Homeતાપણું2016માં એક પણ સીટ ન જીતેલી ભાજપને શું હવે રજનીકાંત જોઈએ છે...

2016માં એક પણ સીટ ન જીતેલી ભાજપને શું હવે રજનીકાંત જોઈએ છે ?

સાઉથની વાત કરીએ એટલે બે વાત સપાટી પર આવે. અહીંથી રિલીઝ થતી ફિલ્મો ત્યાં ન ચાલે પણ તેની ફિલ્મો અહીં ચાલી જાય. રાજકારણમાં પણ ભાજપની અત્યાર સુધી તમિલનાડુમાં રિલીઝ થતી હિન્દી ફિલ્મ જેવી હાલત રહી છે. જેની સામે સાઉથની કોઈ દમદાર ફિલ્મ રિલીઝ થઈ હોય અને હિન્દીમાં દર્શક નામે ચકલું પણ ન ફરકે.

હવે તો ફેસબુકમાં પણ લોકો કોઈ સિરીઝ વિશે કોમેન્ટ કરી મજાક ઉડાવે છે કે, તેલુગુ કે તમિલ ભાષામાં ક્યારે આપો છો ? કેન્દ્રનો મોટો નેતા તમિલનાડુમાં પાર્ટીનો પ્રચાર કરવા જાય તો અવશ્ય તેણે સાઉથની ભાષા પહેલા શીખી લેવી જોઈએ. હવે અમિત શાહની તમિલનાડુ મુલાકાત એ સૌ સમીકરણોને બદલીને રાખી દે તો નવાઈ નહીં.

બિહાર જીત્યા પછી હવે બંગાળમાં મમતા બેનર્જીને થોડો તો ડર છે. બિહારમાં નીતિશની પાર્ટી કરતાં ભાજપને વધારે સીટ મળી છે. ભલે નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હોય. હવે એ જ બંગાળમાં ભાજપ પોતાનો પરચમ લહેરાવી દેશે તો? અમિત શાહ ત્યાં પણ બે દિવસની યાત્રાએ જઈ આવ્યા અને તમિલનાડુમાં પણ મુલાકાત લઈ આવ્યા. શાહને ગમે તે ભોગે પશ્ચિમ અને દક્ષિણમાં ભાજપને ફતેહ હાંસલ કરાવવી જ છે. તેમનો ટ્રેક રેકોર્ડ બોલે છે. અને જો ટ્રેક રેકોર્ડ પ્રમાણે જઈએ તો શાહ બીમારીમાંથી સ્વસ્થ થઈ ઊભા થયા પછી હવે તુરંત આ બે ગઢને જીતવા ભાગમભાગ કરવા લાગ્યા છે.

બિહારની ચૂંટણીમાં અંતિમ સમયે તેઓ સક્રીય થયા એટલે શાહનો વધારે ચમત્કાર સ્ટેજ પર જોવા ન મળ્યો. પણ જે ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે ત્યાં શાહ ગમે તે ભોગે ભાજપનો કિલ્લો બનાવવા માગે છે.

એ વાત પણ છે કે કેટલાક રાજ્યોમાં ભાજપ એક વખત જીત હાંસલ કરી સત્તા મેળવી લે છે, તો પછી તેને પાંચ વર્ષ પછી પણ ઉખાડવી અઘરી પડી જાય છે. અંગદની જેમ પગ ખોડી દે છે. ક્યાંય સુધી મૂળીયા સ્થાપિત કરી દે છે.

મધ્યપ્રદેશમાં પાર્ટી 15 વર્ષ સત્તામાં રહી અને કમલનાથની સરકારે શિવરાજને હરાવ્યા છતાં શિવરાજ ફરી આવી ગયા. આવો જ ખેલ કર્ણાટકમાં પણ ખેલાયો. ભાજપ જીતે છે તો હાર્યા પછી પણ તે પુન: ગમે તે ભોગે આવી જાય છે.

તમિલનાડુની આવનારી ચૂંટણી માટે ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનત્રે કઝગમ AIDMK સાથે ગઠબંધન કરી લીધું છે. સ્પષ્ટ છે કે તમિલનાડુમાં ભાજપનું ગઠબંધન અને સાથે તેમની ચૂંટણી જીતવા માટેની નીતિ પણ આક્રામક રહેશે. વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીનો દેખાવ અને બિહારને ફરી જીત્યા બાદ હવે આત્મવિશ્વાસ પણ બરકરાર છે. આ ચૂંટણીએ ફરી એક વખત સાબિત કર્યું છે કે મોદી મેજીક ટુ બી કન્ટીન્યુ!!

સુત્રો તરફથી તો એવી જાણકારી પણ મળી રહી છે કે, ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક એસ ગુરૂમૂર્તિ સાથે લીલા પેલેસમાં મુલાકાત કરી હતી.

આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે. ગુરૂમૂર્તિએ આ મુલાકાતના આગળના દિવસે જ સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ મુલાકાત કરી હતી. સુત્રો પ્રમાણે અમિત શાહે ગુરૂમૂર્તિ સાથે રજનીકાંતના રાજકીય ભવિષ્ય વિશે પણ ચર્ચા કરી હતી. જોકે ફિલ્મ અભિનેતા રજનીકાંત સાથે અમિત શાહની મુલાકાત થશે કે નહીં તે ચિત્ર હજુ સુધી સ્પષ્ટ નથી થયું.

2017ની 31મી ડિસેમ્બરે જેને હાલમાં જ ત્રણ વર્ષ પૂરાં થશે ત્યારે રજનીકાંતે રાજનીતિમાં આવવાની વાત કહી હતી. એ વખતે રજનીકાંતે કહેલું કે, જ્યારે સાચો સમય આવશે ત્યારે હું રાજનીતિમાં પગ મૂકીશ. આ વર્ષના માર્ચ મહિનામાં પણ રજનીકાંતે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને જણાવ્યું હતું કે, તેમણે મુખ્યમંત્રી બનવાની ચાહના કોઈ દિવસ નથી રાખી.

એવામાં રજનીકાંત અને ગુરૂમૂર્તિની મુલાકાતથી અટકળો વહેતી થઈ છે કે રજનીકાંત રાજનીતિમાં આવશે કે નહીં. કારણ કે તમિલનાડુની ચૂંટણી દરમિયાન કદાચ આ સમીકરણ રાજનીતિના ગલિયારાઓમાં બંધબેસતુ લાગી રહ્યું છે. નહીં ને પાર્ટી સાથે રજનીકાંત આવી જાય છે તો પછી કેન્દ્રના નેતાઓએ પણ સાઉથના વાઘા પહેરી ખોટો પ્રચાર કરવાની અને જનતાને ફોસલાવવાની જરૂર નથી.

અમિત શાહે તમિલનાડુમાં ડિએમકે પર નિશાનો સાધતા પોતાની વાત સ્પષ્ટ કરી દીધી છે કે, ભાજપની નીતિ સાફ છે અને તે રાજ્યમાં એક મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. જોકે ભાજપ માટે સાઉથનો ગઢ જીતતા પહેલા એક ચહેરો તૈયાર કરવાની જરૂર છે. પાર્ટી હંમેશાંથી ચહેરાના આધારે ચૂંટણી લડે છે. તમિલનાડુમાં હજુ એવો એક પણ ચહેરો મોદી-શાહ શોધી નથી શક્યા, જેને આગળ કરી આમને વોટ આપો તેવો પાર્ટી પ્રચાર કરી શકે. ઉપરથી સાઉથની જનતાના મગજમાં એક હીરોઈક ઈમેજ હોય તો રજનીકાંતથી વધારે શું જોઈએ ?

જો ભારતીય જનતા પાર્ટી આવો ચહેરો નથી શોધી શકતી તો પછી કેન્દ્રના નેતાઓને તમિલનાડુ મોકલી તેમને ચૂંટણી લડવી પડશે અને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. કેન્દ્રમાં પણ સુષ્મા, મનોહર પર્રિકર અને અરૂણ જેટલીની વિદાય બાદ હવે નવા નેતાઓને મોકલવા અને સાઉથમાં પ્રચાર કરાવવો એ પાર્ટી માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે.

તેની પાછળનું કારણ એ છે કે ભાજપ હાલ જેટલા પણ રાજ્યમાં શાસન ભોગવી રહ્યું છે ત્યાંના મોટા નેતા કે લોકપ્રિય નેતાઓએ તમિલનાડુની ભાગ્યે જ મુલાકાત લીધી છે. આવી સ્થિતિમાં તમિલનાડુની જનતા એ નેતાઓને અપનાવશે કે કેમ ?

યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ સહિતના નેતાઓ ચૂંટણી સિવાય કોઈ દિવસ તમિલનાડુ સ્ટેટમાં દેખાયા નથી. જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના કૂદકો મારી ગયેલા નેતાઓ પર તો તેમની સ્થાનિક જનતા જ ઓછો ભરોસો કરે છે. એવામાં તમિલનાડુની ફિલ્મ પ્રેમી જનતાનું તો શું કહેવું ?

2014માં નરેન્દ્ર મોદી ભારે બહુમતિથી લોકસભાની ચૂંટણી જીત્યા અને વડાપ્રધાન બન્યા. 2016ની સાલમાં તમિલનાડુમાં ચૂંટણી હતી. ભાજપે રાજ્યની 234 સીટમાંથી 188 સીટો પર પોતાના ઉમેદવારોને ઉતાર્યા હતા. આજે કોઈને યાદ નહીં હોય પણ કહી દઈએ કે ભાજપનું ખાતુ પણ નહોતું ખૂલ્યું. જય લલિતાએ સુપડા સાફ કરી નાખ્યા હતા. ભાજપને તમિલનાડુમાં 2.84 ટકા જેટલા જ વોટ મળ્યા હતા. અર્થ તો એવો નીકળે કે ભાજપના જ કાર્યકર્તાઓએ વોટ નાખ્યા હતા કે શું ? જોકે ગૃહમંત્રી અમિત શાહ બંગાળની માફક સાઉથમાં પણ ભાજપનો ડંકો વગાડવા માગે જ છે. એ વાતમાં તો કોઈ શક નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments