Homeસાહિત્યવિવાદની ‘શબ્દસૃષ્ટિ’

વિવાદની ‘શબ્દસૃષ્ટિ’

Editors Gallery: ગુજરાતી સાહિત્ય અકદામીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડ્યા શબ્દસૃષ્ટી સામાયિકના કારણે સોશિયલ મીડિયાનાં પાદરમાં ચર્ચાય રહ્યા છે. અહીં તેમની ભરપૂર ટીકા થઈ રહી છે. દોઢેક મહિના પહેલા લખાયેલી એક કવિતા ખરેખર સત્તા સ્થાને બેસેલાઓનું ઉંઘવું હરામ કરી ચૂકી છે. જ્યારે કવિતા સામે આવી ત્યારે એક દિવસ તેના ભરપૂર વખાણ કરવામાં આવ્યા. એ કવિતાના અનુવાદ પણ થયા અને એ કવિતાનું વિવેચન પણ થયું. જેમનું બે જણા વચ્ચે નામ બોલાય છે તેવા વિવેચકો અને સર્જકોએ તેના પોંખણા કર્યાં હતાં. જોકે એનાં બીજા દિવસે અત્યંત ભંગાર રીતે લખાયેલા કેટલાક પ્રતિકાવ્યો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યાં હતાં.

આપણા પૂર્વસૂરી હાસ્યલેખકો ગણતરીનાં શહેરો માટે એવું કહી ચૂક્યા છે કે ત્યાં જે ઘરમાં પથ્થર મારો તે ઘર કવિનું હોય. આ વાત સાવેય ખોટી પણ નથી ઠરી રહી. કહેવાનું તાત્પર્ય એ કે એ કવિતાનો વિરોધ કરવા માટે ક્યાં ક્યાંથી કવિઓ ફૂટી નીકળ્યાં. જેમને કવિતા સાથે અત્યાર સુધી ન્હાવા નિચોવાનો પણ સંબંધ નહોત તે લોકો પણ કવિ બની ગયાં હતાં. આ જોઈ સાચા કવિની લાગણી દુભાઈ જ.

આવા લોકોને વિદૂષક કહેવાય કવિ નહીં. પ્રતિકાવ્યો લખનારા લોકો કવિતાની કોઈ પણ કેટેગરીમાં ફિટ જ નહોતાં બેસતાં. એક પત્રકારે પણ સરકાર બચાવ પ્રયુક્તિમાં કવિતા લખવાનું દુ:સાહસ કર્યું હતું. એમને કવિતાનો કોર્સ કરવાની તાતી જરૂર જણાય છે. આવા તો ઠેકઠેકાણે કવિઓનાં રાફડા ફાટી નીકળ્યાં હતાં. એ એક પણ કવિતાઓ એટલા માટે નહોતી કારણ કે તેમાં કવિત્વ ઓછું અને ગાલિત્વ વધારે હતું. કવિતાની આબરુના રિતસરના સોશિયલ મીડિયાની ભરબજારે ધજાગરા ઉડ્યા હતા. સ્પષ્ટ દેખાતું હતું કે આ કવિઓ નહીં ક્ષણિક સમય માટે બની બેઠેલા ‘રક્ષા’કવિઓ છે. એમની કવિતાઓ વોટ્સેપીયા હતી.

કવિતા આપણે ત્યાં કંઠસ્થ કરવાનો વિષય સર્વે જનો માટે નથી. મુશાયરાના કવિઓ અને કેટલાક ભાવકો સિવાય કવિતા કંઠસ્થ કોઈ કરતું નથી, માત્ર માણે છે. જોકે પારુલબહેન ખખ્ખરની કવિતા અને કવિતા નહીં તો કવિતાના કેટલાક શબ્દો ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જેને યાદ ન રહ્યા હોય. જો એને યાદ ન હોય તો તેને અભણમાં લેખવો.

આ કવિતાના વિવાદનું શમન જ થવાનું હતું ત્યાં શબ્દસૃષ્ટીના નવા અંકમાં એક લેખ છપાયો છે. એ લેખની નીચે કોઈનું નામ નથી. વિવાદ આ જ છે. ગુજરાતી સાહિત્ય અકાદમી ઉપર લાગેલું આ કલંક જ ગણાય, કારણ કે એક અનામી લેખક એ કવિતાનો વિરોધ નોંધવે છે. શબ્દસૃષ્ટીમાં લેખ છપાવવા કેટલાય યુવાનો તલપાપડ છે અને એક પાનું આવા અનામીને એ પણ આવા કામ માટે ફાળવી દેવામાં આવ્યું?

કવિતાનું વિવેચન હંમેશાં કવિ કરે છે. અને એ કવિઓના કવિત વિવેચન અગાઉ નામ સહિત છપાયેલા જ છે. તો પછી આ કોણ છે જેણે નામ વિનાનું ફરફરિયું લખ્યું છે. નામ હોત તો આનંદ થાત. સાહિત્યરસિકો અને સાહિત્યકારોને પણ જાણવાની પૂરેપૂરી પરવાનગી છે કે ફલાણો લેખ કોણે લખ્યો? લોકોએ શબ્દસૃષ્ટીનું લાવજમ ભર્યું છે. એમને તો પરવાનગી છે જ કે આટલું મોટું ‘કવિતા વિવેચન’ કોણે લખ્યું?

એક કવિતા માટે શબ્દસૃષ્ટીમાં પાનું ફાળવવું પડે? આ પાનાને ‘બચાવપાનું’ નામ આપવું જોઈએ. અગાઉ પણ સરકારો આવી હતી અને એ સરકારોની ભરપૂર ટીકા થઈ જ છે. એ સરકારોના વિવાદિત નિર્ણયોની સામે પણ નવલકથા લખાઈ છે. કવિતાઓ લખાઈ છે. નાટકો લખાયા જ છે. વ્યંગ થયા છે કટાક્ષો થયા છે. ઈમરજન્સી વખતનો શરદ જોશીનો કટાક્ષ અહીં વાંચન રસિકો માટે મૂકુ છું.  

‘‘खरगोश का एक जोड़ा था, जिनके पांच बच्चे थे. एक दिन भेड़िया जीप में बैठकर आया और बोला – असामाजिक तत्वों तुम्हें पता नहीं सरकार ने तीन बच्चों का लक्ष्य रखा है. और दो बच्चे कम करके चला गया.

कुछ दिनों बाद भेड़िया फिर आया और बोला कि सरकार ने लक्ष्य बदल दिया और एक बच्चे को और कम कर चला गया. खरगोश के जोड़े ने सोचा, जो हुआ सो हुआ, अब हम शांति से रहेंगे. मगर तभी जंगल में इमर्जेंसी लग गई.

कुछ दिन बाद भेड़िये ने खरगोश के जोड़े को थाने पर बुलाया और कहा कि सुना है, तुम लोग असंतुष्ट हो सरकारी निर्णयों से और गुप्त रूप से कोई षड्यंत्र कर रहे हो? खरगोश से साफ इनकार करते हुए सफाई देनी चाही, पर तभी भेड़िये ने बताया कि इमर्जेंसी के नियमों के तहत सफाई सुनी नहीं जाएगी.

उस रोज थाने में जोड़ा कम हो गया. दो बच्चे बचे. मूर्ख थे. मां-बाप को तलाशने खुद थाने पहुंच गए. भेड़िया उनका इंतजार कर रहा था. यदि थाने नहीं जाते तो वे इमर्जेंसी के बावजूद कुछ दिन और जीवित रह सकते थे.’’

જો આ થઈ શકે તો કવિતા પણ થઈ જ શકે. એમાં કાંઈ એક પાનું થોડું બગાડવાનું હોય. એ પણ એ પાનું જેમાં લેખકનું નામ જ નથી. સારું કહેવાય કે પેલા ભંગાર પ્રતિ કાવ્યો માટે કોઈ કવિએ અવાજ નથી ઉઠાવ્યો. જે કામ કવિનું છે એ કવિને કરવા દો અને એ કવિતાનું વિવેચન થાય છે તો નીચે નામ લખો. સાહિત્યકારનો ધર્મ એ છે કે તે તેના વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને લખે. સાહિત્ય પણ એક ઈતિહાસ જ છે. મન્ટો, શરદ જોશી, ભીષ્મ સાહની આ બધાએ ન લખ્યું હોત તો આપણું ભારતીય સાહિત્ય શું કામનું?

આવનારા વર્ષોમાં કોઈ પૂછશે કે તમે તમારા સમયને કઈ રીતે કંડાર્યો ત્યારે ગુજરાતી સાહિત્યકાર શું જવાબ આપશે? કે અમે તો લખવા ઈચ્છતાં હતાં પણ લખીએ તો એક સામાયિકમાં કોઈ અજ્ઞાત લેખકના નામે ટીકા કરેલું કાંઈક છપાઈ જતું હતું. અમને તો ખબર પણ ન પડતી કે ટીકા સાહિત્યકારે કરી છે કે કોઈ એવાએ જેને સાહિત્ય સાથે કાંઈ લેવાદેવી જ નથી. કવિ વિવેકભાઈ મનહરભાઈ ટેલરે સોશિયલ મીડિયા પર લખેલા લેખના કેટલાક શબ્દો સાથે આ લેખનો અંત આણીએ, ‘‘આ વાત અહીં ન અટકે અને અકાદમી અધ્યક્ષ માફી માંગીને આ લેખને ખારિજ જાહેર ન કરે અને આ બાબતમાં ગુજરાતી સહિત્યજગતના કર્ણધાર મહારથી સાહિત્યકારો આવા સમયે પણ કુરુસભાનું ભૈષ્મી મૌન ધારીને બેસી રહેશે તો ગુજરાતી સાહિત્યનું અધઃપતન નિશ્ચિત જાણવું…  પોતાનું નામ જાહેર કરવાની જિગર વગરના અકાદમીના આ નામર્દ લેખમાં જે કવિતાની જઘન્ય નિંદા કરવામાં આવી છે એ કવિતા કે કવિનું નામ જાહેર કરવાની ‘મર્દાનગી’ પણ દેખાતી નથી. જો કે આ વાત જ કવિતાની સ્વર્ણિમ સફળતાનો મુદ્રાલેખ છે.’’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments