ઝાલાવાડી જલજીરા: જ્યારે દુનિયામાં કોઈની નિયત સાફ નથી તો સાફ નિયત વાળો ક્યાંથી મળશે ? શઝેમનો આ ડાઈલોગ ફિલ્મનો મેઈન પોંઈન્ટ છે. દુનિયાનો દરેક માણસ સાત પ્રકારના દુશ્મનોથી ઘેરાયેલો છે. લોભ, લાલચ, ઘમંડ, ઈર્ષ્યા… વગેરે વગેરે આવા સાત અમાનુષી તત્વો કોઈને કોઈ વ્યક્તિમાં હોય જ છે. એક સામટા નથી હોતા. સમયે સમયે અનુભવ થતો જાય અને એક એક પાપ બદલતા રહે છે. પાપની ઓળખ થતી રહે. એ પાપને અહીં વિલન તરીકે દર્શાવ્યા છે. દુનિયામાં કોઈની નિયત સાફ નથી તો પછી સાફ નિયત ધરાવતો માણસ ક્યાંથી મળી શકે ? ખુદ બાળક પણ સ્વીકારી લે છે કે મારી નિયત પણ સાફ નથી. પણ તે સ્વીકારી ચૂક્યો હોવાથી તેને શક્તિઓ મળે છે. જ્યારે ફિલ્મની શરૂઆતમાં 1974ની સાલમાં વિલન ડો.સિવાગો બાળક હોય છે ત્યારથી જ તેનામાં સાતે પાપ કોઈને કોઈ રીત કુટી કુટીને ભરેલા હોય છે.
તો ધર્મ અને કર્મકાંડની વાત નથી કરવાની. સુપરહીરો ફિલ્મ મેસેજથી સભર નથી હોતી એવું સ્વીકારી ચૂકેલી પોણા ભાગની ઓડિયન્સ તો સુપરહીરો ફિલ્મને માત્ર મનોરંજન અને એક્શનના હેતુ સાથે નીહાળવા જાય છે.
મૂળ તો કેપ્ટન માર્વેલ એ શઝેમનું પહેલું નામ હતું. DC અને MARVEL વચ્ચે કોર્ટમાં કેસ ચાલ્યો અને પછી DC કોમિક્સે પોતાના હીરોનું નામ બદલવું પડ્યું. કેપ્ટન માર્વેલમાંથી એ તુરંત શઝેમ પણ નથી થયો. ફ્લેશપોંઈન્ટ જેવી સુપરહિટ કાર્ટૂન ફિલ્મમાં શઝેમનું નામ કેપ્ટન થંડર રાખવામાં આવ્યું હતું. પણ બાદમાં દુનિયાની સાત તાકતવર શક્તિઓના મિલનથી તેને શઝેમ કરી દેવામાં આવ્યો.
એક જ વર્ષે રિલીઝ થયેલી કેપ્ટન માર્વેલ અને શઝેમમાં સારી ફિલ્મ કઈ ? તો સાફ છે શઝેમ કેપ્ટન માર્વેલ કરતા સારી ફિલ્મ છે. બેશક ફિલ્મની ઘણી વસ્તુઓ રોહિત શેટ્ટીની ગાડીઓની માફક ઉપરથી જાય છે, પણ કેપ્ટન માર્વેલ અને શઝેમનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવે તો સાફ છે કે શેઝમ તેમાં જીતી જાય.
Say My Name
1974થી આ વાર્તાની શરૂઆત થાય છે. જ્યારે સિવાના (માર્ક સ્ટ્રોંગ) બાળપણમાં પિતા અને મોટાભાઈની સાથે કારમાં બેસીને જતો હોય છે. તેની આસપાસ અગોચર શક્તિઓ ઘુમવા માંડે છે અને તે એક વિરાનામાં ચાલ્યો જાય છે. જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ તેને પોતાની વિરાસત આપવાની વાત કરે છે, પણ વિરાસત એમ રસ્તામાં નથી પડી કે હાથ ફેલાવતા મળી જાય એટલે તે તેને તેની નિયત સાફ હોય તો આ શક્તિ આપવાનું કહે છે. એ વૃદ્ધ વ્યક્તિએ પોતાની શક્તિઓથી દુનિયાના સાત પાપોને કેદ કરેલા છે. એ પણ તે ઓરડામાં જ. છોકરો એ પાપની વાતોમાં આવી જાય છે અને તક ગુમાવી બેસે છે. નિયત સાફ હોવાનું પૂરવાર કરવામાં બાળ સિવાગો નિષ્ફળ જાય છે અને પછી આખી જિંદગી તે વિસ્મયકારક શક્તિને શોધવામાં લગાવી દે છે. હવે વાર્તા વર્તમાન સમયમાં આવે છે. મૂળ શઝેમની વાર્તા એક અનાથ બાળકની આસપાસ ઘુમે છે જે મેળામાં પોતાની માતાથી વિખૂટો પડી ચૂક્યો છે. રોજ સવારે ઉઠી બિલી બેટ્સન પોતાની માતાની શોધમાં નીકળે છે. મસ્તીખોર છે. મસ્તી કરવી અને લોકોને પરેશાન કરવા તેને ગમે છે. જેટલી તેની ઉંમર નથી તેટલી વખત તે અનાથાશ્રમમાંથી ભાગી ચૂક્યો છે. આખરે તેને એક ફેમિલી ફરી એડોપ્ટ કરે છે જે અગાઉથી 5 બાળકોને એડોપ્ટ કરી ચૂકેલી છે. તેમની સાથે રહેવું નથી, ગમતું પણ નથી. હતોત્સાહી હોવા છતાં તે રહેવા માટે તૈયાર થઈ જાય છે. હવે સિવાગો પણ મોટો થઈ ચૂક્યો છે. અને વર્ષોની મહેનત પછી તે ફરી એ વિરાનામાં પહોંચી જાય છે જ્યાં પેલો વૃદ્ધ વ્યક્તિ રહેતો હોય છે. તેની શક્તિઓ તેના વૃદ્ધત્વના કારણે નબળી પડી ચૂકી છે. તેના કક્ષમાંથી સાત પાપ તો આઝાદ થઈ જાય છે પણ હવે તાત્કાલિક પોતાની વિરાસત જાળવી શકે તેવા વ્યક્તિની શોધમાં તે બિલી બેટ્સનને પસંદ કરે છે. બિલી સ્વીકારી લે છે કે મારી નિયત સાફ નથી. સ્વીકારના કારણે તેને શક્તિ મળે છે અને પછી એ જ ડ્રામા-એક્શન-ઈમોશન અને સ્પેશિયલ ઈફેક્ટ.
How I am in this thing?
David F. Sandberg ફિલ્મને ડાયરેક્ટ કરી છે. મૂળ તો તેમનો શોખ શોર્ટ ફિલ્મો બનાવી ઓનલાઈન મુકવાનો છે, પણ 2019માં ફુલ ફ્લેજ્ડ ફિલ્મ બનાવી નાખી. 2016માં લાઈટ્સ આઉટ નામની પોતાની જ શોર્ટ ફિલ્મથી તેમણે હોલિવુડ ડેબ્યુ કર્યું હતું. જે સદંતર નિષ્ફળ નીવડ્યું હતું. આ એક લો બજેટ સુપરનેચરલ હોરર ફિલ્મ હતી, પણ ફિલ્મ ડરાવી ન શકી કે ઓડિયન્સ ફિલ્મની સ્ક્રિપ્ટથી જ વધારે પડતી ડરી ગઈ! 2017માં તમામ લોકોએ જોયેલી ફિલ્મ અને હિન્દી શોખીનો માટેની એનાબેલ ક્રિએશનનો પ્રોજેક્ટ તેમના હાથમાં આવ્યો. એ પછી આ તેમની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મ માર્વેલ સિરીઝની માફક જ પાસ્ટમાંથી શરૂ થાય છે. જેટલો સુપરહીરોનો મસાલો ભર્યો છે તેનાથી બે ગણો વધારે ઈમોશનલ ડ્રામા ભર્યો છે. ઈમોશનલ ડ્રામામાં અમેરિકાની મેઈન પ્રોબ્લેમને હાઈલાઈટ કરવામાં ડાયરેક્ટર સફળ થયા છે. માતા – પિતાના ડિવોર્સ અને પુત્રને એકલા તરછોડી દેવાની સમસ્યા. જો કે ઈન્ડિયન ઓડિયન્સ પર આ વાતનો એટલો પ્રભાવ નહીં પડે, કારણ કે અહીં તો સંયુક્ત કુટુંબમાં માનનારી જનતા વસવાટ કરે છે. જેમના સંબંધો એક સુત્રમાં જોડાયેલા છે. જો કે અમેરિકાની આ સૌથી મોટી પ્રોબ્લેમ છે. 18 વર્ષની ઉંમરે એ અનાથ બાળક પગભર થઈ જાય તો તેને એડોપ્ટ લેનારા માતા-પિતાનું ઘર છોડવું પડે જે એમના માટે પગ નીચેથી ધરતી ખસી ગયા સમક્ષનું કાર્ય છે.
દુનિયાનો દરેક બાળક અને હવે તો મોટેરાઓ પણ સુપરહીરો બનવાના ખ્વાબ જોતા જ હોય છે. એ ખ્વાબ અને કલ્પના પરથી સર્જાયેલ પાત્રમાં Jack Dylan Grazer જીવ રેડી દીધો છે. એક બાળક સુપરહિરોના પ્રેમમાં કેવો હોય તે જોવા માટે જેકને જોવો. જેને પહેલા સ્ટિફન કિંગની ITમાં જોઈ ચૂક્યા છો. એ અટપટ્ટા નામ લીધા કરે છે. તે સુપરહિરોની તમામ તાકાતથી માહિતગાર છે અને સૌથી મોટો પ્લસ પોંઈન્ટ તે ગપ્પા વધારે મારે છે. ઉપરથી તે અપંગ હોવાના કારણે જમાનો તેને કેવી નજરથી જોવે છે તેનો તેને ખ્યાલ છે. રાજકારણમાં જે નામ લીધા વિનાનો પ્રહાર કરવાની વૃતિ રાજકારણીઓ કેળવે છે તે વૃતિ DC કોમિક્સે કેળવી લીધી છે. MARVEL કોમિક્સે તેના પર કેસ કરી કેપ્ટન માર્વલ નામ છીનવી લીધું. તો તેણે ફિલ્મમાં સુપરહિરોનું નામ શું હોવું જોઈએ આ માટે અટપટ્ટા નામો વાપર્યા. જેમ કે Thunder crack, lightning (હિન્દીમાં છમછમતી છાતી)
Asher Angel શઝેમના બાળ રોલ માટે પરફેક્ટ છે. પણ તેની પસંદગીમાં DC માત ખાઈ ચૂકી છે. બીજો પાર્ટ આવે ત્યાં સુધીમાં તેની ઉંમર વધી ચૂકી હશે અને શઝેમને હિટ કરવા માટેનો તમામ આધાર એ બાળક પર છે. તો કદાચ Asher Angelને રિપ્લેસ કરવો પડી શકે. Zachary Levi માઈન્ડ બ્લોંઈંગ છે. મુખ્યત્વે કોઈ રોલ પ્લે કરવા માટે મહેનત કરવી પડે, એ રોલમાં ઢળવું પડે. Zachary Leviને આ રોલ માટે સૌથી વધુ મહેનત કરવી પડી, કારણ કે તે દેખાય છે મોટો પણ વર્તન બાળકનું કરવાનું છે. તેના મોટાભાગના એક્સપ્રેશન્સ ઋત્વિક રોશનથી મળતા આવે છે. ફિલ્મમાં તેનું કામ એક્શન બતાવવાનું છે અને મૂર્ખતા ઉપજાવવાનું છે, પણ સ્ક્રિન પર તે લાંબો સમય ટકતો નથી, તે ડાયરેક્ટરની નબળાઈ છે. સ્ક્રિન પર જેટલો સમય Asher Angel ટકે છે તેનાથી ખૂબ ઓછા સમય માટે Zachary Levi ટકે છે. પરિણામે 14 વર્ષનો છોકરો ફિલ્મનો મેઈન પ્રોટોગોનિસ્ટ છે. સુપરહિરો ફિલ્મમાં અભિનયને શું લેવા દેવા ? જો કે અભિનયના બાપ સમાન માર્ક સ્ટ્રોંગ અહીં સોળે કળાએ ખીલ્યા છે. તે કોઈ એક્સપ્રેશન ન આપે એટલે એક્ટિંગ થઈ ગઈ તેવું તેનું માનવું છે! બોડી ઓફ લાઈસ જેવી ફિલ્મનો એજન્ટ હોય કે પછી ધોબી પછાડ ખાધેલી ફિલ્મ ગ્રીન લેનટર્ન હોય (આ માર્કની સેકન્ડ આમ તો થર્ડ સુપરહિરો ફિલ્મ છે.)
The Humble
બેકગ્રાઊન્ડ મ્યુઝિકે દર્શકોને છેતરવાનું કામ કર્યું છે. જે ટ્રેલરમાં મ્યુઝિક દેખાતું હતું તેવું અહીં નથી. અપેક્ષા સાથે જાઓ અને ઉપેક્ષા થાય તેવો ઘાટ ઘડાયો છે. સાઉન્ડટ્રેક અલગથી લોન્ચ કરવામાં આવેલ એટલે ટ્રેલરના બેકગ્રાઊન્ડમાં વાગતું HUMBLE ગીત અલગથી સાંભળવું. ફિલ્મમાં તે છે નહીં. યુટ્યુબ પર તે ઉપલબ્ધ છે. ખાસ રિમિક્સ સાંભળવું. ઘણી જગ્યાએ મેન ઓફ સ્ટીલની માફક બેકગ્રાઊન્ડ સ્કોર ચાલે છે. સુપરહિરોનું ઉડવું, બુલેટનું ટચ થવું, સ્પીડમાં ભાગવું, વીરતાનું પ્રદર્શન કરવું, ઉડતા સમયે પગમાંથી બ્રિથ નીકળવી.
સિનેમેટોગ્રાફર Maxime Alexandre નામ પ્રમાણે ફિલ્મમાં મેક્સિમમ લોંગ શોટનો ઉપયોગ કર્યો છે. ક્લોઝ અપ પણ ખૂબ ઓછા છે. જ્યાં સુપરહિરો અને સુપરવિલનની એન્ટ્રી થાય ત્યાં જ ક્લોઝ અપ કે મીડ ક્લોઝ અપ શૉટ જોવા મળશે. Maxime Alexandre ફિલાડેલ્ફિયાને સરસ રીતે બતાવ્યું છે. રિયલ લોકેશન છે. હોમ અલોન ફિલ્મમાં બતાવેલ ક્રિસમસની યાદ આવી જશે.
સુપરહીરો ફિલ્મમાં જ્યાં ખૂબ ઓછા રિયલ લોકેશન અને મહત્તમ પ્રમાણમાં સ્પેશિયલ ઈફેક્ટ કે ક્રોમા યુઝ થાય ત્યાં રિયલ લોકેશન જોવું એ જ નવાઈ છે. ફિલ થાય કે સુપરહીરો વાસ્તવમાં છે. બાકી DC કૉમિક્સે જ લોકેશનના નામ પર છરો ભોંકી આખી મેન ઓફ સ્ટીલ અને 2ને પણ સ્પેશિયલ ઈફેક્ટમાં સ્નાન કરાવી દીધું હતું. Maxime Alexandreને તેની સિનેમેટોગ્રાફી માટે A+ બોસ કારણ કે આ એ જ સિનેમેટોગ્રાફર છે જેણે ભૂતકાળમાં નન અને એનાબેલથી દર્શકોને ડરાવ્યાં હતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત