Team Chabuk-Literature Desk : 1931ની એ સાલ જ્યારે ત્રિશૂળ ઉપનામ રાખી સુન્દરમ એટલે કે આપણા ત્રિભુવનદાસ લુહારે લૂંટારા નામની વાર્તા લખી હતી. એ વાર્તા ભરૂચથી નીકળતા સામાયિક વિકાસમાં પ્રકાશિત થયેલી. છેલ્લી વાર્તાનું નામ તારિણી. સુન્દરમનો વાર્તાકાર તરીકેનો કાર્યકાળ 50 વર્ષનો રહ્યો છે. ખૂબ ઓછી લખી છે. બક્ષી કે ધૂમકેતુની જેમ તેમની વાર્તાઓ વારંવાર આપણી સામે નથી આવતી. તેમની વાર્તાઓ એટલી ચર્ચાય પણ નથી. ચર્ચા થઈ છે ત્યારે સંપાદિત સંગ્રહોમાં એક કે બે ફકરા પુરતી મર્યાદામાં જ થઈ છે. તેમની વાર્તાઓનું વિવેચન એ સામાયિકોમાં છપાય છે જે ગુજરાતના ઘણા સાહિત્યરસિકો સુધી પહોંચતા જ નથી. ફક્ત ગુજરાતી વિષયના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સુધી સિમિત રહી જાય છે. હાશકારો થાય જ્યારે કેટલાક સંપાદિત સંગ્રહોમાં સુંદરમની વાર્તાઓ જોવા મળી જાય છે. બાકી કચરો સાહિત્યની વચ્ચેથી સુંદરમની વાર્તાઓનો સંગ્રહ માગો તો એ કોણ ? એવા જવાબ મળ્યાના અનુભવો ચાબુકના કાને પડ્યા છે.
રમણલાલ જોશીએ સુન્દરમની પ્રતિનિધિ વાર્તાઓ સંપાદિત કરી છે. એકથી એક વાર્તા તેનો નોખો મિજાજ દર્શાવે છે. ઉપર જે સુન્દરમના વાર્તા ઈતિહાસના પ્રારંભ અને અંતની વાત કરી તેનો સંદર્ભ પણ અહીંથી જ લીધેલો છે. બે વાર્તા માટે સુંદરમ ગુજરાતી વાર્તા ક્ષેત્રે ફરજિયાત લેવું પડતું નામ છે. માને ખોળે અને માજા વેલાનું મૃત્યુ. ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનું સંપાદન કરો ત્યારે સુંદરમની આ બેમાંથી કઈ વાર્તાની પસંદગી કરવી એ મેળામાં ફરતા ચકડોળ જેવી સ્થિતિ સંપાદકની કરાવી નાખે છે. પ્રેમી હાથમાં ગુલાબ લઈ ‘તે મને પ્રેમ કરે છે-તે મને પ્રેમ નથી કરતી’ સંવાદ બોલતા, ગુલાબની પાંખડી તોડતો જાય અને છેલ્લી પાંખડીએ તે જે નિર્ણય પર આવે એવી સ્થિતિ આ બે વાર્તા સંપાદકની કરી નાખે છે. ખૂદ ચાબુકનો વારો આવે તો એ પણ મૂંઝાય જાય કે આ કેવી વિપદામાં આવી પડ્યા. હું એટલે કે ચાબુક જ તમને રમણલાલ જોશીએ પ્રતિનિધિ વાર્તાઓમાં ખોલકીના વિવેચનરૂપે કરેલો ફકરો આપની સમક્ષ મૂકુ છું.
‘શ્રી સુન્દરમે કેટલીક કમનીય વાસ્તવદર્શી વાર્તાઓ આપી છે. ગ્રામજીવન અને શહેરીજીવનને તે એકસરખી ક્ષમતાથી તાદ્દશ કરી શકે છે. ખોલકીમાં બાળવિધવા ચંદન બારીની ફાડમાંથી શું જુએ છે ? ‘‘એમને’’ જ જોતી નથી બલકે પોતાના સમગ્ર જીવનને જુએ છે.’
વાર્તા કમનીય છે. ઉપર હેડિંગ અને પોસ્ટર થકી તો તમને ખબર પડી જ ગઈ હશે કે ખોલકી વાર્તાની વાત કરવા જઈ રહ્યા છીએ. શું છે એ વાર્તામાં ? એ વાર્તામાં એક બાળ વિધવાની વાત છે. જેના લગ્ન તો થઈ ગયા હવે તેડવા ક્યારે આવે છે તેની એ ઉભડક જીવે રાહ જોઈ રહી છે. એનો ભરથાર પણ પત્નીની જ રાહ જુએ છે પણ કોઈને કોઈ સમસ્યા આડી આવી જાય છે. આખરે કાકા ગુજરી ગયા એટલે તે બધા પુરુષોની ભેગો કાણે આવે છે. વાર્તાની શરૂઆત થાય છે કૂતરાના ભસવાથી. નાયિકાના મોઢે કહેવાયેલી આ વાર્તા છે. તેના આવનારા સમગ્ર જીવન વિશેની વાત કરતી વાર્તા છે. ચંદન જુએ છે કે પુરુષોનું ટોળું આવી રહ્યું છે. તે મેળે ચડીને પતિને જુએ છે. કેવો લાગે છે ? લગ્ન વખતે તો માંડ માંડ અડધુ મુખ જોયું હતું. રાતે નાયિકાની ભાભી તેને કોઈને ખબર ન પડે એ રીતે પાડોશીના કક્ષમાં મુકી આવે છે. એ એક વાંઝણીનું ઘર છે. જ્યાં હવે પ્રોઢ ધણી અને કુમળી બાળરાંડ મધુરજની માણવાના છે. વાર્તાના અંતમાં વડલા જેવો પ્રોઢ કુમળી ચંદનને ખોલકી કહે છે. ‘આમ ફરને ખોલકી!’ ખોલકીનો અર્થ ગધેડી થાય. ગધેડાનું માદા બચ્ચુ એટલે ખોલકી.
વાર્તાની શરૂઆત કૂતરાથી થાય છે. અજાણ્યા લોકોને આવતા જોઈ કૂતરો ભસવા લાગે છે અને એ જ કૂતરાને ચંદનબાનો થનાર ધણી ટાંટીયો મારી હડસેલે છે. રાતના મધુરજની વખતે ફરી કૂતરો બોલે છે. સુન્દરમે આખી વાર્તામાં કૂતરાની વાત ત્રણ વખત મૂકી છે. પાંચ વખત ચંદનબાનો આધેડથી ઉપર વયનો ધણી થૂંકે છે. એ થૂંકે છે અને પાણી પીવે છે ત્યારે લેખક વર્ણન કરે છે, ‘ગળાનો હેંડીયો ઉંદરડીની પેઢે ઊંચો નીચો થતો હતો.’ સુન્દરમનું કેટલું શાર્પ ઓબ્ઝર્વેશન છે.
આધેડ વયના પતિને પહેલી પત્નીથી ત્રણ છોકરા છે અને એમાં કેટલાક સુખ મેળવવા જ બાળરાંડને પરણ્યો છે. લગ્નપ્રસંગોમાં કે આડા દાડે ભાભી જ નણંદને એકાંતનો ક્ષણિક વાર માટે મેળ કરી દેતી હોય છે. અહીં પણ નાયિકા ચંદનબાની ભાભી જ તેને એકાંતનો મેળ કરી આપે છે. સુન્દરમે ચંદનબાના પતિ એટલે કે ભીંયાને શોખીન ચીતર્યા છે. લીલા કલરનો રૂમાલ તો એ જ દર્શાવે છે કે આ ઉંમરેય એના શોખ ઓછા નથી થયા. બંને પ્રકારના શોખની વાત છે. રાતે દાઢી કરીને આવે છે. ઉંમર થઈ છે છતાં તેના અભરખા ઓછા થયા નથી.
આ એક બિભત્સરસની વાર્તા છે. સુન્દરમ લખે છે, ‘હું મારે નીચું મોં ઘાલી સાંભળતી હતી. ત્યાં એમણે એકદમ મને બાથમાં લીધી. એમનું મોઢું મારા સાથે ઘસાવા લાગ્યું. એમની દાઢીમાં કોક કોક ઠેકાણે રહી ગયેલા ખૂંપરા મારે ગાલે ખૂંચતા હતા. એમના મોંઢામાંથી ધુમાડાની છાક નીકળતી હતી.’
એ પછી સુન્દરમ બિભત્સરસને ચંદનબાના નેરેશનમાં કંઈક વધારે જ કામુક બનાવે છે.
‘બહુ શરમાય છે કંઈ?’ અને મને જોરથી એમણે દબાવી. એમની કોણીનાં હાડકાં મારા પાંસળાંમાં દબાયાં અને મને દુખ્યું. મારાથી બોલાઈ જવાયું : ‘ઓ!’ ત્યારે એમણે કહ્યું, ‘બરાબર છે. મેં કહ્યું : ‘મને ઊંઘી જવા દો સીધી. સવારે તો વહેલાં જવું પડશે મારે.’ ત્યારે એ બોલ્યા : ‘બરાબર છે લાવ દીવો હોલવી નાખું.’ પછી એ દિવો હોલવવા ઉઠ્યા. મારું શરીર સહેજ દુખતું હતું એટલે હું ખાટલામાં આડી પડી. ને પછી ખોલકી સંવાદ સાથે વાર્તાનો અંત થાય છે.
ચંદનબાના શરીરનું તો વર્ણન નથી આવતું કારણ કે આ વાર્તા તેના મોઢે કહેવાયેલી છે. કામુક વાર્તાઓમાં ગલગલીયા કરાવવા સ્ત્રીઓના શરીરનું વર્ણન કરવામાં આવે જ્યારે અહીં નાયિકા પોતે આધેડ પતિ ને આખે આખો ચિતરે છે. જેથી વાચકના મનમાં એ બીજ રોપાય કે કેવા પુરુષ સાથે આ છોકરીને પરણાવી છે. કોની સાથે તેણે સંસાર માંડવાનો છે. એની ઉંમર જોઈ ? કાલ સવારે ભળથુ કરવો પડે. લેખક સુન્દરમ કહે છે એમ, સુપડા જેવી એની મોટી મોટી મૂછો છે. ઉંદરડીની જેમ હેંડીયો ઉપર નીચે થાય છે. બીડીઓ પીવે છે અને વારંવાર થૂંકે છે. થૂંક્યા પછી ગામડાના ડોસાઓની લાક્ષણિક અદાથી થૂંકને પગની મદદથી ધૂળથી ઢાંકી દે છે. તેના પાંસળા દેખાય છે. વાંકી વળી ગયેલી કમર છે. હાડકાય લાગે છે. બાકી તો સુન્દરમનું કોઈ પણ લેખકને ઈર્ષ્યા ઉપજાવે તેવું વર્ણન અને શબ્દોનું વૈવિધ્ય આ વાર્તામાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત