Homeગામનાં ચોરેઉત્તરાખંડ દુર્ઘટનાઃ ભગવાન માફ કરી દે છે પણ પ્રકૃતિ આપણને ક્યારેય માફ...

ઉત્તરાખંડ દુર્ઘટનાઃ ભગવાન માફ કરી દે છે પણ પ્રકૃતિ આપણને ક્યારેય માફ નથી કરતી

Team Chabuk National Desk: ઉત્તરાખંડના નંદા દેવી બાયોસ્ફીઅરમાં જ્યાં કોઈ ગામમાં કોઈને એક પત્તુ પણ સ્પર્શવાની મંજૂરી નથી ત્યાં ઋષિગંગામાં ડેમ બાંધવાની મંજૂરી કેવી રીતે મળી ગઈ ? આ આટલી વિચિત્ર વાત છે કે એક બાજુ ગામ, ઘર, જંગલ અને જમીનની રક્ષા કરનારા બાયોસ્ફીયરમાં કોઈ હક નથી, પરંતુ બીજી બાજુ ડેમ બનાવીને આપણે આવી મોટી દુર્ઘટનાને જન્મ આપીએ છીએ. સાથે સવાલ પણ છે કે ઉત્તરાખંડમાં બંધ બાંધવાની મર્યાદા ક્યારે નક્કી કરવામાં આવશે ? એક પ્રશ્ન એવો પણ થાય કે, હાલ આપણી વચ્ચે આવેલા ડેમ બાંધવામાં આવ્યા છે તેની સુરક્ષાની બાંહેધરી કેટલી ? જો આજે આપણને આ પ્રશ્નોનો જવાબ નહીં મળે અને કોઈ નક્કર નિર્ણય નહીં લેવાય તો ઋષિગંગા જેવી ઘટના બનતી જ રહેશે.

ઉત્તરાખંડ રાજ્યની રચના સમયે એવું હતું કે, અહીં વિકાસની શૈલી એવી હશે જે તેમના સ્વભાવ અને વાતાવરણ સાથે ભળી જાય. જેથી આ રાજ્ય વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ પણ સ્થાપિત કરી શકે. અહીંના લોકોએ અન્ય પર્વતીય રાજ્યો અને દેશો સાથે સરખામણીનું સ્વપ્ન પણ જોયું હતું. તો આપણે જ એ લોકો છીએ જે આ પર્વતીય વિસ્તારની તુલના સ્વિત્ઝરલેન્ડ સાથે કરીએ છીએ.

એક વાત નક્કી છે કે, આપણે વિકાસ જોઈએ છીએ. એ વાતથી મોઢું ન ફેરવી શકીએ પરંતુ વિકાસની સાથે સાથે આપણે એ પરિસ્થિતિઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને જ્યારે કોઈ બંધ બાંધવો હોય, સડક બનાવવી હોય કે અન્ય કોઈ બિલ્ડિંગ વગેરેનું નિર્માણ કરવું હોય. થોડી પણ બેદરકારી ઋષિગંગા જેવી મોટી દુર્ઘટના સર્જી શકે છે.

દાવો છે કે, બેદરકારીના કારણે જ ઉત્તરાખંડ ફરી એકવાર મોટી આફતની ઝપેટમાં આવી ગયું છે. આ આફત કદાચ એ તરફ ઈશારો કરે છે કે આપણે ક્યાંક મોટી ભૂલ કરી રહ્યા છીએ. એ ભૂલ એટલે દૂરસ્ત પહાડીઓમાંથી નીકળતી ગ્લેશિયર પોષિત ઋષિગંગા નદી પર બંધ બાંધી લેવાની ભૂલ. ગ્લેશિયર નજીક બંધ બાંધાતી વખતે કદાચ એ વાતને મહત્વ ન અપાયું કે પ્રાકૃતિક દ્રષ્ટિએ આ નિર્ણય ઘાતક સાબિત થઈ શકે છે. પરિણામ આપણી સામે જ છે.

વર્ષ 2013માં આવેલી એક મોટી આફત જેણે આખા દેશને અને વિશ્વને હચમચાવી નાખ્યું તે હતી કેદારનાથ દુર્ઘટના. તે દુર્ઘટનાના દસ વર્ષ પૂરા થયાં નથી કે પાછી આવી જ દુર્ઘટના આપણી સામે આવી છે.

બંને આફતોમાં એક વાત સામાન્ય છે, જે છે ગ્લેશિયર. વર્ષ 2013માં આવેલી આફતે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. જૂન મહિનાના આકરા તાપ વચ્ચે અચાનક વરસાદના કારણે તે દુર્ઘટના સર્જાઈ હતી.

આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અથવા અન્ય મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં હિમાલયના પ્રદેશોની સંવેદનશીલતાને કેટલી સમજવામાં આવી છે? આપણે એ પણ સ્વીકારવું પડશે કે આપણે હજુ સુધી હિમાલય સંબંધિત આપણી પર્યાવરણીય નીતિઓ ગોઠવી નથી શક્યા. આપણી સીમાઓ શું હોવી જોઈએ તે સંદર્ભમાં આપણે વિચાર કરવા સક્ષમ થયા નથી.

બીજી તરફ થોડી રાહતની વાત એ છે કે ડેમ નાનો હતો. જો ડેમ મોટો હોત તો ? તેમાં અબજો લીટર પાણી હોત તો ? જો એવા સમયે ડેમ તૂટ્યો હોત તો પરિસ્થિતિ વધુ ભયાનક હોત. જો કે, આ દુર્ઘટના પણ નાની નથી. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કાટમાળમાં હજુ કેટલાય લોકો ફસાયા હોવાની આશંકા છે. સાથે જ 4 હજાર કરોડથી વધુના નુકસાનનો પણ અંદાજ છે. નુકસાનનો ચોક્કસ આંકડો આગામી દિવસોમાં આવશે.

જે સ્થળે અકસ્માત થયો છે ત્યાંથી આખો વિસ્તાર અલગ પડી ગયો છે. અનેક પુલ તૂટી ગયા છે. જો કે, હવે નીચાણવાળા વિસ્તારને કોઈ ખતરો નથી. કારણ કે આ નદી પર અન્ય બંધમાંથી પાણી પહેલાં જ છોડી દેવાયું હતું. જે કારણે આ પાણીએ નીચાણવાળા વિસ્તારમાં વધુ તબાહી નથી મચાવી.

આ આફતના કારણે હવે આપણે ચેતી જવું જોઈએ. હાલમાં બંધાયેલા બંધોની સલામતી વિશે વિચારવાની સાથે નવા સૂચિત ડેમોની પણ નવી સમીક્ષા કરવી જોઈએ. ઉપરાંત, આપણે હિમાલયના જળ સંસાધનો અથવા હાઇડ્રોપાવરનું મૂલ્યાંકન કરવું જ જોઇએ.

હિમાલય એ આખા દેશની જરૂરિયાત છે, તેથી દરેકને તેની ચિંતા કરવી પડશે. કદાચ આપણે ટૂંક સમયમાં વર્તમાન દુર્ઘટનાને ભૂલી જઈશું પરંતુ પ્રકૃતિ કદાચ આપણને એ ભૂલવા નહીં દે, કારણ કે આપણી વિચારસરણી નથી બદલાઈ રહી. આવી ઘટનાઓ માનવજાતના અંતની પણ શરૂઆત સૂચવી રહી છે. કારણ કે, ભગવાન આપણને માફ કરી શકે છે પરંતુ કદાચ પ્રકૃતિ આપણને ક્યારેય માફ નથી કરતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments