Team Chabuk-Political Desk: ગુજરાતમાં 26 બેઠકમાંથી 26 બેઠક જીતી ક્લિન સ્વીપ કરવાનું ભાજપનું સપનું રોળાયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને હરાવી ભાજપની ક્લિન સ્વીપ પર બ્રેક લગાવી દીધી છે. 2014 અને 2019માં ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠક જીતી હતી. જો કે 2024માં ભાજપના ગઢમાં ભંગાણ થયું છે અને આ ભંગાણ ગેનીબેન ઠાકોરે કર્યું છે.
સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી જ બનાસકાંઠા લોકસભા બેઠક પર રસાકસી જોવા મળી હતી. શરૂઆતમાં ગેનીબેન ઠાકોરે લીડ મેળવી હતી. જો કે ત્યારબાદ રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોરને પાછળ રાખી આગળ નીકળ્યા હતા. પરંતુ અંતિમ તબક્કાની મતગણતરીમાં ગેનીબેન ઠાકોરે લીડ મેળવી હતી. ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવી દીધા છે. તેમણે 20 હજારથી પણ વધુ મતોથી રેખાબેન ચૌધરીને હરાવી દીધા છે.
ગેનીબેન ઠાકોરે જીત બાદ પ્રતિક્રિયા આપી છે. ગેનીબેન ઠાકોરે મતદારોનો આભાર માનતા કહ્યું કે, બનાસકાંઠાના મતદારોએ મામેરું ભર્યું તે બદલ આભાર. સાથે જ ગેનીબેને ક્ષત્રિય સમાજનો પણ આભાર માન્યો હતો.
બનાસકાંઠા બેઠક પરથી આ વખતે કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી. રેખાબેન એ શિક્ષિત મહિલા ઉમેદવાર હોવા ઉપરાંત બનાસ ડેરીના સ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલના પૌત્રી પણ છે. જો કે ગેનીબેન પણ સામે મજબૂત મહિલા નેતા હતા. એક ફાયરબ્રાન્ડ નેતા તરીકે તેમની ઈમેજ છે અને 2017થી વાવ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. આ વખતે આ બેઠક માટે બહુ રસાકસી રહી શકે છે તેવી વાતો થતી હતી. ગેનીબેન ઠાકોર પાસેથી કોંગ્રેસને સારી એવી અપેક્ષાઓ હતી.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા