Team Chabuk-National Desk : દિલ્હીમાં એક ચોંકાવનરી ઘટના સામે આવી છે. ઉત્તરપૂર્વી દિલ્હીમાં એક દારૂડિયાએ પોતાની માતાની હત્યા કરી નાખી. માતાનો ગુન્હો માત્ર એટલો જ હતો કે તેણે નશેડી પુત્રને દારૂના રૂપિયા ન આપ્યા. રૂપિયા ન મળતા આરોપી દારૂડિયો એટલો ગુસ્સે ભરાયો કે સ્ક્રૂડ્રાઈવરથી ત્યાં સુધી માતા પર હુમલો કર્યો જ્યાં સુધી માતાનો જીવ ન જતો રહ્યો.
ઘટના ઉત્તરપૂર્વી દિલ્હીના ખજૂરી ખાસ વિસ્તારની છે. આરોપીનું નામ સુશીલ પાંડેય છે જે માત્ર 22 વર્ષનો જ છે. તેણે પોતાની 64 વર્ષીય માતા રામલલ્લી દેવીને હંમેશાં માટે પોતાનાથી દૂર કરી દીધી.
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી માતાના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો. માતાનો જીવ જતો રહ્યો હોવાની ભાન થતાં જ તે પોક મુકીને રોવા લાગ્યો હતો. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેના વૃદ્ધ પિતા ઘરે પહોંચ્યા. ઘરે પહોંચ્યા તો તે કંઈ સમજી ન શક્યા. તેની આંખોની સામે તેની પત્ની મૃત હાલતમાં પડી હતી અને દીકરો લાશ પાસે જ બેઠો હતો.
પિતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી હતી. સાથે જ હત્યામાં વપરાયેલા સ્ક્રૂડ્રાઈવરને પણ કબજે લીધું હતું. પૂછપરછ દરમિયાન આરોપી પુત્રએ કબુલ્યું હતું કે, દારૂની દુકાન બંધ થવાની હતી, વારંવાર રૂપિયા માગવા છતાં મા રૂપિયા આપતી ન હતી. તેને ગુસ્સો આવ્યો એટલે માતા પર હુમલો કરી દીધો.
પોલીસે જણાવ્યું કે, સુશીલ રામલલ્લીનો એકનો એક પુત્ર છે. રામલલ્લી પતિ અને પુત્ર સાથે ખજુરી ખાસ વિસ્તારમાં કરાવલ નગરમા રહેતી હતી.
પોલીસે વધુ વિગત આપતા કહ્યું કે, રામલલ્લીના પતિ ચંદ્રશેખર મજૂરી કરે છે જ્યારે હત્યાનો આરોપી સુશીલ એક ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં કામ કરતો હતો. કેટલાક દિવસોથી તેની નોકરી છૂટી ગઈ હતી. પોલીસે કહ્યું કે સુશીલને દારૂ પીવાની ટેવ છે. હત્યાની રાત્રે જમીને મૃતકના પતિ ચંદ્રશેખર ટહેલવા માટે બહાર ગયા. આ દરમિયાન ઘરમાં રામલલ્લી દેવી અને પુત્ર સુશીલ હતા. સુશીલને દારૂ પીવાનું મન થયું પરંતુ તેની પાસે પૈસા ન હતા જેથી તેણે રામલલ્લી દેવી પાસે રૂપિયાની માગણી કરી.
પુત્રની દારૂની લતથી કંટાળી ગયેલી માતાએ તેને રૂપિયા આપવાની ચોખ્ખી ના કહી દીધી. વારંવાર રૂપિયા માગવા પર પણ રામલલ્લી પુત્ર સુશીલને નજરઅંદાજ કરતી રહી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ વાતાવરણ વધુ ઉગ્ર બન્યું. આરોપી પુત્રને લાગ્યું કે હવે દુકાન બંધ થઈ જશે જો માએ રૂપિયા ન આપ્યા તો તે દારૂ નહીં ખરીદી શકે. ત્યારબાદ સુશીલે ગુસ્સામાં માતા પાસેથી રૂપિયાની માગણી કરી. ત્યારબાદ પણ માતાએ રૂપિયા આપવાની ના પાડી દીધી તો તે સંતુલન ગુમાવી બેઠો. તેણે સ્ક્રૂડ્રાઈવર લીધું અને પલંગ પર ઉંઘી રહેલી માતા પર ત્યાં સુધી વાર કર્યા જ્યાં સુધી તેને જીવ જતો ન રહ્યો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી સુશીલે માતા પર સ્ક્રૂડ્રાઈવરથી 18 જેટલા વાર કર્યા હતા. ત્યારબાદ તે ત્યાંથી ભાંગ્યો નહીં પરંતુ મૃત માતા પાસે બેસીને રડવા લાગ્યો.
થોડીવાર બાદ જ્યારે ચંદ્રશેખર ઘરે પહોંચ્યા તો તેણે રામલલ્લી દેવીને લોહીમાં લથપથ હાલતમાં જોઈ. પુત્રએ માતાની હત્યાની વાત કબૂલી એટલે પિતાએ તાત્કાલિક ફોન કરી પોલીસને બોલાવી અને પુત્રને પોલીસને સોંપી દીધો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત