Homeગામનાં ચોરેઆફતાબે આ ફ્રિજમાં રાખ્યા હતા શ્રદ્ધાના શરીરના ટુકડાં, આ કારણે ફ્રિજમાંથી પોલીસને...

આફતાબે આ ફ્રિજમાં રાખ્યા હતા શ્રદ્ધાના શરીરના ટુકડાં, આ કારણે ફ્રિજમાંથી પોલીસને ન મળ્યો લોહીનો એક પણ ડાઘ

Team Chabuk-National Desk: દિલ્લીમાં પ્રેમ સંબંધનો એવો કરૂણ અંજામ આવ્યો છે કે એ વાત સાંભળીને જ કોઈ પણ વ્યક્તિ ધ્રૂજી ઉઠે. 28 વર્ષના આફતાબે પહેલાં મહોબ્બતનું મર્ડર કર્યું અને ત્યારબાદ જે થયું તે ચોંકાવનારું છે. આરોપી જેને દિલોજાનથી પ્રેમ કરતો હતો તેના જ શરીરના પોતાના હાથે જ એક બે નહીં પરંતુ 35-35 ટુકડાં કર્યા અને 18 દિવસ સુધી પ્રેમીકાના શરીરના ટુકડાંને અલગ-અલગ જગ્યાએ ફેંક્યા !

મર્ડર બાદ આરોપીએ તાત્કાલિક એક ફ્રિજ લીધું. આ ફ્રિજમાં જ પ્રેમિકાના અંગોને રાખ્યા. રાત્રે બે વાગ્યે પ્રેમીનું સવાર પડતું ! બે વાગ્યે તે થેલીમાં થોડા-થોડા ટુકડાં લઈ જંગલ તરફ જતો અને અવાવરું સ્થળે ફેંકી દેતો. આવું સતત 18 દિવસ સુધી ચાલ્યું. એટલું જ નહીં ઘરમાં પ્રેમિકાના શરીરના ટુકડાં પડ્યા હતા અને ભાઈ ટેસથી રહેતા હતા. જ્યારે ફ્રિજમાંથી દુર્ગંધ આવવા લાગી તો દુર્ગંધથી બચવા સુગંધિત અગરબત્તીઓ કરતો.

સમગ્ર ઘટના છ મહિના જૂની છે જેનો હવે ખુલાસો થયો છે અને આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીનું નામ આફતાબ પૂનાવાલા હોવાનું સામે આવ્યું છે જ્યારે મૃતક યુવતીનું નામ શ્રદ્ધા છે. મુંબઈના મલાડ વિસ્તારમાં કોલ સેન્ટરમાં કામ કરતી શ્રદ્ધાની મુલાકાત આફતાબ સાથે થઈ હતી. બંને મિત્રો બન્યાં અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. મુંબઈમાં રહ્યા પછી બંને દિલ્હી આવ્યાં અને અહીં જ લિવ ઈનમાં રહેવા લાગ્યાં હતાં. ત્યારબાદ શ્રદ્ધા આફતાબને લગ્ન માટે અવારનવાર વાત કરતી પરંતુ આફતાબ તેની વાત ટાળતો હતો. આ જ વાતે બને વચ્ચે ઝઘડો થતો.

18 મે જ એ દિવસ હતો જ્યારે બંને વચ્ચે અંતિમ ઝઘડો થયો. ફોરેંસિક રિપોર્ટમાં ખુલાસો થયો કે ઝઘડો થયો ત્યારે આફતાબ શ્રદ્ધાની છાતી પર બેસી ગયો હતો અને ત્યારબાદ ગળુ દબાવી દીધુ હતું જેના કારણે શ્રદ્ધાનું મોત થયું હતું. શ્રદ્ધાના મોત બાદ આફતાબે જે કર્યું તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે.

આરોપી આફતાબ અને મૃતક શ્રદ્ધા

આફતાબે હત્યા બાદ માત્ર મૃતદેહને સગેવગે કર્યો એટલું જ નહીં પરંતુ એક-એક પૂરાવાનો પણ નાશ કર્યો. આરોપીએ પોતાના રૂમને કેમિકલથી સાફ કર્યો હતો. ત્યાં સુધી કે તેણે ફ્રિજને પણ અનેકવાર કેમિકલથી સાફ કર્યું જેના કારણે પોલીસને તેમાંથી એક પણ લોહીનો ડાઘ ન મળ્યો.

આરોપીએ ઘરમાંથી તો તમામ પૂરાવાનો નાશ કર્યો પરંતુ તેની પોલ આસપાસમાં રહેલા CCTV કેમેરાએ ખોલી નાખી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી પર નજર રાખી હતી. આખરે બાતમી અને CCTVની મદદથી પોલીસે આરોપીની અટકાયત કરી જેમાં આકરી પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો અને હત્યાની કબૂલાત કરી. હાલ પોલીસ આરોપીએ બતાવેલી જગ્યાઓમાં શ્રદ્ધાના અંગોની તપાસ કરી રહી છે. બીજી તરફ આરોપીની પૂછપરછમાં હજુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments