Homeગામનાં ચોરેભારતમાં ચાલી રહેલી કોરોનાની ઘાતક લહેર વચ્ચે કોવેક્સિનને લઈને રાહતના સમાચાર આવ્યા

ભારતમાં ચાલી રહેલી કોરોનાની ઘાતક લહેર વચ્ચે કોવેક્સિનને લઈને રાહતના સમાચાર આવ્યા

Team Chabuk-National Desk: એક તરફ કોરોના વાઇરસ ભારતમાં તબાહી મચાવી રહ્યો છે ત્યારે મુશ્કેલીના સમયમાં એક સારા સમાચાર મળ્યા છે. એક રિસર્ચમાં કોવેક્સિનની સારી એવી અસરકારકતા સામે આવી છે જે મોટી રાહત અપાવી શકે છે. હાલમાં જ થયેલા એક નવા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવેલી કોવેક્સિનનું SARS-COV-2ના બ્રાઝિલિયન વેરિયન્ટ B.1.128.2 પર સારું એવું પરિણામ પ્રાપ્ત થયું છે. આ અભ્યાસ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળી કર્યો હતો.

આ અંગેની જાણકારી બાયોફાર્મા કંપની OCUGENએ પોતાના ટ્વિટર હેંડલ પર આપી છે. બ્રાઝિલિયન વેરિયન્ટમાં E484K મ્યૂટેન્ટ સામેલ છે જે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં મળી આવ્યો હતો. ભારતમાં જે હાલ ખતરનાક લહેર ચાલી રહી છે તેના માટે પણ આ વેરિયન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ICMRએ પોતાના અગાઉના એક અભ્યાસમાં દાવો કર્યો હતો કે કોવેક્સિન કોરોનાના યુકે વેરિયન્ટ B.1.1.7 અને ભારતમાં મળેલા ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટ B.1.617માં પણ અસરકારક છે. આ બન્ને અભ્યાસના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવેક્સિન કોરોના વાઇરસના ઘણા અલગ અલગ પ્રકારના વેરિયન્ટ સામે મજબૂતીથી લડી શકે છે.

વેક્સિન સાયન્ટિફિક એડવાઇઝરી બોર્ડ ઓફ ઓક્યૂજેનના ચેરમેન ડો. સતીશ ચંદ્રને કહ્યું હતું કે, ‘અમે આ સ્ટડીના પરિણામ જોઈને ખૂબ ખુશ છીએ. કોવેક્સિન વાઇરસના અલગ અલગ વેરિયન્ટને બેઅસર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અમને વિશ્વાસ છે કે આ વેક્સિન મ્યૂટેન્ટ વાઇરસને બચીને નીકળવાની સંભાવનાને ખતમ કરી શકે છે.’

ઓક્યૂજેન અમેરિકાની એક બાયોફાર્માસ્યૂટિકલ કંપની છે જે યુએસ માર્કેટ માટે કોવેક્સિન ડેવલપ કરી રહી છે. કંપનીના કો-ફાઉન્ડર ડો. શંકર મુસુનુરીએ જણાવ્યું કે, ‘કોવેક્સિનના અત્યાર સુધીના અભ્યાસમાં મજબૂત પરિણામો પ્રાપ્ત થયા છે. અમને વિશ્વાસ છે કે આ વેક્સિન મહામારીના જંગમાં એક મજબૂત હથિયાર સાબિત થશે.’ તેમણે એમ પણ જણાવ્યું કે, ‘ઓક્યૂજેનની ટીમે એક ડ્રગ માસ્ટર ફાઈલ ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન, યુએસએ (FDA)ને સોંપી છે. હાલ તેના આકસ્મિક ઉપયોગના આવેદન પર કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ વેક્સિનના ત્રીજા ચરણના ટ્રાયલના બીજા અંતિમ પરિણામને તપાસતા ખ્યાલ આવ્યો હતો કે વેક્સિનની ઓવરઓલ અસરકારકતા 78 ટકા છે. જ્યારે ગંભીર મામલાઓમાં એફિકેસી રેટ 100 ટકા હતો.’

મહત્વનું છે કે વ્હાઈટ હાઉસના મેડિકલ સલાહકાર એન્થોની ફાઉચીએ પણ ગત અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે, ‘કોવેક્સિન B.1.617 વેરિયન્ટ એટલે કે ભારતમાં દેખાયેલા ડબલ મ્યૂટેન્ટ વેરિયન્ટને નિષ્ફળ બનાવવામાં અસરકારક છે.’ મહત્વનું છે કે કોવેક્સિન સામે શરૂઆતના દિવસોમાં ઘણા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. હરીફ ઉત્પાદકોએ આ વેક્સિન પાણી હોવાનું પણ કહી દીધું હતું.

કોવેક્સિનને ભારત બાયોટેકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) સાથે મળીને વિકસાવી છે. કોવેક્સિન એક ઇનએક્ટિવેટેડ વેક્સિન છે, જે બીમારી પેદા કરતાં વાઇરસને નિષ્ક્રિય કરીને બનાવવામાં આવી છે. કોવેક્સિન રિએક્ટોજેનિક સાઈડ ઇફેક્ટ સાથે આપવામાં આવે છે. વેક્સિન લીધા બાદ જ્યાં ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં દુઃખાવો થવો, તાવ આવવો, ઠંડી લાગવી, ધ્રુજારી થવી, ચક્કર આવવા, માથું દુઃખવું, પેટમાં દુઃખવું જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. અત્યાર સુધી કોવેક્સિનની કોઈ ગંભીર આડ અસર જોવા મળી નથી.

કોરોનાથી બચવા માટે કોવેક્સિનના બે ડોઝ લેવાના હોય છે. હાથની માંસપેશિયો પર વેક્સિન ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. નિષ્ણાતોના મતે કોવેક્સિસનનો બીજો ડોઝ 4-6 અઠવાડિયા પછી લેવો હિતાવહ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments