Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ-19 - વધારે સાહસી કોણ ?

વિક્રમ અને વેતાલ : પ્રકરણ-19 – વધારે સાહસી કોણ ?

Team Chabuk : રાતે સ્મશાનમાંથી વેતાલને પીઠ પર લાદી વિક્રમ નીકળી રહ્યો હતો. વેતાલે માર્ગ કાપવા માટે વાર્તા સંભળાવવાની શરૂઆત કરી.

ચન્દ્રશેખર નગરમાં રત્નદત નામનો એક શેઠ રહેતો હતો. તેની એક દીકરી હતી. તેનું નામ ઉન્માદિની. જ્યારે એ મોટી થઈ તો રત્નદતે રાજા પાસે પોતાની દીકરીને લઈ જઈ કહ્યું, ‘મહારાજા આજે હું તમારી પાસે આશા લઈને આવ્યો છે.’

રાજાને આશ્ચર્ય થયું કારણ કે શેઠ પાસે કોઈ વાતની કમી નહોતી તો પછી રાજા પાસે આશા લઈને શું આવ્યો હશે ? મહારાજાએ શેઠને કહ્યું, ‘બોલો શેઠ શું આશા છે?’  

‘તમે મારી પુત્રી ઉન્માદિની સાથે વિવાહ કરી લો.’ રાજાએ શેઠની પુત્રીને કોઈ દિવસ જોઈ નહોતી. તેણે તાળીઓ વગાડી દાસીઓને આવવાનો હુકમ કર્યો. દાસીઓ રાજા સામે આવી અને રાજાએ આદેશ કર્યો, ‘દાસીઓ જાઓ અને શેઠની પુત્રી કેવી છે તે જોઈ આવો. જો તમે કહેશો તેમ તે રૂપથી સુંદર અને સુલક્ષણી હશે તો હું તેની સાથે વિવાહ કરીશ.’

એક સ્ત્રીને બીજી સ્ત્રી પ્રત્યે ભારે ઈર્ષ્યા હોય છે. એ બીજી સ્ત્રીની સુંદરતાને પચાવી નથી શકતી. ત્રણે દાસીઓ ઉન્માદિની પાસે ગઈ અને જોયું તો ગુલાબનું ફૂલ જ હતું. ગાયના આંચળમાંથી નીકળતા તાજા દૂધની શેર જેવું સફેદ તેનું બદન હતું. કટારની ધાર જેવી અણિયાળી આંખો હતી. તેમાં લગાવેલું કાજલ તેની સુંદરતામાં વધારો કરતું હતું. ત્રણે દાસીઓ તેના સૌંદર્યને જોઈ સળગી ઉઠી. એક દાસીએ કહ્યું, ‘રાજા તો આની પાછળ ગાંડો થઈ જશે.’

‘રાજાને અસત્ય જ કહેવું પડશે. નહીં તો આની સાથે પરણી જશે અને પછી મહેલમાં આપણે તેની ચાકરી કરવી પડશે.’ બીજી દાસીએ કહ્યું. અને ત્રીજી દાસીએ ત્રણે સાથે હકારમાં માથુ ધુણાવી ત્યાંથી ચાલતી પકડી. રાજા સામે જઈ સુંદર હોવા છતાં ઉન્માદિનીના મુખની ટીકા કરવામાં આવી. તેને કુલક્ષણી કહેવામાં આવી. તેની કાયાને ગોળમટોળ સાબિત કરી દીધી.

રાજાએ દાસીઓના મુખમાંથી ઉન્માદિની માટે આવા શબ્દો સાંભળીને શેઠને કહ્યું, ‘શેઠ હું તમારી પુત્રી સાથે વિવાહ નહીં કરી શકું.’

શેઠ નિરાશ થયા. રાજાની ના પછી કંઈ પરાણે તો દીકરીને તેને પરણાવાય નહીં. રાજાનો હુકમ તે રાજાનો હુકમ. તો દીકરીને ઘરમાં પણ બેસાડી ન રખાય. તેણે તો રાજાના સેનાપતિ બલભદ્રની સાથે જ પુત્રીનો વિવાહ નક્કી કરી નાખ્યો. બંનેના વિવાહ થયા અને પતિ પત્ની ખુશ રહેવા લાગ્યા.

એક દિવસની વાત છે. રાજા હાથીની અંબાડી પર બેસીને નગરચર્યા કરી રહ્યા હતા. તેમની સવારી બલભદ્રના ઘર પાસેથી નીકળી. એ સમયે ઉન્માદિની પોતાના ઘર પાસે ઊભી હતી. રાજાની તેના પર નજર ગઈ તો તે તેને દિલ દઈ બેઠો. રાજા મહેલમાં ગયા અને તે યુવતીની ઓળખ મેળવી. રાજાને જ્યારે ખબર પડી કે તે શેઠની દીકરી છે તો તેમને દાસીઓના છલની ખબર પડી ગઈ.  

રાજાએ દાસીઓને બોલાવી અને કડક અવાજમાં પૂછ્યું તો દાસીઓ ફટાફટ સત્ય ઓકી ગઈ. એટલામાં સેનાપતિ બલભદ્ર ત્યાં આવી પહોંચ્યો. તેને રાજાની સ્થિતિ વિશે ખબર પડી ગઈ હતી. તેણે રાજાને કહ્યું, ‘સ્વામી ઉન્માદિનીને તમે લઈ લો.’

રાજાએ ગુસ્સામાં બલભદ્રને કહ્યું, ‘શું હું અધર્મી છું કે બીજાની સ્ત્રીને લઈ લઉં.’

એ પછી રાજા બીમાર રહેવા લાગ્યો. તે વ્યાકુળ રહેતો અને આ વ્યાકુળતાએ જ તેનો જીવ લઈ લીધો. રાજાની મૃત્યુ બાદ સેનાપતિ બલભદ્ર પોતાના ગુરૂ પાસે ગયો અને તેને રાજા સાથે શું થયું તે બધું કહી સંભળાવ્યું. ગુરૂએ સેનાપતિને કહ્યું, ‘સેવકનો તો ધર્મ છે કે તે સ્વામી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે.’

રાજાની ચિતા તૈયાર થઈ. સેનાપતિ ત્યાં પહોંચ્યો અને આગમાં કૂદી પડ્યો. ઉન્માદિનીને આ વાતની ખબર પડી તો તે પતિની સાથે સતિ થવાને પોતાનો ધર્મ સમજી એ જ આગમાં કૂદી પડી. એ પણ મૃત્યુ પામી.

આટલું કહીને વેતાલે પૂછ્યું, ‘રાજન્ બતાવ. સેનાપતિ અને રાજામાં કોણ વધારે સાહસીક?’

રાજા વિક્રમે કહ્યું, ‘રાજા વધારે સાહસી હતો. કારણ કે તેણે રાજધર્મ પર દૃઢ રહેવા માટે ઉન્માદિનીને તેના પતિના કહેવા પર પણ સ્વીકાર ન કરી અને ચિંતામાં ને ચિંતામાં પોતાના પ્રાણ ત્યાગી દીધા. સેનાપતિ કુલીન સેવક હતો. પોતાના સ્વામીની ભલાઈમાં પ્રાણ આપવા તે મોટી વાત નથી. સાચું કામ તો રાજાએ કર્યું છે. પ્રાણનો ત્યાગ કર્યો પણ રાજધર્મનો ત્યાગ બિલકુલ ન કર્યો.’

રાજા વિક્રમનો જવાબ સાંભળ્યા પછી વેતાલ ત્યાં થોડો ઊભવાનો હતો. તે ઉડી ગયો. ઊંચે આકાશમાં અને સિદ્ધવડ પર જઈ લટકી ગયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments