Homeસાહિત્યપણ ગિરીશ કર્નાડ સર કન્નડ ભાષા જ કેમ?

પણ ગિરીશ કર્નાડ સર કન્નડ ભાષા જ કેમ?

Team Chabuk-Literature Desk: ઘણી વખત વિચાર આવે છે. ગિરીશ કર્નાડ જન્મ્યા મહારાષ્ટ્રમાં હતા. કોંકણી તેમની માતૃભાષા હતી. અંગ્રેજીનો પૂરતો અભ્યાસ હતો. તેમની ખૂદની દિલથી ઈચ્છા રહી હતી કે અંગ્રેજ દેશમાં વસવાટ કરે અને ત્યાં ખ્યાતનામ અંગ્રેજી કવિ બને. એવું કાંઈ કર્નાડ સાથે થયું નહીં. હિન્દી ભાષાની ક્લાસિક ફિલ્મો, નાટકો અને સિરીયલમાં કામ કર્યું. એટલે હિન્દીનું પણ ભાષાકીય જ્ઞાન તો કર્નાડમાં પૂરેપૂરું ભરેલું જ હતું. તો પછી શા માટે ? શા માટે ગિરીશ કર્નાડે સાહિત્યની અભિવ્યક્તિ માટે કન્નડ ભાષાને પસંદ કરી. કન્નડને પસંદ જ નથી કરતા પણ તેમાં ક્લાસિક સાહિત્ય રચે છે અને જ્ઞાનપીઠ એવોર્ડ પણ જીતે છે. કોઈ અન્ય ભાષાને ગિરીશનું સાહિત્યિક જ્ઞાન મળી શકતું હતું, પણ કર્નાડે કન્નડ ભાષાને પ્રધાન્ય આપ્યું. શું એમણે બુદ્ધિજીવી વાંચકની ભાષાને પસંદ કરી હતી?

એમનું નિધન આજના દિવસે જ થયેલું હતું. દસમી જાન્યુઆરી અને છઠ્ઠો મહિનો. અભૂતપૂર્વ પ્રતિભા. લેખકો મળશે, નાટ્યકારો મળશે, ફિલ્મી અભિનેતાઓ પણ મળતાં રહેશે, પણ આ બધું એક જ વ્યક્તિમાં હોય તેવા કોઈ નહીં મળે. કર્નાડ ખરેખર બૌદ્ધિક સંપદાના ધની હતા. એમણે કોઈ પાત્ર ભજવ્યું હોય તો આપણું મગજ એ પાત્ર ફલાણા અભિનેતાએ ભજવ્યું હોત તો સારું હતું, એ કહેવાની રતિભાર પણ ગુસ્તાખી ન કરે.

કર્નાડના નાટકો ગુજરાતી ભાષામાં અનુવાદિત થઈને નવી પેઢીનાં વાચકોને નથી મળ્યા, એ પણ સાહિત્ય જગતને સાંપડેલી મોટી ખોટ જ કહેવાય. ગુજરાતના અંગ્રેજી ભાષાનાં B.Aનાં વિદ્યાર્થીઓ ભાગ્યશાળી કહેવાય કે કર્નાડની નાગમંડલ તેમને ભણવામાં આવતી હતી.

કર્નાડ પાસેથી આપણે શીખીએ છીએ કે ખૂદને કોઈ કળામાં વ્યસ્ત રાખવી અને તેમાં જ રચ્યાંપચ્યાં રહેવું. બીજા શબ્દોમાં કર્નાડે અભિવ્યક્તિ માટે નાટકો પસંદ કર્યા અને તેમનો સાથ કોઈ દિવસ નથી છોડ્યો. નાટકોમાં એમના શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી રહી. એ વેગળા ન રહી શક્યા.

નાટક જ કેમ? કર્નાડ નાનપણથી જ લોક નાટ્યની પરંપરા અને થિએટરની નિયમિત પ્રસ્તુતિ કરતાં પરિવારમાં મોટા થયા. નાનપણમાં વીજળીની સુવિધાઓ પર્યાપ્ત હતી. રાત વાર્તાઓ સાંભળવામાં પસાર થઈ જતી હતી. આ વાર્તાઓએ જ તેમને નાટ્યસૃષ્ટિ તરફ ધકેલ્યાં. જેમ દરેક સર્જકને થાય છે. કર્નાડે બાળપણમાં સાંભળેલી કથાઓ અને મિથકો જ તેને મોટા થતાં સર્જન કરવામાં કામે લાગી.

અગાઉ કહ્યું તેમ, કવિ બનવાની ચાહના હતી, પણ તે તેમને સહજ ન લાગી. કર્નાડ તેને પ્રયત્નસાદ્ય વિદ્યા કહે છે. કર્નાડ માટે નાટક જ તેમનો રસ હતો. બાકીની જે પણ ભૂમિકા તેમણે જીવનપર્યંત નિભાવી એ આર્થિક ઉપાર્જન માટે જ નિભાવી હતી. આ અંગે તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું એક અભિનેતા કે ફિલ્મ નિર્દેશક નથી બનવા માગતો. પણ એ બધું હું માત્ર મારી આજીવિકા માટે કરું છું. એક નાટ્યકારના રૂપમાં અસંખ્ય વિચાર શૃંખલાઓ ટેલિવિઝન ધારાવાહિક કરવાની પ્રક્રિયામાં તૂટી જાય છે.’

કર્નાડનાં નાટકને વાંચનારા પણ તેમને સમજી નથી શક્યા. ગિરીશ કર્નાડે હંમેશાં પોતાની નાટ્યસૃષ્ટીમાં વર્તમાન સમસ્યાને ઉજાગર કરી છે. એ વાત તો મીથક અને દંતકથાઓની કરતાં હતાં પણ તેના મૂળિયા વર્તમાન સમસ્યા સાથે જોડાયેલા હતા. 1961ના યયાતિ નાટકમાં વાત મહાભારતના એક પ્રસંગની હતી પણ તેમાં અસ્તિત્વવાદ દર્શાવ્યો હતો. તુગલક વિશે કર્નાડ કહે છે કે, ‘એ બુદ્ધિશાળી હતો. હોશિયાર હતો અને છતાં સલ્તનત ચલાવવામાં અસફળ હતો.’ હોશિયાર હોઉં તો સારા મોનિટર પણ બનો જ એ વાતને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી.

કર્નાડ પોતાના નાટકોમાં સ્ત્રીને યોગ્ય સ્થાન અપાવે છે. આ પહેલા પણ અસંખ્ય સાહિત્યકારો આ કાર્ય કરી ચૂક્યા છે. જોકે કર્નાડે જે રીતે આ કાર્યને પોતાના ખભા પર ઉઠાવ્યું એવું તો તેઓ બિલકુલ નથી કરી શક્યા. કર્નાડનાં નાટકોમાં રહેલ સ્ત્રી પાત્રો પુરુષ પ્રધાન સમાજની વચ્ચે પણ પોતાની અલગ વિચારધારા ધરાવે છે. તે પોતાનો મત પણ વ્યક્ત કરે છે. આ વાત કર્નાડે 60ના દાયકામાં કરી હતી.

કર્નાડને આ પ્રકારના નાટકોમાં શા માટે રસ હતો? કર્નાડ ખૂદ કહે છે, ‘‘મને જાદુભરી કલ્પનાઓમાં ખૂબ જ રસ છે. કદાચ હું એક જાદુગર હોત. જાદુ આપણને એ વાતનો વિશ્વાસ અપાવે છે કે એક ખૂબ જ સુંદર અને અદભુત દુનિયાનું નિર્માણ કે તેની કલ્પના સંભવ છે.’’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments