Team Chabuk-National Desk: દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયો છે. કંપનીઓ દરરોજ થોડા થોડા કરીને ભાવમાં વધારો કરી રહી છે. જેના કારણે જનતા મોંઘવારીના માર વચ્ચે દબાતી જઈ રહી છે. લોકો આશા રાખીને બેઠા છે કે સરકાર ટેક્સ ઘટાડે તો ભાવમાં રાહત મળે. પરંતુ આજે સરકારે ભાવ ઘટાડા અંગે પોતાની સ્પષ્ટતા કરી દીધી છે. દેશના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંકેત આપી દીધા છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં હાલ જનતાને કોઈ રાહત નહીં મળે.
આજે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. આ દરમિયાન પત્રકારોએ ધર્મેન્દ્ર પ્રધાનને પ્રશ્ન પૂછ્યો કે શું આકાશને આંબી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે ? આ પ્રશ્નના જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, હાલ સરકારની આવક ખૂબ જ ઓછી છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન આવક ઓછી રહી છે અને 2021-22માં પણ આવક ઓછી રહેવાની ધારણા છે. સરકારની આવકમાં ઘટાડો થયો છે અને ખર્ચમાં વધારો થયો છે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આરોગ્ય ક્ષેત્રમાં ખર્ચ વધ્યો છે. વેલફેર એક્ટિવિટીમાં પણ સરકાર ખર્ચ કરી રહી છે. વધતો ખર્ચ અને ઓછી થતી આવકને જોતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવાનો આ યોગ્ય સમય નથી. એટલે કે દેશના પેટ્રોલિયમ મંત્રીએ સાફ શબ્દોમાં કહી દીધું છે કે હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં નહીં આવે. સાથે જ ધર્મેન્દ્ર પ્રધાને ઇંધણના ભાવમાં થઈ રહેલા વધારા અંગે પણ વાત કરી.
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજી છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 70 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચ્યા છે. તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. મહત્વનું છે કે, વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું હતું કે સરકારે આ અંગે કંઈક કરવું જોઈએ. મહત્વનું છે કે, આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ કંપનીઓ દ્વારા વધારવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત