Homeસિનેમાવાદદયાવાન: વિનોદ ખન્ના ઓશો આશ્રમથી પાછા આવ્યા અને અમિતાભના હાથમાંથી ફિલ્મ સરકી...

દયાવાન: વિનોદ ખન્ના ઓશો આશ્રમથી પાછા આવ્યા અને અમિતાભના હાથમાંથી ફિલ્મ સરકી ગઈ

ઝાલાવાડી જલજીરા: અમિતાભ બચ્ચનના કરિયરની પ્રથમ સોલો હીટ ફિલ્મ એટલે જંજીર અને જંજીર પછી અમિતાભને અગણિત ફિલ્મો સાંપડી હતી અને બધી ફિલ્મોનું ઉંબાળીયું થઈ ગયું હતું. અમિતાભની જેટલી પણ ફિલ્મો જંજીર બાદ હીટ ગઈ છે તેમાં મોટાભાગની બે હીરોવાળી ફિલ્મ છે. કેટલીક બે કરતાં વધારે હીરોની ફિલ્મ છે.

શોલે, ચૂપકે ચૂપકે, કભી કભી, હેરા ફેરી, અમર અકબર એન્થની, ખૂન પસીના, પરવરિશ, કસમે વાદે, ત્રિશૂલ, મુકદ્દર કા સિકંદર, કાલા પથ્થર, સુહાગ, દોસ્તાના, રામ બલરામ, યારાના અને નસીબ. એ સમયના લગભગ દિગ્ગજ અને બાવડેબાજ સુપરસ્ટાર સાથે અમિતાભ બચ્ચને જોડી જમાવી હતી સિવાય કે એક. ફિરોઝ ખાન.

ફિરોઝ ખાન અને અમિતાભ વચ્ચે કોઈ અનબન નહોતી. વિવાદ પણ નહોતો થયો. બેઉ એકબીજાના કામની સરાહના કરતાં હતાં. બંનેને ઈચ્છા હતી કે એક ફિલ્મમાં સાથે કામ કરીએ. એ એક ફિલ્મ દયાવાન હતી. જેમાં અમિતાભ અને ફિરોઝ ખાનની જોડી બનતાં બનતાં રહી ગઈ.

ફિલ્મના દિગ્દર્શક મણિરત્નમ હતા. એ મણિરત્નમ જે ક્રાઈમ ડ્રામામાં પણ રોમાન્સનો એવો વઘાર કરે કે એક સાથે ઘણી કથાઓનો સંપૂટ રચાય જાય. જેમની ફિલ્મો આજે પણ સિનેમાના વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાનની પરીક્ષાની તૈયારી કરતા હોય એમ જુએ છે. એ ટાણે તો એમના ખાતમાં કોઈ સુપરહીટ ફિલ્મ બોલતી નહોતી.

ત્યાર સુધીમાં અનિલ કપૂરની સાથે ‘પલ્લવી અનુ પલ્લવી’ જેવી ફિલ્મ બનાવી હતી. કન્નડ અને મલયાલમ ભાષામાં ફિલ્મ બનાવી. હવે તમિલમાં ઈચ્છા હતી. કોઈ એક ભાષામાં તેમને ઠરીઠામ થવું હતું. તેમને એક હીટની તાતી જરૂર હતી, જે સમગ્ર ભારતને આંખો મસળતા રાખી દે. 1987માં આ કારનામો થયો. કમલ હસન એસ્ટાબ્લિશ અભિનેતા હતા. તેમના નામ માત્રથી ટિકિટ બારીઓ પર ભીડ ઉભરાઈ જતી હતી. મણિરત્નમે ખૂદ કથા લખી. ફિલ્મ બની અને નામ અપાયું નાયકન.

એ ફિલ્મથી મણિરત્નમ તો તમિલ સિનેમામાં એક મોટું નામ બની ગયા પણ આવીય કથા હોય શકે એવું હિન્દી સિનેમાને લાગ્યું ખરું. ઘણાને નાયકનની ઈર્ષ્યા પણ થઈ આવી હતી. તેની રિમેકના રાઈટ્સ ખરીદવા માટે નિર્માતાઓમાં ભાગમભાગી મચી ગઈ. જ્યારે દયાવાન રિલીઝ થઈ ત્યારે દર્શકોને ખ્યાલ જ નહોતો કે આ ફિલ્મ તમિલ સિનેમામાં બનેલી નાયકનની રિમેક છે. એ વખતે થીએટરમાં ક્રેડિટ સીન્સ વાંચવાની તસ્દી ખૂબ ઓછા લોકો લેતા હતાં. ઈન્ટરનેટનો જમાનો નહોતો. જનતાને ફક્ત મનોરંજન જોતું હતું. વર્ષો સુધી એવું લાગ્યું કે વિનોદ ખન્ના અને ફિરોઝ ખાનની દયાવાન મૌલિક રચના છે.

તો અમિતાભને આ ફિલ્મ મળી કેમ નહીં? થયું એવું કે નાયકન સુપરહીટ ગયા બાદ તેના રાઈટ્સ ખરીદવા માટે દોડધામ મચેલી હતી. શીર્ષ સ્થાન પર ત્રણ નિર્માતા હતા. અમિતાભ રાજનીતિમાંથી પાછા ફરી ગયા હતા. નિષ્ફળ રહ્યા હતા. કોઈ ફિલ્મો પણ તેમની પાસે નહોતી. પ્રતિક્ષા બંગલામાં બેઠા રહેતા હતા. લોકોની સાથે વાતચીત કરતા રહેતા હતા. ફિરોઝ ખાનનો ફોન આવ્યો અને અમિતાભ તેમની પાસે ગયા. ત્યાં સુધીમાં તો ફિરોઝ ખાને જ નાયકનના રાઈટ્સ ખરીદી લીધા હતા. બીજી બાજુ અમિતાભને જ લઈને નિર્દેશક ટીનુ આનંદ આ ફિલ્મ બનાવવા માગતા હતા. ત્રીજા હતા જીતેન્દ્ર. અભિનેતા જીતેન્દ્ર. એમને પણ ઈચ્છા હતી કે હું નાયકનની રિમેક બનાવું. રાઈટ્સ ફિરોઝ ખાનના હાથમાં ગયા. ફિરોઝની દિલથી ઈચ્છા હતી કે અમિતાભ ફરી ડોન બને અને એ તેમના મિત્રનો રોલ કરે.

થયું એવું કે ફિરોઝ ખાનને વિનોદ ખન્નાનો ફોન આવ્યો. એ પણ અમેરિકાના ઓશો આશ્રમમાંથી પાછા આવી ગયા હતા. કુર્બાનીમાં બંનેએ સાથે રોલ કર્યો હતો. ફિરોઝ ખાન એ વખતે મુસીબતમાં હતા અને વિનોદ ખન્નાએ તેમની મદદ કરી હતી. હવે ફિરોઝનો વારો હતો કે વિનોદ ખન્નાની મદદ કરે. બસ, ફિરોઝની અમિતાભ સાથે કામ કરવાની ઈચ્છા ઈચ્છા બનીને જ રહી ગઈ અને બચ્ચન સાહેબ આઉટ થઈ ગયા.

માધુરી દીક્ષિત એ સમયે કોઈ સ્ટાર હીરોઈન નહોતી. વિનોદ ખન્નાથી ઘણી પ્રભાવિત હતી. અંતરંગ દૃશ્ય ભજવતી વખતે વિનોદ ખન્નાને જોઈ માધુરી પોતાનું નિયંત્રણ ખોઈ બેઠી હતી. એ એક જ દૃશ્યએ માધુરીને ચર્ચામાં લાવીને રાખી દીધી. માધુરીએ વિનોદ ખન્નાની સાથે તો કામ કર્યું જ પણ બાદમાં મોહબ્બત ફિલ્મમાં વિનોદપુત્ર અક્ષય ખન્નાની સાથે પણ કામ કર્યું. આ પહેલા હેમા માલિનીએ રાજ કપૂરની સાથે સપનો કા સૌદાગરમાં અને તેમના પુત્ર રણધીર કપૂરની સાથે હાથ કી સફાઈમાં કામ કર્યું હતું. શ્રીદેવીએ ધર્મેન્દ્ર સાથે નાકાબંધી અને સની દેઓલની સાથે ચાલબાઝમાં કર્યું હતું.

દયાવાનમાં શ્રીદેવી અભિનેત્રી હોવાની હતી. ફિરોઝ ખાને જ્યારે અમિતાભનું નામ ફાઈનલ કર્યું હતું તો બોની કપૂરે પોતાની થનાર પત્ની શ્રીદેવીનું નામ આગળ ધરી દીધું હતું, કારણ કે આ બંનેની ખુદાગવાહ રિલીઝ જ થઈ હતી અને દર્શકોને તેમની જોડી પસંદ આવી હતી. જોકે શ્રીદેવીને જ્યારે ખબર પડી કે હવે અમિતાભ નહીં પણ વિનોદ ખન્ના લીડ સ્ટાર છે તો તેણે પારોઠના પગલાં કરી નાખ્યા.

ફિલ્મ જોવી હોય તો કમલ હસનની નાયકન જ જોવી. જેમાં તેણે માર્લોન બ્રાન્ડોની માફક અભિનય કર્યો છે. જો સંગીત સાંભળવું હોય તો તમારે દયાવાન જોવી. પહેલી વખત ફિરોઝ ખાને કલ્યાણજી આનંદજીની જગ્યાએ લક્ષ્મીકાંત પ્યારેલાલ પર હાથ અજમાવ્યો હતો. એમણે સંગીતમાં અથાગ પ્રયોગ કર્યા. નામમાં ચીઠ્ઠી આયી હૈ ગીત ગાનારા પંકજ ઉદાસને લીધા અને ફિલ્મનું સૌથી સુપરહીટ ગીત આજ ફિર તુમસે પ્યાર આયા હૈ ગવડાવ્યું. જે આજે પણ ક્લાસિક છે.

આ ફિલ્મથી સિક્કિમના જોલી મુખર્જીને પ્રથમ બ્રેક મળ્યો હતો. જિંગલ્સ પર કામ કરનારા જોલી મુખર્જીનો કિસ્સો રસપ્રદ છે. એ હરિહરનના આલ્બમોમાં સંગીત આપતા. ફિરોઝ ખાનની ફિલ્મના સેટ પર કોઈને મળવા પહોંચ્યા તો ફિરોઝ ખાનની સાથે મુલાકાત થઈ ગઈ. ફિરોઝ ખાનને ખબર મળી કે એ તો ગીત પણ સારા ગાઈ છે. એમણે ઈન્દીવરનનું લખેલું ગીત તેમની સામે રાખી દીધું અને કહ્યું, ‘ગાવ.’

જોલીએ ગીત ગાતા તેમને ફાઈનલ કરી લીધા. એ ગીત હતું, ‘ચાહે મેરી જાન તું લે લે….’ આ રીતે ગાયક તરીકે જોલીની પ્રથમ ફિલ્મ દયાવાન બની. ફિલ્મ તો હીટ રહી પણ ફિરોઝની જ નિર્દેશક તરીકેની ફિલ્મો ધર્માત્મા, કુર્બાની અને જાંબાજની સામે દયાવાન ન ટકી શકી. મૂળ હીરો કમલ હસનને પણ ગમી નહીં. જેમને ફિલ્મો જરાં પણ ગમતી નહીં એ કૃષ્ણચંદ્ર ખન્ના અર્થાત્ વિનોદ ખન્નાના પિતા ફિલ્મના પ્રિમિયરમાં પહોંચ્યા અને તેમણે વિનોદ અને માધુરીના અંતરંગ દૃશ્યને જોયું તો પુત્રના મુખને તાકતા જ રહ્યા. એ દૃશ્ય એમને આંખમાં કણાની માફક ખૂંચ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments