Homeવિશેષધોળાવીરાઃ સિંધુઘાટીની સભ્યતાનું પારણું

ધોળાવીરાઃ સિંધુઘાટીની સભ્યતાનું પારણું

ધોળાવીરાથી જસ્મીન સુવાગીયા : હું અને મિત્ર અશોક કચ્છની ધરતી ખૂંદતા હતા. આ સફર ખૂબ જ યાદગાર સાબિત થઈ. સફેદ રણનો નજારો જોઈને અમે ધોળાવીરા જવા નીકળ્યા. વેરાન રસ્તાઓ પાર કરીને વાહનમાં અમે ધોળાવીરા પહોંચ્યા.

અમે પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી એટલે આજના દિવસની સફરનો ક્વોટા પુરો થઈ ગયો હતો. માત્ર ભોજન લઈને ઊંઘી જવાનું આયોજન હતું.

ઊંઘવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. હું અને મારા સાથીદાર ભોજન કરીને નિંદ્રાધીન થઈ ગયા. સવારે નિત્યક્રમ પતાવી સૌ પ્રથમ વનવિભાગના ફોસિલ પાર્કની મુલાકાતે પહોંચ્યા.

ફોસિલ પાર્ક જોઈને ભેરું અશોકે કહ્યું, ‘આ તો ડાયનોસરના યુગમાં આવી ગયા કે શું?’

પ્રત્યુતર વાળતા મે કહ્યું, ‘અશોક એવુ જ લાગે છે.’

અહીં વૃક્ષના બે વિશાળ થડ છે. આ ફોસિલ 16 કરોડ વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે. કાર્બન ડેટિંગ પદ્ધતિના આધારે તેનું આયુષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. વિવિધ પ્રાણીઓના અવશેષ જોઈ હું કલ્પનામાં સરી પડ્યો. કરોડો વર્ષો પહેલા જ્યારે આ ધરતી પર માનવજાતનું અસ્તિત્વ ન હતું. કેવી પ્રદૂષણમુક્ત હશે આ ધરતી! કેટલી નિરવ શાંતિ હશે! માત્ર પ્રકૃતિનું જ શાસન હશે! આ પ્રવાસે મારા પ્રકૃતિ સાથેના જોડાણને વધુ ગાઢ કર્યો હતો.

કાચની પેટીમાં રાખેલા આ અશ્મિઓ યુગો વિતવાના કારણે ફોસિલ એટલે કે પથ્થર બની ગયા છે. મિત્ર અશોક ફોટોગ્રાફી કરવામાં થોડાં વ્યસ્ત રહ્યાં પછી નિરાંતે બેઠા. અહીં કાચબા સહિતના પ્રાણીઓના ફોસિલ કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે. મનમાં થયું એક જમાનામાં અહીં કેવું લીલુછમ જંગલ હશે. જો સમયયાત્રા થઈ શકતી હોત, તો હું એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ યુગમાં પહોંચી જાત.

‘હજુ આપણે સિંધુઘાટની સભ્યતાના અવશેષ જોવાનાં છે.’ અશોકના અવાજે મારા વિચારોમાં ખલેલ પહોંચાડી. તેની વાત કાને પડતા મેં સમય જોયો.

વનવિભાગના ફોસિલ પાર્કથી આશરે 2 કિમી દૂર આવેલી આર્કિયોલોજિકલ સાઈટ પર પહોંચ્યા. હડપ્પીય સભ્યતાને જોવા મન આતુર હતું. અહીંના ઈંટોના બાંધકામ, પથ્થરો જોઈને દંગ રહી ગયા.

અશોકે કહ્યું, ‘જસ્મીન આ તો પાઠ્ય પુસ્તકમાં ભણ્યા હતા તેનાથી પણ વિશેષ છે.’

અશોકને જવાબ આપતા મેં કહ્યું, ‘કેવી અદભૂત વ્યવસ્થા છે. એ પણ આજથી પાંચ હજાર વર્ષ પહેલા કેટલી ઉન્નત સંસ્કૃતિનું પારણું અહીં ઝૂલ્યું હશે.’

ઈંટો અને પથ્થરનું બાંધકામ, આખા નગર ફરતે બંધાયેલો કોટ, અવશેષો જોઈને લાગતું હતું કે અહીંના મકાનો મોટાભાગે એક માળના જ હશે, મકાન પર છતના રૂપમાં ઘાસ કે કોઈ લાકડાનો ઉપયોગ થતો હશે. સિંઘુ ઘાટીના અવશેષો નીહાળતા અમે આગળ વધ્યા. મકાન મોટાભાગે અર્ધગોળાકાર કે લંબચોરસ આકારમાં હતા. તે સમયનું નગર બે ભાગમાં વહેંચાયેલું હોય તેવું લાગ્યા વિના ન રહે.

એક શાસકનો વર્ગ અને બીજો પ્રજા વર્ગ સિંધુઘાટીના લોકો વેપારી પ્રજા હોવાનું માનવામાં આવે છે. અહીં ખોદકામમાં માટીના રમકડાં મળ્યા.

ધાતુની મૂર્તિઓમાં ક્યાંય પણ ઘોડો મળ્યો નથી. કદાચ આ પ્રજા ઘોડાથી પરિચિત નહીં હોય. માટીની મળેલી પ્રાણીઓની આકૃતિમાં તમને બળદ, ગેંડા જેવા પ્રાણીઓ મળે, તો ક્યાંક બે પ્રાણીઓના મિશ્રણથી બનેલી મૂર્તિઓ પણ જોવા મળે. તે દર્શાવે છે કે અહીંના લોકો કળાપ્રેમી હતા.

બાંધકામમાં અહીંના સ્નાનગૃહ ખૂબ જ સુવ્યવસ્થિત અને મોડેલ સમાન હતા. 18મી સદી સુધી યુરોપના કોઈ દેશમાં નહીં હોય તેવી સ્નાનગૃહ અને ગટરની વ્યવસ્થા અહીં છે.

પથ્થરોને કાપીને બનાવેલી અંડરગ્રાઉન્ડ ગટર, પાણીના ટીપે ટીપાની બચત કરવાની વૃત્તિ આ પ્રજામાં હતી તે દેખાઈ આવે. મુખ્ય સ્નાનગૃહ આજના આધુનિક સ્નાનગૃહને ટક્કર મારે તેવી સુવિધાથી સજ્જ, વિશાળ પાણીનો હોજ, પાણીની અશુદ્ધી દૂર થાય તે રીતે એકમાંથી બીજી ટાંકીમાં પ્રવેશી પાણી ફિલ્ટર થઈને પહોંચી જાય તેવી વ્યવસ્થા.

આ તમામ વસ્તુઓ નીહાળી અમે નવાઈ પામ્યા. સૌથી વધારે આશ્ચર્ય એ જોઈને થયું કે સ્નાનગૃહમાં શરીર પર લેપ કરવા માટે વપરાતા પદાર્થો મૂકવા માટે એક ખાસ સુવિધા હતી.  

અહીં એક લાકડાંનું બોર્ડ પણ છે જેને વિશ્વનું સૌ પ્રથમ સાઈન બોર્ડ માનવામાં આવે છે. મકાનની ઉપર મળેલા આ બોર્ડ પર ઘણા સંશોધનો થયા, પણ હજુ સુધી તેની લીપી ઉકેલી શકાય નથી. અમે રસ્તા પર બનેલી ચાર ફૂટની પથ્થરની થાંભલીઓ જોઈને વિસ્મય પામ્યા. આ અંગે અમે ગાઈડને પૂછ્યું તો તેમણે કહ્યું, ‘આ પથ્થરો અહીંના પહાડોમાંથી જ નીકળે છે, પણ આનો ઉપયોગ શું હશે એ સ્પષ્ટ નથી.’

અશોકે કહ્યું, ‘મને લાગે છે કે આ પથ્થરનો ઉપયોગ ગુનેગારને બાંધવા માટે થતો હશે.’

અશોકની વાતમાં સહમત થતા મેં મારી વાત જણાવી,‘હા હોઈ શકે, કદાચ કોઈ ધાર્મિક વિધિ માટે પણ હોઈ શકે.’

અહીં એક સ્ટેડિયમ જેવી રચના પણ છે. પણ તે સમયના લોકો સ્ટેડિયમમાં રમત કે સભા ભરતા હશે. આખરે આ પુરાતન જગ્યા પર પાંચ કલાક રખડપટ્ટી કર્યા બાદ હું અને અશોક ચાલી નીકળ્યાં. અમારે હજુ ઘણો પલ્લો કાપવાનો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments