ઝાલાવાડી જલજીરા : દૃશ્યમ-2 (Drishyam-2) અને એવી રીતે જ દૃશ્યમ-1ની સફળતા આપણને શીખવી જાય છે કે મોટી મોટી વાતો કરવાથી. પહેલા ફિલ્મનું ખતરનાક પોસ્ટર દર્શાવવાથી. એ પછી તેનું 50 સેકન્ડનું ટીઝર લોન્ચ કરી ભાવકનું મન મોહવાથી. એ પછી ફલાણી તારીખે અમારું ટ્રેલર આવે છે એવી લોભામણી લાલચ આપવાથી ને પછી લોકોની આતુરતામાં અત્યાધિક વધારો જોતા ટ્રેલરની તારીખ બદલી નાખવાથી. ને પછી ટ્રેલર લોકોને ગમે તો બે ત્રણ વખત ફિલ્મની રિલીઝ ડેટ પણ બદલી નાખવાથી શહેનશાહ નથી થવાતું. આ તો દેખાડો થયો. નર્યો દેખાડો.
એની સામે દૃશ્યમ-2 (Drishyam-2) ને જુઓ. તમને ખબર પડી કે ફિલ્મનું પોસ્ટર ક્યારે લોન્ચ થયું? ટ્રેલર આવ્યું અને બધા જોવા લાગ્યા અને વખાણવા લાગ્યા. લોકોને પોતાના મુવ્સ ન બતાવો પણ કામ કરીને બતાવો. જાહેરાત નહીં કરવાની સીધું કામ કરી નાખવાનું.
જીતુ જોસેફ બિલકુલ આ શ્રેણીમાં આવતા ફિલ્મ દિગ્દર્શક છે. જ્વલ્લે જ બીજો ભાગ સફળ જાય તેવી ભારતીય પરંપરાનો બાહુબલી પછી તેમણે ભાંગીને ભૂક્કો કાઢી નાખ્યો છે. આ દિગ્દર્શક આપણે ત્યાં પ્રસિદ્ધ થયા હિન્દીની અજય દેવગનવાળી દૃશ્યમ ફિલ્મથી. જેમાં એક સુખી કુટુંબની વાત હતી. કોમનમેનની અન-કોમન વાતો હતી. એમાંથી એ કેવી રીતે બચી ગયો એ સૌ તમે જાણો છો. હિન્દી ફિલ્મ તો સ્વર્ગસ્થ નિશીકાંત કામતે ડિરેક્ટ કરી હતી. હવે મલયાલમમાં જે ઓરિજનલ દૃશ્યમ બની છે તેનો બીજો ભાગ આવી ચૂક્યો છે.
વાર્તાની એક પણ પાંખડી હું ઊઘાડીશ નહિ. સસ્પેન્સ થ્રીલર ફિલ્મોમાં આ સાવચેતી રાખવાની હોય છે. હું ફક્ત તુલના કરું છું. પહેલી ફિલ્મ અને બીજી ફિલ્મમાં સારી કઈ એવું કોઈ પૂછે તો પ્રથમ ફિલ્મનું જ નામ આવે. બીજી ફિલ્મ સારી છે. સસ્પેન્સ પણ સારું રાખ્યું છે. એ સસ્પેન્સની સાપેક્ષે પ્રથમ ફિલ્મનું સસ્પેન્સ વધારે જોર બતાવતું હતું.
વાત હવે સોશિયલ મીડિયામાં જે થઈ રહી છે અને લોકો જે કહી રહ્યા છે એની કરીએ. બધા કહે છે કે બે કલાક અને ત્રીસ મિનિટની આ ફિલ્મ શરૂઆતના દોઢ કલાક સુધી તો કંટાળો આપવા સિવાયનું કશું કામ જ નથી કરતી. એ લોકો સાચા છે. પણ એ લોકો પાસેથી કદાચ તમે એ વાત નથી સાંભળી કે દોઢ કલાક ધ્યાનથી જોશો તો ખબર પડશે કે પાછળ નાયક શું શું કરવાનો છે ? જીતુ જોસેફે આ ખાસિયત બીજી ફિલ્મમાં પણ બરકરાર રાખી છે.
કોઈ દિવસ ચેસ રમ્યા છો ? ક્વિન્સ ગેમ્બિટ આવ્યા પછી તો બધાને આવડતું થઈ ગયું હશે ! શતરંજમાં તમે જે ચાલ ચલો તેની પહેલા જ અનુમાન કરી લેવાનું હોય છે કે આનું ભવિષ્ય કેવું રહેશે ? આ સાથે તમારે સામેના ખેલાડીના મગજને પણ વાંચી લેવાનું હોય છે. સામેના ખેલાડીના ભેજાને વાંચતા સો ટકા તો સત્યતાની કસોટી પર ખરા નથી ઉતરવાના, પણ થોડા અમથા સાચા ઠરી શકો છે. દૃશ્યમ-2નો નાયક એ જ ગેમ રમી રહ્યો છે. તેને ખબર છે કે રિસ્ક છે. છતાં એ કૂદી પડે છે અને જીતી જાય છે. કેવી રીતે જીતે છે ? એ તમારે જોવાનું છે.
જ્યોર્જકુટ્ટી બનતો મોહનલાલ આપણને જીવનના કેટલાક સંદેશાઓ આપે છે. નેગેટિવ ન વિચારો. તમે જેવું વિચારો છો એવું થાય છે. એવું હોય તો સારું જ વિચારો. આસપાસનાં બધાને પ્રફુલ્લિત રાખો. બાળક બનવાનું શા માટે કહેવામાં આવે છે ? એટલા માટે કે તેનામાં ખોટી ટેન્શન નથી હોતી. ચિંતા નથી કરતો. જ્યોર્જકુટ્ટીમાં એ બાળક હજુ જીવંત છે. એ જેવી રીતે બધાની સાથે વાતો કરે છે. પોતાની દીકરીઓની સાથે જ્યારે તેની ઉંમરનો જ હોય એ રીતે વર્તે છે. એ જોતા આપણે પણ જીવનમાં જ્યોર્જકુટ્ટી બનવાની આવશ્યકતા તો ખરી જ.
મને અભિનય ખૂબ ગમ્યો. જ્યારે જ્યારે હું સબ-ટાઈટલ્સ પરથી નજર હટાવી કોઈ પણ અભિનેતાના ચહેરાના હાવભાવને જોતો હતો તો મને લાગતું હતું કે કોઈ ફિલ્મ નહીં એક સત્યઘટના મારી આંખ સામે ચાલી રહી છે. ખાસ મોહનલાલનો અભિનય.
આ પહેલા જાન્યુઆરીમાં માસ્ટર ફિલ્મની વાત કરેલી. આજે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. વર્ષનો બીજો મહિનો. સતત બીજા મહિને સાઉથની જ એક ફિલ્મ જંગ જીતી રહી છે. દૃશ્યમ-2 મલયાલમ ભાષામાં હોવા છતાં અલબત્ત અંગ્રેજીના સબ ટાઈટલ્સ સાથે, તો પણ ગુજરાતી વર્ગ તેને જોઈ રહ્યો છે. હજુ સુધી કોઈ હિન્દી ફિલ્મ કશો કમાલ નથી કરી શકી. સાઉથ ઈન્ડસ્ટ્રી ધીમે ધીમે બોલિવુડનું ગળું દબાવી રહી છે. કોઈ મોટા ઢોલ પીટ્યા વિના આવેલી દૃશ્યમ-2એ ફરી સાબિત કરી બતાવ્યું છે કે કથા હિટ હોવી જોઈએ. અભિનેતા તો ગમે તે હોય ચાલશે. મોહનલાલ સિવાયના અભિનેતાઓને આપણે ક્યાં ઓળખીએ છીએ. તોય ટેસડો કરાવી ગયા ને ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત