તપાસ કરે અને પછી જ સોંપીએ. શ્રુતિ જેવી દીકરીને અમારાથી સાવ આમ ન આપી દેવાય.’
રઘલે ખુરશીની પાછળ જોયું. શ્રુતિ ઊભી ઊભી હસતી હતી. તેને તો શું સંભળાય. ઘર સારું ન હતું. મા હજી માની જાય પણ બાપ ? એક જ વિકલ્પ હતો અને તે હતો નોકરીનો.
રઘલો લાગી ગયો તનતોડ મહેનત કરવામાં. તેના શરીરને અનુકુળ નોકરી એક જ હતી અને તે હતી આર્મીની. છ મહિના પછી ભરતી હતી અને રઘલાની મહેનત રંગ લાવી. એ સિલેક્ટ થઈ ગયો.
કન્યાગૃહની ગૃહપતિ અને રઘલા વચ્ચે નક્કી થયું કે ટ્રેનિંગ પૂરી થાય એટલે શ્રુતિ તેની. હસતાં રમતાં અને શ્રુતિને યાદ કરતાં રઘલાની ટ્રેનિંગ પુરી થઈ. રજા લઈ એ સીધો પોતાના ઘરે જવાની જગ્યાએ શ્રુતિની સંસ્થાએ ગયો. સાઈકલ પર જતો મગન રઘલાને આર્મીના યુનિફોર્મમાં જતા જોઈ સાઈકલ મુકી દોડ્યો. તેને પકડીને ગળે લગાવ્યો. રડવા માંડ્યો.
રઘલો કહે, ‘એલા મગના હું શહીદ નથી થયો. આટલો રડે કાં ? અહીં સુધીના પ્રવાસમાં એક જ વિચાર મારા મનમાં ચાલતો હતો કે કન્યાદાન તારી પાસે કરાવવું. તારો હક બને છે.’
હિબકે ચડેલા મગને મોટું ડુસકુ મૂક્યું. રઘલાને દાળમાં કંઈક કાળું લાગ્યું. એણે છાતીમાં દબાયેલા મગનના ચહેરાને ઉઠાવી પૂછ્યું, ‘શું થયું છે ? તને મારા સમ કહે.’ રઘલાની આંખમાં ગુસ્સો હતો. તેનો ચહેરો સ્થિર થઈ ગયો હતો.
‘રઘુ… રઘુ…. શ્રુતિને તો ટ્રક કચડી ગયો. એ બહેરી તે પાછળથી આવતા બ્રેક ફેલ થયેલા ટ્રકનો અવાજ સાંભળી ન શકી.’
રઘલે એક ઉંડો શ્વાસ લીધો. કઠણ હ્રદય હતું. એક સૈનિકનું. રડી કેમ પડાય ? મગનાની માથે હાથ મુકી એણે સામાન ઉઠાવ્યો અને ત્યાંથી જ ચાલ્યો ગયો. મારી સામે ખુરશી પર બેસી રડી રહેલા મગને કહ્યું, ‘એ પછી મેં પંદરેક વર્ષથી એને નથી જોયો.’ ઓફિસ મૂંગી થઈ ગઈ.
(સત્ય ઘટના. નામ બદલાવેલા છે)
શીર્ષક પંક્તિ-મરીઝ
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર