Team Chabuk-Literature Desk: આપણે એટલાં ભાગ્યશાળી છીએ કે પ્રભુએ આપણને સદ્ વિચાર, સત્સંગ અને સદ્ કાર્ય કરવાનો મોકો આપ્યો છે. જેને સારા વિચારો આવે અને એ કરી શકે એ સદવૃત્તિ છે. એને ભગવાન શાંતિ, આનંદ અને પ્રસન્નતાની ભેટ આપે છે. જ્યારે જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈ સિદ્ધિ મેળવે છે ત્યારે આપણે બધા કંઈક અંશે સમૃદ્ધ થઈએ છીએ અને પ્રસન્નતા પામીએ છીએ. 27મી ડિસેમ્બર 2022 બુધવારની સાંજે અમદાવાદમાં એ. એમ. એ. માં યોજાયેલા નારી પ્રતિભાનું મેઘ ધનુષ્ય કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત લેખિકા અને સર્જક ડો. ધીરુબહેન પટેલે આ રીતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. મહર્ષિ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને મહર્ષિ વેદ વિજ્ઞાન એકેડેમી ના ઉપક્રમે યોજાયેલી નારી પ્રતિભાઓની ગોઠડીમાં 96 વર્ષની જૈફ વયે રણકેદાર અવાજમાં સહજતા અને સરળતાથી ધીરુબહેને શ્રોતાઓ સાથે ગોઠડી કરી હતી
આ કાર્યક્રમમાં ધીરુબહેન પટેલની સાથે જાણીતાં અનુવાદક અને લેખિકા ડો. અનિલા દલાલ, શાસ્ત્રીય નૃત્ય ગુરુ શ્રીમતી રાધા મેનન, માધ્યમ ગુરુ માલતી મહેતા, રંગમંચના જાણીતાં કલાકાર શ્રીમતી દીપ્તિ જોશી અને ગીત સંગીતના યુવા કલાકાર કિંજલ દવે ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના આરંભમાં સંસ્થાનો ધ્યેય સ્પષ્ટ કરતા શ્રીકૃષ્ણચંદ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા નારીની ક્ષમતાઓને પ્રગટ કરવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તેમણે મંચસ્થ નારી પ્રતિભાવો નો પરિચય આપીને તેમનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
ધીરુબહેન પછી ડો. અનિલાબહેન દલાલે પ્રાચીન, અર્વાચીન અને આજની સ્ત્રી શિક્ષણની પરિસ્થિતિનો ચિતાર આપતાં કહ્યું હતું કે, આજે પણ આપણે સ્ત્રી શિક્ષણના ક્ષેત્રે ઘણું કામ કરવાનું બાકી છે. શ્રીમતી રાધા મેનને પોતે પાંચ વર્ષના હતાં ત્યારથી નૃત્યની તાલીમ શરૂ કરીને આજે પોતે અસંખ્ય વિદ્યાર્થીઓનાં નૃત્ય ગુરુ બન્યાં છે તેની શાબ્દિક સફર સરસ રીતે રજૂ કરી હતી. માધ્યમ ગુરુ માલતી મહેતાએ પોતાની શૈક્ષણિક કાર્કિરિદીથી લઈને આજ સુધીનાં પોતાના કાર્યોની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું પહેલા પણ વિદ્યાર્થીની હતી અને આજે પણ વિદ્યાર્થી જ છું. મારી શીખવાની અને શીખવાડવાની પ્રક્રિયા સતત ચાલુ છે એનો મને સંતોષ છે. જાણીતા અભિનેત્રી અને રંગમંચના પંકાયેલા કલાકાર દીપ્તિ જોશીએ પણ પોતાની અભિનય સફરની કેફિયત રસપ્રદ રીતે રજૂ કરી હતી. સ્ત્રીઓને ઉદેશીને તેઓએ કહ્યું હતું કે, તમારા પેશનને ઓળખો અને તેની માટે મહેનત કરો. જીવનના અંત સુધી સતત પ્રવૃત્તિ શીલ રહો. કિંજલ દવેએ પોતાની કલા માટે ભગવાનની કૃપા અને પિતાને યાદ કર્યા હતા. નારી પ્રતિભાનુ મેઘ ધનુષ્ય કાર્યક્રમના અંતે મહર્ષિ વેદવિજ્ઞાન એકેડેમીના મેનેજિંગ ટ્રસ્ટી ડો. કાંતિભાઈ મહેતાએ સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતીય પરંપરામાં અર્ધનારેશ્વરનો જે ખ્યાલ છે તે સ્ત્રી પુરુષની સમાનતા છે. સંસ્કારની વાત જ બહેનોથી થાય છે. સંસ્કાર સારા આપશો તો સમાજ સારો થશે. આ કાર્યક્રમ દરમિયાન નેહા ઠક્કરની કવિતા મારી અગાસી નું આકાશ નો વીડિયો પણ રજૂ કરાયો હતો. આ કાર્યક્રમમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ. ડો. સુભાષ બ્રહ્મભટ્ટ ઉપરાંત અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- રાજ્યમાં થશે ખેલમહાકુંભ 3.0નું આયોજન, બાળકોથી માંડીને વડીલો સુધીના લઈ શકશે ભાગ
- આર્મીમાં જવાનો શોખ પુરો ન થતા નકલી આર્મીમેન બન્યો, સીનસપાટા ભારે પડ્યા
- ખાલી પેટ બીલીપત્ર ખાવાથી મળશે આ ગજબના ફાયદા, આજે જ ચાલુ કરી દો
- કાતિલ ઠંડીમાં ખજૂરના સેવનથી થશે અનેક ફાયદા, આજે જ ડાયેટમાં સામેલ કરો
- નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ-અધિકારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, લાખો રૂપિયાનો થશે ફાયદો